Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 5 વિચારવિસ્તાર

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 5 વિચારવિસ્તાર

વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

વિચારવિસ્તાર સામાન્ય રીતે ત્રણ ભાગમાં કરવામાં આવે છે :
(1) શરૂઆત : મુખ્ય વિચાર (રહસ્ય, મર્મ કે ધ્વનિ) એક-બે પંક્તિઓમાં દર્શાવવો.
(2) મધ્યભાગ : આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ.
(3) અંત : છેલ્લે વિધાનનું તાત્પર્ય (અર્થાત્ તેના પરથી ફલિત થતો અર્થ) લખવું જોઈએ.
વિચારવિસ્તારમાં આવેલાં વાક્યો પરસ્પર સુસંકલિત હોવાં જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ. વિચારનો વધુ પડતો વિસ્તાર ન થવો જોઈએ.
વિચારવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગો વાપરવા જોઈએ. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.
વિચારવિસ્તાર કર્યા પછી તેને એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ.

નીચે આપેલી પંક્તિઓનો વિચારવિસ્તાર કરો :

(1) ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ;
વાઘે માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!
ઉત્તર : કવિએ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને વેધકતાથી રજૂ કરી છે. સમાજમાં બધા કાયદા ગરીબોને અર્થાત્ સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે, શ્રીમંતો કે રાજકારણીઓને નહિ.
કવિએ વાઘનું દૃષ્ટાંત આપીને આપણા સમાજની વિષમતા ખુલ્લી પાડી છે. ઘેટાં-બકરાં જેવી ગરીબ પ્રજાથી કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે છે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે છે. પણ વાઘ જેવા શ્રીમંતો, રાજકારણીઓ કે એના સ્વજનો કોઈ ગુનો કરે તો તેને છાવરવામાં આવે છે. તેને કોઈ કાયદા લાગુ પડતા નથી. તેને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી. ઊલટું એમની વિરુદ્ધ બોલનાર પર ખોટું આળ ચડાવી તેને બદનામ કરાય છે. સંત તુલસીદાસે કહ્યું છે : સમર્થ જો નહિ દ્દોષ ગોસારૂં શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહિ. તેમને હાથ લગાડવાનો નહિ કે એની સામે આંગળી પણ ચીંધવાની નહિ. તેઓ પ્રજાને છેતરે, ભ્રષ્ટાચાર કરે, ખુનામરકી કરે કે બળાત્કાર કરે તોપણ પોતાની સંપત્તિ અને સત્તાના જોરે તેઓ નિર્દોષ જ પુરવાર થાય છે. ગુનો એ ગુનો છે. એ ગુનો સામાન્ય પ્રજા કરે, શ્રીમંત કરે કે રાજકારણી કરે, ન્યાય સૌને માટે સરખો હોવો જોઈએ, પણ સમાજમાં સૌને સરખો ન્યાય મળતો નથી.
કવિએ ઉપર્યુક્ત પંક્તિઓમાં સમાજની વિષમતા અને ન્યાયની પોકળતા પર વેધક કટાક્ષ કર્યો છે.
(2) પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.
ઉત્તર : આ પંક્તિમાં કવિએ પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવ્યું છે.
આ જગતમાં કેટલાક મનુષ્યો કેવળ નસીબ ઉપર જ આધાર રાખીને નિષ્ક્રિય બેસી રહે છે. સુખ, વૈભવ, કંચન અને કીર્તિ નસીબમાં હશે તો મળશે, એવો એમને દૃઢ વિશ્વાસ હોય છે. પણ જ્યારે આ બધું તેમને મળતું નથી ત્યારે તેઓ નસીબને દોષ દે છે. વાસ્તવમાં પુરુષાર્થ ન કરનારાનું નસીબ પણ નિષ્ક્રિય જ રહે છે, જ્યારે પુરુષાર્થીનું નસીબ સક્રિય હોય છે. સિંહ પણ શિકાર માટે પ્રયત્ન ન કરે તો કોઈ પશુ પોતાની મેળે જ તેના મોંમાં આવી પડતું નથી. ‘ફરે તે ચરે અને બાંધ્યો ભૂખે મરે’ એ કહેવત પણ પુરુષાર્થનું સમર્થન કરે છે. આમ, કોઈ પણ વસ્તુ ફક્ત નસીબથી જ મળી જતી નથી, પ્રારબ્ધમાં હોય તોપણ તે મેળવવા માટે અને ઉજ્જ્વળ ભાવિના ઘડતર માટે પુરુષાર્થ જરૂરી છે.
નેપોલિયન, અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શૉ, ગાંધીજી વગેરે પુરુષાર્થને બળે જ મહાપુરુષો બની શક્યા. પુરુષાર્થથી જ મનુષ્ય પોતાનું ભાગ્ય ઘડી શકે છે, જીવનને સાર્થક બનાવી શકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પર આધાર રાખનારની દશા કેવી થાય છે તે નીચેના પદ્યમાં દર્શાવ્યું છે :
“પુરુષાર્થ તજી જે અવલંબે માત્ર દેવને,
મહેલના સિંહ શા તેને માથે બેસે છે કાગડા.”
(3) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.
ઉત્તર : આ પંક્તિઓમાં પુરુષાર્થ પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિની હસ્તરેખામાં સફળતાની રેખા હોઈ શકે, પરંતુ એ સફળતા મેળવવા માટે વ્યક્તિએ જિંદગીમાં પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થનું મહત્ત્વ સમજાવવા ઇમારતનું દૃષ્ટાંત આપ્યું છે. ઇમારતનો નકશો કાગળ પર દોરી શકાય છે. આજના કમ્પ્યૂટર યુગમાં ઍનિમેશનથી પણ સુંદર ઇમારત દર્શાવી શકાય છે, પરંતુ કાગળમાં દોરેલા ઇમારતના નકશામાં કે કમ્પ્યૂટરમાં દર્શાવેલ ઍનિમેશનમાં રહી શકાતું નથી. એને માટે તો ઇમારત જ બાંધવી પડે અને ઇમારત બાંધવા માટે પુરુષાર્થ કરવો પડે. એમાં ધન, બાંધકામ માટેની સાધનસામગ્રી, મજૂરો વગેરે જે કાંઈ જરૂરી હોય તેનો ઉપયોગ કરવો પડે છે.
આમ, જિંદગીમાં કોઈ પણ વસ્તુ મેળવવા માટે પુરુષાર્થ અત્યંત જરૂરી છે. ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે.
(4) સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ;
સીલ લાખ પર દાબતાં ઉત્તમ ઊઠે છાપ.
ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સજ્જનના સંગનો મહિમા સમજાવવા માટે સીલ અને લાખનું દૃષ્ટાંત આપ્યું છે.
કવિ કહે છે કે સજ્જનના સંગથી આપણાં બધા દુઃખોનો અંત આવે છે. જેમ લાખને ગરમ કરીને તેના ઉપર મહોર મારવાથી તેની સુંદર છાપ ઊઠે છે તેમ સજ્જનનો સંગ થતાં આપણું વ્યક્તિત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે.
‘જેવો સંગ તેવો રંગ.’ દુર્જનનો સંગ ક્યારેય લાભદાયી નીવડતો નથી. વાલિયો લૂંટારોય નારદમુનિનો સંગ થવાથી વાલ્મીકિ મુનિ બની ગયો હતો.
સજ્જનોનો સંગ હંમેશાં લાભદાયક હોવાથી આપણે સજ્જનોનો જ સંગ કરવો જોઈએ.
(5) રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી.
ઉત્તર : પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સિંધુ(સમુદ્ર)ના ઉદાહરણ દ્વારા આપણને મહાન પુરુષોના હૃદયની વિશાળતાનાં દર્શન કરાવ્યાં છે.
પૃથ્વી પરની ખારાશ નદીઓને માર્ગે સાગરમાં વહી જાય છે. નદી, નાળાં પોતાની સાથે રેતી, કાંકરા, માટી, કાદવ, કચરો, ગંદકી વગેરે ઘસડી જઈને સાગરમાં ઠાલવે છે. સાગર પોતાના વિશાળ પેટાળમાં તેને સમાવી લે છે. સાગરનું દિલ ઉદાર છે. તે જગતભરની ખારાશને પોતાના અંતરમાં સમાવીને જગતને મધુર સ્વાદવાળા પાણીથી ભરેલાં વાદળાં ભેટમાં આપે છે. આ વાદળાં વસે છે ત્યારે તેનાં મીઠા જળથી જગતની તરસ છીપે છે.
(6) નીચ દૃષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય,
શત લાંઘણ જો સિંહ કરે, તોય તૃણ નહિ ખાય.
ઉત્તર : આ પંક્તિઓમાં સિંહના ઉદાહરણ દ્વારા આપણને સદાચારી અને સંસ્કારી માણસોના મનોબળનું દર્શન થાય છે. સિંહને સો દિવસના ઉપવાસ ક૨વા પડે તોપણ તે ભૂખથી લાચાર થઈને ક્યારેય ઘાસ ખાતો નથી. આવી રીતે અનેક મુસીબતો આવી પડે તોય સંસ્કારી માણસ ક્યારેય પોતાનાં નીતિ અને ધર્મ ચૂકતો નથી. તે મરવાનું પસંદ કરશે પરંતુ કદી હલકાં કામ કરવા માટે તૈયાર નહિ થાય. કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવાં હલકાં કામો કરવા પણ તૈયાર થઈ જાય છે. એમ કરતાં પોતાના સમાજને – દેશને નુકસાન થતું હોય તો તેની પરવા પણ તે કરતા નથી! દાણચોરો, કાળાંબજાર કરનારાઓ અને ભ્રષ્ટાચારી લોકો આ હલકા વર્ગમાં આવે છે. મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા વીરલાઓ સદાય નીતિને માર્ગે જ ચાલે છે, આવા લોકો મહામાનવો તરીકે પૂજાય છે.
આપણે પણ સત્ય અને નીતિના માર્ગે ચાલવું જોઈએ. આપણા જીવનમાં ગમે તેવી મુસીબતો આવે તોપણ આપણે સત્યના માર્ગથી વિચલિત ન થવું જોઈએ.
(7) દુર્જન દીઠાં હાલતાં, સંત શૂળીએ જાય;
દૈવ બન્યાં શું અંધ કે અવળો તોળે ન્યાય?
ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ આજની દુનિયાનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે, આજે દુનિયામાં અવળી બળા વતી દેખાય છે, કાળા કર્મી કરનારા દુર્જનો મૌજમજા કરતા હોય છે જ્યારે સત્યને માર્ગે ચાલનારા સતોને શૂળીએ ચડવુ પડે છે, આવુ વિશેધાભાસી ચિત્ર જોઈને કવિના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે શું ભગવાન પણ અંધ બની ગયું છે કે તે આવો અવળો ન્યાય તોળે છે?
સત્યના માર્ગે જનારા ઈસુને વધસ્તંભ પર ચવુ પડ્યું હતું, ઐ જ રીતે સપ્રવૃત્તિ કરવા બદલ સોક્રેટિસને ઝેર પીવુ પડ્યું હતું, જ્યારે ભ્રષ્ટાચારી અને પાપી લોકો હમેશા લીલાલહેર કરતા હોય છે,
(8) સજ્જન ઉત્તમ પ્રકૃતિ, શું કરી શકે કુસંગ?
ચંદન વિષે વ્યાપે નહિ લપટ્યો રહે ભુજંગ.
ઉત્તર : આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ સજ્જન છે, તેને ગમે તેવો કુસંગ પણ અસર કરી શક્તો નથી,
કવિ પોતાના વિચાÁના અનુમોદનાં ચંદનવૃક્ષનું ઉદાહરણ ટીને એવું જણાવે છે કે ચંદનના ઝાડ પર રાતદિવસ સાપ વીંટળાયેલા રહે છે, પરંતુ સાપના ઝેરથી ચંદનનું ઝાડ બૈરી થતું નથી, તે તો અવિરતપણે શીતળતા અને સુગંધ જ ફેલાવતું રહે છે.
એ જ પ્રમાણે સજ્જનોના ઉમદા ચિરત્ર અને સાત્ત્વિક સ્વભાવ ૫૨ દુર્જનોના સંગની કોઈ જ વિપરીત અસર થતી નથી. દારૂ, જુગાર, ધૂમ્રપાન વગેરે જેવા દુષણો ધરાવતા લોકોની વચ્ચે રહેવા છતાં સાત્ત્વિક પ્રકૃતિ ધરાવતી વ્યક્તિ પર આ દૂષણોની કોઈ જ અસર થતી નથી. ખરાબ ગણાતા માણસના રંગે તે રંગાઈ જતો નથી, કેમ કે તે સારાનરસાનો ભેદ પારખી શકે છે, જેમ સોનાને કાટ લાગતો નથી તેમ કુળવાન અને ઉમદા માણસો પર દુર્જનની સોબતની ખરાબ અસર પડતી નથી.
(9) મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ,
તેથી તો કાગા ભલા; તનમન એક જ રંગ.
ઉત્તર : આ પંક્તિઓમાં કવિએ કહેવાતા સજ્જનોને ઉઘાડા પાડતાં કહ્યું છે કે તેઓ બગલા જેવા કપટી હોય છે. બગલાનું શરીર ઊજળું હોય છે, પરંતુ તેનું મન મેલું હોય છે. નદી કે તળાવમાં તે ધ્યાન ધરીને ઊભેલા તપસ્વી જેવો લાગે છે, પરંતુ તેનું ખરું ધ્યાન માછલાં પકડવામાં જ રહેલું હોય છે. તેના કરતાં તો કાગડો સારો કે જેનાં તન અને મન બંને એક્સરખાં જ હોય છે.
આપણા સમાજમાં પણ બગલા જેવા અનેક કપટી લોકો હોય છે. બાહ્ય દેખાવ પરથી તેઓ સજ્જન લાગતા હોય છે, પરંતુ ખરેખર તો તેઓ બદલો લેવાની ભાવનાવાળા ભ્રષ્ટાચારી, લાંચિયા, કાળાબજારિયા કે દાણચોરો હોય છે. લોકો તેમના બાહ્ય દેખાવથી અંજાઈ જઈ તેમના પર ભરોસો મૂકી દે છે અને અંતે તેમનાથી છેતરાય છે. એના કરતાં જેનાં તન અને મન એક જ રંગે રંગેલાં હોય તેવા દુર્જનો વધુ સારા ગણાય, કારણ કે તેઓ કોઈને છેતરવા માટે સજ્જન હોવાનો દેખાવ કરતા નથી.
આપણે દંભી સજ્જનોને ઓળખી લઈએ તો તેમની લોભામણી જાળમાં ફસાવાનો પ્રસંગ કદી નહીં બને.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *