Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 18 ભૂખથીય ભૂંડી ભીખ (નવલકથા-અંશ)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 18 ભૂખથીય ભૂંડી ભીખ (નવલકથા-અંશ)
પાઠ-પરિચય
‘ભૂખથીય ભૂંડી ભીખ’ એ પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ નામની અતિ હૃદયદ્રાવક નવલકથામાંનો અંશ છે. શીર્ષક જ છપ્પનિયા દુકાળની કરુણાજનક પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. દુકાળના ત્રાસથી બચવા આ નવલકથાનાં મુખ્ય પાત્રો કાળુ અને રાજુ જ નહિ, પણ તેમના ગામના લોકો પોતાનું ગામ છોડી ડેગડિયા આવ્યા, કેમ કે ત્યાં સુંદરજી શેઠે સદાવ્રત ખોલ્યું હતું. સૌ અનાજ લેવા કતારમાં ઊભા છે, પણ કાળુનું મન ડંખે છે. પોતે ખેડૂત હોઈ તેને લાગે છે કે આ અનાજમાં તેનું પકવેલું અનાજ પણ હશે. કાળુ માને છે કે માગવા કરતાં મરવું ભલું. દુકાળની કારમી પરિસ્થિતિ અવર્ણનીય છે. ભૂખે ટળવળતા માણસોને જોઈને કાળું માને છે કે ભૂખથીય ભૂંડી ભીખ છે. ભીખ માણસની ટેકને, સ્વમાનને, આત્માને હણી નાખે છે. આ પ્રકરણમાં કુદરતના કોપ સમા દુષ્કાળ સામે ઝઝૂમતા લોકોની વેદના હૃદયવેધક છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) ‘ભૂખથીય ભૂંડી ભીખ’ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન કરો.
ઉત્તર : ‘માનવીની ભવાઈ’ નવલકથાનાં મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ છપ્પનિયા દુકાળની કારમી પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવ્યાં છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુનાં સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસનહસ કરી નાખ્યાં છે. ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી, આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી. એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો? ભીખ માગવાની? રાજુ સમજાવે છે, પણ સ્વમાની તેમજ ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી.
ભીખ માટે કતારમાં ઊભેલા લોકોને જોઈ એનું હૃદય કાંપી ઊઠે છે. દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવાનો ! ધિક્કાર છે આ અવતારને ! ધિક્કાર છે આ જીવવુંય !”
સ્વમાની કાળને સુંદરજી શેઠ એક ઉપાય સૂચવતાં ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાજીના ગાદી-તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે. શેઠના માન ખાતર એણે દોઢ પાશેર ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઊઠ્યું. એને થયું આ તો બાવાનાં બેય બગડ્યાં જેવો ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. આમ, કાળુની વેદના તેનાં વાણી અને વર્તનમાં સતત ટપકતી રહે છે. ચિત્તભ્રમ થતાં એ કહે છે કે “ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે !” લેખકે અંતમાં કાળુની મનઃસ્થિતિ વ્યક્ત કરતાં સાચું જ કહ્યું છે : “નથી વેઠાતાં, રામ ભૂખોય નથી વેઠાતી ને આ ભીખોય ! માટે ઝીંકવા માંડ ! પણ મકાનનો ઓટલો ચડતાં ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય.”
(2) ભૂખથીય ભૂંડી ભીખ’ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : બાર-બાર માસથી વરસાદ વરસ્યો નહોતો, મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી, પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલાં બધાં શબને દાટવાં ક્યાં? બાળવાં ક્યાં? ભૂખે માનવીઓનાં હાડમાંસ ગાળી નાખ્યાં હતાં.
ડેડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકને ભાગે આવતી દોઢ પાશેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતાં કપડાં નહોતાં. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું, “ભૂંડામાં ભૂંડી ભૂખ નહિ, પણ ભૂખથીય ભૂંડી ભીખ છે.” કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે.
(3) રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો.
ઉત્તર : દુકાળની ભીષણતાથી ગામનાં સૌ દુઃખી અને પરેશાન હતાં, પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી.
એક તરફ સ્વમાની કાળને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે, બાળકોના પેટ માટે ભીખ માગવા જવાનું. એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી, પણ “આ પરિસ્થિતિમાં ભીખ માગવામાં શરમ શાની?’’ એ કાળુને સમજાવવું તેને માટે મુશ્કેલ હતું. એ માટે તે કાળુ પાસે કરગરે છે. પોતાને કારણે કાળુ ભુખે મરી જાય એ એનાથી જીરવાતું નથી. આથી “મનેય તમારે મારી નાખવી છે!’’ એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે. રાજુ પણ જાણે છે કે દોઢ પાશેર ખીચડીથી કાંઈ વળવાનું નથી. એટલે “આજે હાથ ધરવાનો એક દોઢ પાશેર ખીચડી માટે? ધિક્ પડ્યો એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવુંય!” તથા “આપણું કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.”
કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી, છતાં તે ચિડાઈને કાળુને ઠપકો આપતાં કહે છે : ‘‘ડાકણ ભૂખ નથી, પણ ડાકણ ચિંતા છે. માનવીનાં કાળજાંને ખોતરી ખાય છે.” કાળુના આ શબ્દો : ‘“આપણાં ગુમાન અને આતમાનેય ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.’’ રાજુને બેચેન કરી મૂકે છે. કાળુને ધમકાવી, તેનું બાવડું ઝાલીને હડસેલતી ‘છાનામાના ઘરે હેંડો’ એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે. આમ, એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલી રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વીંધી નાખે છે.
(4) સુંદરજી શેઠ વિશે પાત્રાલેખન કરો.
ઉત્તર : દુકાળના કારમા દિવસોમાં, ‘આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો !’ જાણી, સુંદરજી શેઠ પરદેશથી પોતાના વતન, ડેગડિયામાં આવ્યા. મહાજનોને તેમણે કહ્યું, “વરસાદ નહિ આવે તો તો આપણ – જેની જેની પાસે ધાન હશે એય નથી જીવવાનાં, ને આવશે તો આના આ માનવી, એકનું અનેકગણું પકવી આપવાનાં છે.” આમ, સુંદરજીના બોલ સાંભળી મહાજનોએ પોતાના કોઠારનાં દ્વાર ખોલી દીધાં.
ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળ છે. આંખ મીંચાઈ જાય એવાં કપડાં – સફેદ ધોતિયું ને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી ને ગળો દુપટ્ટો પહેરીને, ગોળ તયિાને અઢેલીને ગાદી પર સુંદરજી શેઠ બેઠા છે. આજુબાજુ મહાજનો ગોઠવાયેલા છે. સદાવ્રત ખુલ્લું મુકાયું છે. ત્યાં ધરતીનો અન્નદાતા એવો ખેડૂત કાળુ ધર્માંદું અનાજ ઇચ્છતો નથી. પત્ની રાજુ ને બે બાળકો સાથે, લાઇનમાંથી પાછો વળી જાય છે. ધાન માટે હાથ ધરતાં શરમ અનુભવતા કાળને સુંદરજી શેઠ ગાદી- તકિયા પાથરવાનું કામ સોંપે છે. કાળુ શેઠની મોટાઈને માથે ચઢાવે છે. શેઠ કાળુનો સંકોચ દૂર કરતાં કહે છે : ‘હું જાણું છું જુવાન, કે તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે, પણ અમનેય સદાવ્રત ખોલતાં એટલી જ શરમ આવે છે! સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ?” આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!
આમ, જ્યારે ભૂખથીય ભૂંડી ભીખ, મનુષ્યના આત્માને હણી નાખે છે, ત્યારે સુંદરજી શેઠનો સંવેદનશીલ, માનવતાયુક્ત વ્યવહાર, કાળુ જેવાના આત્મગૌરવની રક્ષા કરવા મથે છે.
(5) ‘ભૂખથીય ભૂંડી ભીખ’ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તર : ‘ભૂખથીય ભૂંડી ભીખ’ એ જ્ઞાનપીઠ પુરસ્કૃત ‘માનવીની ભવાઈ’ જેવી પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથાનો કરુણાર્દ અંશ છે. નવલકથાના કેન્દ્રમાં છપ્પનિયા દુકાળની કારમી, વિષમ પરિસ્થિતિ છે. ભુખરૂપી ડાકણ સૌના પ્રાણ હરી રહી છે. ત્યાં સુંદરજી શેઠના નેતૃત્વમાં, મહાજનોની મદદથી સદાવ્રત ખુલ્લું મુકાયું છે. કાળુ, જે ખેડૂત છે, એને ભૂખ માટે આમ હાથ લાંબો કરવો ગમતો નથી. રાજુને એ કહે છે : “આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો.” કાળુ લવા૨ે ચઢ્યો છે. રાજુ સાથે સ્વમાની કાળુનો કરુણ સંવાદ ભલભલાને, હલાવી નાખે એવો છે. કાળુ, રાજુને કહે છે : “તને ખબર છે? ભૂખથીય ભૂંડી ભીખ છે, ભૂખ તો હાડમાંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો, આપણાં ગુમાન ને આત્માનેય ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.”
કાળુ તેમજ રાજુના આ દારુણ-કરુણ સંવાદ દ્વારા લેખકે ભૂખ કરતાંય ભીખને વધુ ભૂંડી કહી છે. છેલ્લે કાળુ મનમાં ને મનમાં કહે છે : ‘… હવે તો ઝીંકવા જ માંડ ! નથી વેઠાતાં રામ ! ભુખોય નથી વેઠાતી ને આ ભીખય !” છેલ્લે મકાનનો ઓટલો ચડતાં કાળુ ઝીંકાઈ પડે છે. ‘ભૂખથીય ભૂંડી ભીખ’ શીર્ષકની યથાર્થતા અહીં છે. લેખકે સંવાદની ધાર કાઢીને છેલ્લે લખ્યું છે ઃ ‘એ ઝીંકાઈ પડ્યો. પછી એ તો ગરમ વિચારોને લીધે, ભુખનો માર્યો કે ગમે તે કારણે હોય.’ એ વાત સ્પષ્ટ છે કે ભૂખ અસહ્ય થઈ થતી. સ્વમાન ને આત્મગૌરવને ટકાવવા જતાં, ભીખ સામે સમાધાન ન કરતાં, ઉત્કટ સંવેદનાએ કાળુ જ ઝીંકાઈ પડ્યો.
આ ‘ભૂખથીય ભૂંડી ભીખ’ શીર્ષક, સમગ્ર કથા-અંશનો ભાવ- વ્યંજનાનું નિયામક બળ કે બિંદુ બની રહે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) મોતના વરસાદને કારણે ધરતી પર શી સ્થિતિ સર્જાઈ?
ઉત્તર : દુકાળના કારણે ધરતી પર મોતનો વરસાદ થયો. વન, બજાર, શેરી, ખેતર – જ્યાં જુઓ તો માનવીનાં મડદાં જ જોવા મળતાં હતાં. એમને ક્યાં ઘટવાં ને ક્યાં બાળવાં તે સમજાતું નહોતું. આ વિકટ સ્થિતિ વચ્ચે કાણ, સૂતક કે સરાવવાનું તો કોઈ મહત્ત્વ જ ન રહ્યું.
(2) કાળુને કોની અદેખાઈ આવતી હતી? કેમ?
ઉત્તર : રણછોડભાઈ અને શંકરદા દુષ્કાળમાં મોતને ભેટ્યા હતા. કાળુની દૃષ્ટિએ તેઓ દુઃખમાંથી છૂટીને અમર થઈ ગયા. આમ, કાળુને પોતાના નસીબમાં ભૂખે ટળવળવાનું આવ્યું, તેથી કાળુને તેમની અદેખાઈ આવતી હતી.
(3) ઢંગડિયાના મહાજનને સુંદરજી શેઠે શી સલાહ આપી?
ઉત્તર : ડેડિયાના મહાજનને સુંદરજી શેઠે એ સલાહ આપી કે વરસાદ નહિ આવે તો આપણામાંથી જેની જેની પાસે ધાન હશે એય નથી જીવવાનાં, ને વરસાદ આવશે તો આના આ જ માનવી એકનું અનેકગણું પકવી આપવાના છે. આપણે કંઈ હળ હાંકવાના નથી.
(4) સુંદરજી શેઠ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર : સુંદરજી શેઠ દેડિયા ગામના મહાજન હતા. તેમનો પોશાક હતો : સફેદ ધોતિયું, અંગરખું, માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો. શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા. કાળુએ જ્યારે ધર્મદુ અનાજ લેવાની ‘ના’ પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દૃષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી-તકિયા પાથરવાનું કામ સોંપ્યું. ઉપરાંત કાળુને સૂચન કર્યું, “તમારું ને તમને આપીએ છીએ, ભાઈ. ધર્માદા જેવું એમાં કંઈ નથી.”
(5) સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે કેવા માણસો નજરે ચડ્યા?
અથવા
સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા?
ઉત્તર : સદાવ્રતમાં ઊભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા, જેમણે ખળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા. નાની સરખી લૂંટફાટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બનીને તારમાં ઊભો હતો.
(6) ધિક્ પડ્યો. એ અવતાર ને ધિક્ પડ્યું એ જીવવું!’ આ શબ્દો કાળુના મુખેથી ક્યારે સરી પડ્યા?
ઉત્તર : કાળુ ખેડૂત હતો. ખેડૂતને જગતનો તાત કહે છે. રાજા, મહારાજા ને શેઠિયાઓ એની આગળ હાથ લંબાવતા હતા. એ જ કાળુને કપરા કાળમાં આજે દોઢ પાશેર ખીચડી માટે હાથ લંબાવવો પડે છે. તેથી સ્વમાની કાળુના મુખેથી શબ્દો સરી પડ્યા : ‘ધિક્ પડ્યો એ અવતાર અને ધિક્ પડ્યું એ જીવવું!”
(7) કાળુએ સિપાઇને શું સંભળાવ્યું? કાળુના શબ્દો શું સૂચવે છે?
ઉત્તર : કાળુએ સિપાઈને સંભળાવ્યું કે, “લાટ હોત તો લેત, પણ કણબી છું એટલે નઈ લઉં. તું તૂટી જઈશ તોય નઈ લઉં! ચાંપી દેવો હોય તો ચાંપી દો ટોટો, આ ઊભો.” કાળુના આ શબ્દો તેનાં સ્વમાન અને ખુમારી સૂચવે છે.
(8) કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે તેને શું કહીને આશ્વસ્ત કર્યો?
ઉત્તર : કાળુને રડતો જોઈને સુંદરજી શેઠે એને સમજાવતાં કહ્યું, “હું જાણું છું જુવાન, કે તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે, પણ અમનેય સદાવ્રત ખોલતાં એટલી જ શરમ આવે છે! સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!”
(9) સુંદરજી શેઠના શબ્દો સાંભળ્યા પછી કાળુની શી પ્રતિક્રિયા હતી?
ઉત્તર : સુંદરજી શેઠના શબ્દો સાંભળ્યા પછી કાળુને સુંદ૨જી શેઠ કોઈ મોટા ગજાના માનવી હોય એવું લાગ્યું. તેણે આંખોથી શેઠને વંદન કર્યાં. શેઠનો આભાર માનવા માટે તેને શબ્દો સૂઝતા નહોતા. તેણે સુંદરજી શેઠને ‘જે શ્રીકૃષ્ણ’ કહીને ચાલતી પકડી.
(10) “બાવાનાં બેય બગડ્યાં’ એમ કાળુ શા માટે કહે છે?
ઉત્તર : “તમારું છે ને તમને આપીએ છીએ. એમાં ધર્માદા જેવું કંઈ જ નથી.” સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો ‘બાવાનાં બેય બગડ્યાં’ જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માગવું નહિ એ ટેક પળાઈ નહિ અને ભીખ માગીને આ તો મરવા જેવું થયું, સ્વમાન ન રહ્યું.
(11) અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે?
ઉત્તર : કાળુ અનાજ લેતાં અચકાતો હતો. સુંદરજી શેઠે આ જોયું. તેને બોલાવીને કહ્યું કે કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. તને એમ લાગતું હોય કે આ ધર્મદાનું છે, તને હાથ લાંબો કરતાં સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને ઝાડુ મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી-તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તને એમ નહિ થાય કે તું ધર્માદાનું મફતનું ખાય છે. કાળુને સુંદરજી શેઠની મોટાઈ સ્પર્શી ગઈ. આથી અંતે કાળુ અનાજ માટેની મદદ લેવા તૈયાર થાય છે.
(12) કાળુની ‘ભૂખ’ અને ‘ભીખ’ની વાતોની રાજુ પર શી અસર થઈ?
ઉત્તર : ‘ભૂખ’ અને ‘ભીખ’ની કઠોર, દારુણ પરિસ્થિતિ સાથે કાળુ સમાધાન કરવા તૈયાર નથી. રાજુએ કાળુને, બાળકને જેમ એક મા ધમકાવે એમ ધમકાવ્યો. દુ:ખી અવાજે તેણે કહ્યું, ‘શું કામ ભેગાં થઈને બધાં મારો જીવ ખાઓ છો?’ સાથે એણે બે છોકરાંને પણ હડસેલી દીધાં. ‘આવી સ્થિતિમાં પોતે મરી ગઈ હોત તો સારું’ – એવા ઉદ્ગારો તેણે કાઢ્યા.
(13) ખાંડણિયામાં માથું, ને ધીમો કેમ રામ’ કહેવત દ્વારા શું સૂચવાય છે?
ઉત્તર : અતિ કારમા દુકાળમાં ભૂખથી પીડાતા અને ભીખ ન લેવાના સ્વમાનભર્યા સ્વભાવથી દાઝેલા કાળુનું માથું અત્યારે ખાંડણિયામાં છે. ‘ખાંડણિયામાં માથું’ એ વિષમ પરિસ્થિતિનો નિર્દેશ કરે છે. ભૂખ અને ભીખનું અસહ્ય દુઃખ તો છે જ, એમાંથી મુક્તિ મેળવવી હોય, તો સાંબેલું જોરથી ઝીંકવામાં આવે તે જ ઉપાય છે. તેથી કાળુ પ્રાર્થના કરે છે : ‘ખાંડણિયામાં માથું, ને ધીમો કેમ રામ?’
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) વરસાદ આઘો ઠેલાતાં, ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો ?
ઉત્તર : વરસાદ આઘો ઠેલાતાં, ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો.
(2) રણછોડભાઈ ને શંકરદા દુઃખ અને ભૂખમાંથી છૂટી ગયા, તેથી કાળુ જેવાને શું થયું?
ઉત્તર : રણછોડભાઈ ને શંકરદા દુઃખ અને ભૂખમાંથી છૂટી ગયા, તેથી કાળુ જેવાને અદેખાઈ આવી.
(3) અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા, વાણિયાને શું કહીને લીધેલા?
ઉત્તર : અનાજ ખૂટ્યું ત્યારે બે મણ મેણા કોદરા, વાણિયાને ‘બીજું નહિ માગું શેઠ’, કહીને લીધેલા.
(4) દુકાળમાં કાળુ સિવાય બીજાં કેટલાં માણસો ઘરમાં હતાં?
ઉત્તર : દુકાળમાં કાળુ સિવાય બીજાં સાત માણસો ઘરમાં હતાં.
(5) વૈશાખ-જેઠના તડકાય આ અષાઢિયા તાપ આગળ કેવા હતા?
ઉત્તર : વૈશાખ-જેઠના તડકાય આ અષાઢિયા તાપ આગળ તરણા જેવા તુચ્છ હતા.
(6) ડેડિયાના વતની સુંદરજી શેઠ દુકાળ પડવાનું કયું કારણ માનતા હતા?
ઉત્તર : ડેડિયાના વતની સુંદરજી શેઠ ખેડૂતોના નિસાસાને દુકાળ પડવાનું કારણ માનતા હતા.
(7) દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી?
ઉત્તર : દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહાજને મદદ કરી.
(8) ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા ધાનની કેટલી કિંમત લીધી?
ઉત્તર : ડેડિયાના મહાજને લોકોને મદદ કરવા ધાનની અડધી કિંમત લીધી.
(9) દિવસે દિવસે ધર્માંદું ખાનારની સંખ્યા વધી, ત્યાં ભૂખે કોને ઠોકરે ચઢાવી?
ઉત્તર : દિવસે દિવસે ધર્માંદું ખાનારની સંખ્યા વધી, ત્યાં ભૂખે ટેકને ઠોકરે ચઢાવી.
(10) મહાજને કોઠારમાંથી શું કાઢી આપવાનું કબૂલ કર્યું?
ઉત્તર : મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું.
(11) ડેગડિયાના મહાજને લોકોને મદદ કરવા કેટલો ભાગ ધરમનો રાખ્યો?
ઉત્તર : ડેડિયાના મહાજને લોકોને મદદ કરવા અડધો ભાગ ધરમનો રાખ્યો.
(12) દુકાળ પડવા બાબતે કાળુ શું માને છે?
ઉત્તર : દુકાળ પડવા બાબતે કાળુ માને છે કે પૃથ્વી પર પ્રલય થવા બેઠો છે.
(13) ધાન લેવા ઊભેલી દરિદ્રનારાયણોની લાંબી કતારમાં ઝાઝો ભાગ કોનો હતો?
ઉત્તર : ધાન લેવા ઊભેલી દરિદ્રનારાયણોની લાંબી કતારમાં ઝાઝો ભાગ ખેડૂતોનો હતો.
(14) બે છોકરાં તેમજ રાજુને ધાન લેવા ઊભાં રાખીને કાળુ શા માટે પાછો વળી ગયો?
ઉત્તર : કાળુ ધર્મદું ખાવાનું પસંદ કરતો નહોતો, તેથી તે બે છોકરાં તેમજ રાજુને ધાન લેવા ઊભાં રાખીને પાછો વળી ગયો.
(15) રાજુ સાથે કાળુએ કઈ શરતે સદાવ્રતમાં જવા તૈયારી બતાવી?
ઉત્તર : પોતે સદાવ્રતમાં આવશે પણ હાથ લાંબો ક૨શે નહિ, એ શરતે રાજુ સાથે કાળુએ જવા તૈયારી બતાવી.
(16) ‘ક્યાં તે મારા મુકામ પર.’ એમ જ્યારે કાળુએ કહ્યું ત્યારે સિપાઈએ કાળુને કેવો કહ્યો?
ઉત્તર : ‘ક્યાં તે મારા મુકામ પર.’ એમ જ્યારે કાળુએ કહ્યું ત્યારે સિપાઈએ કાળુને ‘ઝરખ’ કહ્યો.
(17) કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેનું અપમાન કરતાં શું કહ્યું?
ઉત્તર : કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેનું અપમાન કરતાં કહ્યું, “એ હૂંઠિયા! ક્યાં જાય છે એમ?’’
(18) ‘… આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે !’ સુંદરજી શેઠનું આ વાક્ય કોને ઉદ્દેશીને બોલાયેલું છે?
ઉત્તર : ‘ … આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે!’ સુંદરજી શેઠનું આ વાક્ય કાળુને ઉદ્દેશીને બોલાયેલું છે.
(19) કારમા દુકાળમાં કુદરત આગળ કોણે સૌની લાચારી દર્શાવી?
ઉત્તર : કારમા દુકાળમાં કુદરત આગળ સુંદરજી શેઠે સૌની લાચારી દર્શાવી.
(20) કાળુને કોની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા?
ઉત્તર : કાળુને સુંદરજી શેઠની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા.
(21) ‘શેઠ હજો તો આવા મોટા ગજાના હજો !’ આ વાક્ય કોણ, ક્યારે, કોને સંબોધીને કહે છે?
ઉત્તર : આ વાક્ય કાળુ, શેઠની મોટાઈ જોઈને, મનોમન શેઠને કહે છે.
(22) કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને કહે છે?
ઉત્તર : કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે.
(23) અહેસાન માનવાના શબ્દો ન સૂઝતાં સુંદરજી શેઠને કાળુ શું કરીને ચાલતો થયો?
ઉત્તર : અહેસાન માનવાના શબ્દો ન સૂઝતાં સુંદરજી શેઠને કાળુ ‘જે શ્રીકૃષ્ણ’ કરીને ચાલતો થયો.
(24) કાળુને રાજુનો ઠપકો કેવો લાગતો હતો?
ઉત્તર : કાળુને રાજુનો ઠપકો મીઠો લાગતો હતો.
(25) કાળુ કોને – મરચાંનો – આંખનો પાટો લાગતો હતો?
ઉત્તર : કાળુ સિપાઈને – મરચાંનો – આંખનો પાટો લાગતો હતો.
(26) દોઢ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને શું થયું?
ઉત્તર : દોઢ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતાં કાળુને હસવું આવ્યું.
(27) રાજુ ચિંતાને ડાકણ કેમ કહે છે?
ઉત્તર : ચિંતા ચિતા જેમ બાળે છે, તેથી રાજુ ચિંતાને ડાણ કહે છે.
(28) કાળુની દૃષ્ટિએ ભીખ કોને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે?
ઉત્તર : કાળુની દૃષ્ટિએ ભીખ ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે.
(29) ‘તો ઠંડો છાનામાના –’ કાળુ કોની જેમ આગળ થઈ ગયો? એમ રાજુએ કાળુને કહ્યું પછી
ઉત્તર : ‘તો હેંડો છાનામાના –’ એમ રાજુએ કાળુને કહ્યું પછી કાળુ આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો.
(30) કાળુની આંખમાંથી ડબડબ કરતાં આંસુ કોને જોઈને સરી પડ્યાં?
ઉત્તર : પોતાનાં બાંધવોની ભિખારીઓ જેવી હાલત જોઈને કાળુની આંખમાંથી ડબડબ કરતાં આંસુ સરી પડ્યાં.
(31) ‘ભૂખથીય ભૂંડી ભીખ’ આ વાક્યમાં કોનું દર્દ છલકે છે?
ઉત્તર : ‘ભૂખથીય ભૂંડી ભીખ’ આ વાક્યમાં કાળુનું દર્દ છલકે છે.
(32) ‘ભૂખથીય ભૂંડી ભીખ’ કૃતિ લેખકની કઈ વિખ્યાત નવલકથાનો અંશ છે?
ઉત્તર : ‘ભૂખથીય ભૂંડી ભીખ’ કૃતિ લેખકની ‘માનવીની ભવાઈ’ જેવી વિખ્યાત નવલકથાનો અંશ છે.
(33) દોઢ પાશેર ખીચડી માટે કાળું શું કહેતો હતો?
ઉત્તર : દોઢ પાશેર ખીચડી જોઈને કાળુને થયું કે બાવાનાં બેય બગડ્યાં : ટેકેય ખોઈ અને જીવ પણ ખોવાનો.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here