Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 14 જન્મોત્સવ (નવલિકા)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 14 જન્મોત્સવ (નવલિકા)

પાઠ-પરિચય

‘જન્મોત્સવ’ નવલિકામાં લેખકે જન્મસમયની બે પરિસ્થિતિનું સમાંતરે આલેખન કર્યું છે. એક પરિસ્થિતિમાં કૃષ્ણના જન્મોત્સવનો આનંદ છે, તો બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ વેદના છે. અમેરિકાથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને આવેલ વૃન્દાવનદાસના મોટા દીકરા અસિતે પોતાના ટેક્નોલૉજિકલ જ્ઞાનના આધારે કૃષ્ણના જન્મોત્સવનું અનોખું આયોજન કર્યું છે. અસિતનો એ જન્મોત્સવ – આયોજનનો પ્રસંગ લોકો માટે એ કુતૂહલ અને આનંદનો અવસર છે, જ્યારે બીજી તરફ એ જ ગામના ઝૂંપડામાં પ્રસૂતિની વેદનાથી કણસતી માણેક માટે બાળકનો જન્મ આનંદની નહિ, પણ કરુણાની ઘટના છે. જીવનભર ભીખ પર નભતો આ ગરીબ પરિવાર તેના નવજાત શિશુના પગ તોડાવી નાખીને તેને જન્મથી જ અપંગ બનાવી દેવા મજબૂર બને છે. ગરીબોના જીવનની આ વાસ્તવિકતા છે. લેખકે આનંદ અને કરુણા દર્શાવતી આ બે પરિસ્થિતિના આલેખનમાં નવજાત શિશુની દર્દનાક ચીસ અત્યંત હૃદયવેધક છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) નિજમંદિરમાં ઊભું કરેલું કૃષ્ણજન્મોત્સવનું દશ્ય વર્ણવો.
ઉત્તર : અસિતે પોતાના ટેક્નોલૉજિક્લ જ્ઞાનના આધારે વીજળીની તરકીબથી કૃષ્ણજન્મોત્સવનું દૃશ્ય નિજમંદિરમાં ખડું કર્યું હતું. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો, દેવકીના ખોળામાં, બાળકરૂપે ઝૂલવા લાગ્યો. એકાએક કાંસા, ઝાલર, મંજીરા ને શંખનો તુમુલ ધ્વનિ થયો. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં પ્રભાતના બિભાસ સૂર છેડ્યા. મુખિયાજીએ તૈયાર કરેલા અન્નકૂટમાં પણ રંગોની યોજના ચતુરાઈપૂર્વક કરી હતી. વસુદેવ કૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળ્યા. દેવકી કરગરવા લાગી. આખરે વસુદેવે કૃષ્ણને હળવેકથી છાબમાં મૂક્યા. અંગૂઠો ધાવતા, વટપત્રમાં સૂતેલા ભગવાનના ચહેરા પર ભુવનમોહક હાસ્ય હતું. વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચતાં જ કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો, જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. ગોપબાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી, સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો, શરણાઈએ લલિત રાગ છેડ્યો, અસિત ખેલ પૂરો કરી બાર આવ્યો.
(2) નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં આલેખો.
અથવા
કૃષ્ણ અને કિસનના જન્મમાં શો તફાવત છે?
ઉત્તર : ‘જન્મોત્સવ’ વાર્તામાં સમયના એક જ બિંદુ ૫૨, કૃષ્ણ અને કિસનના જન્મ સંદર્ભે બે પરિસ્થિતિઓનું લેખકે સમાંતર નિર્માણ કર્યું છે. કૃષ્ણજન્મ વખતે આનંદ ને ઉલ્લાસ છે, કિસનના જન્મ વખતે કરુણા ને મજબૂરી છે. કિસનને લઈને કાનજી અને દેવજી વરસાદનાં પાણી ડહોળતા અંધારી રાતે વેલજી ડોહાને ત્યાં જાય છે. વેલજી ડોહો, કિસનના ઘૂંટણ મચકોડીને અપંગ બનાવે છે. કાનજી અપંગ કિસનનો ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવા માગે છે. બાળકની ચીસ તેમજ કરુણ રુદન કોઈના હૃદયને સ્પર્શતાં નથી. કિસનની માતા માણેકની લાચારી અને પીડા વધારે હૃદયદ્રાવક છે. કાનજી આંધળો છે, દીકરો અપંગ છે, દારુણ ગરીબી છે, ભીખ માગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણજન્મનો ઉત્સવ છે, પંચાજીરીનો પ્રસાદ વહેંચાય છે, અન્નકૂટ ભરાય છે. બીજી બાજુ કિસનનો જન્મ છે, બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવે છે. જીવનની કેવી કરુણા !
(3) ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણકુંવરને સમાંતર નંદકુંવરની શી સ્થિતિ થઈ?
ઉત્તર : ગોકુળ પહોંચ્યા પછી કૃષ્ણકુંવરને જશોદા મૈયાએ શણગાર્યા. ગાલે મેશનું ટપકું કર્યું. ગોકુળ ટોળે વળ્યું. ગોપબાળોથી વનરાજી ગાજી ઊઠી. પંચાજીરી વહેંચાઈ, શરણાઈએ રાગ છેડાયો, અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો. જયાવતી શેઠાણીએ ‘‘જાગો નન્દ કે લાલ, ભોર ભયી” એ હાલરડું લલકાર્યું. ગોકુળ આખું ઉત્સવના આનંદમાં ગરકાવ થઈ ગયું.
સમાંતરે માણેકના નંદકુંવરને લઈને કાનજી-દેવજી પાછા ફર્યા. માણેકની ચીસે એમને વધાવ્યા – “મને ઈનું એક વાર મોઢું તો દેખવા દેવું’તું ! લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને .” આંધળો કાનજી, ખરા બપોરે માણેક સાથે પતરાની ગાડીમાં, પાંગળા કિસનને ખેંચી રહ્યો છે. દુનિયા દેખે છે. ભગવાન કૃપાળુ છે. મોંમાં ધાન છે, દુનિયા ૫૨ વૈકુંઠ છે.
ગોકુળથી પધારીને ભગવાન મથુરાના રાજા થયા છે, બધાં સુખી છે.
(4) ‘જન્મોત્સવ’ શીર્ષકની યથાર્થતાની ચર્ચા કરો.
ઉત્તર : પ્રસ્તુત નવલિકામાં જન્મના ઉત્સવનું નિરૂપણ છે. એક બાજુ જશોદાના કૃષ્ણકુંવર છે, તો એ જ સમયે બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં ગરીબી વચ્ચે સબડતી માણેકનો નંદકુંવર છે. કૃષ્ણકુંવરના જન્મના ઉત્સવના આનંદને કારણે આખું ગોકુળ ગાંડું છે, તો નંદકુંવરનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી. અસિતે જન્મની બે પરિસ્થિતિને એકસાથે બતાવીને વાસ્તવિકતાને અંતે નર્યા કારુણ્યની નિષ્પત્તિ કરી છે.
માણેકના નંદકુંવરને આવકારવાનો કશો પ્રબંધ ક્યાંથી હોય? એને અપંગ બનાવવા વરસતા વરસાદમાં વેલજી ડોસાને ત્યાં લઈ જવામાં આવે છે, ઘૂંટણ મચકોડીને અપંગ બનાવવાની ક્રૂર, અમાનવીય ઘટના દર્શાવાઈ છે. બાળકની ચીસ કોઈના હૃદયને સ્પર્શતી નથી. પૃથ્વી પર જ કાનજી વૈકુંઠની સુખદ ક્લ્પનામાં રાચે છે – કરુણની આ પરાકાષ્ઠા બે બાળકોના જન્મના ઉત્સવ નિમિત્તે નિષ્પન્ન થતી, લેખકે દર્શાવી છે. આમ, ‘જન્મોત્સવ’ શીર્ષક યથાર્થ છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) અસિતે કૃષ્ણજન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો.
ઉત્તર : અસિતે વીજળીની મદદથી કૃષ્ણજન્મની તરકીબ રચી હતી. રાત્રીના બાર વાગ્યે કિનખાબનો પડદો ખૂલે, આકાશમાંથી તેજનો પુંજ અવતરે એ સાથે ઝબકારો થાય. ત્યાં દેવકીના ખોળામાં બાળક જોવા મળે. કારાગૃહમાં અંધારું પથરાઈ જાય. સાથે જ ઝાલર, મંજીરાં, કાંસા ને શંખનો ધ્વનિ સંભળાય, બિભાસના સૂર વાતાવરણને વધુ આહ્લાદક બનાવે એવી તરકીબ અસિતે રચી.
(2) કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા? શા માટે?
ઉત્તર : કાનજી અને દેવજી બાળકને લઈને, ઘૂંટણસમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે બાળકને આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા.
(3) “ટંકણખાર દીધો તોય કાંઈ નો વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય હતો?
ઉત્તર : ‘‘ટંકણખાર દીધો તોય કાંઈ નો વળ્યું. હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો આશય એ હતો કે ગરીબાઈ સામે ઝૂઝતી સગર્ભા માણેક પાસે આવકનું કોઈ સાધન નહોતું. એવામાં બાળક જન્મે તો એને શું ખવરાવવું? આથી ડોસીએ સગર્ભા માણેકને ટંકણખાર ખવરાવ્યું હતું, જેથી તેને મૃત બાળક જન્મે. પરંતુ એની કોઈ અસર ન થઈ, એટલે હવે આવનાર બાળકને જન્મ દેવો જ રહ્યો.
(4) ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણજન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર : વસુદેવ કૃષ્ણને લઈ ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં કૃષ્ણજન્મોત્સવ શરૂ થયો. જશોદા મૈયાએ કૃષ્ણકુંવરને શણગાર્યા. નજર ન લાગે એ માટે એના ગાલે મેશનું ટપકું કર્યું. આખું ગોકુળ ગામ ટોળે વળ્યું. ગોપબાળના હર્ષોલ્લાસથી વનરાજી ગાજી ઊઠી. સૌને પંચાજીરીનો પ્રસાદ આપ્યો. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરી બહાર આવ્યો.
(5) ‘જન્મોત્સવ’ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે?
ઉત્તર : કૃષ્ણજન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફૂટ કર્યો છે. બપોરના ધોમધખતા તાપમાં માણેક એના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માગે છે, જે તેમની લાચારી છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) લાલ કિનખાબના પડદા પાછળ શાની તૈયારીઓ થઈ ચૂકી હતી? 
ઉત્તર : લાલ કિનખાબના પડદા પાછળ કૃષ્ણજન્મની તૈયારીઓ થઈ ચૂકી હતી.
(2) વૃન્દાવનદાસનો દીકરો અમેરિકા જઈને શાનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો?
ઉત્તર : વૃન્દાવનદાસનો દીકરો અમેરિકા જઈને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરીને આવ્યો હતો.
(3) કૃષ્ણજન્મોત્સવ વખતે આતુરતાપૂર્વક સૌ શાની રાહ જોઈ રહ્યાં હતાં?
ઉત્તર : કૃષ્ણજન્મોત્સવ વખતે લાલ કિનખાબનો પડદો ઊંચકાય એની સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં.
(4) વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દૃશ્ય કોણ તાદશ્ય કરવાનું હતું ? 
ઉત્તર : વીજળીની કરામતથી અસિત કૃષ્ણજન્મનું દૃશ્ય તાદૃશ્ય કરવાનો હતો.
(5) સ્ટેશનેથી રાતના સાડા અગિયાર વાગ્યે કઈ ગાડી પસાર થઈ ચૂકી હતી?
ઉત્તર : સ્ટેશનેથી રાતના સાડા અગિયાર વાગ્યે જનતા એસ્પ્રેસ ગાડી પસાર થઈ ચૂકી હતી.
(6) એક ઝૂંપડામાં કેવો દીવો ટમટમતો હતો ?
ઉત્તર : એક ઝૂંપડામાં ફગફગયો દીવો ટમટમતો હતો.
(7) ઝૂંપડાની વસતિએ નિસ્તબ્ધતામાં કોના કણસવાના અવાજ તરફ ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું?
ઉત્તર : ઝૂંપડાની વસતિએ નિસ્તબ્ધતામાં કોઈ સ્ત્રીના કણસવાના અવાજ તરફ ધ્યાન આપ્યું હોય એમ લાગતું નહોતું.
(8) કૃષ્ણજન્મોત્સવ વખતે ઝૂંપડામાં કોણ કણસી રહ્યું હતું?
ઉત્તર : કૃષ્ણજન્મોત્સવ વખતે ઝૂંપડામાં માણકી કણસી રહી હતી.
(9) માણકી શા કારણે કણસી રહી હતી?
ઉત્તર : માણકી પ્રસૂતિની પીડાથી કણસી રહી હતી.
(10) ‘ટંકણખાર દીધો તોય કાંઈ નો વળ્યું.’ આ વાક્ય કોના દ્વારા બોલાયેલું છે?
ઉત્તર : ઉપરોક્ત વાક્ય ખોખરા કર્કશ અવાજે બબડતી ડોસી દ્વારા બોલાયેલું છે.
(11) ભાગવતનું શ્રવણ કોણ કરી રહ્યું હતું?
ઉત્તર : ભાગવતનું શ્રવણ વૃન્દાવનદાસ અને એમની મિત્રમંડળી કરી રહી હતી.
(12) અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને કોની મિત્રમંડળી ટોળટપ્પાં હાંકી રહી હતી?
ઉત્તર : અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જઈને મધુસૂદન અને એમની મિત્રમંડળી ટોળટપ્પાં કરી રહી હતી.
(13) ‘જન્મોત્સવ’ નવલિકામાં મુખિયાજીએ શું પહેર્યું હતું?
ઉત્તર : ‘જન્મોત્સવ’ નવલિકામાં મુખિયાજીએ શણિયું પહેર્યું હતું.
(14) ફગગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની?
ઉત્તર : ફગગિયો દીવો બુઝાઈ જવાની સાથે બાળકનું રુદન બીજી ઘટનારૂપે ગાજી ઊઠ્યું.
(15) ‘ઘડિયાળના બે કાંટા ભેગા થતાં’, ‘ક્નિખાબનો લાલ પડદો સરી ગયો.’ આ બે ઘટનાઓ પાછળ શાનો સંકેત છે?
ઉત્તર : ‘ઘડિયાળના બે કાંટા ભેગા થતાં’, ‘ક્નિખાબનો લાલ પડદો સરી ગયો.’ આ બે ઘટનાઓ પાછળ કૃષ્ણજન્મનો સંકેત છે.
(16) કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાત નો’તું છતાં શરણાઈવાળાએ ક્યા રાગના સૂર છેડ્યા?
ઉત્તર : કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાત નો’તું છતાં શરણાઈવાળાએ બિભાસ રાગના સૂર છેડ્યા.
(17) દેવકીના ખોળામાં બાળકરૂપે શું ઝૂલવા લાગ્યું?
ઉત્તર : દેવકીના ખોળામાં બાળકરૂપે તેજપુંજ ઝૂલવા લાગ્યો.
(18) દેવજી અને કાનજી નવજાત બાળક્ને કોની પાસે લઈ ગયા?
ઉત્તર : દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે લઈ ગયા.
(19) દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે કેમ લઈ ગયા?
ઉત્તર : દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોસા પાસે ટાંટિયા વાળી નખાવી, બાળકને અપંગ કરી દેવા લઈ ગયા.
(20) અસિતની માયાવી સૃષ્ટિમાં અન્નકૂટ કોણે રચેલો હતો?
ઉત્તર : અસિતની માયાવી સૃષ્ટિમાં મુખિયાજીએ અન્નકૂટ રચેલો હતો.
(21) કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પશ્ચાદભૂમાં શરણાઈના સૂર કોણ રેલાવી રહ્યા હતા?
ઉત્તર : કૃષ્ણજન્મના રંજન કાર્યક્રમમાં પશ્ચાદભૂમાં શરણાઈના સૂર રામદીન રેલાવી રહ્યા હતા.
(22) ખેલ પૂરો થતાં, બધાં કોને વીંટળાઈને શાબાશી આપવા લાગ્યાં?
ઉત્તર : ખેલ પૂરો થતાં, બધાં અસિતને વીંટળાઈને શાબાશી આપવા લાગ્યાં.
(23) છાબમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય કેવું હતું?
ઉત્તર : છાબમાં જાળવીને મૂકેલા કૃષ્ણનું હાસ્ય ભુવનમોહન હાસ્ય હતું.
(24) બાળકના રુદનનો ભાર ઊંચકીને કોણ આગળ ચાલ્યું?
ઉત્તર : બાળકના રુદનનો ભાર ઊંચકીને કાનજી અને દેવજી આગળ ચાલ્યા.
(25) માણેકના કરુણ ચિત્કારે કોનો પીછો પકડ્યો?
ઉત્તર : માણેકના કરુણ ચિત્કારે કાનજી – દેવજીનો પીછો પકડ્યો.
(26) વસુદેવ વરસતા વરસાદમાં કઈ નદીને કાંઠે આવ્યા?
ઉત્તર : વસુદેવ વરસતા વરસાદમાં જમના નદીને કાંઠે આવ્યા.
(27) વસુદેવ વરસાદમાં બે કાંઠે વહેતી જમનાજી પાસે જેવા પહોંચ્યા ત્યાં કોણે ભારે કરામત કરી?
ઉત્તર : વસુદેવ વરસાદમાં બે કાંઠે વહેતી જમનાજી પાસે જેવા પહોંચ્યા ત્યાં અસિતે ભારે કરામત કરી.
(28) ઘોઘરા અવાજે, ઉધરસનો ઠણકો ખાતાં ખાતાં જવાબ વાળનાર દમિયલ વેલજી ડોસો કોણ હતો?
ઉત્તર : ઘોઘરા અવાજે, ઉધરસનો ણકો ખાતાં ખાતાં જવાબ વાળનાર દમિયલ વેલજી ડોસો બાળકના ટાંટિયા વાળનાર હતો.
(29) દમિયલ વેલજી ડોસા સાથે વાત કરતાં કોનો અવાજ ગળગળો થઈ ગયો?
ઉત્તર : દમિયલ વેલજી ડોસા સાથે વાત કરતાં કાનજીનો અવાજ ગળગળો થઈ ગયો.
(30) ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતાં કૃષ્ણને કોણે શણગાર્યા?
ઉત્તર : ભગવાન કૃષ્ણ ગોકુળ પહોંચતાં કૃષ્ણને જશોદા મૈયાએ શણગાર્યા.
(31) ‘હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું સે?’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : ‘હાવા બેઠો. રિયો ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઈમ કરવું સે?’ આ વાક્ય વેલજી ડોસો બોલે છે.
(32) ગામના લોકો સ્તબ્ધ બનીને શું જોઈ રહ્યા હતા?
ઉત્તર : ગામના લોકો સ્તબ્ધ બનીને અસિતે ઊભી કરેલી માયાવી સૃષ્ટિ જોઈ રહ્યા હતા.
(33) ખેલ પૂરો થતાં, વિશાખા અને ધનંજય ફરીથી બધાંની નજર સરકાવીને ક્યાં ગયાં?
ઉત્તર : ખેલ પૂરો થતાં, વિશાખા અને ધનંજય ફરીથી બધાંની નજર સરકાવીને ઉપલા માળે ગયાં.
(34) જયાવતી શેઠાણીએ કયું હાલરડું ઉપાડ્યું ?
ઉત્તર : જયાવતી શેઠાણીએ, ‘જાગો નન્દ કે લાલ, ભોર ભયી’ – એ હાલરડું ઉપાડ્યું.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *