Gujarat Board | Class 10Th | Gujarati Writing | Model Question Paper & Solution | Chapter – 3 સંક્ષેપીકરણ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati Writing | Model Question Paper & Solution | Chapter – 3 સંક્ષેપીકરણ

સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
1. પરિચ્છેદ (ગદ્યખંડ) ધ્યાનથી વાંચો.
2. વાંચતાં-વાંચતાં તમને ખ્યાલ આવશે કે પ્રસ્તુત પરિચ્છેદ કોઈ ભાવ-વિચારનો વિસ્તાર છે. એ ભાવ-વિચારને વ્યક્ત કરવા માટે –
(અ)ક્યાંક ઉદાહરણો કે કાવ્યપંક્તિઓ આપીને વિચારને વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કર્યો હોય છે.
(બ) ક્યાંક શબ્દસમુહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાના પોતને, એના બળને હાનિ પહોંચાડતાં હોય છે.
(ક) વાતના દઢીકરણ માટે ક્યાંક શબ્દ, શબ્દસમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હોય છે.
(ડ) કેટલીક વાર અલંકારનો ઉપયોગ ભાષાભિવ્યક્તિને સબળ કરવા થયો હોય છે.
3. પરિચ્છેદ(ગદ્યખંડ)નો સંક્ષેપ કરતાં (અ), (બ), (ક), (ડ)માં દર્શાવેલી સઘળી બાબતો દૂર કરો.
4. (અ), (બ), (ક), (ડ)માં દર્શાવેલી સઘળી બાબતો દૂર કરતાં ધ્યાનમાં રાખો કે શબ્દોને સ્ફુટ કરતાં, અર્થ કે ભાવ દૂર ન થઈ જાય. ભાવાર્થની માવજત કરતાં-કરતાં શબ્દોને દૂર કરો છો.
5. સંક્ષેપ શબ્દોનો કરવાનો છે, ભાવ-અર્થનો સંક્ષેપ ન થાય. દા. ત., સમગ્ર પરિચ્છેદમાં 120 અક્ષર હોય, તો ૐ ભાગમાં સંક્ષેપ કરતાં 40 અક્ષર-સંખ્યા થાય એટલો (લગભગ) પરિચ્છેદ તૈયાર કરવો.
6. રફકામમાં કાચો મુસદો તૈયાર કરો. ફરી વાંચી જાઓ. મૂળ પરિચ્છેદમાં જે વિચારવિસ્તાર છે, તેના શબ્દો ઓછા કરતાં, સંક્ષેપ કરતાં કંઈ નુકસાન તો નથી થયું ને? એ કાળજી રાખો.

નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો :

(1) સ્ત્રી અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે મુસાફરી કરતાં માણસો છે. ગીત ગાનાર અને વાજિંત્ર વગાડનારમાં જો સુમેળ ન હોય, તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી એમ તિ અને પત્નીમાં સુમેળ ન હોય, તો જીવન સંવાદી હોતું નથી. બંનેની પાસે બંને જણાં વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન ચોખ્ખાપણું ઇચ્છે છે; પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા તૈયાર ન હોય તો પત્ની પણ કંઈ પતિને વફાદાર રહેવા બંધાયેલી નથી. જગતનો નિયમ છે કે કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે. અલબત્ત, પતિ અને પત્ની પોતપોતાની ઇચ્છા પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારાં ન બને, પણ પોતાના પગ ઉપર જ ઊભાં રહેનારાં અને સામાના આચારવિચારને યોગ્ય આદરથી સ્વીકારનારાં બને. આમ નથી થતું તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની વાતોને બહુ મોટું રૂપ આપી મોટા ઝઘડા અને સંઘર્ષો થાય છે.
ઉત્તર :
સંવાદી જીવન
સ્ત્રી અને પુરુષ જીવનમાં એકસાથે મુસાફરી કરતાં માણસો છે. આથી જો પતિ અને પત્ની વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી. જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા બંનેએ એકબીજાના આચારવિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ.
(2) શિસ્તના બે પ્રકાર છે : સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમઘમ’ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે; પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પળાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયંશિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી-વિચારીને શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લૅન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ-મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તનાં જ પરિણામ છે. શિસ્તને સદ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ સુખદ બને છે.
ઉત્તર :
સાચા વિકાસનું કારણ સ્વૈચ્છિક શિસ્ત
શિસ્તના બે પ્રકાર છે : સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં સ્વયંશિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લૅન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તને સદ્યવહાર સાથે ગાઢ સંબંધથી સુખદ વાતાવરણ સર્જાય છે.
(3) “કુદરતમાં ફરતી વખતે માણસને કેવો આનંદ આવે છે, એના ઉપરથી એનામાં સુખી થવાની ક્ષમતા કેટલી છે, તે જાણી શકાય છે. માણસ મૂળભૂત રીતે એક પ્રાણી છે અને પ્રાણીઓનું સાચું સ્થાન કુદરતમાં છે. પાંજરામાં રહેલું પક્ષી સલામત જરૂર હોય છે, પરંતુ એના જેવાં જ બીજાં કુદરતમાં ઊડતાં, ગાતાં પક્ષીઓ જેવું એ સુખી નથી હોતું. જે વ્યક્તિ ઊગતા કે આથમતા સૂર્યનું સૌંદર્ય, ચાંદની રાતની શીતળતા, સૂમસામ રાતનું સંગીત, ઊંચા ઊંચા પર્વતોની ભવ્યતા, વહેતાં ઝરણાનો ક્લરવ, હવાનો મધુર સ્પર્શ કે ભીની માટીની સોડમ માણી શકે નહિ, તે એટલા પ્રમાણમાં સુખી થવાની ક્ષમતા ગુમાવી દે છે. સુખી સ્વભાવની વ્યક્તિ ધનવાન હોય કે નિર્ધન, કુદરતનાં સૌંદર્ય અને ભવ્યતાને જોઈને આનંદવિભોર થઈ જાય છે.”
– મોહમ્મદ માંકડ (March 20)
ઉત્તર :
કુદરતી સુખ
માણસ મૂળભૂત રીતે, આનંદ તેમજ સુખની શોધ કરતું પ્રાણી છે. એના સુખનો આધાર કુદરત ઉપર છે. માણસ નિર્ધન હોય કે ધનવાન, એ કુદરતનાં સૌંદર્ય અને ભવ્યતાને જેટલાં માણી શકે તેટલો તે સુખી.
(4) યુવાન માણસોમાં ઘણુંખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તેમને કહેશે કે હું તમારો મિત્ર છું તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર વિચા૨ે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશાં નુકસાન થાય; એટલું જ નહિ પણ ઘણી વખત વિનાશકારક પરિણામ નીપજે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. તેવા મિત્ર આવે ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ તેમના બોલવામાં કાંઈ ભરોસો રાખવો નહિ. પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહિ. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી.
ઉત્તર :
સાચા મિત્રની પરખ
કેટલાક ભોળા યુવાનો ‘હું તમારો મિત્ર છું’ એમ કહેનાર અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે, એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે અને અન્યોન્યના ગુણોની પરખ વગર દૃઢ થતી નથી.
(5) ‘પુસ્તક’ આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તકની પ્રશસ્તિ કરીએ એટલી ઓછી. માણસને એની સાથે એવી મહોબત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુસ્તક બને છે. તેની સાથે તમે વાતો કરી શકો છો, સફર કરી શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની પાસે એક્લા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી.
– મોહમ્મદ માંકડ
ઉત્તર :
પુસ્તક : એક જાદુઈ દીવો
‘પુસ્તક’ આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે.
(6) “લોકો મારું કામ જુએ કે ન જુએ, તેની કદર કરે કે ન કરે, મને શાબાશી આપે કે ન આપે, તોયે હું સંપૂર્ણ નિષ્ઠાથી અને મારી શક્તિના ઉચ્ચતમ ધોરણ મુજબ મારું એ કામ કરતો રહીશ. પરીક્ષા હોય કે ન હોય તોયે હું સરખી રીતે વાંચીશ, ક્સોટીના ગુણ છેલ્લા પરિણામ માટે ગણાય કે ન ગણાય તોયે હું તે સરખી કાળજીથી લખીશ; ક્રિકેટમૅચ ટ્રૉફી માટેની હોય કે ખાલી ‘મૈત્રીરમત’ હોય તોયે હું સરખા ઉત્સાહથી રમીશ. સ્થૂળ વળતરની આશા નહિ, પણ મારા લાયક કામ કર્યાનો આત્મસંતોષ એ મારું પ્રેરકબળ હશે. મનના આ વલણને ક્લાકારો ‘ક્લા ખાતર ક્લા’ કહે છે. પણ છે તો જુદી જુદી પરિભાષામાં એક જ સિદ્ધાંતના ભાષાંતર. કામને અર્થે જ કરેલું ઉત્તમ કોટિનું કામ. પૂજામાં દેવમૂર્તિને ચોખા ચડાવાય છે. ચોખાના ઘણા અક્ષત હોવા ઘટે. એ સારા ઘણા ભેગો એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ માને તે સાચો પૂજારી નથી.”
–ફાધર વાલેસ
ઉત્તર :
જીવનનો સાચો પૂજારી
કદર કે શાબાશીની આશા રાખ્યા વિના પૂરેપૂરી શક્તિ અને સંપૂર્ણ નિષ્ઠાથી હું મારું કાર્ય કરતો રહીશ. પરીક્ષા કે ક્રિકેટમૅચનું પરિણામ નહિ, પણ એમાં ઉત્સાહપૂર્વકની મારી સામેલગીરીનું મારે મન મહત્ત્વ છે. કારણ કે વળતર નહિ પણ આત્મસંતોષ એ જ મારું પ્રેરકબળ છે. ‘કામને અર્થે કરેલું ઉત્તમ કોટિનું કામ’ એ ‘ક્લા ખાતર ક્લા’ જેવો જ સિદ્ધાંત છે.
(7) ‘આજે તો બધે ઊંચા જીવનધોરણની બૂમો પડી રહી છે. વાડીવજીફો, મોટરબંગલો, ફ્રીજ, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા અવળી થઈ ગઈ છે, પરંતુ આ ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન? ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં જમીન આસમાનનું અંતર છે. પહેલાં ગામમાં ડોશીઓ કહેતી કે, ‘હૈયું ન બાળજો, હાથ બાળજો’ પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે. હાથને સુંવાળા બનાવે છે, ઉપર મહેંદી મૂકે છે. પહેલાં સવારે ઉઠતાંવેંત હાથનાં દર્શન કરતાં. ‘તારા પ્રતાપે દહાડો કાઢીશ’ એવી ભાવના રહેતી. ઈશ્વરે બે હાથ આપ્યા છે એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડત. ભગવાને માણસને એક મોઢું અને બે હાથ આપ્યા છે, પણ આજે તો મોઢાં વધતાં જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયાગ ઝૂંટ મારીને બીજાનું પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ તંગી ન વરતાય.”
– રવિશંકર મહારાજ (May 21)
ઉત્તર :
આંધળી જીવનદોટ
આજે ભૌતિક સંપદા તરફની દોટ, જીવનમૂલ્ય છે, ઊંચું જીવન છે. ભૂતકાળમાં પ્રામાણિકતા, સદ્યવહાર, માનવતા, જીવનમૂલ્ય હતાં, ઊંચું જીવન લેખાતાં. શ્રમ હાથથી ગયો છે, હાથ (શ્રમ) ઘટતા જાય છે, ને મોઢાં (બુદ્ધિ-દલીલ) વધતાં જાય છે. હૃદયનું સ્થાન કુબુદ્ધિએ લીધું છે.
(8) આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે, અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠે હૉટલમાં જમાડ્યો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારાં છોકરાં તૈયાર થયાં છે? કોઈ હૉટલની રસોઈમાં માની રસોઈનો હૂંફાળો સ્વાદ મળ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુની પ્રાપ્તિ માટે ધસતા જોઉં છું ત્યારે લાગે છે કે જાણ્યેઅજાણ્યે પણ લોકોમાં ‘માવજત’ ભુલાતી જાય છે. માવજત કરનારામાં પ્રમાણભાન, ધીરજ, હળવે હાથે કામ કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવાં જોઈએ. કોઈ પણ ગરીબ માએ જહેમત ઉઠાવી ઉછેરીને ખૂબ ભણાવેલા મોટા દાક્તર દીકરાની પાછળ માવજતનો મંતર છે. કોઈ પણ સફળ દાક્તરની સફળતા પાછળ માવજતનો ટહુકો છે. કોઈ સફળ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજતનો મંતર આ જમાનામાં સૌએ વાગોળવા જેવો, આચરવા જેવો છે. માવજત જીવન અજવાળશે.
ઉત્તર :
માવજતનો મહિમા
ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે. એક મા પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે છે એની બરોબરી આયા કે હૉટેલનો રસોઇયો ન કરી શકે. એક ડૉક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ તેમની માતાની માવજત રહેલી હોય છે. જોકે માવજત કરનારમાં પ્રમાણભાન, ધૈર્ય, આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવાં જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને જરૂ૨ અજવાળશે.
(9) ‘મનુષ્યમાત્રનો પોતાના પડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાં પરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીની સેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પડોશીને મુશ્કેલીથી પહોંચી શકે છે. પોતાના પડોશી પ્રત્યેનો ધર્મ સહુ બરાબર પાળે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. પડોશી પ્રત્યેના ધર્મનું પાલન એટલે જગત પ્રત્યેના ધર્મનું પાલન. જગતની સેવા બીજી રીતે અશક્ય છે, જે પડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વેચ્છાચારી છે, સ્વચ્છંદી છે; તે કેવળ પોતાના માટે જ જીવે છે. જેને મન આખું જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ. જગતની સેવા પડોશીની સેવા વડે જ થઈ શકે.”
– ગાંધીજી
ઉત્તર :
પડોશીધર્મ
પડોશીની સેવા કરવી એ મનુષ્યનો પહેલો ધર્મ છે. પડોશીની સેવા એ આખા જગતની સેવા છે. જે કેવળ પોતાની સુખાકારીનો જ વિચાર કરે અને પડોશી પ્રત્યે ઉપેક્ષા સેવે તે સ્વેચ્છાચારી કે સ્વચ્છંદી કહેવાય. તમે આ જગતને તમારું કુટુંબ માનતા હો તો તમારા સૌ કુટુંબીજનોની સેવા કરવાની શક્તિ તમારે કેળવવી જોઈએ.
(10) કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું. શ્રદ્ધા ગુમાવવી નહિ. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય તેમાં વિલંબ તો થાય જ ને? એવી સમજ નહિ રાખી હોય તો અધીર બનીને ભગવાન વિષે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે. ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંપો શો? ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે. પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતાં ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે.
– સ્વામી શિવાનંદજી
ઉત્તર :
સાચી શ્રદ્ધા
પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનવું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા છે. આવું ધૈર્ય ન રાખતાં ભગવાન પ્રત્યે અભાવ થાય, માર્ગ ચૂકી જવાય કે નિશ્ચય પીગળી જાય. કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે યા પ્રાર્થના સાંભળતા નથી. પ્રાર્થનાનો વહેલો કે મોડો ઉત્તર મળે જ છે. પ્રાર્થના સફળ થાય ત્યારે તો હરકોઈ પ્રભુનો પાડ માને પણ નિષ્ફળ જાય ત્યારે પણ ધીરજ રાખી શકે એવા સાધકો જ પ્રગતિ કરી શકે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *