Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 22 હિમાલયમાં એક સાહસ (પ્રવાસનિબંધ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 22 હિમાલયમાં એક સાહસ (પ્રવાસનિબંધ)

પાઠ-પરિચય

આ પ્રવાસનિબંધ મૂળ અંગ્રેજી ભાષામાં જવાહરલાલ નેહરુએ લખેલો છે. એનો અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ ‘મારી જીવનકથા’ નામે કરેલો છે. સાહસિક નેહરુ પોતાની એક ટુકડી સાથે હિમાલયના પ્રવાસે નીકળ્યા. સાથે એક ભોમિયાને પણ લીધો, પણ જરૂરી સાધનસામગ્રી ન હોવાને કારણે નેહરુનો પગ એક જગ્યાએ ખોભણમાં લપસ્યો. દોરડાએ તેમને પકડી રાખ્યા આથી તેઓ બચી ગયા. ખોભણોની સંખ્યા અને વિશાળતા જોતાં તેમને નાઇલાજે પ્રવાસ અધૂરેથી છોડી દેવો પડ્યો. આ નિબંધમાં નેહરુએ જોયેલાં હિમાચ્છાદિત શિખરો અને હિમનદીઓનું સુંદર દૃશ્ય આલેખાયું છે. એથીયે વિશેષ ત્યાં સુધી પ્રવાસ કરવાનું તેમનું સાહસ અને હિમાલય પ્રત્યેના પ્રેમને તેમણે સાદી અને સરળ શૈલીમાં વર્ણવ્યાં છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

(1) ‘હિમાલયમાં એક સાહસ’ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. 
ઉત્તર : જવાહરલાલ નેહરુએ તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભોમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. અફાટ હિમસમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી, પછી આ દોરડાની સાંક્ળ સાથે સૌ એક્બીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો છતાં તેમને ઊલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તોપણ હિંમત કરીને આગળ વધતા ગયા. બાર કલાકના સતત ચડાણના અંતે નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દૃશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમસરોવર ઓળંગવું પડે; પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતાં લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા, પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા.
(2) લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : ઝોજીલા ઘાટ તરફની સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો તો બંને બાજુ પહાડો ઊભા હતા. તેમનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો. હિમના નાના નાના પ્રપાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે અતિ મંદ ગતિએ ઊતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા મળે અને હવા નિર્મળ હતી. આગળ જાઓ તો હિમાલયની આસપાસનાં વૃક્ષો અને વનસ્પતિ અદૃશ્ય થઈ જાય, પછી માત્ર ખડક, હિમ અને બરફ, ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. આ જંગલી અને વેરાન પ્રકૃતિમંદિરો જોઈને સંતોષ થાય. સતત ચડાણ ચઢો તો નજર સામે એક વિશાળ હિમસરોવર દેખાય. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું આ ભવ્ય દૃશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું.
(3) પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે તમને યોગ્ય લાગ્યું કે નહિ તે કારણો સાથે જણાવો.
ઉત્તર : પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું; કારણ કે રસ્તામાં ઠેકઠેકાણે ખોભણોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. એને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધનસામગ્રી નહોતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં ખોભણ દેખાતી નહિ. આથી પગ લપસવાની પૂરી શક્યતા હતી. એટલે આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું.
(4) ‘હિમાલયમાં એક સાહસ’ પ્રવાસનિબંધને આધારે જવાહરલાલ નેહરુના વ્યક્તિત્વ વિશે નોંધ લખો.
ઉત્તર : પ્રસ્તુત પ્રવાસનિબંધના લેખક જવાહરલાલ નેહરુ છે. તેઓ પ્રવાસના શોખીન છે. સુવિધાઓ સાથે નહિ, પણ અગવડ વેઠીને પ્રવાસ કરવાનો એમને શોખ છે. સાહસ એમનો સ્વભાવ છે, પોતે સંવેદનશીલ છે, સૂક્ષ્મ અવલોકનશક્તિ ધરાવે છે. અનેકોની જેમ એમને હિમાલયનું આકર્ષણ છે. તેઓ રાજકારણી હતા, અનેક વાર જેલમાં ગયેલા. જેલમાં હતા ત્યારે પણ ભવિષ્યમાં હિમાલયનાં ઉન્નત શિખરો ભણી પ્રવાસ કરવાની, તેમજ માનસરોવર, કૈલાસનાં દર્શન કરવાની આશા સેવતા હતા. રાજકારણમાં પ્રજાજીવનનાં અનેક સેવાકાર્યોનાં કાર્યોમાં વ્યસ્ત હતાં, તેથી હિમાલયનો પ્રવાસ કરવાની ઇચ્છા પૂરી થયેલી નહિ. એમને સતત અફસોસ રહેતો, લેખો લખતા પણ પ્રવાસમાં મળે તેવો આનંદ મળ્યો નહોતો. હિમાલયનો જ્યારે તેમણે પ્રવાસ કર્યો ત્યારે પોતાની આશા પૂરી થઈ. અત્યાર સુધી પ્રવાસ લાલસાને તૃપ્ત કરવાને બદલે જેલજાત્રાથી સંતોષ માનવો પડતો હતો. આમ, નેહરુના વ્યક્તિત્વનો એક છેડો પ્રકૃતિ સાથે જોડાયેલો છે, તો બીજો છેડો રાજકારણ દ્વારા પ્રજાજીવનનાં લોકકલ્યાણનાં કાર્યો સાથે જોડાયેલો રહ્યો છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1 ) ઝોજીલા ઘાટની પ્રકૃતિ કેવી હતી?
ઉત્તર : ઝોજીલા ઘાટની બંને બાજુ પહાડો હતા. એ તરફ જોતાં વેરાન ખડકો દેખાતા હતા. ખીણ સાંકડી હતી તેમજ નીચેની બાજુ નાના હિમપ્રપાતો દૃષ્ટિગોચર થતા હતા.
(2) લેખક જેલ દરમિયાન કયાં સપનાં જોતા હતા?
ઉત્તર : લેખક જેલ દરમિયાન ફરીવાર હિમાલયનો પ્રવાસ કરવાનાં સપનાં જોતા હતા. માનસરોવર અને કૈલાસની યાત્રાએ જવાની એમની અદમ્ય ઇચ્છા હતી. એમના હૃદયમાં હિમાલયનું આકર્ષણ કોઈ કાળે ભૂલાય એમ નહોતું.
(3) લેખક પ્રવાસ દરમિયાન દૂર કે નજીકનાં સ્થળો વિશે શા માટે છેતરાઈ જતા હતા?
ઉત્તર : પ્રવાસ દરમિયાન પવન ઠંડો અને આકરો હતો. દિવસનો મધુર તડકો અને હવા નિર્મળ હતી. બધે બરફ જ બરફ નજરે પડતો હતો, તેથી લેખક દૂર કે નજીકનાં સ્થળો વિશે છેતરાઈ જતા હતા.
(4) લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે શું કર્યું?
ઉત્તર : લેખક અને તેમની ટુકડીએ હિમનદી ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી. પછી એ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગવા લાગ્યા.
(5) ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? 
ઉત્તર : ખોભણમાં લેખકનો પગ લપસ્યો; પરંતુ સૌ એક્બીજા દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાએ તેમને પકડી રાખ્યા. પોતે ખોભણની એક બાજુને વળગી રહ્યા એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ઝોજીલા ઘાટની તરફ ખડક કેવો દેખાતો હતો?
ઉત્તર : ઝોજીલા ઘાટની તરફ ખડક સાવ વેરાન દેખાતો હતો.
(2) પહાડોનાં શિખરો ઉપર શું ચળકી રહ્યું હતું?
ઉત્તર : પહાડોનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો હતો.
(3) લેખકનું સ્વાગત કરવા અતિ મંદ ગતિએ કોણ ઊતરી રહ્યા હતા?
ઉત્તર : લેખકનું સ્વાગત કરવા અતિ મંદ ગતિએ પ્રપાતો ઊતરી રહ્યા હતા.
(4) લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે શાથી છેતરાતા હતા?
ઉત્તર : મધુર તડકાને અને હવાને કારણે લેખક એક સ્થાનથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિશે છેતરાતા હતા.
(5) લેખક અજબ તૃપ્તિ, સ્ફૂર્તિ અને આહ્લાદકતાનો અનુભવ ક્યાં કરતા હતા?
ઉત્તર : લેખક અજબ તૃપ્તિ, સ્ફૂર્તિ અને આહ્લાદકતાનો અનુભવ જંગલી અને વેરાન પ્રકૃતિ મંદિરોમાં કરતા હતા.
(6) માતાયાન કયા ઘાટ ઉપર આવેલું હતું ?
ઉત્તર : માતાયાન ઝોજીલા ઘાટ ઉપર આવેલું હતું.
(7) માતાયાનથી આગળ ટુકડી સાથે પહાડ ચડતાં લેખકે કોને ભોમિયા તરીકે સાથે લીધો?
ઉત્તર : માતાયાનથી આગળ ટુકડી સાથે પહાડ ચડતાં લેખકે ભોમિયા તરીકે ભરવાડને સાથે લીધો.
(8) સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈ શું ઓળંગતા ચડતા ગયા?
ઉત્તર : સૌ દોરડાની સાંકળેથી એકબીજાની સાથે સંકળાઈને હિમનદીઓ ઓળંગતા ચડતા ગયા.
(9) બાર ક્લાકના સતત ચડાણને અંતે એમણે ક્યું સરોવર જોયું?
ઉત્તર : બાર કલાકના સતત ચડાણને અંતે એમણે હિમસરોવ૨ જોયું.
(10) હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દૃશ્ય કેવું લાગતું હતું?
ઉત્તર : હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દશ્ય દેવોના મસ્તક પરના મુકુટ જેવું લાગતું હતું.
(11) પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની સાથે કોણ કોણ હતું ?
ઉત્તર : પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની સાથે પિતરાઈ ભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી.
(12) લેખક (જવાહરલાલ) ક્યાં સ્થળોથી મુગ્ધ હતા ?
ઉત્તર : લેખક (જવાહરલાલ) કાશ્મીરનાં ઊંચાં ગિરિવરો અને ખીણોથી મુગ્ધ હતા.
(13) હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દૃશ્ય લેખકની નજરથી કેમ અદૃશ્ય થઈ ગયું?
ઉત્તર : હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દૃશ્ય હિમ અને ધુમ્મસને કારણે લેખકની નજરથી અદૃશ્ય થઈ ગયું.
(14) ભયાનક અને લાંબી ખોભણમાં લેખક શાથી છેતરાયા?
ઉત્તર : ભયાનક અને લાંબી ખોભણમાં લેખક તાજું હિમ પડવાને કારણે છેતરાયા.
(15) પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની ક્યા સ્થળે જવાની ઇચ્છા હતી?
ઉત્તર : પ્રવાસમાં લેખક(જવાહરલાલ)ની માનસરોવર જવાની ઇચ્છા હતી.
(16) ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને પ્રવાસલાલસા તૃપ્ત કરવાને બદલે લેખકને એ શાથી તૃપ્ત કરવી પડી છે?
ઉત્તર : ગિરિવરો ચડીને અથવા દરિયા ઓળંગીને પ્રવાસલાલસા તૃપ્ત કરવાને બદલે લેખકને જેલયાત્રાથી પ્રવાસલાલસા તૃપ્ત કરવી પડી છે.
(17) લેખક અમરનાથની ગુફાનાં દર્શન કર્યા વિના શા માટે પાછા કર્યા ?
ઉત્તર : લેખક અમરનાથની ગુફાનાં દર્શન કર્યા વિના પાછા ફર્યા, કારણ કે તેઓ શરીરથી અને મનથી થાકી ગયા હતા તેમજ ખોભણો ઓળંગવાના સાધનસામગ્રી નહોતાં.
(18) લેખક(જવાહરલાલ)ને કશ્મીર જવાની ઘણીય ઇચ્છા હતી, છતાં તેઓ શા માટે જઈ શક્યા નહિ?
ઉત્તર : લેખક(જવાહરલાલ)ને કશ્મીર જવાની ઘણીય ઇચ્છા હતી, પરંતુ તેઓ રાજકાજ અને લોકસેવાનાં કામોમાં ગૂંચવાઈ ગયા હતા તેથી જઈ શક્યા નહિ.
(19) હિમનદીઓના માર્ગમાં શું આવતું હતું?
ઉત્તર : હિમનદીઓના માર્ગમાં મોટી ખોભણો આવતી હતી.
(20) અમરનાથ જતાં મજૂરોને શી તક્લીફ પડવા લાગી?
ઉત્તર : અમરનાથ જતાં મજૂરોને શ્વાસ લેવાની તક્લીફ પડવા લાગી.
(21) કઈ ગુફાનાં દર્શન કરવાની લેખકની ઇચ્છા હતી?
ઉત્તર : અમરનાથની ગુફાનાં દર્શન કરવાની લેખકની ઇચ્છા હતી.
(22) ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિના રચયિતાનું નામ જણાવો.
ઉત્તર : ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિના રચયિતા જવાહરલાલ નેહરુ હતા.
(23) ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ કઈ ભાષામાંથી કરેલો છે?
ઉત્તર : ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિનો અનુવાદ અંગ્રેજી ભાષામાંથી કરેલો છે.
(24) ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિમાં લેખકે કયા કવિની પંક્તિઓનો ઉપયોગ કર્યો છે?
ઉત્તર : ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિમાં લેખકે વૉલ્ટર ડલામેરની પંક્તિઓનો ઉપયોગ કર્યો છે.
(25) ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિ જવાહરલાલના લખેલા કયા પુસ્તકના ગુજરાતી અનુવાદમાંથી લીધેલ છે?
ઉત્તર : ‘હિમાલયમાં એક સાહસ’ કૃતિ જવાહરલાલના ‘મારી જીવનકથા’ પુસ્તકના ગુજરાતી અનુવાદમાંથી લીધેલ છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *