Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 12 ચોપડાની ઈન્દ્રજાળ (આત્મકથા-ખંડ)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 12 ચોપડાની ઈન્દ્રજાળ (આત્મકથા-ખંડ)
પાઠ-પરિચય
‘ચોપડાની ઇન્દ્રજાળ’ આત્મકથા-ખંડમાં લેખકે શાહુકારો દ્વારા ભોળી, ગરીબ અને અભણ પ્રજાના થતા શોષણની વાત ભીખુના પાત્ર દ્વારા રજૂ કરી છે. ગરીબ પ્રજા ક્યારેય દેણાંમાંથી છટકી ન શકે એવી શાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ સમગ્ર ભારતમાં પથરાયેલી હતી. મુદ્દલ પર ચડતા વ્યાજની રકમ એટલી હદ સુધી પહોંચી જતી હોય છે કે આ ગરીબ પ્રજા બધી રીતે પાયમાલ થઈ જાય છે. ભીખુએ આ પરિસ્થિતિ બાળપણમાં જોયેલી. ભીખુનાં માતા-પિતાએ પણ ચોપડાની આવી જ ઇન્દ્રજાળ જીવલાના જીવનમાં બિછાવી હતી. તેમ છતાં જીવલો શાહુકારના પુત્ર ભીખુ પ્રત્યે વાત્સલ્ય રાખતો હતો. ભીખુએ જાણ્યું કે જીવલાએ કરજ પેટે લીધેલા ત્રણ સો રૂપિયા પર ચોપડાની ઇન્દ્રજાળે ઘણું બધું વ્યાજ ચડાવી દીધું હતું. આ કરજ યોગ્ય ન લાગતાં ભીખુએ જીવલાને માથે ચડેલ વ્યાજના ચોપડાનાં પાનાં ફાડી નાખ્યાં અને તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) પિતાના મૃત્યુ પછી લેખકનાં બાની આર્થિક-માનસિક શી સ્થિતિ થઈ?
ઉત્તર : પિતાના મૃત્યુ પછી લેખકનાં બા માથે સઘળી જવાબદારી આવી પડી. પોતે એકલાં થઈ ગયાં. જમીનની દેખભાળ કરનાર કોઈ નહોતું. ગણોતે ખેડનાર કોઈ નહોતું, એથી જમીન એના મૂળ શેઠને સોંપી દીધી. દુઝાણું અને પિતાજીની ઉઘરાણી એમ બે જ ગુજરાનનાં સાધનો હતાં. બે દીકરા અને એક દીકરી નાનાં હતાં, પરણેલી ત્રણ બહેનોના વ્યવહાર સાચવવાના હતા. નાની બહેનનાં લગ્ન હતાં, આવક હતી નહિ, એટલે બાપુજીને નામે એક નાનું ખેતર હતું, તે વેચી દીધું. બાને જંપવેળા નહોતી, રાત-દિવસ ઢોરની જેમ વૈતરું કરે. કોઈના ત્યાં રાંધવા જાય ત્યાં માંડ બે ટંક રોટલા મળે. બાપુજી કશી બચત મૂકી ગયેલા નહિ – આમ, બાને એક્લેહાથે કુટુંબનો બોજો ઊંચકતાં નવનેજાં પડ્યાં.
(2) જીવલાને લેખક પ્રત્યે ઉત્કટ પ્રેમ હતો, એવું કઈ કઈ બાબતો પરથી કહી શકાય?
ઉત્તર : જીવલો મરઘમાળનો ગરીબ, અજ્ઞાની રાનીપરજ ખેડૂત હતો. દેવાદાર હતો, પણ મહેનતુ, પ્રામાણિક ને સાફ હૃદયનો હતો. લેખક, એના બે મિત્રો મહમદ અને રસિક સાથે, ઉઘરાણી ગયા. જીવલો બહાર ગયો હતો, એના છોકરા ગોવિંદે કહ્યું કે એનો બાપ બાર વાગ્યે આવશે. સમય હતો એટલે લેખક એના ખેતરમાં ગયા. બોર પાડ્યાં. ખાધાં, ગજવાં ભર્યાં. રીંગણાં-મરચાંની થેલી ભરી. જીવલો આવ્યો. લેખકને જોઈ પૂછ્યું : ‘‘ભીખલા, . ડોહાડીએ હું બાંધી આયલું છે? કંઈ ખાધું કે ભૂયખો જ?” લેખક ભૂખ્યા છે એની ખબર પડતાં જ ‘ભીખલાને હીરો બૌ ભાવે’ એમ કહી, ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયના દૂધનું પાશેર ઘી મંગાવ્યું. દીકરી પાસે ચોખા દળાવ્યા. ગોળ કઢાવ્યો. ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવી, કાંસાના તાંસળામાં લાકડાના તવેતાથી લેખક પાસે જ શીરો બનાવડાવ્યો. મિત્રો સાથે ધરાઈને ભોજન કરાવ્યું. ઉઘરાણીના પૈસા માટે તો જીવલાએ લાચારી વ્યક્ત કરી, પણ વાડામાં જઈને વાલોળ, રીંગણાં લઈને થેલી ભરી આપી. આમેય જીવલો લેખકના ઘે૨ જતો ત્યારે પણ શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ લઈને જતો. આમ, ખાલી હાથે જતો નહિ અને ખાલી હાથે જવા દેતો નહિ. આવી બાબતો પરથી કહી શકાય કે જીવલાને લેખક પ્રત્યે ઉત્કટ પ્રેમ હતો.
(3) જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર : અભણ જીવલાએ ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણ સો રૂપિયા વ્યાજે લીધેલા. તે પ્રામાણિક અને દાનતનો શુદ્ધ હતો. ગમે તેવાં માઠાં વર્ષ ગયાં હોય અને પાક સારો ઊતર્યો ન હોય તોપણ શાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ એવું નૈતિક રીતે માનતો, એટલે જેટલા પૈસા મળે તેટલા ચૂકવતો. ઉપરાંત દર વર્ષે લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, બોર, જાંબુ, શેરડી વગેરે શાહુકારને ત્યાં જઈ આપી આવતો. તેની પત્નીના મૃત્યુ પછી પત્નીનું બારમું કરવા બીજા શાહુકાર પાસેથી કરજ લીધેલું. લેખક તેને ત્યાં ઉઘરાણું કરવા જતા તો તેને ઋતુઋતુનાં ફળ, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી વગેરે ખાવા આપતો અને સાથે ઘેર લઈ જવા પણ બાંધી આપતો. લેખક ભાતું લીધા વિના આવ્યા હોય, તો તેમને ભાવતો શીરો જમાડતો. લેખકને વાલોળ અને રીંગણાં બાંધી આપવા માટે તેની પાસે એકાદ થેલી પણ ન હતી. જુવાનીમાં પણ જીવલો તદ્દન કૃશ થઈ ગયો હતો. તેના પુત્રની અર્ધનગ્ન દશા દરિદ્રતાને શરમાવે તેવી હતી. લેણદારના પૈસા દૂધે ધોઈને આપવા માટે જીવલો રાતદિવસ કાળી મજૂરી કરતો તોપણ તેનાં છોકરાં ભૂખે મરતાં. જીવલાની શુદ્ધ દાનત, પ્રામાણિકતા અને તેના કુટુંબની અત્યંત કરુણ દશા જોઈને લેખકે તેને ચોપડાની ઇન્દ્રજાળમાંથી મુક્ત કર્યો.
(4) જીવલો શાહુકારનો જનમોજનમનો ઋણી છે’ એવું લેખકને કેમ લાગે છે?
ઉત્તર : જીવલા પાસેથી જાણવા મળ્યું કે તેણે ખેતર વેચાતું લેવા લેખકના પિતા પાસેથી ત્રણ સો રૂપિયા લીધેલા. એ પછી અભણ જીવલાની કરુણ દશા શરૂ થઈ. તેને શ્રદ્ધા હતી કે બે-ત્રણ વર્ષમાં તે ચૂકવી દેશે, પણ એક પછી એક વર્ષ ખરાબ આવ્યાં. આથી જીવલો શાહુકારને બહુ રોકડ આપી શક્યો નહિ. લેખકે ચોપડામાં જોયું તો જીવલા પાસેથી વ્યાજનું વ્યાજ ચડીને ર્ 1500 લેણા નીકળતા હતા. જીવલો વર્ષોવર્ષ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડાં, ઘાસ, ગોળ વગે૨ે આપી જાય અને તે પણ બધું મફતમાં! છતાંય ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. ઘેર આવે ત્યારે લેખકનાં બાનું થોડુંઘણું કામ પણ કરી આપે. એમાં તેમના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામ સંભાળતા દાસકાકાએ જીવલાના નામે નવું ખાતું પાડેલું અને જીવલાને તેના પર અંગૂઠો પાડવા બોલાવ્યો. જીવલાની આ પરિસ્થિતિ જાણીને લેખકને લાગે છે કે જીવલો શાહુકારનો જનમોજનમનો ઋણી છે.
(5) રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું?
ઉત્તર : જીવલાને ત્યાંથી પાછા ફરતાં લેખકે તેની પાસે એકાદ થેલી માગી ત્યારે જીવલાએ કહ્યું, ‘બોડીને તાં વળી કાંકી કેવી?’ આ શબ્દો સાંભળીને લેખકને તે રાતે મોડે સુધી ઊંઘ ન આવી. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યાં. તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે એ ભાવ એમના મનમાં જાગ્યો. તેમના મનમાં મનોમંથન ચાલ્યું. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા હતા ત્યારે તેના નાગડા અને ભૂખને લીધે પેટમાં ખાડા પડી ગયેલા નાના દીકરા લેખકની સામે ટીકીટીકીને જોતા હતા એ દૃશ્ય નજર સામે ખડું થયું. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળિયો પોતે ઝૂંટવ્યો હોય એવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ બે થેલી ભરીને શાકભાજી લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. અંતે તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તેણે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને રૅ 1500 લેણા નીકળતા હતા. અંતે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાનાં બધાં પાનાં ફાડી નાખી તેને લેણાંમાંથી મુક્ત કર્યો.
(6) ‘ચોપડાની ઇન્દ્રજાળ’ શીર્ષકની યથાર્થતા વર્ણવો.
ઉત્તર : મૂળે આ પાઠ ‘બાનો ભીખુ’ જે લેખક ચંદ્રકાન્ત પંડ્યાની આત્મકથા છે, એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ઃ ‘ચોપડાની ઇન્દ્રજાળ’. અહીં વાત શાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં ‘સત્તર પંચાં પંચાણું’નું ગણિત મંડાતું. શાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાનીપરજ ખેડૂતોનું આર્થિક-શારીરિક શોષણ કરતા ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા-મહારાજા તેમજ અમલદારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વૈતરું કરતી પ્રજા જીવી રહી હતી.
અહીં ‘ઇન્દ્રજાળ’ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા શાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ-અનુભવીને દ્રવી જાય છે. એના દેખતાં જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ-છળકપટ-માંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દૃષ્ટિએ જા, તું હવે અમારા લેણામાંથી છૂટો !’ ઉક્તિ ‘ચોપડાની ઇન્દ્રજાળ’ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે ને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો?
ઉત્તર : માઠાં વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી. છતાં વર્ષોવર્ષ લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તોપણ ‘શાહુકારનાં છોકરાંને આપદા ન પડવી જોઈએ’ એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે, જીવલો દાનતનો શુદ્ધ હતો.
(2) “બોડીને તાં વળી કાંહકી કેવી?” આ વિધાન સમજાવો.
ઉત્તર : જીવલાએ ગોવિંદને મોકલી વાડામાંથી વાલોળ ને રીંગણાં મગાવ્યાં. લેખકની ભરેલી થેલીમાં એ સમાઈ શકે તેમ નહોતા, એટલે જીવલાને એકાદ થેલી આપવા કહ્યું ત્યારે જીવલાએ કહ્યું, ‘“બોડીને તાં વળી કાંહકી કેવી?” જેને માથે ટાલ હોય તેની પાસે કાંસકી ન હોય અર્થાત્ ગરીબ પાસે થેલી જેવું ક્યાંથી હોય?
(3) લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવો.
ઉત્તર : લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. લેખકનાં બા તેને અથાણું ને થોડી દાળ આપે; પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વાનુભવથી જણાવ્યો છે.
(4) લેખકના ઉઘરાણીએ જવાના અનુભવો તમારા શબ્દોમાં જણાવો.
ઉત્તર : લેખક પોતાના બે-ત્રણ મિત્રો સાથે લગભગ રવિવારે ઉઘરાણીએ જતા. એમનાં બા ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપતા. તેઓ નદીમાં નાહતા, ઋતુઋતુનાં ફળો ખાતા. દેણદારો પાસેથી ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાતા અને ઘર માટે પણ સાથે લઈ આવતા.
(5) લેખક માટે જીવલાએ જમવાની શી વ્યવસ્થા કરી?
ઉત્તર : લેખક શાહુકારનો દીકરો છે, જીવલાને ખબર છે કે એને શીરો ખૂબ ભાવે છે. જીવલાએ શીરો બનાવવા એના દીકરા ગોવિંદને મોક્લીને ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું, મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો. ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખક પાસે જ શીરો બનાવડાવ્યો.
(6) લેખકે રક્તવર્ણા શાહુકારી ચોપડાનાં પાનાં કેમ ફાડી નાખ્યાં?
ઉત્તર : જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું. એ કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઊઠ્યું. લેખક પાસે ઉઘરાણીનો જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું પાંચ ગણું વધી ગયું હતું. દેવાનો આટલો બોજ જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ નહતું. દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાને દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા, લેખકે રક્તવર્ણા ચોપડાનાં બધાં પાનાં ફાડી નાખ્યાં.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ કોણ કરતું હતું?
ઉત્તર : દેશી રાજ્યોમાં ખેડૂતોનું શોષણ શાહુકાર કરતા હતા.
(2) શાહુકારો રાનીપરજ ખેડૂતોનું શું કરતા?
ઉત્તર : શાહુકારો રાનીપરજ ખેડૂતોનું શોષણ કરતા.
(3) શરીફ ડાકુઓની લૂંટ કઈ બાબતમાં જરાય અરેરાટી નહોતી અનુભવતી ?
ઉત્તર : શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાનાં હાડમાંસ ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી.
(4) ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો લાગો (ભાગ) રહેતો?
ઉત્તર : ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું એમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકારનો લાગો (ભાગ) રહેતો.
(5) શાહુકાર હિસાબનું ગણિત કેવું ગણતા?
ઉત્તર : શાહુકાર હિસાબનું ગણિત ‘સત્તર પંચા પંચાણું’ એમ ખોટું ગણતા.
(6) કોની ઇન્દ્રજાળને કારણે રાનીપરજ ખેડૂતોની સાત પેઢી ઋણમુક્ત થઈ શકે એમ નહોતી?
ઉત્તર : શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળને કારણે રાનીપરજ ખેડૂતોની સાત પેઢી ઋણમુક્ત થઈ શકે એમ નહોતી.
(7) લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો કોણે બતાવેલો?
ઉત્તર : લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કીમિયો તેમના કોઈ ભાઈબંધે શીખવેલો.
(8) લેખકની બાએ મૂળ જમીન શેઠને કેમ સોંપી દીધી?
ઉત્તર : લેખકની બાએ મૂળ જમીન ખેડનાર કે દેખભાળ રાખનાર કોઈ નહોતું તેથી શેઠને સોંપી દીધી.
(9) લેખકના પિતાજીના મૃત્યુ પછી એમના પરિવારના ગુજરાન માટે કઈ બે બાબતો રહી?
ઉત્તર : લેખકના પિતાજીના મૃત્યુ પછી એમના પરિવારના ગુજરાન માટે બે બાબતો રહી : દુઝાણું અને ઉઘરાણી.
(10) એકલે હાથે કોનો બોજો ઊંચકતાં બાને નવ નેજાં પડતાં હતાં?
ઉત્તર : એકલે હાથે કુટુંબનો બોજો ઊંચકતાં બાને નવ નેજાં પડતાં હતાં.
(11) બા ચૌદ વર્ષની ઉંમરે લેખકને ગામડે શા માટે મોકલતાં હતાં?
ઉત્તર : બા ચૌદ વર્ષની ઉંમરે લેખકને ઉઘરાણી માટે ગામડે મોકલતાં હતાં.
(12) દેણદારો લેણદારોને રોકડ રકમ શાથી આપી શકતા નહોતા?
ઉત્તર : દેણદારો લેણદારોને રોકડ આપી શકતા નહોતા, કારણ કે ખેતીનાં વર્ષો એક પછી એક ખરાબ આવતાં હતાં.
(13) ‘હાઉકારનાં પોયરાંને આપદા ની પડવી જોઈએ.’ – જીવલાના આ વાક્યમાં શાહુકાર પ્રત્યેનો ક્યો ભાવ પ્રગટ થાય છે?
ઉત્તર : ‘હાઉકારનાં પોયરાંને આપદા ની પડવી જોઈએ.’ જીવલાના આ વાક્યમાં શાહુકાર પ્રત્યેની કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ થાય છે.
(14) વ્યાજ પેટે વર્ષોવર્ષ જીવન-જરૂરિયાતની વસ્તુઓ આપી જનાર જીવલો દાનતનો કેવો હતો?
ઉત્તર : વ્યાજ પેટે વર્ષોવર્ષ જીવન-જરૂરિયાતની વસ્તુઓ આપી જનાર જીવલો દાનતનો શુદ્ધ હતો.
(15) લેખકના ઘેર, જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ શું જોવાની લાલચે આવતો?
ઉત્તર : લેખકના ઘેર, જીવલા સાથે એનો પુત્ર ગોવિંદ હેર (શહેર) જોવાની લાલચે આવતો હતો.
(16) જીવલાના કુટુંબની કરુણ દશાના મૂક સાક્ષી એવા લેખક જીવલામાં શું જોયા કરતા હતા?
ઉત્તર : જીવલાના કુટુંબની કરુણ દશાના મૂક સાક્ષી એવા લેખક જીવલામાં વફાદારી જોયા કરતા હતા.
(17) બીજો શાહુકાર કરવાની જીવલાને કેમ જરૂર પડી?
ઉત્તર : જીવલાની પત્ની મરી જતાં, તે પત્નીનું બારમું કરવા કરજ લેવા બીજો શાહુકાર કરવાની જીવલાને જરૂર પડી.
(18) જીવલા ઉપર શા માટે કડક ઉઘરાણી કરવામાં આવતી હતી?
ઉત્તર : જીવલા ઉપર કડક ઉઘરાણી કરવામાં આવતી હતી, કારણ કે પત્ની મરી જતાં બારમું કરવા જીવલાએ બીજો શાહુકાર કર્યો હતો.
(19) રવિવારે ઉઘરાણી જતાં લેખકની બા તેમને ભાતામાં શું બાંધી આપતી?
ઉત્તર : રવિવારે ઉઘરાણી જતાં લેખકની બા તેમને ભાતામાં સુખડી અને શક્કરપારા બાંધી આપતી.
(20) દર વર્ષે જીવલો લેખકના ઘરે કઈ કઈ વસ્તુઓ આપવા જતો?
ઉત્તર : દર વર્ષે જીવલો લેખકના ઘરે અનાજ, કઠોળ, શેરડી, શાકભાજી, ગોળ વગેરે વસ્તુઓ આપવા જતો.
(21) જીવલાને ત્યાં ચૂલો બનાવી, કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખકે શું બનાવ્યું?
ઉત્તર : જીવલાને ત્યાં ચૂલો બનાવી, કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી લેખકે શીરો બનાવ્યો.
(22) લેખકે રીંગણા – વાલોળ મૂકવા થેલી માગી ત્યારે જીવલાએ કઈ કહેવત કહી?
ઉત્તર : લેખકે રીંગણા – વાલોળ મૂકવા થેલી માગી ત્યારે જીવલાએ ‘બોડીને તાં વળી કાંહકી કેવી?’ એ કહેવત કહી.
(23) ‘બોડીને તાં વળી કાંહકી કેવી?’ કહેવત સાંભળ્યા પછી લેખકને જીવલાની બોડી જેવી સ્થિતિ કરનાર કોણ લાગે છે?
ઉત્તર : ‘બોડીને તાં વળી કાંહકી કેવી?’ કહેવત સાંભળ્યા પછી જીવલાની બોડી જેવી સ્થિતિ કરનાર લેખક પોતે જ લાગે છે.
(24) ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી કેટલા રૂપિયા વ્યાજે લીધેલા?
ઉત્તર : ખેતર વેચાતું લેવા જીવલાએ બાપુ પાસેથી ત્રણ સો રૂપિયા વ્યાજે લીધેલા.
(25) લેખકે ચોપડામાં જોયું તો જીવલાના નામે વ્યાજનું વ્યાજ થઈને કેટલી રકમ નીકળતી હતી?
ઉત્તર : લેખકે ચોપડામાં જોયું તો જીવલાના નામે વ્યાજનું વ્યાજ થઈને રૅ 1,500 રૂપિયા જેટલી રકમ નીકળતી હતી.
(26) લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ કરી આપતા હતા?
ઉત્તર : લેખકના પિતાના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસકાકા કરી આપતા હતા.
(27) દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે કેવો વિશ્વાસ હતો?
ઉત્તર : દેવું ચૂકવનાર જીવલાને હિસાબ અંગે વિશ્વાસ હતો કે શાહુકારનો ચોપડો દિ જૂઠું ન વાંચે.
(28) લેખકને ત્યાં જીવલો શા માટે આવ્યો હતો?
ઉત્તર : ત્રણ વર્ષ પછી ચોપડામાં નવું ખાતું પાડવાનું હતું, તેથી એના પર અંગૂઠો પાડવા જીવલો લેખકને ત્યાં આવ્યો હતો.
(29) લેખકને જીવલાનું કયું વાક્ય ૨ાત્રે વારે વારે યાદ આવતું હતું?
ઉત્તર : ‘બોડીને તાં વળી કાંહકી કેવી?’ જીવલાનું એ વાક્ય રાત્રે લેખકને વારે વારે યાદ આવતું હતું.
(30) લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાનું શું કર્યું?
ઉત્તર : લેખકે ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાનાં પાનાં ચીરી નાખ્યાં.
(31) લેખકે શાહુકારી ચોપડાનાં પાનાં ચીરીને જીવલાને શું કહ્યું?
ઉત્તર : લેખકે શાહુકારી ચોપડાનાં પાનાં ચીરીને જીવલાને કહ્યું : ‘જા, તું હવે અમારા લેણાંમાંથી છૂટો!’
(32) લેખક જીવલાને ત્યાં ઉઘરાણી ગયા ત્યારે કઈ જાતનાં બોર પાક્યાં હતાં?
ઉત્તર : લેખક જીવલાને ત્યાં ઉઘરાણી ગયા ત્યારે રાંદેરી બોર પાક્યાં હતાં.
(33) ‘પોતે ગાંધીવાદી જીવન જીવે છે.’ એ ખ્યાલ લેખકને કેવો લાગ્યો?
ઉત્તર : ‘પોતે ગાંધીવાદી જીવન જીવે છે.’ એ ખ્યાલ લેખકને દંભી લાગ્યો.
(34) ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ કેવો હતો?
ઉત્તર : ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ રાતો હતો.
(35) ‘ચોપડાની ઇન્દ્રજાળ’ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : ‘ચોપડાની ઇન્દ્રજાળ’ પાઠ ‘બાનો ભીખુ’માંથી લેવામાં આવ્યો છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here