Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 19 માનવવિકાસ
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 19 માનવવિકાસ
પ્રકરણસાર
- સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ – UNDP મુજબ “માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.’’
- માનવવિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એકસરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે.
- માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તીકરણ.
- માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને રજૂ કરી હતી. પ્રથમ માનવવિકાસ અહેવાલ ઈ. સ. 1990માં પ્રકાશિત થયો હતો.
- સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે.
- સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક(Human Development Index – HDI)નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.
- તેમાં માનવવિકાસ આંકમાં આ ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો : (1) સરેરાશ આયુષ્ય (આરોગ્ય), (2) શિક્ષણ-સંપાદન (જ્ઞાન) અને (3) જીવનધોરણ (માથાદીઠ આવક). આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવવિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો. UNDP દ્વારા માનવવિકાસ અહેવાલ માટે માનવવિકાસ આંક(HDI)ની ગણતરી માટે વર્ષ 2009 સુધી ઉપરના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે વર્ષ 2010થી નીચે મુજબની નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવે છેઃ
- (1) અપેક્ષિત આયુષ્ય આંક (સરેરાશ આયુષ્ય), (2) શિક્ષણ આંક (શિક્ષણ-સંપાદન) અને (3) આવક આંક (જીવનધોરણ).
- માનવવિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 $ અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ 5238 $ છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને યૂ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. તેને સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખવામાં આવે છે.
- વિશ્વના 188 દેશોમાં સૌથી વધારે માનવવિકાસ આંક ધરાવતા દેશોમાં નૉર્વે પ્રથમ, ઑસ્ટ્રેલિયા દ્વિતીય અને સ્વિટ્ઝરલૅન્ડ તૃતીય સ્થાન ધરાવે છે; જ્યારે ભારત 130મું સ્થાન ધરાવે છે. સૌથી નીચેના 188મા ક્રમે નાઇઝર (0.348) છે.
- માનવવિકાસમાં શ્રીલંકા, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે; જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે.
- માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિની સામે આ ત્રણ મુખ્ય પ્રકારો છે : (1) સ્વાસ્થ્ય (આરોગ્ય), (2) લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને (3) મહિલા સશક્તીકરણ.
- સ્વાસ્થ્ય (આરોગ્ય) : બાળ-૨સીકરણ કાર્યક્રમ દ્વારા બાળકોને વિવિધ રસીઓ આપવાથી બાળ-આરોગ્ય અને બાળ-મૃત્યુદરમાં ઘણો ઘટાડો થયો છે. આ ઉપરાંત, અનેક રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ બીજા રોગો પર નિયંત્રણ સાધી શકાયું છે. તેથી આજે ભારતમાં માનવી લાંબું, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.
- વસ્તીવૃદ્ધિનો ઊંચો દર, પાણીજન્ય રોગો, શ્વસન રોગો, કુપોષણ, મૂળભૂત ખનીજો અને વિટામિન્સ તથા પ્રોટીનની ઊણપ, પર્યાવરણીય પ્રદૂષણ, ઝેરી પદાર્થોનો ઉદ્ભવ, ગીચ વસવાટોમાં આરોગ્યની સુવિધાઓ વગેરે બાબતો સ્વાસ્થ્ય માટે પડકારરૂપ બની છે.
- લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) : ઈ. સ. 2011ની વસ્તીગણતરી મુજબ ભારતની કુલ વસ્તીમાં 48.46% સ્ત્રીઓ અને 51.54 % પુરુષો છે.
- સાક્ષરતાના નીચા પ્રમાણને કારણે મહિલાઓને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા વગે૨ે સામાજિક કુરિવાજો સહન કરવા પડે છે.
- સમાજમાં ભ્રૂણહત્યા, નીચો આદરભાવ, પુત્રજન્મ માટેની ઘેલછા, સામાજિક પરંપરાઓ અને જાતીય ભેદભાવને લીધે સ્ત્રીઓએ જ અન્યાયનો ભોગ બનવું પડે છે. ભારતમાં આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક તથા નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્ત્રી-પુરુષમાં અસમાનતા પ્રવર્તે છે.
- મહિલા સશક્તીકરણ : સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તીકરણ એ મહિલા સશક્તીકરણનું મહત્ત્વનું પાસું છે. મહિલા સશક્તીકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર સશક્ત બને છે.
- ભારતમાં ઈ. સ. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ઈ. સ. 2002માં સરકારે મહિલા સશક્તીકરણની રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.
- યુનાઇટેડ નેશન્સે 1975ના વર્ષને ‘મહિલા વર્ષ’ અને 1975 – 1985ના દશકાને ‘મહિલા દસકા’ તરીકે જાહેર કર્યો હતો. ઈ. સ. 2002ના વર્ષને મહિલા સશક્તીકરણ વર્ષ’ તરીકે ઊજવવામાં આવ્યું હતું.
- ગુજરાત સરકારે મહિલા સુરક્ષા માટે 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરી છે.
- ઈ. સ. 2003માં ગુજરાત સ૨કા૨ે મહિલા અને બાળવિકાસ વિભાગની રચના કરી. મહિલાઓનું શૈક્ષણિક સશક્તીકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
- તેમાં વિદ્યાલક્ષ્મી બૉન્ડ’, ‘સરસ્વતી સાધના યોજના’, ‘સબલા યોજના’, ‘રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’, ‘મિશન મંગલમ્ યોજના’, ‘ઇ-મમતા કાર્યક્રમ’, ‘ચિરંજીવી યોજના’ મુખ્ય યોજનાઓ છે.
- ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33 % અનામતની જોગવાઈ કરી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 33 %થી વધારીને 50 % કરવામાં આવી છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) માનવવિકાસ આંક સાથે સવિસ્તર સમજાવો.
અથવા
ટૂંક નોંધ લખો : માનવવિકાસ આંક
ઉત્તર : માનવવિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવવિકાસ આંક’ કહે છે.
→ માનવવિકાસ આંકની સૌપ્રથમ વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી.
→ તેમની મદદથી ઈ. સ. 1990માં પ્રથમ માનવવિકાસ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
→ એ પછી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) દ્વારા માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
→ તેમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે.
→ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવવિકાસ અહેવાલમાં માનવવિકાસ આંક (Human Development Index – HDI) માટે આ ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો : (1) સરેરાશ આયુષ્ય (આરોગ્ય), (2) શિક્ષણ-સંપાદન (જ્ઞાન) અને (૩) જીવનધોરણ (માથાદીઠ આવક).
→ આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવવિકાસ આંકનો ક્રમ નક્કી કરવામાં આવતો. આ પદ્ધતિ ઈ. સ. 2009 સુધી અમલમાં રહી.
→ ઈ. સ. 2010થી માનવવિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના ત્રણ નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે ઃ
- અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index – LEI)] : આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલાં વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
- શિક્ષણ આંક [(Education Index – EI) (શિક્ષણ- સંપાદન)] ઃ આ આંકના બે પેટાનિર્દેશકો આ મુજબ છે : ( i ) શાળાકીય સરેરાશ વર્ષો (Mean Years of Schooling- MYS) : 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો. તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નિર્ધારિત કરેલ છે. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. (ii) અપેક્ષિત શાળાકીય વર્ષો (Expected Years of Schooling – EYS) : 5 વર્ષનું બાળક પોતાના જીવનનાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 11.7 વર્ષ છે.
- આવક આંક [(Income Index – II) (જીવન- ધોરણ)]: જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ(Gross Domestic Product per capita- GDP)ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (Gross National Income per capita – GNI) સાથે જોડવામાં આવે છે. માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 5497 $ અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ 5238 $ છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને યૂ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે. તેને સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખવામાં આવે છે.
(2) માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે?
અથવા
માનવવિકાસ આંક માપવા માટેના નિર્દેશકોની સમજૂતી આપો.
ઉત્તર : ઈ. સ. 2010થી માનવવિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી નીચે પ્રમાણે છે :
- અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index – LEI) (સરેરાશ આયુષ્ય)] ઃ અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નીરોગી જીવન માટે બાળકના જન્મસમયનું અપેક્ષિત આયુષ્ય. તેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે.
- માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે.
- શિક્ષણ આંક [(Education Index – EI) (શિક્ષણ- સંપાદન)] : શિક્ષણ આંકના બે પેટાનિર્દેશકો નીચે પ્રમાણે છે:
- શાળાકીય સરેરાશ વર્ષો (Mean Years of Schooling – MYS) એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો.
- તેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
- માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
- અપેક્ષિત શાળાકીય વર્ષો (Expected Years of Schooling – EYS) : 5 વર્ષનું બાળક પોતાના જીવનનાં કેટલાં વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા શૂન્ય વર્ષ નક્કી કરેલ છે.
- ભારતનાં અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે.
- શાળાકીય સરેરાશ વર્ષો (Mean Years of Schooling – MYS) એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલાં વર્ષો.
- આવક આંક [(Income Index – II) (જીવન- ધોરણ)] : જીવનનિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ- (Gross Domestic Product per capita – GDP)ને માથાદીઠ લ રાષ્ટ્રીય આવક (Gross National Income per capita – GNI) સાથે જોડવામાં આવે છે.
- માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $ 5497 અને માથાદીઠ કુલ ઘરેલુ પેદાશ $ 5238 છે.
- માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે-તે દેશની આવકને યૂ.એસ.એ.ના ચલણ મૂલ્યમાં આંકવામાં આવે છે.
- તે સમખરીદશક્તિ (Purchasing Power Parity) તરીકે ઓળખવામાં આવે છે.
(3) માનવવિકાસ અહેવાલની વિગતો સ્પષ્ટ કરો.
અથવા
ટૂંક નોંધ લખો : માનવવિકાસ અહેવાલ
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા ઈ. સ. 1990થી દર વર્ષે માનવવિકાસ અહેવાલ (Human Development Report – HDR) પ્રસિદ્ધ કરવામાં આવે છે.
→ ઈ. સ. 2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલ માનવવિકાસ અહેવાલમાં 188 દેશોને સમાવવામાં આવ્યા હતા.
→ આ દેશોને તેમના માનવવિકાસ આંક(HDI)ના આધારે નીચેના કોષ્ટક મુજબ ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છેઃ

ઉપર આપેલા કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ –
- ઉચ્ચતમ માનવવિકાસ ધરાવતા 49 દેશો પૈકી મુખ્ય દેશો : નૉર્વે, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલૅન્ડ, ડેન્માર્ક, નેધરલૅન્ડ, યુ.એસ.એ., સિંગાપુર, ગ્રેટબ્રિટન, જાપાન અને ફ્રાન્સ.
- ઉચ્ચ માનવવિકાસ ધરાવતા 56 દેશો પૈકી મુખ્ય દેશો ઃ રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઇલૅન્ડ અને જમૈકા.
- મધ્યમ માનવવિકાસ ધરાવતા 38 દેશો પૈકી મુખ્ય દેશો : ઇન્ડોનેશિયા, ફિલિપીન્ઝ, દક્ષિણ આફ્રિકા, ઇરાક અને ભારત.
- નિમ્ન માનવવિકાસ ધરાવતા 45 દેશો પૈકી મુખ્ય દેશોઃ કેન્યા, પાસ્તિાન, નાઇજીરિયા, ઝિમ્બાબ્વે અને નાઇઝર.
→ માનવવિકાસ આંકમાં 188 દેશો પૈકી નૉર્વે (0.944) પ્રથમ સ્થાને છે.
→ બીજા સ્થાને ઑસ્ટ્રેલિયા (0.935) અને ત્રીજા સ્થાને સ્વિટ્ઝરલૅન છે. સિંગાપુર (0.912) અગિયારમા સ્થાને છે.
→ ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. તેથી તેનું સ્થાન મધ્યમ માનવવિકાસ ધરાવતા દેશોમાં આવે છે.
→ માનવવિકાસ આંકમાં નાઇઝર (0.348) 188મા – સૌથી છેલ્લા ક્રમે – સ્થાને છે.
→ ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 થયો હતો. આમ, ભારતના માનવવિકાસમાં ક્રમશઃ સુધારો થતો જોવા મળે છે.
→ માનવવિકાસ આંકમાં ભારતના પાડોશી દેશો પૈકી શ્રીલંકા, ચીન અને માલદીવ ભારતથી ઉપરના ક્રમે છે; જ્યારે ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન ભારતથી નીચેના ક્રમે છે.
(4) ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.
ઉત્તર : ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે :
→ વસ્તીનિયંત્રણ માટે ભારત સરકારે વસ્તીનિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યાં છે.
→ બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે, પોલિયો માટે ઓ.વી.પી, ક્ષય માટે બી.સી.જી., ઝેરી કમળા માટે હીપેટાઇટિસ – બી, ડિસ્થેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. આ ઉપરાંત, બાળકોને ઓરી, અછબડા અને ટાઇફૉઈડ વિરોધી રસીઓ આપવામાં આવે છે.
→ આયોડિન, વિટામિન્સ અને લોહતત્ત્વની ઊણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
→ દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે.
→ ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), એઇડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.
→ ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ-મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
→ દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.
→ દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે.
(5) ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવલ પ્રકારે ભેદભાવ જોવા મળે છેઃ
→ મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેર કરે જેવાં કામો કરે તો તેનો કોઈ હિસ્સો – મૂલ્ય – આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
→ મોટા ભાગનાં ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે.
→ નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળમૃત્યુનો દર ઊંચો રહે છે.
→ ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે.
→ ભારતીય સમાજમાં પુત્રજન્મનું વિશેષ મહત્ત્વ છે. પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી-ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે.
→ પુરુષપ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે.
→ ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.
→ ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું-ફરવું, આચાર-વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.
→ મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે.
→ ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ઊંચાં પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે.
→ સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.
(6) મહિલા સશક્તીકરણ એટલે શું? તેનાં અવરોધક પરિબળો જણાવો.
અથવા
મહિલા સશક્તીકરણ એટલે શું? તેનું સ્વરૂપ અને તેની આડેનાં અવરોધક પરિબળો જણાવો.
ઉત્તર : મહિલા સશક્તીકરણ : મહિલા સશક્તીકરણ એટલે સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા.
મહિલા સશક્તીકરણનું સ્વરૂપ : ભારતના બંધારણે સ્ત્રી-પુરુષને સંપૂર્ણ સમાનતા આપી છે.
→ પુરુષ અને સ્ત્રી વચ્ચેની અસમાનતા કે ભેદભાવો સમાજસર્જિત છે. એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને છે.
→ સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. આમ છતાં, મહિલા સશક્તીકરણમાં આર્થિક, વહીવટી, રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની બાબતમાં અસમાનતા પ્રવર્તે છે.
→ આ અસમાનતા સમૃદ્ધ, વિકસિત અને ઔદ્યોગિક દેશોમાં તેમજ એક જ દેશના વિવિધ સમાજો, જાતિઓ અને વિવિધ ક્ષેત્રોમાં જુદી જુદી છે.
→ ભારતમાં આ અસમાનતા આપણને રાજ્ય વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં; ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મૅનેજરો તથા વ્યાવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં મહિલાઓની ઓછી ટકાવારી પરથી જાણવા મળે છે.
મહિલા સશક્તીકરણની આડેનાં અવરોધક પરિબળો : ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચાં પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવાં તમામ કામો પર પુરુષોનું વર્ચસ્વ છે.
→ ઘણાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે કે બાળઉછેરનું કામ કરે છે. તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
→ ઉદ્યોગો, સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે.
→ સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે અનેક અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે.
→ ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે.
→ કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી.
→ અભ્યાસની તકોમાં અને વ્યાવસાયિક કામોમાં સ્ત્રીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે.
→ સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી-કામદારોને પુરુષ- કામદારની તુલનામાં ઓછું વેતન આપતાં, ઓછી જવાબદારીવાળાં અને તેઓ નિપુણ ન બને એવાં કામો ફાળવવામાં આવે છે.
→ સમાજની રૂઢિચુસ્તતા, રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરેને લીધે તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો મળ્યા નથી. પરિણામે તે સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનતી આવી છે.
→ સાક્ષરતાનું નીચું પ્રમાણ સ્ત્રીઓની પ્રગતિને અવરોધે છે.
(7) માનવવિકાસ સામેના પડકારો જણાવો.
ઉત્તર : માનવવિકાસની પ્રગતિ સામેના મુખ્ય ત્રણ પડકારો છે : 1. સ્વાસ્થ્ય (આરોગ્ય), 2. લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને 3. મહિલા સશક્તીકરણ.
1. સ્વાસ્થ્ય (આરોગ્ય) : વ્યક્તિના અંગત, કૌટુંબિક અને સામાજિક જીવન માટે નીરોગી સ્વાસ્થ્યનું ખૂબ મહત્ત્વ છે. તે જીવનની ગુણવત્તા વધારે છે તેમજ તે માનવ-સંસાધન વિકાસનું એક રોકાણ પણ છે.
→ ભારતમાં બાળ-૨સીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને વિવિધ રોગ- વિરોધી રસીઓ આપવાની બાળ-આરોગ્ય અને બાળમૃત્યુમાં નોંધપાત્ર સુધારો થયો છે.
→ સારવારની ઉત્તમ સુવિધાઓને કારણે અનેક નાના-મોટા રોગોને નિર્મૂળ કરી શકાયા છે તેમજ તેમની ૫૨ નિયંત્રણ સાધી શકાયું છે.
→ આમ છતાં, પાણીજન્ય રોગો, શ્વસન રોગો તથા કુપોષણે માનવીના સ્વાસ્થ્ય સમક્ષ પડકાર ઊભો કર્યો છે.
→ મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્ત્વોની ખામી, મૂળભૂત ખનીજ તત્ત્વો અને વિટામિન્સની ઊણપે સ્વાસ્થ્ય માટે નવી સમસ્યાઓ ઊભી કરી છે.
→ બાળકો અને સ્ત્રીઓના અપૂરતા વિકાસ માટે પ્રોટીનની ઊણપ જવાબદાર છે.
→ પર્યાવરણીય પ્રદૂષણ અને વાતાવરણમાં ઝેરી પદાર્થોનો ઉદ્ભવ માનવીના રોજિંદા જીવન સમક્ષના નવા પડકારો છે.
→ વધતા શહેરીકરણે ગંદા વસવાટોમાં આરોગ્ય સુવિધાઓની સમસ્યાઓ જન્માવી છે.
2. લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષની સમાનતા) : ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાનતા અને ન્યાય બક્ષ્યાં છે.
→ ઈ. સ. 2011ની જનગણના મુજબ ભારતની કુલ વસ્તીના 48.46 % સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.
→ ભારતમાં સ્ત્રીઓના ઘરેલું કામકાજનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.
→ દીકરીઓને શૈશવકાળથી જ શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે.
→ સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને અનેક સામાજિક કુરિવાજો અને અન્યાયોનો ભોગ બનવું પડે છે.
→ ભારતમાં સ્ત્રીઓને આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તકો અને નિર્ણયોની પ્રક્રિયામાં અસમાનતા પ્રવર્તે છે.
→ ભારતમાં ઊંચાં પદો, ઊંચી આવક, વધુ વેતન અને વધુ લાભ મળે તેવા ઉદ્યાગો અને નોકરીઓમાં પુરુષોનું વર્ચસ્વ છે.
→ ભારતની સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્ર વગેરેમાં મહિલાઓનું ઓછું પ્રમાણ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2 % જેટલું જ છે.
3. મહિલા સશક્તીકરણ : જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (6)ના ઉત્તરનો ત્રીજો મુદ્દો : મહિલા સશક્તીકરણની આડેનાં અવરોધક પરિબળો.
(8) ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? સમજાવો.
અથવા
મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વર્ણવો.
અથવા
ગુજરાત સરકારે મહિલા સશક્તીકરણ ક્ષેત્રે અમલમાં મૂકેલી યોજનાઓ જણાવો.
ઉત્તર : ગુજરાત સરકારે મહિલા સમાનતા – સશક્તીકરણ – માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલ છે :
→ ગુજરાત સરકારે કન્યા-કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા-કેળવણી રથયાત્રા’ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.
→ રાજ્યમાં ૩૩ %થી ઓછો સ્ત્રી-સાક્ષરતા દર ધરાવતાં ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબીરેખા નીચે જીવતાં કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે ‘વિદ્યાલક્ષી બૉન્ડ’ આપવામાં આવે છે.
→ ‘સરસ્વતી સાધના યોજના’ અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઇકલો આપવામાં આવે છે.
→ પોતાના ઘેરથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસ.ટી. બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે.
→ રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સ૨કા૨ે ‘સબલા યોજના’ અમલમાં મૂકી છે.
→ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 % અનામતની જોગવાઈ કરી છે.
→ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન આપવા માટે 50 % અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
→ શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે જીવનનિર્વાહ માટે પેન્શન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવવા સરકારે ‘રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, રાજ્યમાં નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપન માટેની નાણાકીય સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે.
→ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખીમંડળ દ્વારા સરકાર ‘મિશન મંગલમ્’ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે.
→ સરકારે મહિલાઓના આરોગ્ય માટે ઇ-મમતા’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ મુજબ મોબાઇલ દ્વારા સગર્ભા માતાઓની નોંધણી કરીને તેમને મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે તેમજ નવજાત શિશુને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે.
→ ‘બેટી બચાવો’ અભિયાન દ્વારા જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ અભિયાન ચલાવવામાં આવે છે.
→ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાન્ય પરિવારોની પ્રસૂતા મહિલાઓને ‘ચિરંજીવી યોજના’ અંતર્ગત પ્રસૂતિ સેવાઓ, લૅબોરેટરી તપાસ, ઑપરેશન વગેરે સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
(9) માનવવિકાસ આંકમાં ભારત મધ્યમ માનવવિકાસની હરોળમાં છે, તો તેને ઉચ્ચતમ માનવવિકાસની શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ?
ઉત્તર : માનવવિકાસ આંકમાં ભારતને મધ્યમ માનવવિકાસની હરોળમાંથી ઉચ્ચતમ માનવવિકાસની શ્રેણીમાં લઈ જવા માટે નીચે પ્રમાણેના પ્રયત્નો કરવા જોઈએ :
→ માનવીના અપેક્ષિત આયુષ્ય આંકમાં વધારો કરવો.
→ બાળકોના અભ્યાસનું પ્રમાણ વધારવું.
→ વસ્તીવૃદ્ધિના દરમાં ઘટાડો કરવો.
→ માથાદીઠ આવકમાં વધારો કરવો.
→ લૈંગિક સમાનતા – સ્ત્રી-પુરુષ સમાનતા લાવવી
→ મહિલા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી.
→ પ્રજાનું આરોગ્ય સુધરે તેવા પ્રયત્નો કરવા.
→ મહિલા સશક્તીકરણ માટે સઘન પ્રયાસો કરવા
→ મહિલા શોષણ અટકાવવા અંગેની જોગવાઈઓ કરવી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) માનવવિકાસ એટલે શું?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) મુજબ ‘માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.’
→ માનવવિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે.
→ દેશનો સર્વાંગીણ વિકાસ સાધીને નાગરિકોના જીવનધોરણની ગુણવત્તાને ઊંચે લઈ જવી તેમજ સૌ નાગરિકોના જીવનની તમામ તકોનું સર્જન કરવું, જેથી તેઓ સાર્થક, સફ્ળ અને સર્જનાત્મક જીવન જીવી શકે એ માનવવિકાસનો મુખ્ય ઉદ્દેશ છે.
→ દેશના માત્ર આર્થિક વિકાસથી જ માનવવિકાસ થઈ શકે નહિ.
→ માત્ર વ્યક્તિની માથાદીઠ આવક નહિ, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવવિકાસ આધારિત છે.
→ માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : (1) સમાનતા, (2) સ્થિરતા, (3) ઉત્પાદકતા અને (4) સશક્તીકરણ.
(2) માનવવિકાસ થયો ક્યારે ગણાય?
ઉત્તર : દેશના આર્થિક વિકાસને લીધે લોકોના જીવનધોરણમાં સુધારો થાય છે, પરંતુ એ પૂરતું નથી. જીવનધોરણની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય તો જ માનવવિકાસ થયેલો ગણાય.
→ માત્ર આવક જ નહિ પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવવિકાસ આધાર રાખે છે.
→ માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : (1) સમાનતા, (2) સ્થિરતા, (૩) ઉત્પાદકતા અને (4) સશક્તીકરણ.
→ પ્રજામાં શિક્ષણનો વ્યાપ વધતાં લોકો શિક્ષિત બને, તેમનું આરોગ્ય સુધરે, ગંદકીનો યોગ્ય નિકાલ થાય, સ્વાસ્થ્યસંબંધી પરિસ્થિતિ સુધરે, વિકાસના લાભો સામાન્ય લોકો સુધી વિસ્તરે અને ભાવિ પેઢીને તેનાં મીઠાં ફળ પ્રાપ્ત થાય તો જ માનવવિકાસ થયેલો કહેવાય.
→ લોકોની આવકોમાં વધારો થાય અને એ સાથે સામાજિક લક્ષ્યાંકો પાર પડે તો જ માનવવિકાસ થયેલો ગણાય.
(3) માનવવિકાસને માનવજીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે?
ઉત્તર : માનવવિકાસને માનવજીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે ઃ
માનવવિકાસને માનવીનાં સુખ-શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ધિક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત, નીચેની બાબતો સાથે પણ સંબંધ છે :
→ તંદુરસ્તી, નીરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન.
→ શિક્ષણ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ.
→ આર્થિક ઉપાર્જનની તકો.
→ ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ.
→ ગુણવત્તાસભર જીવનશૈલી.
→ વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.
→ માનવઅધિકારોનો ઉપયોગ કરવાની તકો.
(4) ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો.
ઉત્તર : ભારતમાં મહિલાઓને પુરુષ-સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈ. સ. 1980થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે નીચે પ્રમાણે છેઃ
→ ઈ. સ. 1999માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી.
→ ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી.
→ આ નીતિ મુજબ મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાનાં ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે.
→ કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો.
→ ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો સ્થપાઈ છે.
→ મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે.
→ સરકારી નોકરીઓમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘરનોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એ હેતુથી સ૨કા૨ે કાયદો બનાવીને તેમને સુરક્ષા આપી છે.
(5) આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવવિકાસ આંકને અસર કરે છે?
ઉત્તર : આપણી આસપાસ જોવા મળતી નીચેની બાબતો દેશના માનવવિકાસ આંકને અસર કરે છેઃ
→ અપૂરતા પોષણવાળી સગર્ભા માતા.
→ ઓછા વજનવાળા બાળકનો જન્મ.
→ કુપોષણવાળું બાળક.
→ આંગણવાડી કે શાળાએ ન જતું બાળક.
→ વાંચતાં-લખતાં ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક.
→ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય એવું બાળક.
→ દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતાં કુટુંબો. .
→ અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિ.
→ ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ.
→ બેરોજગાર શિક્ષિત અને અશિક્ષિત યુવાનો
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) UNDPએ આપેલી માનવવિકાસની વ્યાખ્યા આપો. માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો કયા કયા છે?
ઉત્તર : UNDPએ આપેલી માનવવિકાસની વ્યાખ્યા : “માનવવિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને આવશ્યક હોય તેવી જીવનનિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.”
માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો : (1) સમાનતા, (2) સ્થિરતા, (૩) ઉત્પાદકતા અને (4) સશક્તીકરણ.
(2) કયાં પરિબળોને કારણે ભારતમાં અપેક્ષિત આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકાયો નથી?
ઉત્તર : (1) નવા સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સૂગ, (2) નિમ્ન સ્તરની આકાંક્ષાઓ, (3) નિરક્ષરતા, (4) સાહસવૃત્તિનો અભાવ, (5) વહેમ અને અંધશ્રદ્ધા, (6) જુનવાણી માનસ, (7) જૂનીપુરાણી રૂઢિઓ, રિવાજો (8) ભૌતિક અને કુદરતી સંસાધનોનો અપૂરતો ઉપયોગ વગેરે પરિબળોને કારણે ભારતમાં અપેક્ષિત આર્થિક અને સામાજિક વિકાસ સાધી શકાયો નથી.
(3) માનવવિકાસ આંકની વિભાવના સૌપ્રથમ કોણે કરી હતી? પ્રથમ માનવવિકાસ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો?
ઉત્તર : માનવવિકાસ આંકની વિભાવના સૌપ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી. પ્રથમ માનવવિકાસ અહેવાલ ઈ. સ. 1990માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
(4) માનવવિકાસ આંક શું છે?
ઉત્તર : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (United Nations Development Programme – UNDP) દ્વારા ઈ. સ. 1990માં પ્રકાશિત થયેલા અહેવાલમાં માનવવિકાસ આંક(Human Development Index – HDI)ની ગણતરી કરવા માટે આ ત્રણ નિર્દેશકો દર્શાવ્યાં છે : (1) સરેરાશ આયુષ્ય (આરોગ્ય), (2) શિક્ષણ- સંપાદન (જ્ઞાન) અને (૩) જીવનધોરણ (માથાદીઠ આવક). –
→ આ ત્રણેય નિર્દેશકોનો સંયુક્તપણે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને ‘માનવવિકાસ આંક’ કહે છે.
→ આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકને આધારે કોઈ પણ દેશના માનવવિકાસનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે.
→ કોઈ પણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવવિકાસ આંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
(5) માનવવિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે?
ઉત્તર : માનવવિકાસ આંક (Human Development Index – HDI) માપનની નવી પ્રવિધિ ઈ. સ. 2010થી અમલમાં આવી છે. આ નવી પ્રવિધિમાં નીચેના ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે :
1. અપેક્ષિત આયુષ્ય આંક [(Life Expectancy Index – LEI) (સરેરાશ આયુષ્ય)].
2. શિક્ષણ આંક [(Education Index – EI) (શિક્ષણ- સંપાદન)].
૩. આવક આંક [(Income Index-II) (જીવનધોરણ)].
(6) સમખરીદશક્તિ (Purchasing Power Parity) શું છે?
ઉત્તર : સમખરીદશક્તિ એટલે કોઈ પણ બે દેશોના ચલણના એકમોની સરખી ખરીદશક્તિ. દા. ત., અમેરિકામાં 1 ડૉલર વડે 5 કિલો ઘઉં ખરીદી શકાતા હોય અને ભારતમાં 5 કિલો ઘઉં ખરીદવા માટે 45 રૂપિયા આપવા પડતા હોય તો તે 1 ડૉલર અને 45 રૂપિયાની ‘સમખરીદશક્તિ’ (Purchasing Power Parity) ગણાય.
(7) માનવવિકાસ અહેવાલ – 2015માં કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ અહેવાલમાં કયા દેશો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે છે?
ઉત્તર : માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના 188 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ અહેવાલમાં નૉર્વે (0.944) પ્રથમ, ઑસ્ટ્રેલિયા (0.935) દ્વિતીય અને સ્વિટ્ઝરલૅન્ડ (0.930) તૃતીય ક્રમે છે.
(8) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવ- વિકાસ આંક કેટલો અને કયા ક્રમે છે?
ઉત્તર : માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવવિકાસ આંક 0.609 છે અને ક્રમ 130 છે.
(9) ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં, વર્ષ 2000માં, વર્ષ 2010માં, વર્ષ 2014માં અને વર્ષ 2015માં કેટલો હતો ?
ઉત્તર : ભારતનો માનવવિકાસ આંક વર્ષ 1990માં 0.428, વર્ષ 2000માં 0.496, વર્ષ 2010માં 0.586, વર્ષ 2014માં 0.604 અને વર્ષ 2015માં 0.609 હતો.
(10) ભારતના કયા પાડોશી દેશો માનવવિકાસ આંકમાં ભારતથી આગળ છે?
ઉત્તર : ભારતના પાડોશી દેશો શ્રીલંકા, ચીન અને માલદીવ માનવવિકાસ આંકમાં ભારતથી આગળ છે.
(11) ભારતના કયા પાડોશી દેશો માનવવિકાસ આંકમાં ભારતથી પાછળ છે ?
ઉત્તર : ભારતના પાડોશી દેશો ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન માનવવિકાસ આંકમાં ભારતથી પાછળ છે.
(12) માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિ સમક્ષ કયા કયા પડકારો છે?
ઉત્તર : માનવવિકાસ આંકમાં માનવવિકાસની પ્રગતિ સમક્ષ મુખ્ય ત્રણ પડકારો છે : (1) સ્વાસ્થ્ય (આરોગ્ય), (2) લૈંગિક સમાનતા (સ્ત્રી-પુરુષ સમાનતા) અને (3) મહિલા સશક્તીકરણ.
(13) બાળ-૨સીકરણ કાર્યક્રમમાં બાળકોને કઈ કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તર : બાળ-રસીકરણ કાર્યક્રમમાં બાળકોને પોલિયો માટે ઓ.પી.વી. રસી, ક્ષય માટે બી.સી.જી. રસી, ઝેરી કમળા માટે હીપેટાઇટિસ રસી, ડિસ્થેરિયા – મોટી ઉધરસ – ધનુર માટે ડી.પી.ટી. રસી તેમજ ઓરી, એમ.એમ.આર. અને ટાઇફૉઈડ વિરોધી રસી આપવામાં આવે છે.
(14) આપણે દેશમાંથી કયા કયા રોગોને નિર્મૂળ કરી શક્યા છીએ તેમજ નિયંત્રણ સાધી શક્યા છીએ?
ઉત્તર : આપણે દેશમાંથી પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો જેવા રોગોને નિર્મૂળ કરી શક્યા છીએ તેમજ ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), કૅન્સર, હૃદયરોગ જેવા રોગો પર નિયંત્રણ સાધી શક્યા છીએ.
(15) લૈંગિક સમાનતા એટલે શું? ભારતમાં લૈંગિક સમાનતા કેવી છે?
ઉત્તર : લૈંગિક સમાનતા એટલે સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યાની સમાનતા. ઈ. સ. 2011ની વસ્તીગણતરીના અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 48.46% સ્ત્રીઓ અને 51.54% પુરુષો છે.
(16) સ્ત્રી-પુરુષની સંખ્યાની અસમાનતા માટેનાં કારણો જણાવો.
ઉત્તર : સ્ત્રી-પુરુષની સંખ્યા – જાતીય અસમાનતા માટેનાં મુખ્ય કારણો નીચે પ્રમાણે છે :
→ ભારતીય સમાજની રૂઢિચુસ્તતા, સામાજિક રિવાજો, બંધનો તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને લીધે સ્ત્રીઓ પુરુષો જેટલા અધિકારો ભોગવી શકતી નથી.
→ નાનપણથી છોકરીઓના આરોગ્યની કાળજી લેવામાં આવતી નથી.
→ કુટુંબના નિર્ણયો લેવામાં સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે છે. સ્ત્રીઓ માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરે છે.
→ આચાર, વિચાર અને વ્યવહારમાં દીકરીઓને દીકરાઓ કરતાં જુદી શિખામણ આપવામાં આવે છે.
→ દીકરા-દીકરીનાં કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક અને હરવા-ફરવામાં ભેદભાવ રાખવામાં આવે છે.
(17) ભારતમાં સ્ત્રીઓને ક્યા ક્યા કુરિવાજોના ભોગ બનવું પડે છે? શા માટે?
ઉત્તર : સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી સ્રીઆને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.
(18) મહિલા સશક્તીકરણ એટલે શું?
ઉત્તર : સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા એટલે મહિલા સશક્તીકરણ.
(19) સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપવા જરૂરી ઉપાયો સૂચવો.
ઉત્તર : સ્ત્રી-પુરુષ સમાનતા સ્થાપવાના જરૂરી ઉપાયો નીચે મુજબ છે :
→ રક્ષણ, પોષણ અને શિક્ષણ પૂરાં પાડીને સ્ત્રીઓની સ્થિતિમાં સુધારો લાવી સ્રી-મૃત્યુદર ઘટાડવો.
→ છોકરીને છોકરા જેટલી જ શિક્ષણની તકો પૂરી પાડવી. કુટુંબ અને સમાજનાં અન્ય ક્ષેત્રોમાં છોકરીને છોકરા જેટલા જ સમકક્ષ અધિકારો અને સન્માન આપવાં.
→ સ્ત્રીઓના ઘરકામનું આર્થિક મૂલ્ય આંકવું. કુટુંબના વિકાસમાં સ્ત્રીઓના ઘરકામના ફાળાને મહત્ત્વ આપવું.
→ નાનપણથી જ છોકરા-છોકરીના ઉછેરમાં, સારસંભાળમાં અને આરોગ્યવિષયક બાબતોમાં ભેદભાવ રાખવો નહિ.
→ પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને અન્યાયકર્તા તમામ સામાજિક રિવાજો અને દૂષણો નાબૂદ કરવાં.
→ સ્ત્રીઓને સહન કરવું પડતું શારીરિક શોષણ અને દમન નિવારવું.
→ સ્ત્રી-પુરુષોને દરજ્જો, તકો, સંસાધનો વગે૨ે સમાન ધોરણે પૂરાં પાડવાં.
(20) મહિલા સશક્તીકરણનાં કેન્દ્રબિંદુ કયાં છે?
ઉત્તર : સ્ત્રીઓ મહિલા સશક્તીકરણનું કેન્દ્રબિંદુ છે.
→ એક સ્ત્રી શિક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને.
→ આ માટે સમાજમાં સ્ત્રી-પુરુષનો દરજ્જો સમાન બનાવવો જોઈએ.
→ સમાજમાં જાતીય સમાનતાની સમજણ વિકસાવવી અનિવાર્ય છે.
→ આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં સ્ત્રીઓને ભાગીદાર બનાવવી જોઈએ.
→ સ્ત્રીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વિપુલ તકો તથા સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.
→ સ્ત્રી-પુરુષ વચ્ચે અસમાનતા સમાજે જ સર્જેલી છે, તો હવે સમાજ જ મહિલાઓનું સશક્તીકરણ કરવા કટિબદ્ધ બને એ આધુનિક સમયની માગ છે.
(21) ગુજરાત સરકારે ઈ. સ. 2001માં કયા વિભાગની રચના કરી છે? શા માટે?
ઉત્તર : રાજ્યની મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે ઈ. સ. 2001માં ‘મહિલા અને બાળવિકાસ’ વિભાગની રચના કરી છે.
(22) ગુજરાત સરકારે મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં વિવિધ યોજનાઓ શા માટે અમલમાં મૂકી છે?
ઉત્તર : ગુજરાત સરકારે મહિલા સશક્તીકરણ માટે ગરીબ અને સામાન્ય કુટુંબોની તેમજ ગ્રામીણ મહિલાઓના ઉત્કર્ષના ત્રણ પાસાંઓ – મહિલા શૈક્ષણિક સશક્તીકરણ, મહિલા આરોગ્ય અને મહિલા સુરક્ષા માટે મહિલા કેન્દ્રિત જેન્ડર બજેટમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.
(23) કયા અભિયાને મહિલા સશક્તીકરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે?
ઉત્તર : ‘બેટી બચાવો’ અભિયાન દ્વારા જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે અભિયાન ચલાવી ‘બેટી બચાવો, બેટી વધાઓ અને બેટી પઢાઓ’ અભિયાને મહિલા સશક્તીકરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
(24) ‘અભયમ્ યોજના’ શું છે? સમજાવો.
ઉત્તર : ‘181 અભયમ્ યોજના’ – ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી યોજના છે.

→ શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાની સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે આ હેલ્પલાઇન પર માત્ર એક કૉલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો કારણો આપી સમજાવો :
(1) માથાદીઠ આવક વધે એટલે માનવવિકાસ વધ્યો એમ કહેવાય નહિ.
ઉત્તર : દેશના લોકોની માથાદીઠ આવક વધે તો તે આર્થિક વિકાસ થયો ગણાય.
→ આર્થિક વિકાસને લીધે લોકોના જીવનધોરણમાં વધારો થાય છે, પરંતુ લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો થતો નથી.
→ જીવનધોરણની સાથે જીવનની ગુણવત્તામાં સુધારો થાય તો જ માનવવિકાસ થયો ગણાય.
આથી માત્ર માથાદીઠ આવક વધે એટલે માનવવિકાસ વધ્યો (થયો) કહેવાય નહિ.
(2) કોઈ પણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવવિકાસ આંક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ઉત્તર : દેશના માનવવિકાસનો આંક જાણવાથી પોતાનો દેશ વિકસિત દેશોની તુલનામાં કેટલો પાછળ છે તે જાણી શકાય છે.
→ દેશના વિકાસની દિશા સાચી છે કે કેમ તેનો ખ્યાલ આવે છે.
→ દેશના હાલના માનવવિકાસ આંકને ઊંચે લઈ જવા માટે નવી યોજનાઓ બનાવી શકાય છે.
→ વિકાસની ચાલુ યોજનાઓનું મૂલ્યાંકન કરી તેમને વધુ ગતિશીલ અને પરિણામલક્ષી બનાવવા રચનાત્મક ઉપાયો હાથ ધરી શકાય છે.
આમ, કોઈ પણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવવિકાસ આંક મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
(3) મહિલા સશક્તીકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
ઉત્તર : ભારતની કુલ વસ્તીમાં મહિલાઓની સંખ્યા લગભગ 50 ટકા જેટલી છે.
→ આટલી મોટી સંખ્યા ધરાવતી મહિલાઓની ઉપેક્ષા કરીને કોઈ પણ દેશ આર્થિક વિકાસ સાધી શકે નહિ.
→ આ એક શક્તિ છે. તેમની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરવા તેમને આર્થિક પ્રવૃત્તિઓ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. તો જ સ્ત્રીઓ સ્વાવલંબી મજબૂત સમાજનું નિર્માણ કરી શકશે.
→ વિકાસશીલ રાષ્ટ્રમાં સ્ત્રીઓનું આર્થિક સ્વાતંત્ર્ય મહિલા સશક્તીકરણનું મહત્ત્વનું પાસું છે.
→ સ્ત્રી શિક્ષિત બને અને સારી નોકરી કે મનપસંદ વ્યવસાય કરે તો એક ઘર, એક સમાજ અને અંતે રાષ્ટ્ર સશક્ત બને છે.
આમ, મહિલા સશક્તીકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) માનવવિકાસના ચાર આવશ્યક સ્તંભો છે : સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને …….
A. સ્વાસ્થ્ય
B. શિક્ષણ
C. સશક્તીકરણ
ઉત્તર : C. સશક્તીકરણ
(2) ભારતીય મૂળના અર્થશાસ્ત્રી …….. ને નોબેલ પારિતોષિક મળેલ છે.
A. અમર્ત્ય સેન
B. રવીન્દ્રનાથ ટાગોર
C. સી. વી. રામન
ઉત્તર : A. અમર્ત્ય સેન
(3) ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ……. માનવવિકાસ આંક- (HDI)ની વિભાવના કરી હતી.
A. મહબૂબ ઉલ હકે
B. સી. વી. રામને
C. અમર્ત્ય સેને
ઉત્તર : C. અમર્ત્ય સેને
(4) ………. દ્વારા દર વર્ષે માનવવિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
A. HDR
B. UNDP
C. HDI
ઉત્તર : B. UNDP
(5) સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા પ્રકાશિત થયેલ માનવવિકાસ અહેવાલમાં ……… (HDI)નો ખ્યાલ પ્રસ્તુત થયો હતો.
A. માનવવિકાસ આંક
B. અપેક્ષિત આયુષ્ય આંક
C. જીવનધોરણ આંક
ઉત્તર : A. માનવવિકાસ આંક
(6) માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક (Life Expectancy Index – LEI) ……. વર્ષ છે.
A. 58
B. 68
C. 78
ઉત્તર : B. 68
(7) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક (Expected Years of Schooling – EYS) ……… વર્ષ છે.
A. 11.7
B. 5.4
C. 13.3
ઉત્તર : A. 11.7
(8) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (Gross National Income per Capita – GNI) ……. ડૉલર છે.
A. 5458
B. 5520
C. 5497
ઉત્તર : C. 5497
(9) UNDP દ્વારા વર્ષ ………..થી દર વર્ષે માનવવિકાસ અહેવાલ (HDR) બહાર પાડવામાં આવે છે.
A. 1995
B. 1990
C. 1985
ઉત્તર : B. 1990
(10) ……… સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ છે.
A. ભારત
B. નૉર્વે
C. બ્રાઝિલ
ઉત્તર : B. નૉર્વે
(11) માનવવિકાસ માટે આંત૨૨ાષ્ટ્રીય ક્ષેત્રે ………. સંસ્થા કામ કરે છે.
A. UNDP
B. UNICEF
C. UNESCO
ઉત્તર : A. UNDP
(12) ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ………મું સ્થાન ધરાવે છે.
A. 128
B. 130
C. 147
ઉત્તર : B. 130
(13) ભારત ……… માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.
A. ઉચ્ચતમ
B. ઉચ્ચ
C. મધ્યમ
ઉત્તર : C. મધ્યમ
(14) માનવવિકાસ અહેવાલમાં સૌથી નીચેના 188મા ક્રમે ……. દેશ છે.
A. બ્રાઝિલ
B. નાઇઝર
C. ઇરાક
ઉત્તર : B. નાઇઝર
(15) ભારતના પડોશી દેશોમાં …….. માનવવિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે.
A. શ્રીલંકા
B. પાકિસ્તાન
C. બાંગ્લાદેશ
ઉત્તર : A. શ્રીલંકા
(16) ભારતના પડોશી દેશોમાં ………. માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.
A. માલદીવ
B. શ્રીલંકા
C. મ્યાનમાર
ઉત્તર : C. મ્યાનમાર
(17) ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના …….. % સ્ત્રીઓ છે.
A. 48.46
B. 51.54
C. 47.45
ઉત્તર : A. 48.46
(18) ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના ………. % પુરુષો છે.
A. 47.46
B. 48.46
C. 51.54
ઉત્તર : C. 51.54
(19) ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર ……….. % જેટલું જ છે.
A. 10.2
B. 12.2
C. 8.9
ઉત્તર : B. 12.2
(20) મહિલા સશક્તીકરણ માટે …….. સ્વતંત્રતા અનિવાર્ય છે.
A. ધાર્મિક
B. આર્થિક
C. સામાજિક
ઉત્તર : B. આર્થિક
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) માનવવિકાસ એ શિક્ષણની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે.
(2) UNDP માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે.
(3) ભારતીય મૂળના સી. વી. રામન નામના અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે.
(4) સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા દર વર્ષે માનવ- વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
(5) માનવવિકાસ અહેવાલ – 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 78 વર્ષ છે.
(6) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે.
(7) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષો આંક 18 વર્ષ છે.
(8) ભારત સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ છે.
(9) ભારત 0.609 માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે.
(10) ભારત ઉચ્ચ માનવવિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે.
(11) ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.
(12) ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન માનવવિકાસ આંકમાં ભારતથી નીચેના ક્રમે છે.
(13) ઈ. સ. 2011ના વસ્તી-ગણતરી અહેવાલ પ્રમાણે ભારતની કુલ વસ્તીના 51.54% સ્ત્રીઓ અને 48.46% પુરુષો છે.
(14) પુરુષો સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે.
(15) ભારતમાં ઈ. સ. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી.
(16) મહિલા સશક્તીકરણ માટે ધાર્મિક સ્વતંત્રતા અનિવાર્ય છે.
(17) યુનાઇટેડ નેશન્સે ઈ. સ. 1975ના વર્ષને ‘મહિલા વર્ષ’ તરીકે જાહેર કર્યું હતું.
(18) યુનાઇટેડ નેશન્સે ઈ. સ. 1975 – 1985ના દસકાને ‘મહિલા દસકા’ તરીકે જાહેર કર્યું હતું.
(19) ભારતમાં ઈ. સ. 2010 વર્ષને ‘મહિલા સશક્તીકરણ વર્ષ’ તરીકે ઊજવવામાં આવ્યું હતું.
(20) ગુજરાત રાજ્યમાં મહિલા સુરક્ષા માટે 191 અભયમ્ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.
(21) ગુજરાત સરકારે ઈ. સ. 2001માં મહિલા અને બાળવિકાસ વિભાગની રચના કરી છે.
(22) ગુજરાતમાં ‘સરસ્વતી સાધના યોજના’ અન્વયે દર વર્ષે બે લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઇકલો આપવામાં આવે છે.
(23) ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં 33% અનામતની જોગવાઈ કરી છે.
(24) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામતની ટકાવારી 50 % કરી છે.
(25) ગુજરાત સરકારે શ્રમજીવીઓ અને નિરાધાર સ્ત્રીઓ માટે ‘રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના’ અમલમાં મૂકી છે.
(26) ગુજરાત સરકાર મહિલાઓને પગભર બનાવવા માટે ‘મિશન શુભમ્ યોજના’ હેઠળ આર્થિક સહાય કરે છે.
(27) બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે અભિયાન ચલાવી ‘બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ’ દ્વારા ગુજરાત સરકારે સ્ત્રી સશક્તીકરણમાં મહત્ત્વનું યોગદાન આપેલ છે.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખોટું
(9) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
(13) ખોટું
(14) ખોટું
(15) ખરું
(16) ખોટું
(17) ખરું
(18) ખરું
(19) ખોટું
(20) ખોટું
(21) ખરું
(22) ખોટું
(23) ખરું
(24) ખરું
(25) ખોટું
(26) ખોટું
(27) ખરું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?
ઉત્તર : અમર્ત્ય સેને
(2) ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?
ઉત્તર : અમર્ત્ય સેને
(3) માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર : ત્રણ
(4) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે?
ઉત્તર : નૉર્વે
(5) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ દ્વિતીય ક્રમે છે?
ઉત્તર : ઑસ્ટ્રેલિયા
(6) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ તૃતીય ક્રમે છે?
ઉત્તર : સ્વિટ્ઝરલૅન્ડ
(7) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી સિંગાપુર કયા ક્રમે છે?
ઉત્તર : અગિયારમા
( 8 ) માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ સૌથી નીચેના 188મા ક્રમે કયો દેશ છે?
ઉત્તર : નાઇઝર
(9) માનવવિકાસ અહેવાલ – 2015માં માનવવિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?
ઉત્તર : મધ્યમ માનવવિકાસવાળા
(10) બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તર : બી.સી.જી.
(11) બાળ-૨સીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તર : ઓ.પી.વી.
(12) બાળ-રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ડિસ્થેરિયા– મોટી ઉધરસ – ધનુર માટે કઈ રસી આપવામાં આવે છે?
ઉત્તર : ડી.પી.ટી.
(13) વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી શી છે?
ઉત્તર : આરોગ્ય
(14) ભારતના બધા નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી કોણ આપે છે?
ઉત્તર : ભારતનું બંધારણ
(15) સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ કોણ છે?
ઉત્તર : સ્ત્રીઓ
(16) મહિલા સશક્તીકરણનું મહત્ત્વનું પાસું કયું છે?
ઉત્તર : આર્થિક સશક્તીકરણ
(17) મહિલા સશક્તીકરણ માટે શું અનિવાર્ય છે?
ઉત્તર : આર્થિક સ્વતંત્રતા
(18) સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ. 1975 – 1985ના દસકાને કયા દસકા તરીકે જાહેર કર્યો હતો?
ઉત્તર : મહિલા દસકા
(19) સંયુક્ત રાષ્ટ્રોએ ઈ. સ. 1975ના વર્ષને કયા વર્ષ તરીકે જાહેર કર્યું હતું?
ઉત્તર : મહિલા વર્ષ
(20) ભારતમાં ઈ. સ. 2002ના વર્ષને કયા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું હતું?
ઉત્તર : મહિલા સશક્તીકરણ
(21) મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?
ઉત્તર : મિશન મંગલમ્
(22) જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે?
ઉત્તર : બેટી બચાવો
(23) કઈ યોજના હેઠળ દર વર્ષે દોઢ લાખ કન્યાઓને વિનામૂલ્યે સાઇકલો આપવામાં આવે છે?
ઉત્તર : સરસ્વતી સાધના
(24) કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે ગુજરાત સ૨કા૨ે કઈ યોજના અમલમાં મૂકી છે?
ઉત્તર : સબલા યોજના
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. માનવવિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી?
A. જે. કૃષ્ણમૂર્તિએ
B. અમર્ત્ય સેને
C. બચેન્દ્ર પાલે
D. અમર્ત્ય શર્માએ
ઉત્તર : B. અમર્ત્ય સેને
2. માનવવિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કામ કરે છે?
A. UNESCO
B. UNICEF
C. FAO
D. UNDP
ઉત્તર : D. UNDP
3. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે?
A. મહબૂબ ઉલ હકને
B. અમર્ત્ય સેનને
C. રવીન્દ્રનાથ ટાગોરને
D. સી. વી. રામનને
ઉત્તર : B. અમર્ત્ય સેનને
4. માનવવિકાસ આંકમાં કેટલા નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવે છે?
A. ત્રણ
B. છ
C. પાંચ
D. ચાર
ઉત્તર : A. ત્રણ
5. માનવવિકાસ અહેવાલ – 2015માં વિશ્વના કેટલા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
A. 178
B. 188
C. 181
D. 140
ઉત્તર : B. 188
6. નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવવિકાસ આંક ધરાવતો દેશ કયો છે?
અથવા
માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ વિશ્વના 188 દેશો પૈકી કયો દેશ પ્રથમ ક્રમે છે?
A. ભારત
B. નાઇઝર
C. નૉર્વે
D. બ્રાઝિલ
ઉત્તર : C. નૉર્વે
7. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો માનવવિકાસ આંક કયો છે?
A. 0.944
B. 0.609
C. 0.935
D. 0.930
ઉત્તર : B. 0.609
8. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે?
A. 120મું
B. 140મું
C. 150મું
D. 130મું
ઉત્તર : D. 130મું
9. માનવવિકાસ અહેવાલ – 2015માં માનવવિકાસ આંકના આધારે ભારત કયા દેશોની શ્રેણીમાં સામેલ છે?
A. ઉચ્ચ માનવવિકાસવાળા
B. ઉચ્ચતમ માનવવિકાસવાળા
C. નિમ્ન માનવવિકાસવાળા
D. મધ્યમ માનવવિકાસવાળા
ઉત્તર : D. મધ્યમ માનવવિકાસવાળા
10. બાળ-૨સીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
A. ઓ.પી.વી.
B. એમ.એમ.આર.
C. ડી.પી.ટી.
D. બી.સી.જી.
ઉત્તર : D. બી.સી.જી.
11. બાળ-૨સીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને પોલિયોવિરોધી કઈ રસી આપવામાં આવે છે?
A. ડી.પી.ટી.
B. ઓ.પી.વી.
C. બી.સી.જી.
D. એમ.એમ.આર.
ઉત્તર : B. ઓ.પી.વી.
12. નીચેના દેશોને માનવવિકાસ આંકમાં ઊતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે?
A. ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન
B. શ્રીલંકા, ભૂતાન, ભારત, નેપાળ
C. શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ
D. શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન
ઉત્તર : C. શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળ
13. (ભારતમાં) ………ના વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું.
A. 2001 B. 1975 C. 1990 D. 2002
અથવા
કયા વર્ષને મહિલા વર્ષ તરીકે ઊજવવામાં આવ્યું?
A. 2001
B. 1975
C. 1990
D. 2002
ઉત્તર : B. 1975
14. ભારતમાં મહિલા સશક્તીકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઊજવવામાં આવ્યું હતું?
A. 1975
B. 2002
C. 1985
D. 1999
ઉત્તર : B. 2002
15. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ કયા વર્ષને ‘મહિલા વર્ષ’ જાહેર કર્યું હતું?
A. 1980
B. 1975
C. 1985
D. 1992
ઉત્તર : B. 1975
16. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)એ ઈ. સ. 1975 – 1985ના દસકાને …….. તરીકે જાહેર કર્યો હતો.
A. સ્ત્રી-જાગૃતિ દસકા
B. મહિલા દસકા
C. સ્ત્રી-શિક્ષા દસકા
D. મહિલા જાગૃતિ દસકા
ઉત્તર : B. મહિલા દસકા
17. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને કેટલા ટકા અનામતની જોગવાઈ થયેલી છે?
A. 33
B. 28
C. 30
D. 50
ઉત્તર : D. 50
18. ગુજરાત સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ કરેલી છે?
A. 30
B. 33
C. 35
D. 40
ઉત્તર : B. 33
19. મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સખીમંડળ દ્વારા ગુજરાત સરકાર કઈ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે?
A. સ્વાશ્રય મંગલમ્
B. મિશન મંગલમ્
C. ઇ-મમતા મંગલમ્
D. સબલા મંગલમ્
ઉત્તર : B. મિશન મંગલમ્
20. જાતિભેદ (Gender Discrimination) નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે?
A. બેટી બચાવો
B. માતા બચાવો
C. બેટા બચાવો
D. બેટી પઢાઓ
ઉત્તર : A. બેટી બચાવો
21. ‘UNDP’નું પૂરું નામ શું છે?
A. માનવવિકાસ આયોગ
B. સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ
C. માનવવિકાસ આંક
D. માનવવિકાસ અહેવાલ
ઉત્તર : B. સંયુક્ત રાષ્ટ્રો વિકાસ કાર્યક્રમ
22. નીચે માનવવિકાસના આવશ્યક સ્તંભો આપ્યા છે, તેમાં એક આવશ્યક સ્તંભ નથી, તો તેને શોધીને ઉત્તર લખો.
A. સમાનતા
B. સ્વતંત્રતા
C. સ્થિરતા
D. ઉત્પાદકતા
ઉત્તર : B. સ્વતંત્રતા
23. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક કેટલાં વર્ષનો છે?
A. 68
B. 70
C. 72
D. 75
ઉત્તર : A. 68
24. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં ઑસ્ટ્રેલિયાનું સ્થાન કેટલામું છે?
A. બીજું
B. ત્રીજું
C. ચોથું
D. પાંચમું
ઉત્તર : A. બીજું
25. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સ્વિટ્ઝરલૅન્ડનું સ્થાન કેટલામું છે?
A. પ્રથમ
B. બીજું
C. ત્રીજું
D. ચોથું
ઉત્તર : C. ત્રીજું
26. માનવવિકાસ અહેવાલ – 2015 મુજબ માનવવિકાસ આંક સાથે 188 દેશોમાં સિંગાપુરનું સ્થાન કેટલામું છે?
A. આઠમું
B. નવમું
C. દસમું
D. અગિયારમું
ઉત્તર : D. અગિયારમું
27. મહિલા સશક્તીકરણ માટે કઈ સ્વતંત્રતા અનિવાર્ય છે?
A. સામાજિક
B. ધાર્મિક
C. આર્થિક
D. માનસિક
ઉત્તર : C. આર્થિક
28. નીચે દર્શાવેલ વિકલ્પમાંથી કયા વિકલ્પ માટે 181 અભયમ્ હેલ્પલાઇનની સુવિધા શરૂ કરવામાં આવી છે?
A. અકસ્માત મદદ માટે
B. ગ્રાહક સુરક્ષા માટે
C. મહિલા સંરક્ષણ માટે
D. આપઘાત નિવારણ માટે
ઉત્તર : C. મહિલા સંરક્ષણ માટે
29. એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક વૃત્તિ ધરાવતા યુવકો તેની છેડતીના ઇરાદે તેને રંજાડી રહ્યા છે, તો તે યુવતી નીચેનામાંથી કયા નંબર પર ડાયલ કરવાનું યોગ્ય માનશે?
A. 108
B. 118
C. 181
D. 101
ઉત્તર : C. 181
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here