Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 16 ગતિભંગ (લઘુકથા)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 16 ગતિભંગ (લઘુકથા)

પાઠ-પરિચય

‘ગતિભંગ’ લઘુકથામાં ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા ઝડપથી જઈ રહ્યાં છે; પરંતુ ડુંગરની પત્નીની ચાલવાની ગતિ મંદ પડી ગઈ છે. ડુંગર એના ૫૨ ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે પત્ની આમ ધીમી ગતિએ ચાલશે તો ગાડી ચૂકી જવાશે. તેની પત્નીની ગતિ મંદ પડી જવાનું કારણ તેને માર્ગમાં પોતાની મૃત બાળકીનાં પગલાંની છાપ દેખાય છે. એ છાપ જોઈને તેના હૈયામાં મૃત બાળકીની યાદ સળવળી ઊઠે છે, પણ લાકડીના ટેકે ઊભેલા પતિને જોઈ રખેને ગાડી ચૂકી ન જવાય માટે તે સ્મૃતિને ખંખેરી તેની સાથે પગ ઉપાડે છે.
લેખકે આ લઘુકથામાં ચાલવાની ગતિના ભંગની સાથે માના વિચારોનો ગતિભંગ થતો દર્શાવ્યો છે. આમ, દ્વિઅર્થમાં ‘ગતિભંગ’ છે, વાસ્તવમાં માનું પોતાના મૃત બાળક પરત્વેનું માતૃત્વ જ તેની ગતિને મંદ પાડે છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) પુત્રી ખોયાની માતા-પિતાની વેદના ‘ગતિભંગ’ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
ઉત્તર : રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને તેની પત્ની ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યાં હતાં. ત્યાં અચાનક એ માર્ગે ડુંગરની પત્નીની ચાલવાની ગતિ થંભી ગઈ. તેનામાં આગળ ચાલવાની શક્તિ નહોતી. એ માર્ગે તે તેની મૃત બબલીની પગલીની છાપને વારંવાર શોધતી રહી. અંતે માતાને આંગળાંની બોર જેવી પોતાની બાળકીની પગલીની છાપ દેખાઈ અને તેને મૃત બબલી યાદ આવી ગઈ.
ખેતરે જતાં અને આવતાં આગળ ને આગળ દોડી જતી બબલીની પગલીઓ તેના હૈયામાં વસી ગઈ હતી. આથી તે એક ડગલું પણ ચાલી શકતી નહોતી. આ જોઈને ડુંગર પહેલાં તો ગુસ્સે થાય છે, કેમ કે તેને થાય છે કે આમ ગતિ ધીમી પડી જશે તો ગાડી ચૂકી જવાશે. ‘ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય.’ એમ કહીને ડુંગર તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે અને તેને આગળ ચાલવા કહે છે, પણ તે ય પોતાની મૃત બાળકીની યાદમાં ઝૂરતી પત્નીને વધુ કંઈ કહી શક્યો નહિ. તેણે પોતાની નજર આકાશના કોઈ માર્ગ તરફ વાળી લીધી. પતિ-પત્ની બંને સ્થિર થઈ જાય છે. છેવટે પતિને જોઈ સાવધ બનેલી : પત્નીએ કહ્યું : “લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” આ શબ્દોમાં લેખકે વેગથી ચાલ્યા જતાં પાત્રોની મનોવેદનાને અતિશય સંયમથી વ્યક્ત કરી છે.
(2) ‘ગતિભંગ’ લઘુકથામાં ‘માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ છે.’ આ વિધાન સમજાવો.
અથવા
‘ગતિભંગ’ લઘુકથાના શીર્ષકની યથાર્થતા સમજાવો.
ઉત્તર : ‘ગતિભંગ’લઘુકથા છે. લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ. અહીં કથાના અંતની સચોટતા ‘ગતિભંગ’ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. અહીં પતિ-પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે, તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ છે. આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે વ્યક્ત કર્યો છે. બીજી બાજુ પતિ-પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાકથિત ચોટ પણ ગતિભંગ જ છે. આ બેવડી રીતે ગતિભંગ થાય છે.
પતિ-પત્નીને ગાડી પકડવી છે. પગ ઝડપથી ઊપડે છે. પત્ની પાછળ છે. રસ્તામાં કોઈ બાળકનાં પગલાંની છાપ પત્ની જુએ છે. પગ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભર થોભી જાય છે. પાછળ જુએ છે. અહીં ચાલવાની ગતિનો ભંગ છે. પણ વૈચારિક ગતિ મર્મવેધક છે. પત્ની અજાણ્યા બાળકનાં પગલાં જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. પત્નીની વ્યથા પતિ (ડુંગર) પણ કળી ગયો. પોતે પણ સ્મૃતિવનમાં ખોવાઈ ગયો. અહીં પુત્રીનાં પગલાંની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વીંધતી જતી આંતરમનની ક્રિયા – આ બંને ગતિ ‘ગતિભંગ’ શીર્ષકને યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે.
શીર્ષક ટૂંકું અને જિજ્ઞાસા પ્રેરક છે. વાર્તા સાથે સુસંગત છે, લઘુકથાના વાંચન સાથે આપણે ભાવકો પણ પાત્રોની સાથે સહસંવેદનનો અનુભવ કરીએ છીએ. પત્ની, જે મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ ગઈ છે, તે એક વાસ્તવિકતા છે તો પતિ સાથે ગાડી પકડવાની ઉતાવળ છે તે બીજી વાસ્તવિકતા છે. બીજી વાસ્તવિકતાની સભાનતા સધાતાં પત્નીની ગતિ પાછી બદલાઈ છે. બંને ઝડપથી ચાલવા માંડે છે. આમ, બધી દૃષ્ટિએ ‘ગતિભંગ’ શીર્ષક યથાર્થ છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને શેની ચિંતા હતી?
ઉત્તર : પત્નીને બેસી પડેલી જોઈને ડુંગરને ચિંતા હતી કે ગાડી ચૂકી જવાશે તો તેમની દશા, નહિ ઘરના કે નહિ ઘાટના જેવી થશે. રાત ક્યાં પસાર કરવી એની પણ તેને ચિંતા હતી.
(2) ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે .. 
ઉત્તર : ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ, કારણ કે તેણે જમીન પર એક ઘાટીલી પગલીની છાપ જોઈ. એ છાપ જાણે તેની મૃત બબલીની પગલીની જ હોય તેવી હતી. મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠેલી તે અટકી ગઈ.
(3) ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં શું કહ્યું?
ઉત્તર : ડુંગરની પત્નીએ કોઈ બાળકીની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતાં તે હલબલી ગઈ હતી. આથી ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું : ‘‘ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય. લે ચાલ, મોડું થશે.’
(4) લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું?
ઉત્તર : ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતાં એની ચાલવાની ગતિ ધીમી પડી ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ અને પોતે સહસા બોલી ઊઠી : ‘‘લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.” પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય, એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી?
ઉત્તર : ડુંગરે પોતાની નજર ગગનના માર્ગ તરફ સ્થિર કરી.
(2) ડુંગર અને તેની વહુ કેમ ઝડપથી ચાલી રહ્યાં હતાં?
ઉત્તર : ડુંગર અને તેની વહુ ગાડી પકડવા ઝડપથી ચાલી રહ્યાં હતાં.
(3) ડુંગરે ચાલતાં ચાલતાં શા માટે પાછળ જોયું?
ઉત્તર : પત્ની ચાલવામાં પાછળ પડી ગઈ હતી, તેથી ડુંગરે ચાલતાં ચાલતાં પાછળ જોયું.
(4) ડુંગરની પત્ની સાથે ચાલતાં કેમ ધીમી પડી ગઈ?
ઉત્તર : ડુંગરની પત્ની પોતાની મૃત બબલીની પગલીઓ જેવી પગલાંની છાપ શોધી રહી હતી, તેથી તેની સાથે ચાલતાં ધીમી પડી ગઈ.
(5) ડુંગર અને એની પત્ની કયા સમયે સ્ટેશન તરફ જતાં હતાં?
ઉત્તર : ડુંગર અને એની પત્ની સાંજના સમયે સ્ટેશન તરફ જતાં હતાં.
(6) મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને શી ચિંતા હતી?
ઉત્તર : મોડું થતાં ગાડી ન પકડી શકાય તો ડુંગરને ‘રાત ક્યાં કાઢવી?’ એની ચિંતા હતી.
(7) લેખકે પત્નીની નજરને શાની સાથે સરખાવી છે?
ઉત્તર : લેખકે પત્નીની નજરને પીંછી સાથે સરખાવી છે.
(8) ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર શું પસવારતી હતી? 
ઉત્તર : ડુંગરની પત્ની ભાવુક બનીને ધૂળ ઉપર નજર પસવારતી હતી.
(9) ડુંગરે કહ્યું, ‘મને કંઈ દેખાતું નથી’ ત્યારે એની પત્નીએ શું કર્યું?
ઉત્તર : ડુંગરે કહ્યું, ‘મને કંઈ દેખાતું નથી’ ત્યારે એની પત્ની આંગળીનો છેડો જમીન પાસે લઈ ગઈ.
(10) ‘ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય. લે ચાલ, મોડું થશે.’ ડુંગરના આ વાક્યમાં પત્ની પ્રત્યેનો કયો ભાવ પ્રગટ થાય છે?
ઉત્તર : ‘ગાંડી, એવાં પગલાં તો ઘણાંય હોય. લે ચાલ, મોડું થશે.’ એમાં ડુંગરનો પત્ની પ્રત્યેનો સહાનુભૂતિનો ભાવ પ્રગટ થાય છે.
(11) ડુંગરની પત્ની શાથી હાલી ઊઠી હતી?
ઉત્તર : ડુંગરની પત્ની મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઊઠી હતી.
(12) ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું ?
ઉત્તર : ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી.
(13) ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું?
ઉત્તર : ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને મૃત બાળક યાદ આવ્યું.
(14) ક્યાં જતાં-આવતાં, આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ ડુંગરની પત્નીના હૈયે જડાઈ ગઈ હતી?
ઉત્તર : ખેતરે જતાં-આવતાં, આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ ડુંગરની પત્નીના હૈયે જડાઈ ગઈ હતી.
(15) લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને કોણ ઊભું રહી ગયું હતું?
ઉત્તર : લાકડીના ટેકે ગગન તરફ મોં રાખીને ડુંગર ઊભો રહી ગયો હતો.
(16) ગગન તરફ મોં રાખીને ઊભા રહેલા ડુંગરને જોઈને કોણ સાવધ થઈ ગયું?
ઉત્તર : ગગન તરફ મોં રાખીને ઊભા રહેલા ડુંગરને જોઈને ડુંગરની પત્ની સાવધ થઈ ગઈ.
(17) પાઠ્યપુસ્તકના કયા પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે?
ઉત્તર : પાઠ્યપુસ્તકના ‘ગતિભંગ’ પાઠમાં પાત્રના ચાલવાની તેમજ તેના વિચારોની ગતિનો ભંગ થાય છે.
(18) મોહનલાલ પટેલના લઘુકથા-સંગ્રહો કયા કયા છે?
ઉત્તર : ‘પ્રત્યાલંબન’તેમજ ‘ઝાકળમાં સૂરજ ઊગે’ એ બે મોહનલાલ પટેલના લઘુકથા-સંગ્રહો છે.
(19) ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ પ્રવાસગ્રંથના લેખક જણાવો.
ઉત્તર : ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ પ્રવાસગ્રંથના લેખક શ્રી મોહનલાલ પટેલ છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *