Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 18 પંગુમ્ લંઘયતે ગિરિમ્ (રેખાચિત્ર)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 18 પંગુમ્ લંઘયતે ગિરિમ્ (રેખાચિત્ર)
પાઠ-પરિચય
‘પંગુમ્ લંઘયતે ગિરિમ્’ એ અરુણિમાનું રેખાચિત્ર છે. અરુણિમા વૉલીબૉલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. એના જીવનમાં અચાનક એક કરુણ ઘટના બની અને તેને અપંગ બનાવી દીધી. છતાં સહેજ પણ વિચલિત થયા વગર એ સતત સંઘર્ષ કરતી રહી. સંઘર્ષ અને દઢ મનોબળને કારણે તે સિદ્ધિના શિખરે પહોંચી. CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા એ લખનઉથી પદ્માવત એક્સપ્રેસમાં દિલ્લી જવા નીકળી. ટ્રેનમાં અરુણિમા બદમાશ લૂંટારાઓના ઘાતકી કૃત્યનો શિકાર બની. તે બદમાશો સામે ઝઝૂમી, પણ દુર્ભાગ્યવશ બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. સામેથી આવતી ટ્રેન નીચે એનો ડાબો પગ કપાઈ ગયો. એ પછી જે બન્યું એ અત્યંત કરુણાજનક હતું. પરંતુ તેણે એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કર્યો અને કૃત્રિમ પગ વડે એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતનું જે રીતે આરોહણ કર્યું એ કાર્ય અત્યંત પ્રશંસનીય છે. અરુણિમાનો જીવનસંઘર્ષ જોતાં એમ કહી શકાય કે ‘પંગુમ્ લંઘયતે ગિરિમ્’ એ સંસ્કૃત સુભાષિત તથા ‘આપણા ઘડવૈયા આપણે’, ‘સાહસ વિના સિદ્ધિ નથી’ અને ‘જિંદગી ઝિંદાદિલી’ જેવી કહેવતોને તેણે પોતાના જીવનમાં સાર્થક કરી છે. બદમાશોના અમાનવીય કૃત્યનો ભોગ બનેલી અરુણિમાની જીવનકથા સૌને માટે પ્રેરણારૂપ છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો :
અરુણિમાનું પાત્રાલેખન કરો.
ઉત્તર : અરુણિમા આત્મવિશ્વાસનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તે વૉલીબૉલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે. CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા તે પદ્માવત એક્સપ્રેસમાં નીકળી. ટ્રેનમાં તેની સોનાની ચેઇન ખેંચવાનો પ્રયાસ કરતાં બદમાશોને તે લડત આપે છે, ઝઝૂમે છે, એકલી અને અસહાય અરુણિમાને બદમાશો ટ્રેનની બહાર ફેંકી દે છે. સામેથી આવતી ટ્રેન તેના પગને જ નહિ, પણ તેના ઉજ્જ્વળ ભાવિને કચડી નાખે છે. રાત્રિના અંધકારમાં 7 કલાક સુધી બૂમો પાડતી, વેદનાથી કણસતી અરુણિમાનો પગ ચામડી પર લટકી રહ્યો હતો. જમણા પગનાં હાડકાંના ટુકડેટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. ક્યાંય સુધી ચીસો પાડતી, કણસતી, રડતી અરુણિમાને છેક સવારે બરેલી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડૉક્ટરને એની સંમતિથી ઍનેસ્થેશિયા વગર તેનો પગ કાપવો પડ્યો. હૉસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. એ પછી દિલ્લીની AIMS હૉસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી એણે કૃત્રિમ પગના સહારે પર્વતારોહણ કરવાનું નક્કી કર્યું. એ માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ તથા આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તે પોતાના અડગ મનોબળથી દુર્ગમ લક્ષ્યને પાર કરવા કટિબદ્ધ થઈ. બચેન્દ્રી પાલે એનામાં જોશ અને હિંમત ભર્યાં. પર્વતારોહણની તાલીમ લીધા પછી શેરપાની મદદથી બર્ફીલો પર્વત ચડતાં ઘણી વાર તેનો કૃત્રિમ પગ ખસી જતો, પણ એ હિંમત હારી નહિ. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી ત્યારે તેના બાટલાનો ઑક્સિજન ખલાસ થઈ ગયો. હજી એવરેસ્ટ પર પહોંચવાનું બાકી હતું. શેરપાએ તેને પાછા વળી જવા કહ્યું. પણ ‘એવા સમયે પાછળ નજર કર્યા વગર આગળ વધવું … રસ્તો આપોઆપ મળી જશે.’ બચેન્દ્રી પાલના આ શબ્દોને યાદ રાખી, જીવનું જોખમ ખેડીને અરુણિમા દોઢ કલાકે એવરેસ્ટની ટોચ પર પહોંચી! અકસ્માત થયાના માત્ર બે જ વર્ષમાં તેને પોતાના મજબૂત મનોબળ અને સખત પરિશ્રમથી સફળતા મળી. હવે પાછા ફરતાં થિજાવી દેતી ઠંડી અને ખલાસ થઈ ગયેલ ઑક્સિજનને કારણે તે જીવતી રહે એ શક્ય નહોતું. એવા સમયે એક બ્રિટિશ પર્વતારોહકે એક ઑક્સિજનનો બાટલો તેના તરફ ફેંક્યો. અરુણિમાને નવજીવન મળ્યું. નીચે ઊતરતાં રસ્તામાં એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ઘસડાતી ઘસડાતી ઊતરતી રહી. અરુણિમાને કૅમ્પ – 4થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર કાપતાં 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા. હાથમાંથી લોહી નીકળવા માંડ્યું હતું; છતાં પડતી, આખડતી, રડતી, ઝઝૂમતી અરુણિમા નીચે આવી. તેને સલામત જોઈને સૌએ તેને અભિનંદન આપ્યા.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) “દઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળ જ જીવન છે.” – આ વાક્યને પંગુમ્ લંઘયતે ગિરિમ્’ પાઠના આધારે સમજાવો.
ઉત્તર : જીવનના કોઈ પણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દૃઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળ હોવાં જરૂરી છે. એનું જ્વલંત ઉદાહરણ અરુણિમાનું જીવન છે. કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું. તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની, ખૂબ સમજાવટથી એની સંમતિ મળવી, એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો, આગળ ચડાય નહિ, પાછા ફરતાં અચાનક બાટલાનો ઑક્સિજન ખલાસ થઈ જવો, શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહિ કે ડગી નહિ. દૃઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતાં શીખવ્યું. ઘસડાતી ઘસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે. અરુણિમાની આ સંઘર્ષકથા સાબિત કરે છે કે ‘દૃઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળ જ જીવન છે.’
(2) પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી?
ઉત્તર : પર્વતારોહણ વખતે અરુણિમાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો. એના શરીરનું વજન તેનો પગ ઉઠાવી શકતો નહિ. તેનાથી આગળ ચલાતું નહિ છતાં તેણે પ્રયાસો ચાલુ રાખ્યા. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પર પહોંચી. ત્યાંથી તેને એવરેસ્ટ પર પહોંચવાનું હતું, પણ એના બાટલામાંથી ઑક્સિજન ખલાસ થવા આવ્યો હતો. તેમ છતાં તેણે પાછા ફરવાને બદલે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો અને દોઢ કલાકમાં જ તે એવરેસ્ટની ટોચ પર પહોંચી. આ તેના લોખંડી મનોબળની જીત હતી, પણ પાછા ફરતાં તો ઑક્સિજન રહ્યો જ નહોતો. ત્યાં એક બ્રિટિશ પર્વતારોહકે તેના તરફ ઑક્સિજનનો એક બાટલો ફેંક્યો. એ પ્રશ્ન હલ થયો ત્યાં કૃત્રિમ પગનો સાથ ન મળ્યો. કૃત્રિમ પગ વગર તેણે ઘસડાતાં ઘસડાતાં કૅમ્પ – 4થી સમિટ સુધીનું 3500 ફૂટનું અંતર 24 કલાકમાં કાપ્યું.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઊઠી?
ઉત્તર : ઑપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતું; પરંતુ ભરેલી હૉસ્પિટલમાં લોહીની કે ઍનેસ્થેશિયાની સગવડ નહોતી. એ જાણીને અરુણિમાએ ડૉક્ટરને કહ્યું, “સરજી! મારો પગ કપાયો … હું આખી રાત રેલવે ટ્રૅક ઉપર પડી રહી. મેં ભયંકર વેદના સહન કરી … તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને! હું સહન કરી લઈશ.’ અરુણિમાની આ અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઊઠી.
(2) અરુણિમાના પરિવારે શેનું ખંડન કર્યું? એની લોકો પર શી અસર પડી?
ઉત્તર : દિલ્લીની એઇમ્સ હૉસ્પિટલમાં લાંબી સારવાર લીધા પછી અરુણિમા થોડી સ્વસ્થ થઈ. એવામાં એણે સમાચારપત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ નહોતી એટલે આત્મહત્યા કરવા માટે એ કૂદી હતી … એટલે આ ઘટના બની. આથી અરુણિમાના પરિવારે આ તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ લોકોએ એ વાતને સાચી માની નહિ.
(3) અરુણિમાને લોકોએ પાગલ કેમ ગણી?
ઉત્તર : અરુણિમાની ઇચ્છા કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવાની હતી; પરંતુ એને માટે માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય જોઈએ. આ કપરા પ્રશ્નો હલ થાય તેમ નહોતા. આથી લોકોએ તેને સંકલ્પ પડતો મૂક્વા સમજાવી. એક પગ કપાયેલો, બીજા પગમાં રૉડ, કરોડરજ્જુમાં તિરાડો છે. આવી સ્થિતિમાં આ કાર્ય સંભવ નથી. પણ અરુણિમા તેનો દૃઢ સંક્લ્પ છોડવા તૈયાર નહોતી. આથી લોકોએ તેને પાગલ ગણી.
(4) બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું?
ઉત્તર : બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાનાં હિંમત અને ઉત્સાહ વધ્યાં. તેણે પર્વતારોહણ માટે તાલીમ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં પર્વત ચડતી વખતે અન્ય પર્વતારોહકો તેને ધીમે ધીમે આવવાનું કહેતા. આથી તે અક્બાતી અને વધુ મહેનત કરતી.
(5) પર્વતારોહણ દરમિયાન અરુણિમા સાથે રહેવા શેરપા ક્યારે રાજી થયો?
ઉત્તર : શેરપાએ જાણ્યું કે અરુણિમાનો એક પગ કૃત્રિમ છે, એટલે તેણે પર્વતારોહણ દરમિયાન અરુણિમાની સાથે રહેવાની ના પાડી દીધી. કારણ કે એમાં શેરપાને પોતાના જીવનું જોખમ લાગતું હતું. આથી તે આનાકાની કરતો હતો. પણ ખૂબ સમજાવ્યા પછી તે રાજી થયો.
(6) અરુણિમાની મા તથા બચેન્દ્રી પાલે અરુણિમાને શી શીખ આપી હતી?
ઉત્તર : અરુણિમાની મા તથા બચેન્દ્રી પાલે અરુણિમાને શીખ આપી હતી કે, તમે જીવનમાં ક્યારેક એક્લા રહી જાઓ છો, ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. ‘‘એવે વખતે એમ વિચારવું કે એક-એક ડગ માંડીને હું અહીં સુધી નજર કરી એક કદમ આગળ માંડજે … પહોંચી છું. એવી પળે પાછળ રસ્તો આપોઆપ મળી જશે.’’
(7) અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે?
ઉત્તર : અરુણિમા દ્વારા ભારતના યુવાનોને સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતાં શીખે. દૃઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળથી આગળ વધે. માણસ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી રસ્તો શોધી, બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) પંગુમ્ લંઘયતે ગિરિમ્’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘પંગુમ્ લંઘયતે ગિરિમ્’ પાઠ રેખાચિત્ર છે.
(2) તમે મારા ભલા માટે મારો પગ કાપશોને! હું સહન કરી લઈશ.” આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે?
ઉત્તર : “તમે મારા ભલા માટે મારો પગ કાપશોને! હું સહન કરી લઈશ.” આ વાક્યમાં અરુણિમાનો અડગતાનો ગુણ જોવા મળે છે.
(3) માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે?
ઉત્તર : માણસ જ્યારે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર વિકલાંગ બને છે.
(4) અરુણિમાએ કયો સંકલ્પ કર્યો?
ઉત્તર : અરુણિમાએ સંકલ્પ કર્યો : ‘હું પર્વતારોહણ કરીશ જ.’
(5) લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી ?
ઉત્તર : એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી.
(6) અરુણિમાનું ઉજ્જ્વળ ભવિષ્ય કચડાઈ ગયું એમ શા પરથી લાગે છે?
ઉત્તર : અરુણિમાનો ડાબો પગ કપાઈ ગયો હતો તેના પરથી લાગે કે અરુણિમાનું ઉજ્જ્વળ ભવિષ્ય કચડાઈ ગયું.
(7) અરુણિમાના કપાયેલા પગ પાસે ઉંદરો શું કરી રહ્યા હતા?
ઉત્તર : અરુણિમાના કપાયેલા પગ પાસે ઉંદરો એના કપાયેલા પગના માંસની મિજબાની માણી રહ્યા હતા.
(8) અરુણિમાની બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતનું પરિણામ શું આવ્યું?
ઉત્તર : અરુણિમાની બચેન્દ્રી પાલ સાથેની મુલાકાતથી અરુણિમામાં અનેરી હિંમત અને ઉત્સાહ વધ્યાં.
(9) બરેલી ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં શાની વ્યવસ્થા નહોતી?
ઉત્તર : બરેલી ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં લોહી માટેની કે ઍનેસ્થેશિયાની વ્યવસ્થા નહોતી.
(10) અરુણિમા લખનઉથી દિલ્લી કેવી રીતે જઈ રહી હતી?
ઉત્તર : અરુણિમા લખનઉથી દિલ્લી પદ્માવત એક્સપ્રેસમાં જઈ રહી હતી.
(11) 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી?
ઉત્તર : 1985માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતી.
(12) અરુણિમાએ એવરેસ્ટ કઈ રીતે સર કર્યું?
ઉત્તર : મજબૂત મનોબળ, હિંમત અને સખત પરિશ્રમથી અરુણિમાએ એવરેસ્ટ સર કર્યું.
(13) અરુણિમાએ એવરેસ્ટ પર કોની સાથે ફોટા પડાવ્યા?
ઉત્તર : અરુણિમાએ એવરેસ્ટ પર રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here