Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ
પ્રકરણસાર
- 1991ની નવી ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ – આ ત્રણ બાબતોનો સમાવેશ થયો છે.
- આર્થિક ઉદારીકરણ : આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ.
- આર્થિક ઉદારીકરણ અનુસાર થયેલા આર્થિક સુધારા : (1) 18 ઉદ્યોગો સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી. (2) રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયનાં ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લાં મૂક્યાં. (3) ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા નાબૂદ કરી. (4) પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાનકર્તા ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરી.
- આર્થિક ઉદારીકરણના લાભ : (1) ઉત્પાદન વધ્યું . (2) વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. (3) હૂંડિયામણની અનામતમાં વધારો થયો. (4) આંત૨માળખાકીય સગવડોમાં વધારો થયો.
- આર્થિક ઉદારીકરણના ગેરલાભ : (1) ઇજારાશાહી ઓછી ન થઈ. (2) કૃષિક્ષેત્ર પછાત રહ્યું. (3) આવકની અસમાનતા વધી. (4) દેશના વિદેશી દેવામાં વધારો થયો.
- ખાનગીકરણ : ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું.
- ખાનગીકરણના લાભ : (1) ઉદ્યોગોની સંખ્યા વધી. (2) મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું. (3) જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા સુધરી.
- ખાનગીકરણના ગેરલાભ : (1) ઇજારાશાહીને વેગ મળ્યો. (2) માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો. (3) ભાવવધારાની સમસ્યા સર્જાઈ.
- વૈશ્વિકીકરણ : વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેક્નોલૉજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
- વૈશ્વિકીકરણ અન્વયે હાથ ધરવામાં આવેલા સુધારા : (i) બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. (2) બે દેશો વચ્ચે મૂડીની સરળતાથી હેરફેર કરવી. (3) ટેક્નોલૉજીની હેરફેરના અવરોધો દૂર કરવા. (4) શ્રમની મુક્ત રીતે હેરફેર કરવી.
- વૈશ્વિકીકરણના લાભ : (1) વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. (2) વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી મળી શકે છે. (3) વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી શકે છે.
- વૈશ્વિકીકરણના ગેરલાભ : (1) ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહિ. (2) નિકાસવૃદ્ધિના લાભ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી. (3) નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો.
- વિશ્વ-વ્યાપાર સંગઠન (WTO – World Trade Organisa- tion) : સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે 1 જાન્યુઆરી, 1995ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી.
- આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.
- વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો : (1) વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. (2) દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું. (૩) વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે આર્થિક નીતિઓનું સંકલન કરવું. (4) વિશ્વના વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું.
- વિશ્વ-વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને થનારા લાભ : (1) વિશ્વ-વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો વધીને 1 %થી વધુ થયો છે. (2) તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. (3) કૃષિપેદાશોની નિકાસમાં વૃદ્ધિ થશે. (4) વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.
- ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ) : ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.
- પર્યાવરણની સુરક્ષા માટે સ્વિડનના સ્ટૉકહોમ શહેરમાં ઈ. સ. 1972માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજાઈ.
- પર્યાવરણની સુરક્ષા માટે ભારતે લીધેલાં પગલાં : (1) દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. (2) કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરી છે. (3) વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. (4) ઈ. સ. 1981માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે. (5) વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી વગેરે વૈશ્વિક સમજૂતીઓનું પાલન ભારત કરે છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ભારત સરકારને ઈ. સ. 1991ની (નવી) ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા શાથી ઊભી થઈ?
ઉત્તર : ભારત સરકારને ઈ. સ. 1991ની (નવી) ઔઘોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા નીચેનાં કારણોસર ઊભી થઈ :
→ ઈ. સ. 1951થી ભારત સરકારના આયોજનપંચે (નીતિ આયોગે) દેશનો આર્થિક વિકાસ સાધવા ઘણી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી.
→ એ યોજનાઓની સફળતા માટે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિઓની સમયાંતરે જાહેરાતો કરવામાં આવી.
→ વાસ્તવમાં એ યોજનાઓ દેશનો આર્થિક વિકાસ સાધવામાં નિષ્ફળ રહી.
→ તેથી સ૨કા૨ે તેનાં કારણો શોધીને ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારીને જુદી જુદી આર્થિક નીતિઓને નવું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો.
→ એ અનુસાર ઈ. સ. 1991માં ભારત સરકારે (નવી) ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા નવા આર્થિક સુધારા અમલમાં મૂક્યા.
→ નવી ઔદ્યોગિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે.
(2) આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે કયા કયા સુધારા અપનાવવામાં આવ્યા?
અથવા
કર્યો? ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કઈ રીતે
અથવા
ટૂંક નોંધ લખો : ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ
ઉત્તર : ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ અનુસાર ભારત સરકારે આર્થિક ઉદારીકરણની નીતિનો અમલ કરવા માટે નીચે પ્રમાણે સુધારાઓ અમલમાં મૂક્યા અર્થાત્ પગલાં ભર્યાં :
→ ઈ. સ. 1956થી 18 ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા હતા. આ ઉદ્યોગો સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી.
→ રેલવે, પરમાણુ અને સંરક્ષણ સિવાયનાં બધાં ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં.
→ જે ઉઘોગોથી પ્રદૂષણ ન ફેલાય તેમજ પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી.
(3) ખાનગીકરણના લાભો જણાવો.
ઉત્તર : ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે:
→ દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે.
→ મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે.
→ જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.
(4) ખાનગીકરણના ગેરલાભો જણાવો.
ઉત્તર : ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે :
→ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે.
→ નાના ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી, માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે.
→ ભાવો અંકુશમાં રહ્યા નહિ, તેથી દેશમાં ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે.
(5) વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારા હાથ ધરવામાં આવ્યા?
અથવા
વૈશ્વિકીકરણ સાથે કઈ કઈ બાબતો સંકળાયેલી છે?
ઉત્તર : વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજવસ્તુઓ, સેવાઓ, ટેક્નોલૉજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય.
વૈશ્વિકીકરણમાં મુખ્યત્વે નીચે મુજબના સુધારા હાથ ધરવામાં આવ્યા :
→ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત- નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા.
→ જુદા જુદા દેશો વચ્ચેના મૂડીની હેરફેર પરનાં નિયંત્રણો દૂર કરવાં.
→ જુદા જુદા દેશો વચ્ચે ટેક્નોલૉજીની હેરફેર પરનાં નિયંત્રણો દૂર કરવાં.
→ જુદા જુદા દેશો વચ્ચે શ્રમિકોની હેરફેર પરનાં નિયંત્રણો દૂર કરવાં, જેથી શ્રમની હેરફેર મુક્ત રીતે થઈ શકે.
(6) વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો લખો.
અથવા
વિશ્વ-વ્યાપાર સંગઠન એટલે શું? તેનાં ધ્યેયો જણાવો.
અથવા
વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો કયાં કયાં છે? એ ધ્યેયો સિદ્ધ કરવા તે કયાં કયાં કાર્યો હાથ ધરી રહ્યું છે?
અથવા
ટૂંક નોંધ લખો : વિશ્વ-વ્યાપાર સંગઠન
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના સભ્ય-દેશોએ 1 જાન્યુઆરી, 1995ના રોજ વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO – World Trade Organisation)ની સ્થાપના કરી હતી. આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.
વિશ્વ-વ્યાપાર સંગઠનનાં મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે
→ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા.
→ વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
→ વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ – બંને વચ્ચે સંકલન સાધવું.
→ વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું.
વિશ્વ-વ્યાપાર સંગઠન ઉપર્યુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેનાં કાર્યો હાથ ધરી રહ્યું છે :
→ બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવવો.
→ તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા-વિચારણા અને વાટાઘાટો માટે ‘ફોરમ’(ચર્ચા માટેનું સ્થાન) તરીકેની કામગીરી બજાવવી.
→ તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે.
→ પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય-દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા-વધારા સૂચવે છે.
(7) ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો.
અથવા
પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
અથવા
ટકાઉ વિકાસનો ખ્યાલ આપી, તેની વ્યૂહરચના જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો : ટકાઉ વિકાસ માટેની વ્યૂહરચના
ઉત્તર : ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ઃ (અથવા ટકાઉ વિકાસની વ્યૂહરચના ગોઠવવા નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યોઃ)
→ ખેતીલાયક જમીન, જંગલો, જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવાં પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો.
→ કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવાં સાધનો છે. તેથી તેમનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો.
→ વાહનવ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં ‘પર્યાવરણ મિત્ર ટેક્નોલૉજી’નો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા.
→ અનેક ઉપયોગો ધરાવતાં સાધનોને બધા જ ઉપયોગોમાં લેવાં. જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત-ઉત્પાદન, પૂરનિયંત્રણ, વાહનવ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે.
→ આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોનો મોટા પાયા પર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલ્સયુક્ત ગંદું પાણી, ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવાં.
→ ઉત્પાદનનાં તમામ ક્ષેત્રોમાં સૌરઊર્જા અને પવન-ઊર્જા જેવાં બિનપરંપરાગત ઊર્જા-સાધનોનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવો.
→ પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો.
→ પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો. એ માટે આડપેદાશોનો ઉપયોગ, ટેક્નોલૉજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો.
(8) પર્યાવરણની સુરક્ષા માટેનાં પગલાંઓ જણાવો.
અથવા
ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે કયાં કયાં પગલાં લેવામાં આવ્યાં છે?
અથવા
પગલાં ટૂંક નોંધ લખો : ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલાં
ઉત્તર : પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા-વિચારણા કરવા માટે ઈ. સ. 1972માં સ્વિડનના સ્ટૉકહોમ શહેરમાં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજાઈ. ત્યારપછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયાં. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું.
ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલાં પગલાં ભરવામાં આવ્યાં છે :
→ દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
→ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે.
→ પ્રદૂષણ-નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં 5 જૂનના દિવસને ‘પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસને પર્યાવરણદિન તરીકે ઊજવવામાં આવે છે.
→ ઈ. સ. 1981માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.
→ વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે.
→ દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે.
(9) ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો.
અથવા
(આર્થિક) ઉદારીકરણનો અર્થ આપી, તેના લાભ જણાવો.
અથવા
ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિના લાભ જણાવો.
ઉત્તર : સ૨કા૨ ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ કહેવામાં આવે છે.
આર્થિક ઉદારીકરણના લાભ : ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતાં નીચે મુજબ લાભ થયા છે :
→ ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે.
→ વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો.
→ વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હૂંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
→ દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.
→ આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.
→ ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.
આર્થિક ઉદારીકરણના ગેરલાભ : ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતાં નીચે મુજબના ગેરલાભ થયા છે :
→ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીનાં વલણોમાં ઘટાડો થઈ શક્યો નહિ.
→ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિક્ષેત્રે પછાત રહી ગયું.
→ આર્થિક અસમાનતા વધી છે.
→ આયાતો વધવાથી અને નિકાસો ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) ખાનગીકરણના માર્ગો જણાવો.
ઉત્તર : ખાનગીકરણના મુખ્ય બે માર્ગો છેઃ
→ પહેલાં જે ક્ષેત્રો જાહેર સાહસો માટે અનામત રાખ્યાં હોય તેમને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે છે.
→ રાજ્ય-સંચાલિત એકમોની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને તેનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપે છે. અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીઓને સોંપે છે.
(2) વૈશ્વિકીકરણના લાભો જણાવો.
ઉત્તર : વૈશ્વિકીકરણના મુખ્ય લાભો નીચે પ્રમાણે છે :
વૈશ્વિકીકરણના પરિણામે –
→ દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
→ વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે.
→ ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
(3) વૈશ્વિકીકરણના ગેરલાભો જણાવો.
ઉત્તર : વૈશ્વિકીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છેઃ
→ વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી.
→ વિકાસશીલ દેશોને નિકાસવૃદ્ધિના અપેક્ષિત લાભો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી.
→ વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધારે મળ્યો છે; જ્યારે લઘુ ઉદ્યોગોને ઓછો લાભ મળ્યો છે.
(4) વિશ્વ-વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે?
ઉત્તર : વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)માં જોડાવાથી ભારતને નીચે પ્રમાણેના લાભ થવાની સંભાવના છેઃ
→ વિશ્વ-વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5 % હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસોમાં જંગી વધારો થયો. પરિણામે વિશ્વ-વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધારે થયો છે.
→ ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસોમાં નોંધપાત્ર વધારો થશે.
→ વિકસિત દેશો તેમની કૃષિપેદાશો પરની સબિસડી, આયાત- જકાતો વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિપેદાશોની નિકાસમાં વધારો થશે.
→ દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે, જેથી દેશના વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.
(5) ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની અસરો વર્ણવો.
ઉત્તર : ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકીકરણની નીચે પ્રમાણે અસરો થઈ છે :
લાભ :
→ ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો છે.
→ દેશના આર્થિક વિકાસના દરમાં વધારો થયો છે.
→ દેશમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે.
ગેરલાભ :
→ નિકાસોના પ્રમાણ કરતાં આયાતોના પ્રમાણમાં વધારો થયો છે.
→ દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો છે.
→ દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે. તેથી આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે.
(6) ટકાઉ વિકાસ(સુપોષિત વિકાસ)ના ખ્યાલની સમજૂતી આપો.
ઉત્તર : ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.
→ આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો છે.
→ આજની પેઢીએ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી.
→ વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે.
→ આર્થિક વિકાસને કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ ઘટે છે. તેમજ તેની ગુણવત્તા પણ ઓછી થાય છે. આ પરિસ્થિતિમાં વિકાસનો ખ્યાલ બદલવો આવશ્યક છે.
→ વર્તમાન સમયનો આર્થિક વિકાસ અને તેને કારણે પર્યાવરણ ૫૨ થતી અસરોનો અભ્યાસ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) નવી આર્થિક નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થયો છે?
અથવા
ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિના આર્થિક સુધારાના પાયામાં કઈ ત્રણ બાબતો મુખ્ય હતી?
ઉત્તર : ઈ. સ. 1991ની નવી આર્થિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ – આ ત્રણ બાબતોનો સમાવેશ થયો છે.
(2) ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો?
ઉત્તર : ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ઈ. સ. 1991માં થયો.
(3) આર્થિક ઉદારીકરણ એટલે શું?
ઉત્તર : આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ.
(4) ખાનગીકરણ એટલે શું?
ઉત્તર : ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું.
(5) વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો.
ઉત્તર : વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેક્નોલૉજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
(6) વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તર : વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના સભ્ય-દેશોએ કરી હતી.
(7) વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ?
ઉત્તર : વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી, 1995ના રોજ થઈ.
(8) ટકાઉ વિકાસની સંકલ્પના સમજાવો.
ઉત્તર : ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસમાં પર્યાવરણનાં સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે.
(9) કઈ કઈ બાબતો માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે?
ઉત્તર : વાતાવરણમાં ઓઝોન સ્તરનું ગાબડું (પ્રમાણ), પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતા જાળવણી જેવી બાબતો માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) ઈ. સ. ……… માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
A. 2001
B. 1981
C. 1991
ઉત્તર : C. 1991
(2) …….. અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી.
A. વૈશ્વિકીકરણ
B. આર્થિક ઉદારીકરણ
C. ખાનગીકરણ
ઉત્તર : B. આર્થિક ઉદારીકરણ
(3) આર્થિક ઉદારીકરણને લીધે ……. ની અસમાનતામાં વધારો થયો.
A. આવક
B. શિક્ષણ
C. સંપત્તિ
ઉત્તર : A. આવક
(4) ………. ને લીધે ઇજારાશાહીને વેગ મળ્યો છે.
A. આર્થિક ઉદારીકરણ
B. ખાનગીકરણ
C. વૈશ્વિકીકરણ
ઉત્તર : B. ખાનગીકરણ
(5) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે …….. .
A. ખાનગીકરણ
B. આર્થિક ઉદારીકરણ
C. વૈશ્વિકીકરણ
ઉત્તર : C. વૈશ્વિકીકરણ
(6 ) 1 જાન્યુઆરી ………. થી વિશ્વ-વ્યાપાર સંગઠન (WHO) શરૂ કરવામાં આવ્યું.
A. 1985
B. 1991
C. 1995
ઉત્તર : C. 1995
(7) વિશ્વ-વ્યાપાર સંગઠન(WHO)નું વડું મથક સ્વિટ્ઝરલૅન્ડના …….. ખાતે રાખવામાં આવ્યું છે.
A. રોમ
B. જિનીવા
C. સ્ટૉકહોમ
ઉત્તર : B. જિનીવા
(8) WHO – વિશ્વ-વ્યાપાર સંગઠન ભેદભાવ વગર ………. વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
A. આંતરરાષ્ટ્રીય
B. રાષ્ટ્રીય
C. પ્રાદેશિક
ઉત્તર : A. આંતરરાષ્ટ્રીય
(9) પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્વિડનના ……… શહેરમાં ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
A. જિનીવા
B. રોમ
C. સ્ટૉકહોમ
ઉત્તર : C. સ્ટૉકહોમ
(10) પર્યાવરણ જાગૃતિ અંગે ઈ. સ. ……….. માં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’ યોજવામાં આવી.
A. 1972
B. 1991
C. 1995
ઉત્તર : A. 1972
(11) વિશ્વમાં ……..ના દિવસને ‘વિશ્વ પર્યાવરણદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
A. 10 જાન્યુઆરી
B. 5 જૂન
C. 12 માર્ચ
ઉત્તર : B. 5 જૂન
(12) ઈ. સ ……… માં ભારત સરકારે ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો.
A. 1991
B. 1995
C. 1981
ઉત્તર : C. 1981
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
(1) ઈ. સ. 1991માં દેશમાં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી.
(2) આર્થિક ઉદારીકરણમાં દેશમાં ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા શરૂ કરવામાં આવી.
(3) આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં ઉત્પાદનમાં વધારો થયો.
(4) આર્થિક ઉદારીકરણના પરિણામે દેશમાં આવકની સમાનતામાં વધારો થયો.
(5) આર્થિક ઉદારીકરણના પરિણામે દેશના વિદેશી દેવામાં ઘટાડો થયો.
(6) ખાનગીકરણને લીધે દેશનાં જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે.
(7) ખાનગીકરણની ભારતીય અર્થતંત્ર પર મિશ્ર અસર થઈ છે.
(8) 1 જાન્યુઆરી, 1995માં વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)ની સ્થાપના કરવામાં આવી.
(9) વિશ્વ-વ્યાપાર સંગઠન(WTO)નું મુખ્ય મથક ઇટાલીના જિનીવા ખાતે રાખવામાં આવ્યું છે.
(10) WTO ભેદભાવ વિના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
(11) ઈ. સ. 1972માં સ્વિડનના સ્ટૉકહોમ શહેરમાં પ્રથમ વખત ‘પૃથ્વી પરિષદ’નું આયોજન થયું.
(12) વિશ્વભરમાં 15 ઑગસ્ટના દિવસને ‘પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
(13) ભારત સરકારે ઈ. સ. 1981માં ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.
(14) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે ઉદારીકરણ.
ઉત્તર :
(1) ખરું
(2) ખોટું
(3) ખરું
(4) ખોટું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખોટું
(10) ખરું
(11) ખરું
(12) ખોટું
(13) ખરું
(14) ખોટું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) કઈ નીતિ અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
ઉત્તર : આર્થિક ઉદારીકરણની
(2) કઈ નીતિને પરિણામે દેશની વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો થયો?
ઉત્તર : આર્થિક ઉદારીકરણની
(3) કઈ નીતિને પરિણામે દેશમાં આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો?
ઉત્તર : આર્થિક ઉદારીકરણની
(4) કઈ નીતિને પરિણામે આવકની અસમાનતામાં વધારો થયો?
ઉત્તર : આર્થિક ઉદારીકરણની
(5) કઈ નીતિને પરિણામે વિદેશી દેવામાં વધારો થયો?
ઉત્તર : આર્થિક ઉદારીકરણની
(6) કઈ નીતિને પરિણામે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે?
ઉત્તર : ખાનગીકરણની
(7) કઈ નીતિને પરિણામે ઇજારાશાહીને વેગ મળ્યો છે?
ઉત્તર : ખાનગીકરણની
(8) કઈ નીતિને પરિણામે ભાવવધારાની સમસ્યા સર્જાઈ છે?
ઉત્તર : ખાનગીકરણની
(9) દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું?
ઉત્તર : વૈશ્વિકીકરણ
(10) કઈ નીતિને પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે?
ઉત્તર : વૈશ્વિકીકરણ
(11) પર્યાવરણની સુરક્ષા માટે ઈ. સ. 1972માં સ્ટૉકહોમ શહેરમાં શાનું આયોજન થયું?
ઉત્તર : પૃથ્વી પરિષદનું
(12) વિશ્વભરમાં 5 જૂનના દિવસને કયા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે?
ઉત્તર : પર્યાવરણદિન તરીકે
(13) ઈ. સ. 1981માં ‘વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ કોણે પસાર કર્યો?
ઉત્તર : ભારત સરકારે
(14) સુપોષિત વિકાસ એટલે શું?
ઉત્તર : ટકાઉ વિકાસ
(15) આઝાદી પછી શાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું?
ઉત્તર : પંચવર્ષીય યોજનાઓના
(16) વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય, તો તેનું નિવારણ કઈ સંસ્થા કરશે?
ઉત્તર : વિશ્વ-વ્યાપાર સંગઠન (WTO)
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું?
A. વ્યાપાર નીતિ
B. ઔદ્યોગિક નીતિ
C. નાણાકીય નીતિ
D. રાજકોષીય નીતિ
ઉત્તર : D. રાજકોષીય નીતિ
2. કયા વર્ષની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થયો?
A. 1998ની
B. 1988ની
C. 1991ની
D. 1985ની
ઉત્તર : C. 1991ની
3. ઈ. સ. 1991ની ઔદ્યોગિક નીતિ દ્વારા કરાયેલ સુધારામાં કઈ એક બાબત નહોતી?
A. આર્થિક ઉદારીકરણ
B. ખાનગીકરણ
C. વૈશ્વિકીકરણ
D. રાષ્ટ્રીયકરણ
ઉત્તર : D. રાષ્ટ્રીયકરણ
4. વૈશ્વિકીકરણનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે?
A. રાજકોષીય નીતિ
B. દેશની નાણાકીય નીતિ
C. ઔદ્યોગિક નીતિ
D. વિદેશ વ્યાપાર અંગેની નીતિ
ઉત્તર : D. વિદેશ વ્યાપાર અંગેની નીતિ
5. વિશ્વ-વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે?
A. સ્ટૉકહોમમાં
B. જિનીવામાં
C. લંડનમાં
D. કોલકાતામાં
ઉત્તર : B. જિનીવામાં
6. વૈશ્વિકીકરણ સાથે કઈ બાબત સંકળાયેલ નથી?
A. બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
B. બે દેશો વચ્ચે મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે.
C. ટેક્નોલૉજીની હેરફેરના અવરોધો દૂર કરવા.
D. વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા.
ઉત્તર : D. વિશ્વના દેશો વચ્ચે જમીન સીમાના અવરોધો દૂર કરવા.
7. 5 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?
A. વિશ્વ પર્યાવરણદિન
B. વિશ્વ વનદિન
C. જૈવ વિવિધતાદિન
D. વિશ્વ પ્રાણીદિન
ઉત્તર : A. વિશ્વ પર્યાવરણદિન
8. વિશ્વ-વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી હતી?
A. યુરોપીય દેશોએ
B. અમેરિકન દેશોએ
C. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ
D. યુનેસ્કોએ
ઉત્તર : C. સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય-દેશોએ
9. નીચેનામાંથી માત્ર એક જ વખત ઉપયોગમાં લઈ શકાય એવું સાધન કયું છે?
A. પવનવિદ્યુત
B. કોલસો
C. સૌરઊર્જા
D. જળવિદ્યુત
ઉત્તર : B. કોલસો
10. પ્રદૂષણનો ફેલાવો અટકાવવા બળતણ તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
A. કેરોસીનનો
B. પ્રાકૃતિક વાયુ(સી.એન.જી.)નો
C. ડીઝલનો
D. પેટ્રોલનો
ઉત્તર : B. પ્રાકૃતિક વાયુ(સી.એન.જી.)નો
11. ભારતમાં ઈ. સ. 1981માં કેન્દ્ર સરકારે કયો ધારો પસાર કર્યો છે?
A. અવાજ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
B. વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
C. ભ્રષ્ટાચાર નિયંત્રણ ધારો
D. જળ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
ઉત્તર : B. વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો
12. પર્યાવરણની જાગૃતિ અંગે પ્રથમ પૃથ્વી પરિષદ’ કઈ સાલમાં યોજવામાં આવી?
A. ઈ. સ. 1972માં
B. ઈ. સ. 1951માં
C. ઈ. સ. 1992મા
D. ઈ. સ. 2014માં
ઉત્તર : A. ઈ. સ. 1972માં
13. પ્રથમ ‘પૃથ્વી પરિષદ’નું આયોજન સ્વિડનના કયા શહેરમાં કરવામાં આવ્યું?
A. અર્ન્સ્ટરસંડમાં
B. સ્ટૉકહોમમાં
C. નોરકોપિંગમાં
D. અપ્સાલામાં
ઉત્તર : B. સ્ટૉકહોમમાં
14. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે …
A. ખાનગીકરણ
B. વૈશ્વિકીકરણ
C. આર્થિક ઉદારીકરણ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર : B. વૈશ્વિકીકરણ
15. સ્ટૉકહોમ શહેર ક્યા દેશમાં આવેલું છે?
A. નૉર્વેમાં
B. ગ્રેટ બ્રિટનમાં
C. સ્વિડનમાં
D. પોલૅન્ડમાં
ઉત્તર : C. સ્વિડનમાં
16. ભારતમાં કયા આર્થિક સુધારા દ્વારા ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી?
A. ખાનગીકરણ
B. વૈશ્વિકીકરણ
C. ઉદારીકરણ
D. રાષ્ટ્રીયકરણ
ઉત્તર : C. ઉદારીકરણ
17. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
A. 1 જૂન, 1992થી
B. 1 જાન્યુઆરી, 1995થી
C. 10 ઑક્ટોબર, 1994થી
D. 31 ડિસેમ્બર, 1993થી
ઉત્તર : B. 1 જાન્યુઆરી, 1995થી
18. ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન કોણ પૂરું પાડે છે?
A. WRO
B. WST
C. WOT
D. WTO
ઉત્તર : D. WTO
19. ટકાઉ વિકાસમાં કયાં સંસાધનોની જાળવણી પર ભાર મુકાયો છે?
A. કુદરતી
B. પર્યાવરણીય
C. માનવીય
D. જળ
ઉત્તર : B. પર્યાવરણીય
20. નીચેના પૈકી કઈ એક બાબત અંગે વૈશ્વિક સમજૂતી થઈ નથી?
A. અવકાશયાનના કચરાનો નિકાલ
B. ઓઝોન વાયુનું ગાબડું
C. જૈવિક વિવિધતાની જાળવણી
D. પરમાણુ કચરાનો નિકાલ
ઉત્તર : A. અવકાશયાનના કચરાનો નિકાલ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here