Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 19 એક બપોરે (ઊર્મિકાવ્ય)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 19 એક બપોરે (ઊર્મિકાવ્ય)
કાવ્ય-પરિચય
‘એક બપોરે’ એ રાવજી પટેલનું નોંધપાત્ર કાવ્ય છે. સારસી તેમજ ખેતર પ્રતીકો છે. ખેતર એટલે જીવન અને સારસી એટલે પ્રિયતમા. વાત એક બપોરની છે, જે બપો૨ે (ભરયુવાનીમાં) સારસી, જીવનમાંથી ઊડી ગઈ છે, દૂર થઈ ગઈ છે. એથી કાવ્યનાયકના હૃદયમાં ખાલીપો વ્યાપી ગયો છે. ખાલીપાની એ વેદના-વ્યથા આ કાવ્યમાં અભિવ્યક્તિ પામે છે. કેટલાક કવિના જીવન સાથે આ ઘટનાને જોડે છે. કવિને ભરયુવાનીમાં ટીબી થયેલો, જે રોગ જીવલેણ સાબિત થયેલો. (જોકે કાવ્ય પાસે એ અર્થઘટન માટે કશો આધાર નથી, પણ કવિનો જીવન-સંદર્ભ જોડવાથી કાવ્યનો રસાસ્વાદ માણી શકાતો હોય તો કશો વાંધો નથી.) શેઢો, ઢોચકી, છાશ, ચલમની તમાકુ, તાપણું, બળદ, હળ વગેરે સાધનો ખેડૂતના જીવન સાથે સંકળાયેલાં છે, ખેડૂતનું એ જીવન છે. કાવ્યનાયક આ શબ્દોને પ્રતીક બનાવી પોતાના જીવનમાં હવે કોઈ રસકસ રહ્યા નથી, એ ભાવ વ્યક્ત કરે છે. કાવ્યમાં સારસીનો ઉલ્લેખ પણ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક જ બની રહે છે. કાવ્યની તળપદી ભાષા વેદનાને વધુ હૃદયસ્પર્શી બનાવે છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) સારસીના ઊડી જવાથી કિવ ઉપર થયેલી અસર તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : સમગ્ર કાવ્યમાં ગ્રામજીવનનો સંદર્ભ છે. પોતાના ખેતરમાં હળ છે, બળદ છે, મા છે, મહુડો છે, શેઢો છે, સારસી છે. અચાનક પોતાના ખેતરના શેઢેથી સારસી ઊડી જતાં કવિ વ્યાકુળ થઈ જાય છે. કવિને ક્યાંય ચેન પડતું નથી એટલે તે બપોરે જમવા માટે ઢોચકીમાંથી કાઢેલી છાશને ફરી ઢોચકીમાં રેડી દેવાનું અને રોટલા બાંધી દેવાનું એમની માને કહે છે. હવે તેમને ખાવામાંય રસ રહ્યો નથી. જમ્યા પછી ચલમ ફૂંકવામાં જે મજા આવતી હતી તેમાં પણ તેમને કસ જણાતો નથી. કેવળ શૂન્યમનસ્ક થઈને તેને મહુડીની છાંય નીચે પડી રહેવામાં આનંદ આવે છે. ભલે આકાશ રેલાઈ જાય, ગળા સુધી ઘાસ ઊગે તોપણ તેમને એની પરવા નથી. હવે તો બળદને હળે જોતરવાની પણ ના પાડી દે છે. સારસીના પ્રતીક દ્વારા વ્યથા પ્રતિબિંબિત થાય છે.
(2) ગ્રામજીવનમાં ખેતર-વાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો.
ઉત્તર : ગ્રામજીવનમાં ખેતર-વાડી એ ખેડૂતનું કાર્ય-કર્મ-ક્ષેત્ર છે. ખેડૂતનું એ સારસર્વસ્વ છે, જીવન છે. અહીં, પ્રસ્તુત ‘એક બપોરે’ કાવ્યમાં કાવ્યનાયક(ખેડૂત)ની એક સારસીના ઊડી જવાથી એક વેદનાગ્રત બપોરની વ્યથાની અભિવ્યક્તિ છે. એમાં કાવ્ય-અંતર્ગત ગ્રામજીવન કે ગ્રામપરિવેશનો ઉલ્લેખ છે. એમાં કાવ્યનાયક (ખેડૂત) છે, ખેતર છે, એનો શેઢો – ખેતરની હદ ઉપરની અણ-ખેડ પટ્ટી, જ્યાં ઢોર માટે ઘાસ થાય છે. મા છે. ભાતું છે. ભાતામાં રોટલા ને છાશ છે. ખેડ કરતાં કરતાં થાક લાગે ત્યારે ચલમનો કસ લઈ પોરો ખાવાની સુવિધા છે. તાપણી છે, એમાં ભારવેલો અગ્નિ છે. ખેતરમાં મહુડી છે. મહુડી જેવાં વૃક્ષો ખેતર ને ખેડૂતની પ્રાકૃતિક સંપદા છે. ઘાસ છે, બળદ છે, હળ છે. આમ, છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, શેઢો વગેરે ખેતર-વાડીનાં વર્ણનો, ગ્રામજીવનને પ્રગટ કરે છે.
જોકે કાવ્યમાં વર્ણવાયેલાં આ પ્રાકૃતિક જીવનનાં દૃશ્યો, કાવ્ય માટે સાધનો છે, સાધ્ય તો છે કાવ્ય. સાધનો(ઉપાદાનો)થી સિદ્ધ થાય છે કાવ્ય ‘એક બપોરે.’ પ્રસ્તુત ગ્રામજીવનના આટલા વર્ણન માત્રથી આપણે જોયેલાં ગ્રામજીવનનાં અન્ય દૃશ્યો પણ માનસપટ ઉપર તરી આવે છે!
(3) ‘એક બપોરે’ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તર : ‘એક બપોરે’ કટાવ છંદમાં લખાયેલી, રાવજી પટેલની કવિપ્રતિભાને સુંદર રીતે વ્યક્ત કરતી કવિતા છે. ‘સારસી’ તેમજ ‘ખેતર’ બંને પ્રતીકો છે. ખેત જેનાથી રળિયામણું હતું એ ‘સારસી’ ઊડી જાય છે, ને ખેતરના ખેડુના ચિત્તમાં એથી ઘેરો વિષાદ પ્રગટે છે. ‘સારસી’ એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે કે કેમ એની કશી સ્પષ્ટતા કવિએ કાવ્યમાં કરી નથી. એથી એ ગોપિત રહસ્ય અનેક અર્થની વ્યંજનાઓમાં ભાવકને ઘેરા રસાનુભવમાં લઈ જાય છે. ખેતર જીવનનું પ્રતીક છે, એ સમજાય એવું છે. કાવ્યનું શીર્ષક ‘સારસી’ નથી, પણ ‘એક બપોરે’ એવું છે. કેટલાક સાહિત્યકારો કાવ્યની આ ઘટનાને અકાળે, નાની ઉંમરે મૃત્યુ પામેલા, કાવ્યના કવિ રાવજી પટેલ સાથે જોડે છે. જોકે કાવ્યમાં એ અંગે પણ કશો આધાર નથી. જોકે જેઓ રાવજીના થયેલા અકાળ અવસાનની ઘટનાને જાણે છે તેઓ કાવ્યનો આસ્વાદ એ રીતે લેતા હોય તોપણ એમાં કશું ખોટું નથી.
બપોરે જમવા બેસતાં, ઘેરા વિષાદમાં અટવાયેલા કવિને સારસીનું એકાએક ઊડી જવું, કોરી ખાય છે. કશું ગમતું નથી. ઢોચકી – છાશ – રોટલા – ચલમ – તમાકુ – કશામાં રસ નથી રહ્યો. જિંદગી નિરસ બની ગઈ છે. ખેતરમાંની સારસી વિષાદના કેન્દ્રમાં છે, કદાચ એ કાવ્યનાયકના જીવનની નિયતિ છે, તો એ સમય (મધ્યાહ્ન – એક બપોર) પણ વિષાદને વધુ ઘેરો બનાવે છે. મધ્યાહ્ન એટલે જીવનનો મધ્યભાગ. કવિએ એમના એક કાવ્યમાં કહ્યું છે એમ જાણે ‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અબકાતાં રાજ, ડૂબ્યા મલકાતાં કાજ.’ અકાળે પ્રાણતત્ત્વરૂપ સારસીનું ઊડી જવું, જીવન(ખેતર)માંથી રસકસને પણ જાણે સાથે લઈ જાય છે.
આમ, ‘એક બપોરે’ શીર્ષક દ્વારા કવિ કાવ્યની અનેક અર્થવ્યંજનાઓને ગોપિત રાખીને ભાવકના ચિત્તમાં વિશેષ રસાનુભવ કરાવે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે?
ઉત્તર : એક સારસી જે કવિને પ્રિય લાગે છે, તે ખેતરને શેઢેથી ક્યાંક ઊડી ગઈ છે. એના ઊડી જવાથી કાવ્યનાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે. એમને જીવનમાંથી રસ ઊડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) કાવ્યનાયક કોના ખેતરની વાત કરે છે?
ઉત્તર : કાવ્યનાયક પોતાના ખેતરની વાત કરે છે.
(2) સારસી ક્યાંથી ઊડી ગઈ છે?
ઉત્તર : સારસી ખેતરને શેઢેથી ઊડી ગઈ છે. :
(3) ‘સારસી’નો ઉલ્લેખ કયા કાવ્યમાં થયો છે?
ઉત્તર : ‘સારસી’નો ઉલ્લેખ ‘એક બપોરે’ કાવ્યમાં થયો છે.
(4) કાવ્યનાયક માને શું બાંધી દેવા કહે છે?
ઉત્તર : કાવ્યનાયક માને રોટલા બાંધી દેવા કહે છે.
(5) કવિને શેમાં કસ રહ્યો નથી એમ લાગે છે?
ઉત્તર : કવિને ચલમની તમાકુમાં કસ રહ્યો નથી એમ લાગે છે. :
(6) કાવ્યનાયક માને શું ઠારી દેવાનું કહે છે?
ઉત્તર : કાવ્યનાયક માને ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે.
(7) ‘ભારવેલો અગ્નિ’ એટલે શું?
ઉત્તર : ‘ભારવેલો અગ્નિ’ એટલે રાખ નીચે સંઘરેલો અગ્નિ.
(8) કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે?
ઉત્તર : કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું માને કહે છે.
(9) ‘ભલે આખું આભ રેલી જાય’ પંક્તિનો અર્થ દર્શાવો.
ઉત્તર : ‘ભલે આખું આભ રેલી જાય’ પંક્તિનો અર્થ છે ‘ભલે ધોધમાર વરસાદ પડે.’
(10) કાવ્યનાયક ગળા સમું શું ઊગી જવાની કલ્પના કરે છે?
ઉત્તર : કાવ્યનાયક ગળા સમું ઘાસ ઊગી જવાની કલ્પના કરે છે.
(11) ‘એક બપોરે’ કાવ્યના કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે?
ઉત્તર : ‘એક બપોરે’ કાવ્યના કવિને હવે કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી, તેથી તે ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે.
(12) કવિ અંતમાં શું કરવાની ના પાડે છે?
ઉત્તર : કવિ અંતમાં બળદને હળે જોતરવાની ના પાડે છે.
(13) ‘એક બપોરે’ કાવ્યમાં પ્રિયતમા કે પત્નીના પ્રતીક સાથે જીવનનું પ્રતીક ક્યું છે, તે દર્શાવો.
ઉત્તર : ‘એક બપોરે’ કાવ્યમાં પ્રિયતમા કે પત્નીના પ્રતીક સાથે સારસી પણ જીવનનું પ્રતીક છે.
(14) તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કઈ કૃતિ છે?
ઉત્તર : અમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલી કૃતિ ‘એક બપોરે’ છે.
(15) રાવજી પટેલની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે?
ઉત્તર : રાવજી પટેલની ‘એક બપોરે’ કૃતિ અમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here