Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 13 વતનથી વિદાય થતાં (સૉનેટ)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 13 વતનથી વિદાય થતાં (સૉનેટ)
કાવ્ય-પરિચય
‘વતનથી વિદાય થતાં’ સૉનેટમાં કવિએ વતનથી છૂટા પડવાની વેદનાને વાચા આપી છે. આમ તો તેઓ કામધંધાર્થે વતન છોડી શહેરમાં સ્થાયી થયા હતા; પરંતુ વતનને તેઓ ભૂલ્યા નથી. વર્ષો પછી વતનમાં ગયેલા કવિને વિદાય લેવાની ઘડી આવી ત્યારે વતનનાં પ્રકૃતિ અને માનવીને છોડતાં દુઃખ થાય છે. વેચી દીધેલું ઢોર પણ પોતાનું મૂળ ઘર ઝંખતું હોય છે, તો માણસ પણ પોતાના વતનને ઝંખે જ ને! વહી ગયેલું પાણી પાછું ન આવે તેવું જ વીતી ગયેલા સમયનું છે. ગામનો કૂતરો પણ વતનની હદ છોડતો નથી, આ એક સ્વાભાવિક ક્રમ છે જેનું કવિએ અહીં આલેખન કર્યું છે. કાવ્યને અંતે કવિને ભ્રમ થાય છે કે રિસાયેલા બાળક્ને મા પાછું બોલાવતી હોય છે તેમ મને મારી મા બોલાવે છે. આ ભ્રમ છે, પણ હકીકત નથી. આવી ભ્રમણામાં રાચતા કવિએ પોતાના વતનની વિદાયને કારણે અનુભવાતી વ્યથાને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. પ્રસ્તુત કાવ્ય શાર્દૂલવિક્રીડિત છંદમાં છે, પણ કવિ જયંત પાઠકે એના બંધારણમાં ઘણી જગ્યાએ છૂટ લીધી છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.
અથવા
વતનથી વિદાય થતાં કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે?
ઉત્તર : વતનથી વિદાય થતાં કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય છે; તો કવિને પોતાના વતનની કેમ ન હોય! વતન છોડી આગળ જવા પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહામહેનતે કવિ આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમ છતાં જવાનું તો છે જ. એટલે કવિ કહે છે, ચાલો જીવ. (પોતાને આશ્વસ્ત કરે છે.) વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે એટલે આંખનાં આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસોની યાદનો ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો. જુઓ આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને, બે હાથ ઊંચા કરીને, તેમની બા તેમને બોલાવતી હતી.
કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) “કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે.” સમજાવો.
અથવા
વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિના પગ આગળ જવા માટે માંડ માંડ ઊપડે છે, કારણ કે …
ઉત્તર : કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વતનના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા.
(2) કવિ મૂળ પરિવેશની ઝંખના કઈ રીતે કરે છે?
ઉત્તર : વતનથી વિદાય લેતાં કવિ પોતાના મૂળ પરિવેશની ઝંખના કરે છે. ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે ત્યારે રહી રહીને ઘર યાદ આવે છે. જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી, ધણ છૂટતાં, પોતાના મૂળ સ્થાન(કોઢાર)ને ઝંખે એમ કવિ ઘરને ઝંખે છે.
(3) ‘ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં’ દ્વારા કવિ શું સૂચવે છે?
ઉત્તર : ‘ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં’ પંક્તિમાં ‘ચાલો જીવ’, શબ્દ સૂચવે છે કે કવિએ સમાધાન કરી લીધું છે. હકીકત એ છે કે ભાવિ જીવન માટે વતન છોડવું જરૂરી છે. એટલે વતનની યાદોને જ અમૂલ્ય સંભારણું ગણીને હૃદયમાં સાચવી રાખવું પડશે, કારણ કે વહી ગયેલો સમય ફરી આવવાનો નથી. આથી કવિએ ચાલો જીવ, એમ કહીને જીવને આગળ વધવા માટે પોતાની જાતને તૈયાર કરી લીધી છે. વાસ્તવિકતા સ્વીકારી લીધી છે.
(4) કેડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે?
ઉત્તર : વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે ! જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે. મહામહેનતે ચાલવા પગ ઊપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. રસ્તે ચાલતાં કાંટાળી ડાળી પણ દેખાતી નથી. જાણે લોહીના ટશિયા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે.
પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
“આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી – એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી !!”
ઉત્તર : સૉનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિએ વતનથી વિદાય લેતા કાવ્યનાયકના મનોભાવને સ-રસ તેમજ માર્મિક વળાંક આપ્યો છે. વતનની યાદમાં તડપતા કવિ(કાવ્યનાયક)ને વતન છોડવું ગમતું નથી. તેમ છતાં મજબૂરીથી છોડે છે ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે. ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતાં અટકાવતી દેખાય છે. કવિને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી? એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિસાળ બાળક હોય ને મા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય! બાળપણની મા સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું. પંક્તિના આ અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના ઘોતક છે.
પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) કાવ્યનાયકને શું છોડવાની ક્ષણ આવી ગઈ?
ઉત્તર : કાવ્યનાયકને વતન, વન અને જન છોડવાની ક્ષણ આવી ગઈ.
(2) જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર (મૂળ ઘર) ઝંખે છે, એમ કાવ્યનાયક શું ઝંખે છે?
ઉત્તર : જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઢાર (મૂળ ઘર) ઝંખે છે, એમ કાવ્યનાયક વતનનું ઘર ઝંખે છે.
(3) ‘આંખો બે રહી ભાળતી વળી વળી પાછી.’ આ બે આંખો કોનો નિર્દેશ કરે છે?
ઉત્તર : ‘આંખો બે રહી ભાળતી વળી વળી પાછી.’ આ બે આંખો કાવ્યનાયકનો નિર્દેશ કરે છે.
(4) વેચાઈ ગયેલાં ઢોર સતત શાની ઝંખના કરે છે?
ઉત્તર : વેચાઈ ગયેલાં ઢોર સતત કોઢારની ઝંખના કરે છે.
(5) કાવ્યનાયકના પગ પાછળ જાય છે, ત્યારે આગળ શું જતું લાગે છે?
ઉત્તર : કાવ્યનાયકના પગ પાછળ જાય છે, ત્યારે આગળ કેડી જતી લાગે છે.
(6) કેડી આગળ જાય છે, પગ કેમે ઊપડતા નથી, ત્યારે આંખો શો અનુભવ કરે છે?
ઉત્તર : કેડી આગળ જાય છે, પગ કેમે ઊપડતા નથી, ત્યારે આંખો ભરાઈ આવે છે.
(7) ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયકને શું નડે છે?
ઉત્તર : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયકને કાંટાળી ડાળી નડે છે.
(8) ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી કઈ સ્મૃતિ વાગોળે છે?
ઉત્તર : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કાવ્યનાયક પોતાની આંગળીઓ સાથે સંકળાયેલી નદીની રેતની સ્મૃતિ વાગોળે છે.
(9) ‘વતનથી વિદાય થતાં’ કાવ્યના કવિ નદીની વેકુરમાં શું કરતા?
ઉત્તર : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યના કવિ નદીની વેકુરમાં આંગળીઓથી રમતા હતા.
(10) ‘ચાલો જીવ, જવાનું આગળ …’ પંક્તિમાં ‘ચાલો જીવ’ એમ કાવ્યનાયક કોને કહે છે?
ઉત્તર : ‘ચાલો જીવ, જવાનું આગળ …’ પંક્તિમાં ‘ચાલો જીવ’ એમ કાવ્યનાયક પોતાને કહે છે.
(11) હૈયું ઉઝરડાતાં શું ફૂટી નીકળે છે?
ઉત્તર : હૈયું ઉઝરડાતાં રક્તટશયા ફૂટી નીકળે છે.
(12) કોના વહેણમાં કવિ પોતાને આગળ વધવાનું કહે છે?
ઉત્તર : કવિ પોતાને કાળના વહેણમાં આગળ વધવાનું કહે છે.
(13) કાવ્યનાયકને કાળના વહેણમાં પાછા ક્યાં જવું શક્ય લાગતું નથી?
ઉત્તર : કાવ્યનાયકને કાળના વહેણમાં પાછા ઉપરવાસમાં જવું શક્ય લાગતું નથી.
(14) કાવ્યનાયક સ્વયંને આંસુ લૂછી લેવાનું કેમ કહે છે?
ઉત્તર : હવે ભૂતકાળને પાછો મેળવી શકાય એમ નથી, તેથી કાવ્યનાયક સ્વયંને આંસુ લૂછી લેવાનું કહે છે.
(15) કાવ્યનાયક માથે શાનો ભારો લઈ ચાલી રહ્યા છે?
ઉત્તર : કાવ્યનાયક માથે વિસ્તૃત થતી સંવેદનાઓનો ભારો લઈ ચાલી રહ્યા છે.
(16) કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ કોની જેમ ચાલવાનું કહે છે?
ઉત્તર : કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ ગુલામની જેમ ચાલવાનું કહે છે.
(17) વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે?
ઉત્તર : વતનની હદ પૂરી થતાં કૂતરાને પાછા જવાનું છે.
(18) ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિની કઈ ભાવના વ્યક્ત થઈ છે?
ઉત્તર : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિની પીડાની ભાવના વ્યક્ત થઈ છે.
(19) વતનની હદ સુધી કાવ્યનાયક સાથે કોણ ચાલતું ચાલતું આવ્યું હતું?
ઉત્તર : વતનની હદ સુધી કાવ્યનાયક સાથે શ્વાન ચાલતો ચાલતો આવ્યો હતો.
(20) આઘે ખેતરમાં કાવ્યનાયકને કોણ દેખાય છે?
ઉત્તર : આઘે ખેતરમાં ખેતરમાં ઊભેલી, હાથ ઊંચા કરી કાવ્યનાયકને બોલાવતી માતા દેખાય છે.
(21) ‘વતનથી વિદાય થતાં’ કાવ્ય દ્વારા કાવ્યનાયકે શા કારણે અનુભવાતી કરુણા વ્યક્ત કરી છે?
ઉત્તર : ‘વતનથી વિદાય થતાં’ કાવ્ય દ્વારા કાવ્યનાયકે વતન- વિચ્છેદને કા૨ણે અનુભવાતી કરુણા વ્યક્ત કરી છે.
(22) ‘રિસાળ શિશુને બોલાવતી બા હતી!!’ કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકની કઈ મનઃસ્થિતિ સૂચવે છે?
ઉત્તર : ‘રિસાળ શિશુને બોલાવતી બા હતી !!’ કાવ્યના અંતની આ પંક્તિ કાવ્યનાયકની (મનની) ભ્રમણા સૂચવે છે.
(23) રિસાયેલા શિશુને બા બોલાવતી હોય, એવી ભ્રમણા કયા કાવ્યમાં વ્યક્ત થઈ છે?
ઉત્તર : રિસાયેલા શિશુને બા બોલાવતી હોય, એવી ભ્રમણા ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં વ્યક્ત થઈ છે.
(24) ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિશ્રી જયંત પાઠકે કયા અલંકારો પ્રયોજ્યા છે?
ઉત્તર : ‘વતનથી વિદાય થતાં’ કાવ્યમાં કવિશ્રી જયંત પાઠકે ઉપમા, રૂપક, દૃષ્ટાંત અલંકારો પ્રયોજ્યા છે.
(25) વતનથી વિદાય થતાં કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે?
ઉત્તર : વતનથી વિદાય થતાં કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here