Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 11 ભારત : જળ સંસાધન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 11 ભારત : જળ સંસાધન

પ્રકરણસાર

  1. ‘જળ છે તો જીવન છે.’ જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. તમામ જીવોના આધાર જળ જ છે. દરેક દેશની સમૃદ્ધિનો આધાર ખેતી અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા જળ પર જ છે.
  2. વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યો માટે જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેનાથી જળની અછત સર્જાતી જાય છે. જળ એ મર્યાદિત સંસાધન છે. તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.
  3. જળસ્રોતો : જળસ્રોતોના મુખ્ય ત્રણ પ્રકાર છે : (1) વૃષ્ટીય જળ, (2) પૃષ્ટીય જળ અને (3) ભૂમિગત જળ.
  4. વૃષ્ટીય જળ : ‘વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્રોત • છે. નદીઓ, સરોવરો, ઝરણાં, કૂવા, માનવનિર્મિત જળાશયો વગેરે વૃષ્ટિને આભારી છે.
  5. પૃષ્ઠીય જળ : તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાં અને બંધથી બનેલાં જળાશયોમાં જોવા મળે છે. નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત છે.
  6. ભૂમિગત જળ : જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ભૂમિગત જળનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
  7. જળ સંસાધનો અને તેમનો ઉપયોગ : ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ‘બ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) અને ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર તેનાં ઉદાહરણો છે. આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ ૫૨ થવા પૂરો સંભવ છે.
  8. ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છે. તેમાં (1) કૂવા અને ટ્યૂબવેલ મુખ્ય માધ્યમો છે, જ્યારે (2) નહેરો અને (૩) તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.
  9. નહેરોનો મહત્તમ વિકાસ સમતલ મેદાની વિસ્તારોમાં થયો છે. આ મેદાનોમાં પુષ્કળ કૂવા અને ટ્યૂબવેલ પણ છે. તળાવો દ્વારા મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં સિંચાઈ થાય છે.
  10. બહુહેતુક યોજનાઓ : નદીઓ ૫૨ બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક જળપરિવહન, મત્સ્યઉદ્યોગ, મનોરંજન વગે૨ે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક નદીઓ પર બહુહેતુક યોજનાઓ કરવામાં આવી છે.
  11. સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ : ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ- ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈ- ક્ષેત્ર ચાર ગણું વધ્યું છે. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38 % ભાગમાં સિંચાઈ થાય છે.
  12. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. મિઝોરમમાં તેનું પ્રમાણ માત્ર 7.3%, તો પંજાબમાં 90.8 % છે. નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.
  13. જળસંકટ : પાણીની તંગી માનવીની સુખાકારી, આજીવિકા અને તેના આર્થિક વિકાસ ૫૨ મોટી અસર કરે છે. દેશનાં શુષ્ક ક્ષેત્રોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે. આજે પણ દેશનાં 8% શહેરોમાં પીવાલાયક પાણી મળતું નથી. દેશનાં લગભગ 50 % ગામડાંઓમાં પણ આ જ હાલત છે. દેશમાં સિંચાઈની સગવડો વધવા છતાં આજે પણ દેશનું 2/3 કૃષિક્ષેત્ર માત્ર વરસાદ પર નભે છે. કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુ પડતું પાણી ખેંચાવાથી ભૂમિગત જળસપાટી નીચી ગઈ છે. તેનાથી કેટલાંક રાજ્યોમાં વિકાસ કાર્યક્રમોને અસર પહોંચી છે. વિવિધ ઉપયોગો માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ કથળી છે. પાણીના પ્રદૂષણ માટે ઘરગથ્થુ અને ઔદ્યોગિક કચરાઓથી મલિન થયેલું પાણી જવાબદાર છે.
  14. જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન : જળ સંસાધનના સંરક્ષણ માટે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ, વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાના જળનું એક નદી ખીણવિસ્તારમાંથી બીજા નદી ખીણવિસ્તા૨માં સ્થળાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.
  15. જળ-સંરક્ષણ ક્ષેત્રે ‘જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય’ જરૂરી છે.
  16. જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ : એક નદીમાં તેની આસપાસના જેટલા વિસ્તારનું વરસાદનું પાણી આવે છે, તે વિસ્તારને તે નદીનું ‘જળપ્લાવિત ક્ષેત્ર’ કે ‘ખીણ-ક્ષેત્ર’ કહે છે.
  17. વૃષ્ટિજળ સંચય : કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિને ‘વૃષ્ટિજળ સંચય’ કહે છે. તેનાથી જળ-સંચય થાય છે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે.
  18. વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા, મકાનોની છતનું પાણી એકઠું કરવા મકાનના પિરસરમાં વરસાદી ટાંકાં બનાવવાં વગેરે જરૂરી છે.
  19. યોગ્ય જળવ્યવસ્થાપન માટે લોકોમાં જાગરૂકતા લાવવી, જળાશયોનું પ્રદૂષણ અટકાવવું, શુદ્ધ કરેલા પાણીનો ખોટો ઉપયોગ થતો અટકાવવો, પાણીની કરકસર કરવી, પાણી-પુરવઠાની પાઇપ- લાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને સુકાવા ન દેવી તથા તેમાં ભંગાણ પડ્યે તેનું તાત્કાલિક સમારકામ કરી તેમાંથી પાણી વહી જતું અટકાવવું વગેરે બાબતો ઘણી મહત્ત્વની છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) ભારતના જળસ્રોત વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતના જળસ્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે : 1. વૃષ્ટીય જળ 2. પૃષ્ટીય જળ અને 3. ભૂમિગત જળ.
  1. વૃષ્ટીય જળ : ‘વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્રોત છે. નદી, સરોવર, ઝરણાં અને કૂવા એ ગૌણ સ્રોતો છે. આ બધા જ સ્રોત વૃષ્ટિને આભારી છે.
  2. પૃષ્ઠીય જળ : તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાં, સાગર, માનવનિર્મિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત છે.
  3. ભૂમિગત જળ : જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. .
→ ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે
→ તે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં લગભગ 42 % જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે.
→ દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું છે.
→ તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
(2) ભારતનાં જળ સંસાધનો અને તેના ઉપયોગ જણાવો.
ઉત્તર : ભારતનાં જળ સંસાધનો અને તેમના ઉપયોગો નીચે પ્રમાણે છે :
→ ભારતનાં જળ સંસાધનોના ઘણા ઉપયોગો છે. તેમાં સિંચાઈ મુખ્ય છે. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ‘બ્રૅન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) તેનું એક જ્વલંત ઉદાહરણ છે.
→ આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. જેમ કે, એક કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા રહે છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ ૫૨ થવા ઘણો સંભવ છે.
→ ભારતમાં વર્ષ દરમિયાન બે-ચાર મહિના જ વરસાદ પડે છે અને તે પણ અનિયમિત અને અનિશ્ચિત હોય છે. તેની અસર પાકના ઉત્પાદન પર થાય છે. વળી, ડાંગર, શેરડી અને શણ જેવા પાકોને પુષ્કળ પાણીની જરૂર પડે છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય.
→ ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છે : (1) કૂવા અને ટ્યૂબવેલ, (2) નહેરો અને (3) તળાવો. આ પૈકી કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. એ પછી નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે.
→ નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાનાં વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં થાય છે.
→ કાંપનાં મેદાનોમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે.
→ ભારતનાં પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં મુખ્યત્વે તળાવો દ્વારા સિંચાઈ થાય છે.
(3) સિંચાઈ-ક્ષેત્રના વિતરણ વિશે લખો.
અથવા
ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ સમજાવો.
ઉત્તર : ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો; પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.
→ સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે.
→ ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38 % છે. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે.
→ મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3 % છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે.
→ કુલ સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.
→ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.
(4) ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો.
અથવા
ભારતમાં જળસંકટ શાથી સર્જાયું છે?
અથવા
‘ભારતમાં જળસંકટની સમસ્યા દિવસે દિવસે વધારે ગંભીર બનતી જશે.’ આ વિધાન સમજાવો.
અથવા
આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતાએ ગંભીર સમસ્યા ઊભી કરી છે. સમજાવો.
ઉત્તર : ભારતમાં કેટલાંક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસ૨ જળસંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે :
→ ભારતમાં પાણી-પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે.
→ પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતનાં શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાં પશ્ચિમઘાટના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે.
→ ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
→ આજે પણ ભારતમાં 8 ટકા શહેરોમાં અને લગભગ 50 ટકા ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.
→ પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
→ આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.
(5) જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.
ઉત્તર : જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છે ઃ
→ જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.
→ બીજી જરૂ૨ જળસંચયની છે. જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી-બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી-બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.
→ જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે.
→ આ અંગે કોઈ આંત૨૨ાજ્ય જળવિવાદ હોય તો તેનો જલદીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતાં જળાશયોનું નિર્માણ અટકી ન પડે.
→ જળ સંસાધનોની જાળવણી માટે જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય’ બહુ અગત્યના ઉપાયો છે.
(6) વૃષ્ટિજળ સંચય વિશેની માહિતી આપો.
અથવા
વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) જણાવો.
અથવા
વૃષ્ટિજળ સંચય કેવી રીતે કરી શકાય? 
ઉત્તર : ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે ‘વૃષ્ટિજળ સંચય’ કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ-સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. ‘વૃષ્ટિજળ સંચય’ના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ છે :
→ પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.
→ સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું.
→ સડકમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
→ ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી.
→ ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો.
→ ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું.
→ મોટાં શહેરોમાં બહુમાળી મકાનોનાં ધાબાં (અગાશી) કે છાપરાં પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવાં.
વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે.
(7) જળવ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?
અથવા
જળવ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
અથવા
“યોગ્ય જળવ્યવસ્થાપન જળસંકટથી બચાવે છે.’ યોગ્ય દલીલોથી સમજાવો.
ઉત્તર : જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. (અથવા નીચે દર્શાવેલી રીતો મુજબ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તેમજ તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી જળસંકટથી બચી શકાય છે.)
→ બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નાહવાધોવા માટે, શૌચાલયોમાં તથા વૉશ-બેસિનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી.
→ જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
→ જળાશયોને પ્રદૂષણથી બચાવવાં જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે.
→ ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
→ ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.
→ કૂવા, ટ્યૂબવેલ, ખેત-તલાવડી જેવાં જળસ્રાવનાં એકમોનો ઉપયોગ વધારવો.
→ પાણી-પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયે તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે.
(8) બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.
અથવા
બહુહેતુક યોજનાઓ એટલે શું? તેનાથી ક્યા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? 
અથવા
‘બહુહેતુક યોજના’ના ઉદ્દેશોની સમીક્ષા કરો.
અથવા
બહુહેતુક યોજનાના લાભો કયા કયા છે?
ઉત્તર : નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગે૨ે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે.
બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :
→ બંધોથી બનેલાં જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત-ઉત્પાદન વધારવું.
→ બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.
→ ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું.
→ નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.
→ જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા.
→ બંધોથી રચાયેલાં જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઊભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિકસાવવો.
→ નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.
→ લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.
→ જળાશયોમાંથી આજુબાજુના શહેરો અને ગામડાંને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું.
→ બંધો પાસે બાગબગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહનાં રમણીય સ્થળો ઊભાં કરવાં.
(9) ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે? તે કઈ કઈ મુખ્ય નદીઓ પર બાંધેલી છે? તેનાં લાભાન્વિત રાજ્યોનાં નામ લખો.
ઉત્તર : ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ અને તે કઈ કઈ નદીઓ પર બાંધેલી છે તેમજ તેનાં લાભાન્વિત રાજ્યોનાં નામ નીચે પ્રમાણે છેઃ

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) જળ સંસાધનની સંકલ્પના સમજાવો.
ઉત્તર : પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે.
→ જળ એ જીવનની પહેલી શરત છે. તેના વિના જીવન શક્ય નથી.
→ સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય સંસાધન છે.
→ ભારત માટે જળ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે.
(2) ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
ઉત્તર : ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘરવપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે.
(3) જળમાં ‘વૃષ્ટિ’નું શું મહત્ત્વ છે?
ઉત્તર : પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્રોત વૃષ્ટિ છે. નદીઓ, ઝરણાં, સરોવરો, કૂવા, તળાવો અને બંધથી બનેલાં જળાશયો વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાઈને ભૂમિગત જળરૂપે જમા થાય છે, જેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.
(4) દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે?
ઉત્તર : દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે. આથી ત્યાં નાનાં-મોટાં ઘણાં તળાવો બનાવવામાં આવ્યાં છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં આ રીત ઘણી પ્રચલિત છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

(1) ‘બ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે? ક્યારે થયું છે?
ઉત્તર : ‘ગ્રેન્ડ ઍનિકટ’નું નિર્માણ બીજી સદીમાં કાવેરી નદી પર થયું છે.
(2) ઈ. સ. 1882માં કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું?
ઉત્તર : ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ ક૨વામાં આવ્યું હતું.
(3) સિંચાઈનાં મુખ્ય માધ્યમો કેટલાં છે? કયાં કયાં?
ઉત્તર : સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છે : (1) કૂવા અને ટ્યૂબવેલ, (2) નહેરો અને (૩) તળાવો.
(4) ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ કયા વિસ્તારોમાં થાય છે?
ઉત્તર : ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ મુખ્યત્વે સતલુજ, યમુના અને ગંગા નદીઓનાં વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણ- પ્રદેશોમાં થાય છે.
(5) બહુહેતુક યોજના એટલે શું?
ઉત્તર : બહુહેતુક યોજના એટલે નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી.
નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગે૨ે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે.
(6) બહુહેતુક યોજનામાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે?
ઉત્તર : બહુહેતુક યોજનામાં પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનો સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળવિદ્યુત ઉત્પાદન, આંતરિક જળપરિવહન, મનોરંજન, વન્ય જીવ સંરક્ષણ, મત્સ્યઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. અટકાવ,
(7) ભાખડા-નંગલ યોજનાની સિંચાઈનો લાભ કયાં રાજ્યોને મળે છે?
ઉત્તર : ભાખડા-નંગલ યોજનાની સિંચાઈનો લાભ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મળે છે.
(8) નર્મદા ખીણ (સરદાર સરોવર) યોજનાની સિંચાઈનો લાભ કાં કાં રાજ્યોને મળશે?
ઉત્તર : નર્મદા ખીણ યોજનાની સિંચાઈનો લાભ મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળશે.
(9) મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે?
ઉત્તર : મહીસાગર નદી પર કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે.
(10) ભારતમાં કયા વિસ્તારો સઘન સિંચાઈ-ક્ષેત્રો છે?
ઉત્તર : ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લા અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.
(11) ભારતનાં કયાં રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનો 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે ?
ઉત્તર : પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, જમ્મુ અને કશ્મીર તેમજ મણિપુર રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનો 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.
(12) ભારતનાં રાજ્યોમાં સિંચાઈ-ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. કઈ રીતે?
ઉત્તર : ભારતનાં રાજ્યોમાં સિંચાઈ-ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. જેમ કે, મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના માત્ર 7.3% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર છે, જ્યારે પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ 90.8 % જેટલું છે.
(13) પાણીની અછત નિરંતર શાથી વધતી જાય છે?
ઉત્તર : વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવનધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ વગેરેને લીધે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
(14) હાલમાં ભારતના કયા ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે?
ઉત્તર : હાલમાં ભારતમાં પશ્ચિમ રાજસ્થાનનાં શુષ્ક ક્ષેત્રોમાં અને દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગૌમાં જળરકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે,
(15) ભારતમાં ભૂમિગત જળસપાટી શાથી નીચે જઈ રહી છે?
ઉત્તર : વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુને વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં જળસપાટી નીચે જઈ રહી છે.
(16) જળ-સંરક્ષણના સામાન્ય ઉપાયો કયા કયા છે ?
ઉત્તર : જળ-સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી-બેસિન સાથે બીજી નદી-બેસિનનું જોડાણ, ભૂમિગત જળસપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ-સંરક્ષણના સામાન્ય ઉપાયો છે.
(17) ‘જળપ્લાવિત ક્ષેત્ર’ના વિકાસ માટે કયા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે?
ઉત્તર : ‘જળપ્લાવિત ક્ષેત્ર’ના વિકાસ માટે જમીન અને ભેજ- સંરક્ષણ, જળ-સંચય, વૃક્ષારોપણ અને વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચર- વિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનોનો વિકાસ વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
(18) વૃષ્ટિજળ સંચય માટે શાનું નિર્માણ કરવું જરૂરી છે? અથવા એકઠું કરવા માટે શેનું શેનું નિર્માણ કરવામાં આવે છે?
ઉત્તર : વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેત- તલાવડીઓ, ખેતરોની ફરતે ઊંડી નીકો, વરસાદી ટાંકાં વગેરેનું નિર્માણ કરવું જરૂરી છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :

(1) જળ એ ……… સંસાધન છે.
A. અખૂટ
B. અમર્યાદિત
C. મર્યાદિત
ઉત્તર : C. મર્યાદિત
(2) પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્રોત ……. છે.
A. વૃષ્ટિ
B. નદીઓ
C. સાગર
ઉત્તર : A. વૃષ્ટિ
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત ……. છે.
A, સરોવરો
B. નદીઓ
C. વૃષ્ટિ
ઉત્તર : B. નદીઓ
(4) ભૂમિગત જળનો જથ્થો …….. છે.
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અસમાન
ઉત્તર : A. અમર્યાદિત
(5 ) ભારતમાં ઉત્તરના મૈદાની વિસ્તારમાં ……… % ભૂમિગત જળ મળે છે. 
A. 32
B. 52
C. 42
ઉત્તર : C. 42
(6) ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ……..  માં થાય છે.
A પેયજળ
B. સિંચાઈ
C. ઉદ્યોગો
ઉત્તર : B. સિંચાઈ
(7) ભારતમાં લગભગ ……… % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
A. 84
B. 52
C. 65
ઉત્તર : A. 84
(8) એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ ……… લિટર  પાણીની આવશ્યકતા રહે છે.
A, 800
B. 1000
C. 1500
ઉત્તર : C. 1500
(9) ભારતમાં બીજી સદીમાં …….. નદીમાંથી ગ્રેન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.
A. ગોદાવરી
B. ગંગા
C. કાવેરી
ઉત્તર : C. કાવેરી
(10) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ……… નહેરનું નિર્માણ  કરવામાં આવ્યું હતું.
A. યમુના
B. ગંગા
C. કોસી
ઉત્તર : A. યમુના
(11) ભારતમાં …….. સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
A. કૂવા અને તળાવો
B. તળાવો અને ટ્યૂબવેલ
C. કૂવા અને ટ્યૂબવેલ
ઉત્તર : C. કૂવા અને ટ્યૂબવેલ
(12) ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ……… % ભાગમાં સિંચાઈ થાય છે.
A. 38
B. 48
C. 58
ઉત્તર : A. 38
(13) મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ……… % વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
A. 7.3
B. 12.50
C. 15.4
ઉત્તર : A. 7.3
(14) પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ ……… % છે.
A. 58.4
B. 60.8
C. 90.8
ઉત્તર : C. 90.8
(15) ભાખડા-નંગલ યોજના ……. નદી પર આવેલી છે.
A. સતલુજ
B. યમુના
C. ગંગા
ઉત્તર : A. સતલુજ
(16) પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ………. યોજનાનો લાભ મળે છે. 
A. ભાખડા-નંગલ
B. હીરાકુડ
C. કોસી
ઉત્તર : A. ભાખડા-નંગલ
(17) બિહાર રાજ્યને …….. યોજનાનો લાભ મળે છે.
A. કોસી
B. ચંબલ
C. દામોદર
ઉત્તર : A. કોસી
(18) ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને …….. યોજનાનો લાભ મળે છે.
A. કોસી
B. દામોદર
C. હીરાકુડ
ઉત્તર : B. દામોદર
(19) હીરાકુડ યોજના ……… પર આવેલી છે.
A. દામોદર નદી
B. કોસી નદી
C. મહાનદી
ઉત્તર : C. મહાનદી
(20) ઓડિશા રાજ્યને ……… યોજનાનો લાભ મળે છે.
A. દામોદર
B. હીરાકુડ
C. કોસી
ઉત્તર : B. હીરાકુડ

પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) જળ એ અમર્યાદિત સંસાધન છે.
(2) વૃષ્ટિ એ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત છે.
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત પર્વતો છે.
(4) ભારતમાં ઉત્તરના મેઘની વિસ્તારમાં 51 % ભૂમિગત જળ મળે છે.
(5) ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
(6) એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ 1200 લિટર પાણીની આવશ્યકતા હોય છે.
(7) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
(8) કૂવા અને ટ્યૂબવેલ સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
(9) સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 48% ભાગમાં સિંચાઈ થાય છે.
(10) ભાખડા-નંગલ સિંચાઈ યોજના સતલુજ નદી પર આવેલી છે.
(11) હીરાકુડ સિંચાઈ યોજના મહાનદી પર આવેલી છે.
(12) હીરાકુડ સિંચાઈ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે.
(13) નાગાર્જુનસાગર સિંચાઈ યોજના કાવેરી નદી પર આવેલી છે.
(14) કૃષ્ણરાજસાગર સિંચાઈ યોજના કૃષ્ણા નદી પર આવેલી છે.
(15) નાગાર્જુનસાગર સિંચાઈ યોજનાનો લાભ ર્ણાટક અને આંધ્ર પ્રદેશને મળે છે.
(16) કૃષ્ણરાજસાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને તમિલનાડુને મળે છે.
(17) સરદાર સરોવર સિંચાઈ યોજનાનો લાભ મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળે છે.
(18) ધરોઈ યોજના તાપી નદી પર આવેલી છે.
(19) કડાણા અને વણાકબોરી સિંચાઈ યોજનાઓ મહીસાગર નદી પર આવેલી છે.
(20) ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓ નર્મદા નદી પર આવેલી છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખોટું
(5) ખરું
(6) ખોટું
(7) ખોટું
(8) ખરું
(9) ખોટું
(10) ખરું
(11) ખરું
(12) ખોટું
(13) ખોટું
(14) ખોટું
(15) ખોટું
(16) ખરું
(17) ખરું
(18) ખોટું
(19) ખરું
(20) ખોટું

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :

(1) જીવનનું અભિન્ન અંગ ક્યું છે?
ઉત્તર : જળ
(2) પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્રોત ક્યો છે? 
ઉત્તર : વૃષ્ટિ
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્રોત ક્યો છે?
ઉત્તર : નદીઓ
(4) કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે?
ઉત્તર : ભૂમિગત જળનો
(5) બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું?
ઉત્તર : ગ્રૅન્ડ ઍનિકટ
(6) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું હતું?
ઉત્તર : પૂર્વીય યમુના નહેરનું
(7) ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો કયાં છે?
ઉત્તર : કૂવા અને ટ્યૂબવેલ
(8) નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ શાનાથી હલ થાય છે?
ઉત્તર : બહુહેતુક યોજનાથી
(9) કયા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 7.3% વિસ્તારમાં સિંચાઈ- ક્ષેત્ર જોવા મળે છે?
ઉત્તર : મિઝોરમમાં
(10) દેશના કયા રાજ્યમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે?
ઉત્તર : પંજાબમાં
(11) જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે?
ઉત્તર : જળ-સંરક્ષણ
(12) ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે?
ઉત્તર : 8%
(13) દેશનાં કેટલા ટકા ગામોને સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે?
ઉત્તર : 50 %
(14) કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર કોની પર છે?
ઉત્તર : ખેતી અને જળ પર
(15) જળનો કેવો ઉપયોગ ખૂબ જ જરૂરી છે?
ઉત્તર : વિવેકપૂર્વક
(16) જળ એ કેવું સંસાધન છે?
ઉત્તર : મર્યાદિત
(17) ભૂમિગત જળ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તર : પૃષ્ઠીય જળના અવશેષોમાંથી
(18) ભૂમિગત જળનો જથ્થો કેવો છે?
ઉત્તર : અમર્યાદિત
(19) ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ કોના માટે થાય છે?
ઉત્તર : સિંચાઈ માટે
(20) ભારતમાં કયા પાકોને જળની સૌથી વધુ આવશ્યકતા રહે છે?
ઉત્તર : ડાંગર, શેરડી અને શણને
(21) કાંપનાં મેદાનોમાં સિંચાઈનાં કયાં માધ્યમો સામાન્ય છે?
ઉત્તર : કૂવા અને ટ્યૂબવેલ
(22) ભાખરા-નંગલ બહુહેતુક યોજના કઈ નદી પર કાર્યાન્વિત છે?
ઉત્તર : સતલુજ
(23) દામોદર ખીણ બહુહેતુક યોજનાનાં લાભાન્વિત રાજ્યો કયાં છે?
ઉત્તર : ઝારખંડ અને પશ્ચિમ બંગાળ
(24) સરદાર સરોવર યોજનાનાં લાભાન્વિત રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તેમજ અન્ય કયું રાજ્ય છે?
ઉત્તર : રાજસ્થાન
(25) મહાનદી પર કઈ બહુહેતુક યોજના કાર્યાન્વિત છે?
ઉત્તર : હીરાકુડ
(26) ચંબલ ખીણ બહુહેતુક યોજનાનાં લાભાન્વિત રાજ્યો કયાં છે?
ઉત્તર : મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(27) નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાનાં લાભાન્વિત રાજ્યો કયાં છે?
ઉત્તર : આંધ્ર પ્રદેશ, તેલંગણા
(28) તુંગભદ્રા બહુહેતુક યોજનાનાં લાભાન્વિત રાજ્યો કયાં છે?
ઉત્તર : કર્ણાટક અને આંધ્ર પ્રદેશ
(29) મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે?
ઉત્તર : કડાણા અને વણાકબોરી
(30) તાપી નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે?
ઉત્તર : ઉકાઈ અને કાકરાપાર
(31) સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ કેટલા ગણું વધી ગયું છે?
ઉત્તર : ચાર
(32) જળ-પ્રદૂષણના મુખ્ય સ્રોતો કયા કયા છે?
ઉત્તર : ઘરેલું અને ઔદ્યોગિક એકમોનાં મિલન જળ
(33) જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે?
ઉત્તર : જળ-સંરક્ષણના નામે
(34) જળ એક કઈ સંપદા છે?
ઉત્તર : રાષ્ટ્રીય
(35) કયું એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્રાવક્ષેત્ર બનાવે છે?
ઉત્તર : નદી-બેસિન

પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્રોત કયો છે?
A. મહાસાગર
B. નદી
C . સરોવર
D. વૃષ્ટિ
ઉત્તર : D. વૃષ્ટિ
2. ‘પૃષ્ઠીય જળ’નો મુખ્ય સ્રોત કયો છે?
A. વૃષ્ટિ
B. તળાવો
C. નદીઓ
D. સરોવરો
ઉત્તર : C. નદીઓ
3. ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?
A. 1500
B. 1200
C. 2100
D. 2400
ઉત્તર : A. 1500
4. બ્રૅન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?
A. ગોદાવરી
B. કાવેરી
C. કૃષ્ણા
D. તુંગભદ્રા
ઉત્તર : B. કાવેરી
5. ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?
A. કૂવા અને નહેરો
B. નહેરો અને તળાવો
C. કૂવા અને ટ્યૂબવેલ
D. નહેરો અને સરોવરો
ઉત્તર : C. કૂવા અને ટ્યૂબવેલ
6. ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?
A. દોઢ ગણું
B. અઢી ગણું
C. ત્રણ ગણું
D. ચાર ગણું
ઉત્તર : D. ચાર ગણું
7. ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?
A. હરિયાણા
B. રાજસ્થાન
C. મિઝોરમ
D. જમ્મુ અને કશ્મીર
ઉત્તર : C. મિઝોરમ
8. ભારતનું કર્યું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?
A. પંજાબ
B. ઉત્તરપ્રદેશ
C. બિહાર
D. મહારાષ્ટ્ર
ઉત્તર : A. પંજાબ
9. નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?
A. આંધ્ર પ્રદેશ અને તેલંગણા
B. તમિલનાડુ અને કર્ણાટક
C. કર્ણાટક અને કેરલ
D. ઓડિશા અને ઝારખંડ
ઉત્તર : A. આંધ્ર પ્રદેશ અને તેલંગણા
10. સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?
A. મહી
B. મહાનદી
C. સાબરમતી
D. નર્મદા
ઉત્તર : D. નર્મદા
11. ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?
A. કૃષ્ણા
B. મહાનદી
C. કાવેરી
D. મહી
ઉત્તર : B. મહાનદી
12. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં ક્યો વિકલ્પ સાચો જણાય છે?
A. ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
B. ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
C. નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-નંગલ
D. ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
ઉત્તર : D. ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
13. તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
D. તુંગભદ્રા
ઉત્તર : A. કાવેરી
14. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.
B. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
C. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.
D. પંજાબ અને હરિયાણા સિંચાઈ-ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.
ઉત્તર : B. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
15. સ્ટૅચ્યુ ઑફ યુનિટી’ સ્મારકની પાસેથી કઈ નદી વહે છે?
A. નર્મદા
B. તાપી
C. મહી
D. દમણગંગા
ઉત્તર : A. નર્મદા
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *