Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 6 વાઈરલ ઈન્ફેક્શન (નિબંધ)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 6 વાઈરલ ઈન્ફેક્શન (નિબંધ)
પાઠ-પરિચય
જાણીતા ચિંતક ગુણવંત શાહના ‘મરો ત્યાં સુધી જીવો’ નિબંધસંગ્રહમાંથી આ નિબંધ ‘વાઇરલ ઇન્ફેક્શન’ લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે માનવીની આરોગ્ય પ્રત્યેની બેદરકારી પરત્વે ધ્યાન દોર્યું છે, એટલું જ નહિ, પણ સમાજની અનેક મર્યાદાઓ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. પાન, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનો અને સ્વચ્છતા પ્રત્યે બેદરકારી આરોગ્ય માટે હાનિકારક છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ સત્ય હજી આપણે સમજી શક્યા નથી. આ નિબંધનો સંદેશ એ છે કે સ્વચ્છતાનું મહત્ત્વ સમજવું અને દુર્વ્યસનોથી દૂર રહેવું. કેવળ નિર્વ્યાજ પ્રેમ જ માનવીના જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવે છે. એ સંદર્ભમાં લેખકે ‘લવ થેરપી’ની જીવનમાં તાતી અનિવાર્યતા છે, એમ કહી એની મહત્તા દર્શાવી છે. લેખકે રસાળ શૈલી તેમજ અનેક સંદર્ભો દ્વારા પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરી છે, એ રીતે નિબંધ દ્વારા લોકજાગૃતિનું અનન્ય કાર્ય થયું છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) ‘હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો.’’ ‘વાઇરલ ઇન્ફેક્શન’ પાઠને આધારે આ વિધાન સમજાવો.
ઉત્તર : ‘હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો.” આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિસુંદર-સ્વસ્થ-હૃદય આપે છે. કોઈના પક્ષે એને ભેદભાવ નથી. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને, આહારવિહારની કુટેવોને લીધે, શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદયરોગનો ભોગ બને છે. લેખક કટાક્ષમાં કહે છે, ‘શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઑફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. ગમે તે સમયે, ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. સુખી લોકોના બેઠાડુપણાને લેખક સ્થૂળ સાધના કહે છે. જેને પરસેવો નથી વળ્યો તેવું શરીર પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય એમ લેખક કહે છે.
(2) આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્યસંબંધી કોઈ ફરિયાદ ન હોય, તોપણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ, વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુના ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે. માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય ‘લવ થેરપી’ છે.
(3) લેખકે સૂચવેલાં સામાજિક જાગૃતિનાં પગલાં જણાવો.
ઉત્તર : લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવાં પગલાં લેવાં તેનાં કેટલાંક સૂચનો કર્યાં છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હૉસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ સર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે, પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ, એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણી-પીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટકા, ધૂમ્રપાન, વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ.
(4) “મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક શા માટે કહે છે ?
ઉત્તર : “મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.’’ એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી ઍસિડિટી વધી શકે છે. મનની પ્રસન્નતા માટે હાસ્યની એક પણ તક જતી ન કરવા લેખક સૂચવે છે. માનસિક તાણથી બ્લડપ્રેશરની બીમારી આવે છે. તાણને લેખકે ચુડેલ સાથે સરખાવી છે, તેનો નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં તાણ આવે, તો બંનેના સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવાં દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે? :
ઉત્તર : માલિકે આપણને સુંદર-સ્વસ્થ-શરીર આપ્યું છે. આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના, બેઠાં બેઠાં, મનગમતું ખાઈપીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે.
(2) લેખક હૃદયરોગના હુમલા વિશે શું જણાવે છે?
ઉત્તર : લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી ક્લાકો સુધી ઑફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તેણે ગમે તે સમયે, ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો હોતો. તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ ક્રૂર કટાક્ષ ગણાય.
(3) લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?
ઉત્તર : કીડિયારાની જેમ ઓ.પી.ડી. પુષ્કળ દર્દીઓથી ઊભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથઆશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.
(4) ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો.
ઉત્તર : ખાનપાન અંગેના લેખકના વિચારો ઃ તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, બદામ કે કાજુ મોંઘાં પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય એ જરૂરી નથી, ફળ પણ હોઈ શકે. કોઈનાં લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં સંયમ જાળવવો જોઈએ.
(5) “માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી.’ આ વિધાન સમજાવો.
ઉત્તર : જો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર હોય, તો તન અને મનનું આરોગ્ય જળવાય છે. જીવનવીમો ઉતારવો જરૂરી છે, પણ એથીયે વિશેષ જીવનમાં શ્રદ્ધા જરૂરી છે. એમાં સમભાવરૂપી રોકાણ કરવામાં આવે, તો સ્નેહરૂપી ડિવિડન્ડ મળતું રહે. આવું બને તો માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય એવા આદર્શ સમાજ’ની કલ્પના કોણે કરેલી?
ઉત્તર : ‘જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય એવા આદર્શ સમાજ’ની કલ્પના સેમ્યુલર બટલરે કરેલી.
(2) ‘કાર ખોટવાય તો માલિક શરમાય છે, પણ માણસનું શરીર ખોટવાય તો તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે.’’ આ વાત કોના નિબંધમાં છે?
ઉત્તર : ‘‘કાર ખોટવાય તો માલિક શરમાય છે, પણ માણસનું શરીર ખોટવાય તો તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે.” આ વાત બર્દ્રાડ રસેલના નિબંધમાં છે.
(3) સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે કેવી રીતે વર્તે છે?
ઉત્તર : સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે.
(4) ખાવા-પીવામાં અભણની માફક કોણ વર્તે છે?
ઉત્તર : ખાવા-પીવામાં અભણની માફક ભણેલા લોકો વર્તે છે.
(5) ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?
ઉત્તર : ખાવા-પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે.
(6) આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર કોણ જોવા મળે છે?
ઉત્તર : ડૉક્ટર આરોગ્ય અંગે દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે.
(7) સંપૂર્ણ નીરોગી માણસે શું કરવું જોઈએ ?
ઉત્તર : સંપૂર્ણ નીરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ.
(8) ‘વાઇરલ ઇન્ફેક્શન’ નિબંધના લેખકે સભ્ય ગણાતા સમાજની શરમ કોને કહી છે?
ઉત્તર : ‘વાઇરલ ઇન્ફેક્શન’ નિબંધના લેખકે ઓ.પી.ડી.માં કીડિયારાની જેમ દર્દીઓ ઊભરાય છે તેને સભ્ય સમાજની શરમ કહી છે.
(9) ડૉક્ટરને જ્યારે કશું ન સમજાય ત્યારે ક્યા બે શબ્દો એમની મદદે આવી ચઢે છે?
ઉત્તર : ડૉક્ટરને જ્યારે કશું ન સમજાય ત્યારે ‘વાઇરલ ઇન્ફેક્શન’ – એ બે શબ્દો એમની મદદે આવી ચઢે છે.
(10) જે દેશમાં જાહેર આરોગ્ય પાંગળું હોય ત્યાં કર્યો રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે?
ઉત્તર : જે દેશમાં જાહેર આરોગ્ય પાંગળું હોય ત્યાં મહામારીનો રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે.
(11) ઢગલાબંધ વસતિમાં જથ્થાબંધ મહામારી હોવાનું કારણ લેખક કોને ગણાવે છે?
ઉત્તર : ઢગલાબંધ વસતિમાં જથ્થાબંધ મહામારી હોવાનું કારણ લેખક પાંગળા જાહેર આરોગ્યને ગણાવે છે.
(12) ગુણવંત શાહની દૃષ્ટિએ કઈ હૉસ્પિટલ વધારે મોંઘી હોય છે?
ઉત્તર : ગુણવંત શાહની દષ્ટિએ સ્વચ્છ હૉસ્પિટલ વધારે મોંઘી હોય છે.
(13) ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા?
ઉત્તર : ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા.
(14) કોને બેઠાડુપણું કહેવામાં આવે છે?
ઉત્તર : સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે.
(15) ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા?
ઉત્તર : ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા.
(16) પોતાની માંદગીને કોણ આધ્યાત્મિક ભૂલ ગણતું?
ઉત્તર : પોતાની માંદગીને ગાંધીજી આધ્યાત્મિક ભૂલ ગણતા.
(17) ગુણવંત શાહની દૃષ્ટિએ રોગના મૂળમાં શું રહેલું છે?
ઉત્તર : ગુણવંત શાહની દૃષ્ટિએ રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે.
(18) ગુણવંત શાહના મત પ્રમાણે શું ખાનારને સફરજન મોંઘું પડે છે?
ઉત્તર : ગુણવંત શાહના મતે તમાકુ-ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે.
(19) ‘વાઇરલ ઇન્ફેક્શન’ નિબંધના લેખકની દૃષ્ટિએ મોટે ભાગે વેડફાઈ ચૂકેલું જીવન ક્યાં પડેલું જોવા મળે છે?
ઉત્તર : ‘વાઇરલ ઇન્ફેક્શન’ નિબંધના લેખકની દૃષ્ટિએ મોટે ભાગે વેડફાઈ ચૂકેલું જીવન માંદગીને ખાટલે પડેલું જોવા મળે છે.
(20) શાનાથી તાણમાં ઘટાડો થાય છે?
ઉત્તર : ભજનાનંદથી તાણમાં ઘટાડો થાય છે.
(21) રામે કઈ રાક્ષસીનો વધ કરેલો?
ઉત્તર : રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો.
(22) લેખકે તાણને કોની સાથે સરખાવી છે?
ઉત્તર : લેખકે તાણને વાંસા વગરની ચુડેલ સાથે સરખાવી છે. ?
(23) આપણે કોનો વધ કરવાનો છે
ઉત્તર : આપણે અહંકારનો વધ કરવાનો છે
(24) લેખકના મતે ઘ૨માં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતાં અટકી જશે ?
ઉત્તર : લેખકના મતે ઘરમાં મા-બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે.
(25) આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે શાનો સ્વીકાર થયો નથી?
ઉત્તર : આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે પ્રેમનો સ્વીકાર થયો નથી.
(26) ‘વાઇરલ ઇન્ફેક્શન’ નિબંધ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : ‘વાઇરલ ઇન્ફેક્શન’ નિબંધ લેખકના ‘મરો ત્યાં સુધી જીવો’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.
(27) તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ ક્યા પાઠમાં કરવામાં આવ્યો છે?
ઉત્તર : તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ ‘વાઇરલ ઇન્ફેક્શન’ પાઠમાં કરવામાં આવ્યો છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here