Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 11 મરજીવિયા (સૉનેટ)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 11 મરજીવિયા (સૉનેટ)

કાવ્ય-પરિચય

‘મરજીવિયા’ સૉનેટમાં કવિએ મરજીવાના સાહસને બિરદાવ્યું છે. (‘મરજીવો’નું બહુવચન ‘મરજીવિયા’ છે.) સમુદ્રમાં ડૂબકી મારી તળિયે સુધી પહોંચી સાચાં મોતી લઈ આવનારને ‘મરજીવો’ કહે છે. એ નાનુંસૂનું કામ નથી. હૈયામાં દૃઢનિશ્ચય, સાહસ અને ઉત્સાહ હોય તો જ આ કામ થઈ શકે. સમુદ્રમાં મોતી લેવા જાય ત્યારે પ્રિયજનો સજળ આંખે એમની આડા ફરી વળે, શિખામણ આપે; છતાં એના પર ધ્યાન ન આપતાં મરજીવિયા કમર કસીને અફાટ ગર્જના કરતાં સમુદ્રના અગાધ જળમાં કૂદી પડે છે અને કાળની ગુફામાં પ્રવેશે છે. મરણના અંધકારનો સહેજ પણ ડર રાખ્યા વગર સમુદ્રના છેક તળિયે સુધી પહોંચીને અમૂલ્ય મણિમોતીનો ખજાનો લઈ બહાર આવે છે. આ સૉનેટ દ્વારા કવિનું તાત્પર્ય એ છે કે મરજીવાની જેમ જે માનવી દઢિનિશ્ચયથી સાહસ ખેડે છે એ જ મોતી મેળવે છે.

કાવ્યની સમજૂતી

ટેકીલા મરજીવિયા ઉત્સાહથી ડગલાં ભરતા સમુદ્ર તરફ ઉપડ્યા. (તેઓ) આનંદમાં આવી હિંમતથી કામ કરવા તૈયાર થયા. (એમની) આંખો ઉત્તેજિત હતી અને અંગમાં અતિશય તાકાત ઊભરાતી હતી. મહાગર્જના કરતાં સમુદ્રની દિશા તરફ એમની બધી ચાહ (ઇચ્છા) સ્થિર થઈ. [1- -4]
મરજીવિયાને (સમુદ્ર તરફ જતા જોઈ એમના) પ્રિયજનો ડરી ગયા. તેઓ સજળ આંખે એમને જતા રોકવા એમની સામે ઊભા રહ્યા. એમણે સલાહ આપી : નાહકનું શા માટે તમારું જીવન ગુમાવો છો? આ અવિચારી ઉપાધિ તમને ક્યાંથી વળગી? પરંતુ દૃઢનિશ્ચયી મરજીવિયાને સમજાવ્યા છતાં તેઓ માન્યા નહિ. [5-8]
(તેઓ) અફાટ ગરજતા વિકરાળ સમુદ્ર તરફ ગયા. ગિરિમાળા સાથે મોજાં અફ્લાય એમ એમના હૃદય ઉપર મોજાં અફળાયાં તોપણ તેઓ સહેજ પણ ખસ્યા નહિ. આ સર્વે સાહસિકો સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા. જાણે કાળની ગુફામાં દાખલ થયા. [9-12]
(તેઓ) મૃત્યુનાં અંધકારમય તળિયાં ખૂંદી વળ્યા અને અખૂટ મણિમોતીનો ખજાનો લઈને બહાર આવ્યા. [13-14]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) ‘મરજીવિયા’ કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દૃષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો.
ઉત્તર : સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને ‘મરજીવિયા’ કહે છે. તેઓ જાણે છે કે સમુદ્રનાં પાણી ઊંડાં છે. એમાં અનેક હિંસક જળચ૨ પ્રાણીઓ છે. તેમ છતાં એમનું મન મક્કમ છે. એમનાં હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી. એમનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રનાં અંધકારમય તળિયાં ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિમોતીનો અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે. મરજીવિયાની જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે, તો એનાથી સહેજ પણ ડરવું જોઈએ નહિ. જો મનુષ્યના મનમાં દૃઢનિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણિમોતી જેવી કીમતી વસ્તુઓ મેળવી શકે છે.
(2) મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો.
ઉત્તર : મરજીવિયા સમુદ્રના તળિયેથી મણિમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે; કારણ કે એ દૃઢનિશ્ચયી છે. એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે. એમનાં અંગેઅંગમાં અથાગ બળ છે. તેઓ પ્રિયજનોનાં આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની વિકરાળ અફાટ ગર્જનાનો પણ ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રનાં તળિયાં ખૂંદી વળે છે અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા સાહસ અને ઉત્સાહના ઉમદા ગુણો છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી?
ઉત્તર : મરજીવિયાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી? આમ કહીને પ્રિયજનોએ સજળનેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો.
(2) સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દૃઢનિશ્ચયી હતા. આથી એમણે ઉત્સાહથી ડગલાં ભરતાં સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગેઅંગમાં અથાગ બળ હતું.
(3) સમુદ્રમાં કૂદી પડવાનું મરજીવિયાનું સાહસ વર્ણવો.
ઉત્તર : રત્નાકરમાં વિકરાળ અફાટ મોજાં ગર્જના કરી રહ્યાં હતાં. જેમ ગિરિમાળ પર મોજાં અફળાય તેમ મરજીવિયાનાં હ્રદય પર મોજાં અફળાતાં હતાં, તેમ છતાં મરજીવિયાએ પીછેહઠ કરી નહિ. એ સાહસિક મરજીવિયા સમુદ્રના અગાધ જળમાં કૂદી પડ્યા. જાણે મૃત્યુની ગુફામાં પ્રવેશ કર્યો.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

ખૂંઘાં મરણનાં તમોમય તળો અને પામિયા
અખૂટ મણિમોતીકોષ, લઈ બ્હાર એ આવિયા.
ઉત્તર : સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી; પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતાં. છતાં સહેજ પણ ડર્યા વગર તેઓ સમુદ્રને ખૂંદી વળ્યા અને અમૂલ્ય અખૂટ મણિમોતીનો ખજાનો લઈને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા.
જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં દૃઢનિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય, તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘મરજીવિયા’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર : ‘મરજીવિયા’ કાવ્યના કવિ પૂજાલાલ છે.
(2) ‘મરજીવિયા’કૃતિનું કાવ્યસ્વરૂપ જણાવો.
ઉત્તર : ‘મરજીવિયા’ સૉનેટ છે.
(3) સૉનેટ કેટલી પંક્તિનું છંદમાં લખાતું કાવ્યસ્વરૂપ છે?
ઉત્તર : સૉનેટ ચૌદ પંક્તિનું છંદમાં લખાતું કાવ્યસ્વરૂપ છે.
(4) મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો કેવી રીતે આડાં ફર્યાં?
ઉત્તર : મરજીવિયાને સમુદ્ર તરફ જતા જોઈને પ્રિયજનો સજળ નેત્રે આડાં ફર્યાં.
(5) મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા?
ઉત્તર : મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલાં મણિમોતીનો ખજાનો શોધી લાવ્યા.
(6) મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઊપડ્યા?
ઉત્તર : મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતાં સમુદ્ર ભણી ઊપડ્યા.
(7) પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે?
ઉત્તર : પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ જીવન વેડફી નાખનારું તેમજ વિનાશકારી આંધળી બલા વળગેલું છે.
(8) મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો?
ઉત્તર : મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ કર્યો; કારણ કે તેઓને ત્યાંથી અખૂટ મણિમોતીકોશ લાવવો હતો.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *