Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 1 વૈષ્ણવજન (પદ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 1 વૈષ્ણવજન (પદ)

કાવ્ય-પરિચય

‘વૈષ્ણવજન’ સાહિત્યસ્વરૂપની દૃષ્ટિએ ‘પદ’ છે. આપણા આદ્યકવિ નરસિંહ મહેતા આ પદના કવિ છે. મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલા કેટલાંક શ્રેષ્ઠ પદોમાં, નરસિંહ મહેતાનું આ પદ, સાચા ભક્તનાં લક્ષણોને સરળ ભાષામાં રજૂ કરતું હોવાથી, તેમજ તેની સાદી, સરળ, સહજ છતાં માર્મિક કાવ્ય-ભાષા-શૈલીને કારણે નોખું તરી આવે છે. માનવ અને માનવતાને પ્રગટ કરતું હોવાથી, આ પદ મહાત્મા ગાંધીને પણ અતિપ્રિય હતું. આશ્રમમાં દ૨૨ોજ થતી પ્રાર્થનામાં, ગાંધીજીએ આ પદને સ્થાન આપ્યું હતું. ઉપરાંત તેમણે જાતે તૈયાર કરેલી સર્વધર્મ-પ્રાર્થનાની પુસ્તિકા ‘આશ્રમ ભજનાવલી’માં આ પદ પ્રગટ (પ્રકાશિત) કર્યું હતું. આમ, એ પુસ્તિકાને કારણે આ પદ વિશ્વવિખ્યાત બન્યું હતું.
આમ તો ‘વૈષ્ણવજન’નો સાદો અર્થ છે – જે વિષ્ણુભક્ત છે, વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરે છે, તે વ્યક્તિ. જોકે કવિની દૃષ્ટિએ આ અર્થ અધૂરો છે. ખરો વૈષ્ણવ બીજાને પીડા આપતો નથી, પણ બીજાની પીડા સમજી-પામી તેને દૂર કરવા પ્રયત્ન કરે છે. બીજાના ભલામાં ઊભો રહે છે, ભલું કરવા છતાં મનમાં લેશમાત્ર ભાર રાખતો નથી. પોતે નિંદા સહન કરે છે, પણ બીજાની નિંદા કરતો નથી. સાચું બોલે છે, સાચું જીવે છે. જેનાં વાણી, ચારિત્ર્ય તેમજ મન પવિત્ર અને નિર્મળ હોય છે. પરસ્ત્રી પ્રત્યે એનો માતા સમાન વ્યવહાર હોય છે. જે લોભ, મોહ, કામ, કપટ તેમજ ક્રોધરહિત હોય છે.
આવી વ્યક્તિ સ્વયં તીર્થરૂપ છે, એનાં દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે ને આપણી ઇકોતેર પેઢી પુણ્યપ્રભાવથી તરી જાય છે.

કાવ્યની સમજૂતી

સાચો વૈષ્ણવ એ છે જે – પારકી પીડાને જાણે છે, સમજે છે, એ પીડાને દૂર કરી ભલાઈ કરે છે, છતાં ભલું કર્યાનું સહેજ પણ અભિમાન મનમાં રાખતો નથી. [1-2]
(સાચો વૈષ્ણવ એ છે) જે – સારાયે સંસારમાં સૌને વંદન કરે છે, સૌનો આદર કરે છે. કોઈની નિંદા કરતો નથી. વાણી, ચારિત્ર્ય તેમજ મન દૃઢ રાખે છે, એવા(વૈષ્ણવજન)ની જનની ખરેખર (એને જન્મ આપીને) ધન્ય છે. [3-4]
(સાચો વૈષ્ણવ એ છે) જે સંસા૨માં સૌને સમભાવથી, સમાન નજરે જુએ છે, જેણે પોતાને દુ:ખી કરે એવી ઇચ્છાઓ(કામનાઓ)નો ત્યાગ કર્યો છે, જે ક્યારેય ખોટું બોલતો નથી, ખોટું કરતો નથી. પરસ્ત્રીને માતા માને છે ને પારકાના ધનને સ્પર્શ કરતો નથી. [5 – 6]
જેનામાં સંસાર ઉપરના મોહનો અભાવ હોય છે, તેને સંસારની મોહમાયા અસર કરતી નથી, દુ:ખ આપતી નથી. જેને રામનામની ધૂન લાગી હોય, એવો વૈષ્ણવજન પોતે જ તીર્થસ્વરૂપ હોય છે. [7-8]
સાચો વૈષ્ણવ કપટ કે ક્રોધ વિનાનો હોય છે, કામ-ક્રોધ ઉપર એણે વિજય મેળવ્યો હોય છે. કવિ નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનનાં જે દર્શન કરે છે, એનાં ઇકોતેર કુળ તરી જાય છે. [9-10]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

નરસિંહ મહેતા વૈષ્ણવજનનાં કયાં કયાં લક્ષણો જણાવે છે, તે તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : ‘વૈષ્ણવજન’નો એક સામાન્ય અર્થ છે – વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર, વિષ્ણુભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનનાં અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને, ‘વૈષ્ણવજન’ શબ્દના અર્થને વિશાળ જીવનસંદર્ભો સાથે, પદ દ્વારા, નવો અર્થ આપ્યો. નરસિંહ મહેતાની દૃષ્ટિએ નીચેનાં લક્ષણો ધરાવનાર માનવી, સાચા અર્થમાં ‘વૈષ્ણવજન’ જ છે:
સાચો વૈષ્ણવજન પરાઈ પીડાને આત્મસાત્ કરી, ભલાઈ દ્વારા એ પીડાને, સહેજ પણ અભિમાન લાવ્યા વિના, પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે.
તે નમ્ર હોય છે, સૌને વંદન કરે છે, સૌનો આદર પામે છે. કોઈ નિંદા કરે તો ડરતો નથી, પણ પોતે કોઈની નિંદા કરતો નથી. મન- વચન તેમજ કર્મમાં કશો વિરોધાભાસ હોતો નથી, એ જ એનું સાચું ચારિત્ર્ય છે. કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે.
એ વૈષ્ણવ સાચો છે, જે સમાન દૃષ્ટિથી સૌને જુએ છે, એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. જે ઇચ્છા કે કામના સૌને દુઃખી કરે છે, એનો એણે ત્યાગ કર્યો છે. પરસ્ત્રીને માતા સમાન ગણે છે. સાચું બોલે છે, સાચું જીવે છે. સાચાને સાથ આપે છે. મહેનતનું ખાય છે, બીજાની મહેનતનું, પારકું ધન, એને માટે ત્યાજ્ય છે. એને હાથ અડાડતો નથી.
એને મોહમાયા સ્પર્શતાં નથી; એથી એ પર હોય છે. એનું જીવન જલકમલવત્ હોય છે. અંતરમાં દઢ વૈરાગ્ય હોય છે. ચિત્ત રામનામની ધૂનમાં તન્મય હોય છે. નિર્લોભી, નિષ્કપટી અને નિર્મળ હોય છે. કામક્રોધ ઉપર એનો કાબૂ હોય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે?
ઉત્તર : જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેનાં મન-વચન-ચારિત્ર્ય નિર્મળ છે, એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે.
(2) પરસ્ત્રી જેને માત રે’ પંક્તિ સમજાવો.
ઉત્તર : ‘પરસ્ત્રી જેને માત રે’ પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દૃષ્ટિને વ્યક્ત કરે છે. તે સૌની તરફ સમભાવ અને સમષ્ટિ રાખે છે. તે પરસ્ત્રી તરફ કુદૃષ્ટિ કરતો નથી. તે પરસ્ત્રીને માતા ગણે છે.
(3) કવિ વૈષ્ણવજનનાં દર્શનને પવિત્ર શા માટે ગણે છે?
ઉત્તર : સાચો વૈષ્ણવ નિર્લોભી, નિર્મળ અને નિખાલસ હોય છે. તેના હૃદયમાં કામક્રોધ અને મોહમાયાને કોઈ સ્થાન નથી. એ તીર્થસ્વરૂપ હોય છે. આથી કવિ વૈષ્ણવજનનાં દર્શનને પવિત્ર ગણે છે.
(4) કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ શા માટે કહે છે?
અથવા
“સકળ તીરથ તેના તનમાં રે” પંક્તિનો અર્થ જણાવો.
ઉત્તર : કવિ વૈષ્ણવજનને સકળ તીર્થસ્વરૂપ કહે છે, કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી, હૃદયી વૈરાગી તેમજ લોભ કે છળકપટ વિનાનો હોય છે. તેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે. તેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય છે.
(5) વિના મતે કોનાં દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જવાય છે?
ઉત્તર : જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય, જેના અંતરમાં દૃઢ વૈરાગ્ય હોય, જેનામાં લોભ કે છળકપટ ન હોય, જેણે કામક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું ચિત્ત હંમેશાં રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થસ્વરૂપ વૈષ્ણવજનનાં દર્શન કરવાથી દર્શન કરનાર એકોતેર પેઢી તરી જાય છે.
(6) નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
“વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.”
ઉત્તર : પ્રસ્તુત પંક્તિ વૈષ્ણવજનનો મહિમા કરે છે. જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી, તેમનું ચિંતન કરે છે, તે જ વૈષ્ણવજન નથી. પોતાનાં દુઃખોનાં ગાણાં ગાનાર ને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે, પણ જે વ્યક્તિનું હૃદય બીજાનાં દુ:ખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે, તે જ સાચો વૈષ્ણવ છે. એ વ્યક્તિ બીજાનાં દુઃખો દૂર કરી, ‘કશુંક કર્યાનો’, ઉપકારનો, ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી, અભિમાન કરતો નથી.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ગુજરાતી સાહિત્યમાં ‘આદિકવિ’નું બિરુદ કોને મળેલું છે?
ઉત્તર : ગુજરાતી સાહિત્યમાં ‘આદિકવિ’નું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે.
(2) નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતાં છે?
ઉત્તર : નરસિંહ મહેતાનાં પદ પ્રભાતિયાં તરીકે જાણીતાં છે.
(3) નરસિંહ મહેતાનું ક્યું પદ ગાંધીજીને અતિપ્રિય હતું?
ઉત્તર : નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવજન’ પદ ગાંધીજીને અતિપ્રિય હતું.
(4) વૈષ્ણવજન કઈ વાતનું અભિમાન કરતો નથી?
ઉત્તર : વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે એ વાતનું અભિમાન કરતો નથી.
(5) સકળ લોકમાં ‘વૈષ્ણવજન’ શબ્દ કેવી વ્યક્તિ માટે વપરાયો છે?
ઉત્તર : સકળ લોકમાં ‘વૈષ્ણવજન’ શબ્દ સજ્જન માટે વપરાયો છે.
(6) ભારત અને વિશ્વમાં ‘વૈષ્ણવજન’ કોને કારણે જાણીતું થયું?
ઉત્તર : ભારત અને વિશ્વમાં ‘વૈષ્ણવજન’ ગાંધીજીને કારણે જાણીતું થયું.
(7) વૈષ્ણવજન કોને વંદન કરે છે?
ઉત્તર : વૈષ્ણવજન સકળ લોકોમાં સૌને વંદન કરે છે.
(8) કવિએ વૈષ્ણવજનના ‘ચારિત્ર્ય’ માટે ક્યો શબ્દ પ્રયોજ્યો છે?
ઉત્તર : કવિએ વૈષ્ણવજનના ‘ચારિત્ર્ય’ માટે ‘કાછ’ શબ્દ પ્રયોજ્યો છે.
(9) નરસિંહ મહેતા કોને ધન્ય માને છે?
ઉત્તર : નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે.
(10) વૈષ્ણવજનને મન કોણ માતા સમાન છે?
ઉત્તર : વૈષ્ણવજનને મન પરસ્ત્રી માતા સમાન છે.
(11) વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણા સાથે કઈ રીતે કામ લે છે?
ઉત્તર : વૈષ્ણવજન જીવનમાં ત્યાગ કરીને કામ લે છે.
(12) વૈષ્ણવજન જીવનમાં જીભનો શો ઉપયોગ કરે છે?
ઉત્તર : વૈષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવામાં ઉપયોગ કરે છે.
(13) પારકાની લક્ષ્મીને જે હાથ લગાડતો નથી, તેને નરસિંહ મહેતા કેવો કહે છે?
ઉત્તર : પારકાની લક્ષ્મીને જે હાથ લગાડતો નથી, તેને નરસિંહ મહેતા વૈષ્ણવજન કહે છે.
(14) વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી?
ઉત્તર : વૈષ્ણવજનનું મન મોહમાયામાં વ્યાપેલું રહેતું નથી.
(15) વૈષ્ણવજનના મનમાં દૃઢપણે શું જોવા મળે છે?
ઉત્તર : વૈષ્ણવજનના મનમાં દૃઢપણે વૈરાગ્ય જોવા મળે છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *