Gujarat Board | Class 10Th | Gujarati Vyakaran | Model Question Paper & Solution | Chapter – 1 સમાસ
Gujarat Board | Class 10Th | Gujarati Vyakaran | Model Question Paper & Solution | Chapter – 1 સમાસ
સમાસ અને તેના પ્રકાર
વિગ્રહ : સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ ને એ પછીનો શબ્દ તે ઉત્તરપદ. પૂર્વપદ અને ઉત્તરપદને છૂટાં પાડી અર્થ બતાવવાની ક્રિયા તે સમાસનો વિગ્રહ. જેના પર અર્થનો આધાર હોય એવાં બે કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહે છે. નવા રચાયેલા પદને સામાસિક કે સમસ્ત પદ કહે છે.
કાર્ય : સમાસ સ્વતંત્ર પદ છે અને એના વપરાશથી ભાષામાં સરળતા, સચોટતા તથા સંક્ષેપ આવે છે. શબ્દોના કરકસરભર્યા ઉપયોગથી બોલવામાં સરળતા રહે છે અને અર્થની વિવિધ છાયાઓ ભાષામાં પ્રગટે છે.
પ્રકાર : બે કે વધુ પદો જોડાતાં સમાસ બને છે, પણ એ જોડાયેલાં પદો વચ્ચે વિવિધ સંબંધ હોય છે, એને આધારે સમાસના જુદા જુદા પ્રકારો પડે છે.
( 1 ) ફાગણ-ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યા કરે.
• ફાગણની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યા કરે.
• ચૈત્રની સવારોમાં ટપટપ મહુડાં ટપક્યા કરે.
બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર, સીધો સંબંધ ધરાવે છે. બંને પદ મુખ્ય છે. આવા સમાસને સર્વપદપ્રધાન સમાસ કહે છે.
( 2 ) બધા મહાપુરુષો ટાઇમટેબલ રાખતા.
• બધા મહા ટાઇમટેબલ રાખતા.
• બધા પુરુષો ટાઇમટેબલ રાખતા.
અહીં એક પદ (પુરુષો) વાક્ય સાથે સ્વતંત્ર, સીધો સંબંધ ધરાવે છે, જ્યારે બીજું પદ (મહા) અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ છે. આવા સમાસને એકપદપ્રધાન સમાસ કહે છે.
(3) નર્મદાને કાંઠે મુશળધાર વરસાદ પડ્યો.
• નર્મદાને કાંઠે મુશળ વરસાદ પડ્યો.
• નર્મદાને કાંઠે ધાર વરસાદ પડ્યો.
અહીં સમાસનું એકેય પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી, પણ સમસ્ત પદ (મુશળધાર) વાક્યના અન્ય પદ(વરસાદ)ને આધારે રહેલું ગૌણ પદ છે. આવા સમાસને અન્યપદપ્રધાન સમાસ કહે છે.
સમાસમાં જોડાતાં પદો વચ્ચેના સંબંધને આધારે સમાસોના પ્રકારો આ પ્રમાણે પડે છે : ( 1 ) દ્વન્દ્વ, (2) તત્પુરુષ, (૩) મધ્યમપદલોપી, ( 4 ) કર્મધારય, ( 5 ) ઉપપદ અને ( 6 ) બહુવ્રીહિ.
( 1 ) દ્વન્દ્વ સમાસ : જે બે કે બેથી વધુ પદો સમાન મોભો ધરાવતાં હોય તેવાં પદોના બનેલા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે. આ પદોનો ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવાં ઉભયાન્વયી સંયોજકોથી વિગ્રહ થાય છે.
આ સમાસ સર્વપદપ્રધાન છે.
( 1 ) દાળચોખા – દાળ અને ચોખા
( 2 ) સ્ત્રીપુરુષ – સ્ત્રી અને પુરુષ
( 3 ) સુખદુઃખ-સુખ અને દુઃખ/સુખ
( 4 ) ઊંચનીચ – ઊંચ કે નીચ દુઃખ
( 5 ) સ્ત્રીપુરુષબાળકો – સ્ત્રીઓ અને પુરુષો અને બાળકો
( 2 ) તત્પુરુષ સમાસ ઃ જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવાં પદોના બનેલા સમાસને તત્પુરુષ સમાસ કહે છે. તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉત્તરપદ પ્રધાન હોય છે.
આ સમાસ એકપદપ્રધાન છે.
( 1 ) ધર્મનિષ્ઠા – ધર્મમાં નિષ્ઠા; ધર્મ પ્રત્યે નિષ્ઠા
( 2 ) કીર્તિગાથા – કીર્તિની ગાથા
( 3 ) ઉત્સવઘેલા – ઉત્સવથી ઘેલા; ઉત્સવમાં ઘેલા
( 4 ) વિદ્યાભ્યાસ – વિદ્યા માટે અભ્યાસ
( 5 ) જન્મદાતા – જન્મનો દાતા
(3) મધ્યમપદલોપી સમાસ : જે બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય પણ સમાસનો વિગ્રહ કરતી વખતે ઉમેરવાં પડતાં કડીરૂપ પદોનો લોપ થયેલો હોય તેવા સમાસને મધ્યમપદલોપી સમાસ કહે છે.
( 1 ) કાગળદાબણિયું – કાગળ દાબવા માટેનું દાબણિયું (વજન)
( 2 ) રેવાશંકર – રેવામાં (રેવામધ્યે) પ્રસ્થાપિત શંકર
( 3 ) મેઘધનુષ – મેઘને કારણે રચાતું ધનુષ
( 4 ) રાતવાસો – રાત પડતાં કરેલો વાસો
( 5 ) સભાગૃહ – સભા માટે નિયત ગૃહ
(4) કર્મધારય સમાસ ઃ જે સમાસમાં પૂર્વપદ એના ઉત્તરપદના વિશેષણ તરીકે કામ કરતું હોય તે સમાસને કર્મધારય સમાસ કહે છે.
આ સમાસ એકપદપ્રધાન છે.
( 1 ) લંબગોળ – લાંબું ગોળ
( 2 ) એકમાત્ર – માત્ર એક
( 3 ) વાગ્બાણ – વાસ્(વાણી)રૂપી બાણ
(4) નાલાયક – ના લાયક (લાયક નહિ તે)
(5) મહાસિદ્ધિ – મહા સિદ્ધિ
(ચાર બાબતો ધ્યાન રાખવી : વિશેષણ +વિશેષ્ય /વિશેષ્ય + વિશેષણ / વિશેષણ + વિશેષણ / કાં તો સરખામણીથી કર્મધારય સમાસ બને છે.)
(5) ઉપપદ સમાસ ઃ જે બે પદો વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ- સંબંધ હોય અને ઉત્તરપદ ક્રિયાધાતુ (ધાતુ ઉપરથી બનેલું પદ) હોય તેમજ એ બનેલો સમાસ વાક્યમાં બીજા કોઈ પદના વિશેષણ તરીકે આવે તે સમાસને ઉપપદ સમાસ કહે છે.
આ સમાસ અન્યપદપ્રધાન છે.
( 1 ) હરામખોર – હરામ(અણહક)નું ખાનાર
( 2 ) સત્યવાદી – સત્ય વદનાર (બોલનાર)
( 3 ) મુઠ્ઠીભર – મુઠ્ઠી ભરાય એટલું
( 4 ) સર્વજ્ઞ – સર્વને જાણનાર
( 5 ) નર્મદા – નર્મ(આનંદ)ને આપનાર
(6) બહુવ્રીહિ સમાસ ઃ બંને પદો વચ્ચે વિશેષણ-વિશેષ્ય સંબંધ, ઉપમાન-ઉપમેય સંબંધ અથવા પરસ્પર વિભક્તિ-સંબંધ હોય અને એથી બનેલું સામાસિક પદ વાક્યના અન્ય પદના વિશેષણ તરીકે વપરાય ત્યારે તે સમાસ બહુવ્રીહિ સમાસ કહેવાય છે.
આ સમાસનો વિગ્રહ કરતી વખતે ‘જેને’, ‘જેનાથી’, ‘જેના વડે’, ‘જેના માટે’, ‘જેમાંથી’, ‘જેનો’ – ‘જેની’ – ‘જેનું’ – ‘જેનાં’ કે ‘જેમાં’ – એવા ‘જે’ સર્વનામના કોઈ એક રૂપનો પ્રયોગ કરવામાં આવે છે.
આ સમાસમાં એકેય પદ પ્રધાન હોતું નથી, પણ વાક્યમાંનું બીજું કોઈ પદ પ્રધાન હોય છે. આ સમાસ અન્યપદપ્રધાન છે.
( 1 ) પાણીપંથો – પાણીના જેવો છે પંથ જેનો તે (અશ્વ)
( 2 ) કૃતાર્થ – કૃત છે અર્થ જેનો (રાજા)
( 3 ) ઉગ્રીવ – ઊંચી છે ગ્રીવા જેની તે (દૃષ્ટિ) (વ્યક્તિ)
( 4 ) નિઃશંક – નિર્ગત છે શંકા જેમાંથી તે (વચન)
( 5 ) દશાનન – દશ છે આનન જેનાં તે (રાવણ)
( 6 ) નિરાશ – નિર્ગત (નષ્ટ) થઈ ગઈ છે આશા જેની તે
( 7 ) બહુધાન્યા – બહુ છે ધાન્ય જેમાં તે (ધરતી)
સ્વાધ્યાય
1. નીચેના સમાસોનો વિગ્રહ કરી ઓળખાવો :
( 1 ) માતા-પિતા ( 2 ) ગર્ભશ્રીમંત ( 3 ) ઘોડાગાડી ( 4 ) ટપાલપેટી ( 5 ) સિંહાસન ( 6 ) કાજળકાળી ( 7 ) ધુરંધર ( 8 ) મહાબાહુ ( 9 ) માનવસેવા (10) લાલપીળું (11) હાથચાલાકી (12) દહીંવડાં (13) અન્નપાણી (14) દેવમંદિર (15) સત્યાગ્રહ (16) ગજાનન
ઉત્તર : ( 1 ) માતા-પિતા : = માતા અને પિતા – દ્વન્દ્વ
( 2 ) ગર્ભશ્રીમંત = ગર્ભથી શ્રીમંત – તત્પુરુષ
( 3 ) ઘોડાગાડી = ઘોડા વડે ચાલતી ગાડી – મધ્યમપદલોપી
( 4 ) ટપાલપેટી = ટપાલની પેટી – તત્પુરુષ
( 5 ) સિંહાસન = સિંહની આકૃતિવાળું આસન – મધ્યમપદલોપી
( 6 ) કાજળકાળી = કાજળ જેવી કાળી – કર્મધારય
( 7 ) ધુરંધર = ધરાને ધારણ કરનાર – ઉપપદ
( 8 ) મહાબાહુ = મહા છે બાહુ જેના તે – બહુવ્રીહિ
( 9 ) માનવસેવા = માનવોની સેવા – તત્પુરુષ
(10) લાલપીળું = લાલ અને પીળું – દ્વન્દ્વ
(11) હાથચાલાકી = હાથની ચાલાકી – તત્પુરુષ
(12) દહીંવડાં = દહીં ભેળવેલાં વડાં – મધ્યમપદલોપી
(13) અન્નપાણી = અન્ન અને પાણી – દ્વન્દ્વ
(14) દેવમંદિર = દેવનું મંદિર – તત્પુરુષ
(15) સત્યાગ્રહ = સત્ય માટે આગ્રહ – તત્પુરુષ
(16) ગજાનન = ગજના આનન જેવું છે તે – બહુવ્રીહિ
2. નીચેના શબ્દોના સમાસના પ્રકાર લખો ઃ
( 1 ) ખાડાટેકરા ( 2 ) અત્યાગ્રહ ( 3 ) આવકવેરો ( 4 ) હતાશ ( 5 ) સિદ્ધાંતનિષ્ઠ ( 6 ) જીવલેણ ( 7 ) કમલપુષ્પ ( 8 ) ઓછાબોલી (9) જ્ઞાનમાત્ર (10) ચીંથરેહાલ (11) આબોહવા (12) લોકસભા (13) સત્યનિષ્ઠા (14) આવજા (15) ઋણમુક્ત (16) નકામી
ઉત્તર : ( 1 ) ખાડાટેકરા – દ્વન્દ્વ
( 2 ) અત્યાગ્રહ – કર્મધારય
( 3 ) આવકવેરો – તત્પુરુષ
( 4 ) હતાશ – બહુવ્રીહિ
( 5 ) સિદ્ધાંતનિષ્ઠ – બહુવ્રીહિ
( 6 ) જીવલેણ – ઉપપદ
( 7 ) કમલપુષ્પ – કર્મધારય
( 8 ) ઓછાબોલી – ઉપપદ
(9) જ્ઞાનમાત્ર – કર્મધારય
(10) ચીંથરેહાલ – બહુવ્રીહિ
(11) આબોહવા – દ્વન્દ્વ
(12) લોકસભા – મધ્યમપદલોપી
(13) સત્યનિષ્ઠા – તત્પુરુષ
(14) આવજા – દ્વન્દ્વ
(15) ઋણમુક્ત – તત્પુરુષ
(16) નકામી – બહુવ્રીહિ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here