Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 8 કુદરતી સંસાધનો
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 8 કુદરતી સંસાધનો
પ્રકરણસર
- સંસાધન : જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી માનવીની જરૂરિયાતો સંતોષાતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી સંસાધન’ કહેવાય.
- કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બને છે. કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બે ગુણધર્મો હોવા જરૂરી છે.
- સંસાધનોને માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાને આધારે અને વિતરણક્ષેત્રને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
- સંસાધનોના વિતરણને આધારે તેના આ ચાર પ્રકાર બને છે : (1) સર્વસુલભ સંસાધન, (2) સામાન્ય સુલભ સંસાધન, (૩) વિરલ સંસાધન અને (4) એકલ સંસાધન.
- જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ તે અખૂટ હોય છે, તેને ‘નવીનીકરણીય’ (Renewable) અથવા ‘પુનઃપ્રાપ્ય’ સંસાધનો કહેવાય. દા. ત., સૂર્યપ્રકાશ.
- જે કુદરતી સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તે ‘અનવીનીકરણીય’ (Nonrenewable) અથવા ‘પુનઃઅપ્રાપ્ય’ સંસાધનો કહેવાય. દા. ત., ખનીજો.
- કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને ‘સંસાધનનું સંરક્ષણ’ કહે છે. સંસાધનોના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી એકધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે.
- પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં ખનીજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્ત્વો ભળેલાં હોય છે, તેને ‘જમીન’ કહે છે.
- મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીન- નિર્માણ થાય છે.
- જમીનના પ્રકા૨ તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.
- ‘ભારતીય કૃષિ સંશોધન પરિષદે’ (ICAR) ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે.
- કાંપની જમીન (Alluvial Soil) : ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં કાંપની જમીન આવેલી છે. કાંપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે.
- રાતી જમીન (Red Soil) : ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહલની ટેકરીઓ તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, તે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. રાતી અથવા લાલ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવાય છે.
- કાળી જમીન (Black Soil) : ભારતમાં કાળી જમીન સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ વગેરે પાક લેવાય છે.
- લેટેરાઇટ જમીન (Laterite Soll) : લેટેરાઇટ જમીનનું નામ લૅટિન ભાષાના શબ્દ ‘Later’ એટલે કે ઈંટ પરથી પડ્યું છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે. તે ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે.
- પર્વતીય જમીન (Mountain Soil) : આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રોમાં 2700થી 3000 મીટર સુધીની ઊંચાઈ ૫૨ જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
- રણપ્રકારની જમીન (Desert Soil) : ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનમાં સિંચાઈની સુવિધાઓથી જુવા૨ અને બાજરીનો પાક લઈ શકાય છે.
- જંગલપ્રકારની જમીન (Forest Soil) : ભારતમાં જંગલપ્રકારની જમીન હિમાલયનાં શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં અને સહ્યાદ્રિ, પૂર્વઘાટ અને મધ્યહિમાલયનાં તરાઈક્ષેત્રોમાં આવેલી છે. આ જમીનમાં ચા, કૉફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાક લેવાય છે.
- દલદલ કે પીટપ્રકારની જમીન (Marshy or Peaty Soil) : ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ઓડિશા, તમિલનાડુના કિનારાના વિસ્તારો, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.
- જમીન-ધોવાણ : વહેતું પાણી અને પવન જેવાં કુદરતી બળો દ્વારા જમીનની માટીના ક્વોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું જમીન-ધોવાણ’ કહેવાય છે. ઢેળાવવાળી જમીનોમાં સમોચ્ચરેખીય પગથિયાંની તરાહથી વાવેતર કરવાથી જમીન-ધોવાણ અટકાવી શકાય. તદુપરાંત, ચરાણ પ્રવૃત્તિનું નિયંત્રણ, પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર, વડોળામાં આડબંધ બાંધવા, ઢાળવાળા ખેતરોમાં ઊંડી ખેડ વગેરે દ્વારા જમીન-ધોવાણ અટકાવી શકાય.
- ભૂમિ-સંરક્ષણ : ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.
- ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને ફળદ્રુપ બનાવવા જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.
- પડતર જમીન, નદીનાં કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવાથી, રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા વૃક્ષોની હારમાળા બનાવવાથી, અનિયંત્રિત ચરાણને અટકાવવાથી તેમજ ક્ષિતિજ સમાંતર ખેડ અને સીડીદાર ખેતરો બનાવવાથી જમીન- ધોવાણ અટકાવી શકાય છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો.
ઉત્તર : સંસાધન એટલે એવી વસ્તુ જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત્ કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે.
સંસાધનોના ઉપયોગો : સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. માનવજીવનના દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ખેતપ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે.
સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છેઃ
1. સંસાધન – ખોરાક તરીકે : માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે.
→ વનસ્પતિજન્ય ફળો, કૃષિલક્ષી વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓનાં દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતાં માછલાં અને અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો માનવી ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
2. સંસાધન – કાચા માલના સ્રોત તરીકે : જંગલોમાંથી મળતી આર્થિક દૃષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્યપાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતાં દૂધ, માંસ, ઊન અને ચામડાં તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે.
3. સંસાધન – શક્તિ-સંસાધન તરીકે : કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ (શક્તિ-સંસાધન) તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ.
→ આ ઉપરાંત, સૌરઊર્જા, પવનઊર્જા, ભરતીઊર્જા, ભૂતાપીય ઊર્જા, બાયોગૅસ, જળઊર્જા વગેરે પણ શક્તિ-સંસાધનો તરીકે ઉપયોગમાં લેવાય છે.
(2) કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ?
ઉત્તર : કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે નીચેની બાબતો વિચારવી જોઈએ :
→ કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલાં કે વપરાયા વિનાનાં સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મો વિશે જાણકારી મેળવવી.
→ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણીય સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચારવિમર્શ કરવો. અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવાં.
→ જે સંસાધનોનું પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવાં સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા.
→ જે સંસાધનો હાલમાં સસ્તાં કે સુલભ હોય તેમને ફાવેતેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી તેમને સાચવવાં.
→ જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવાં. ટેક્નોલૉજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા, સંશોધિત સંસાધનો લાંબા ગાળે ફાયદાકારક બનશે.
→ સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેનો સખતાઈથી અમલ કરવો.
→ સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ કેળવવી.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે ?
ઉત્તર : કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને ‘સંરક્ષણ’ કહે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે.
→ છેલ્લાં સો વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે. પરંતુ અસાધારણ વસ્તી-વિસ્ફોટને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે.
→ આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેનાં ખૂબ માઠાં પરિણામો ભોગવવાં પડશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જરૂરી બન્યું છે.
→ સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. સંસાધનોની અછત સર્જાઈ હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે.
→ વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોનો આ અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવનધોરણ જાળવી રાખવું દુષ્કર બની જશે.
→ આથી સંસાધનોનું સંરક્ષણ અને તેના પુનઃઉપયોગ અંગે ગંભીરતાથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે.
(2) જમીન-નિર્માણની પ્રક્રિયા વર્ણવી, તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો.
ઉત્તર : તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી જમીનનું નિર્માણ થાય છે. તેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા વગેરે ભળેલાં હોય છે.
→ જમીન ખનીજો અને જૈવિક તત્ત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિનાં વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે.
→ જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે.
→ આમ, જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે.
→ જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માતૃખડકો, ગ઼રચના, ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાડવામાં આવે છે.
(3) કાંપની જમીન વિશે નોંધ લખો અથવા ભારતમાં કાંપની જમીન ક્યાં ક્યાં આવેલી છે? કાંપની જમીનનાં લક્ષણો જણાવો.
ઉત્તર : ભારતમાં કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
→ ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં આવેલી છે.
લક્ષણો :
→ આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે.
→ તેમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે; જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે.
→ તેમાં જુદાં જુદાં કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે.
→ તેમાં ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લઈ શકાય છે.

(4) ભારતમાં રાતી અથવા લાલ જમીન ક્યાં ક્યાં આવેલી છે? તેનાં લક્ષણો જણાવો.
અથવા
ભારતની રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19 % ક્ષેત્રફળમાં આવેલી છે.
→ ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે.
→ આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે.

લક્ષણો :
→ આ જમીનમાં ફેરિક ઑક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ છે. તેમાં નીચે જતાં તે પીળા રંગની બની જાય છે.
→ તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી.
→ તેમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ હોય છે.
→ તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લઈ શકાય છે.
(5) કાળી જમીન વિશે નોંધ લખો.
અથવા
ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં આવેલી છે? તેનાં લક્ષણો જણાવો.
ઉત્તર : ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
→ આ જમીનના નિર્માણમાં દખ્ખણના લાવાયિક ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે.
→ કાળી જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે.
→ આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે.

લક્ષણો :
→ આ જમીનમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે.
→ તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.
→ તે ભેજને ગ્રહણ કરી લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. ભેજ સુકાય છે ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે.
→ તેમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાક લઈ શકાય છે.
→ તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી ‘કપાસની જમીન’ તરીકે ઓળખાય છે.
→ કાળી જમીન ‘રેગુર’ નામે પણ જાણીતી છે.
(6) ભારતમાં લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે? તેનાં લક્ષણો જણાવો.
અથવા
લેટેરાઇટ જમીન વિશે નોંધ લખો.
ઉત્તર : લેટેરાઇટ જમીનનું નામ લૅટિન ભાષાના શબ્દ ‘Later’ એટલે કે ઈંટ પરથી પડ્યું છે.
→ ભારતમાં આ જમીન દખ્ખણ ભારતના ઉચ્ચપ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે.
લક્ષણો :
→ તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન (લોહ) ઑક્સાઇડને આભારી છે.
→ આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે.
→ તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે.
→ તેમાં મુખ્યત્વે લોહતત્ત્વ, પોટાશ અને ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે.
→ તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે.
→ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે.
→ લેટેરાઇટ જમીનને ‘પડખાઉ જમીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
(7) જમીન-ધોવાણ અટકાવવાના ઉપાયી જણાવી.
અથવા
જમીન-ધોવાણ એટલે શું? તે અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર : જમીન-ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કૌનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દુર ઘસાઇ જવું.
જમીન-ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે :
→ જમીન પર થતી ચરાણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું.
→ ઢોળાવવાળી જમીનોમાં સોચીય પગથિયાંની તરાહથી (રીતથી) વાવેતર કરવું.
→ પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું,
→ જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા.
→ પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંઘ ખેડ કરવી,
→ ખેતરોમાં પડ-ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે.
(8) ભૂમિ-સંરક્ષણ એટલે શું? ભૂમિ-સંરક્ષણના ઉપાયો જણાવો.
અથવા
નીચે દર્શાવેલ આકૃતિના આધારે ભૂમિ-સંરક્ષણના ઉપાયો જણાવો.

ઉત્તર : ભૂમિ-સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તે.
પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિના આધારે ભૂમિ-સંરક્ષણના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે :
→ પડતર જમીનો પર જંગલો ઉગાડવાં જોઈએ, કારણ કે વૃક્ષોનાં મૂળ જમીનકોને જકડી રાખે છે.
→ પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળા વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ-ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય.

→ નદી-ખીદ્રોમાં થતું કોતર-ધોવાણ અટકાવવા નદી પર બંધારા કે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદીકાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય.
→ રણની નજીકનાં ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટાં વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક-મેખલા બનાવી શકાય.
→ નદીઓનાં પુરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરનાં પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય.
→ અર્ધશુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રિત કરીને ભૂમિ-ધોવાણ અટકાવી શકાય.

→ ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય.
→ ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) જમીન એટલે શું?
અથવા
સંકલ્પના સમજાવો : જમીન
ઉત્તર : ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને ‘જમીન’ કહે છે. ઘસારા અને ધોવાણનાં પરિબળો મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. તેમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે. આમ, સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન.
(2) ભારતની જમીનના પ્રકારો કેટલા અને કયા કયા છે?
ઉત્તર : ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે : (1) કાંપની જમીન, (2) રાતી અથવા લાલ જમીન, (૩) કાળી જમીન, (4) લેટેરાઇટ જમીન, (5) રણપ્રકારની જમીન, (6) પર્વતીય જમીન, (7) જંગલપ્રકારની જમીન અને (8) દલદલ કે પીટપ્રકારની જમીન.
(3) કાળી જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે. સમજાવો.
અથવા
કારણ આપો : કાળી જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે.
ઉત્તર : કાળી જમીનમાં લોહ, ચૂનો, કૅલ્શિયમ, પોટાશ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે.
→ તે ફળદ્રુપ અને ચીકણી હોય છે.
→ તે ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે.
→ તેના આ ગુણો કપાસના પાકને ખૂબ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે.
→ આથી કાળી જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે.
(4) રણપ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો.
અથવા
ભારતમાં રણપ્રકારની જમીન ક્યાં આવેલી છે? તેના વિશે માહિતી આપો.
ઉત્તર : ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબનાં શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે.
→ આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
→ તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે.
→ તેનાં કેટલાંક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ (ઊણપ) જોવા મળે છે.
→ અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે.
(5) પર્વતીય જમીનો કોને કહેવાય?
ઉત્તર : ભારતમાં હિમાલયની ખીણો અને ઢોળાવોનાં ક્ષેત્રોમાં લગભગ 2700થી 3000 મીટરની ઊંચાઈ પર અને હિમાલય તથા પૂર્વની પર્વતશ્રેણીઓ ધરાવતાં જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશમાં તેમજ દેવદાર, ચીડ, પાઇનનાં વૃક્ષોના વિસ્તારમાં આવેલી જમીન પહાડી જમીન કહેવાય છે.
→ આ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
→ જંગલોવાળા ભાગોમાં તેમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે.
(6) જંગલપ્રકારની જમીન વિશે માહિતી આપો.
ઉત્તર : જંગલપ્રકારની જમીન હિમાલયનાં શંકુદ્રુમ જંગલોના વિસ્તારમાં આશરે 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમાં તેમજ મધ્યહિમાલયનાં તરાઈક્ષેત્રોમાં અને સહ્યાદ્રિ, પૂર્વઘાટ વગેરે પ્રદેશમાં આવેલી છે.
→ જંગલોનાં વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. પાંદડાં સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતાં જમીનનો ઉપરનો ભાગ કાળો બની જાય છે.
→ જમીન-તળમાં નીચેની તરફ જતાં આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે.
→ તે અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે.
→ જંગલપ્રકારની જમીનમાં ચા, કૉફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ, જવ વગેરે પાક લેવાય છે.
(7) દલદલ કે પીટપ્રકારની જમીન વિશે માહિતી આપો.
ઉત્તર : દલદલ કે પીટપ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી વિકસેલી છે.
→ આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફૉસ્ફેટ અને પોટાશની ઓછપ (ઊણપ) જોવા મળે છે.
→ વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. પાણી ઓસરતાં જમીન ખુલ્લી થતાં અહીં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
→ આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયાકિનારાના ભાગોમાં, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે.
→ તે અત્યંત મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) સંસાધનોના વિતરણને આધારે તેના ક્યા ક્યા પ્રકાર બને છે?
ઉત્તર : સંસાધનોના વિતરણને આધારે તેના ચાર પ્રકાર બને છે : (1) સર્વસુલભ સંસાધન, (2) સામાન્ય સુલભ સંસાધન, (3) વિરલ સંસાધન અને (4) એકલ સંસાધન.
(2) નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તર : જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અર્થાત્ અખૂટ હોય છે, તેને ‘નવીનીકરણીય’ અથવા ‘પુનઃપ્રાપ્ય’ (Renewable) સંસાધનો કહેવાય. ા. ત., સૂર્યપ્રકાશ
(3) અનવીનીકરણીય સંસાધનો કોને કહેવાય?
ઉત્તર : જે કુદરતી સંસાધનો એક વાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતાં નથી કે ઉત્પન્ન કરી શકાતાં નથી, તે ‘અનવીનીકરણીય’ અથવા ‘પુનઃ અપ્રાપ્ય’ (Nonrenewable) સંસાધનો કહેવાય. દા. ત., ખનીજો
(4) સંસાધનનું સંરક્ષણ એટલે શું?
ઉત્તર : કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ અને સુયોજિત ઉપયોગ માટે કરવામાં આવતા યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનનું સંરક્ષણ કહે છે.
(5) સંસાધનના સંરક્ષણથી શો લાભ થાય છે?
ઉત્તર : સંસાધનના સંરક્ષણથી વર્તમાન પેઢીને સંસાધનોનો લાંબા સમય સુધી એકધારો લાભ મળે છે અને ભાવિ પેઢીની જરૂરિયાતો સંતોષાય છે.
(6) જમીન કોને કહે છે ?
ઉત્તર : પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે અને જેમાં ખનીજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્ત્વો ભળેલાં હોય છે, તેને ‘જમીન’ કહે છે.
(7) ભારતમાં કાંપની જમીન ક્યાં આવેલી છે?
ઉત્તર : ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતના મેદાનમાં; દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણપ્રદેશમાં તેમજ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં કાંપની જમીન આવેલી છે.
(8) ભારતમાં રાતી અથવા લાલ જમીન ક્યાં સુધી વિસ્તરેલી છે?
ઉત્તર : ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી, પૂર્વે રાજમહલની ટેકરીઓ સુધી તથા પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, તે રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં જોવા મળે છે.
(9) ભારતમાં કાળી જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં કાળી જમીન દખ્ખણના ઉચ્ચપ્રદેશોમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશના અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગે૨ે જિલ્લાઓમાં જોવા મળે છે.
(10) લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નિર્માણ કેવી રીતે થયેલું છે?
ઉત્તર : લેટેરાઇટ કે પડખાઉ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે.
(11) લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં કયા કયા પાક લેવાય છે?
ઉત્તર : લેટેરાઇટ કે પડખાઉ જમીન ઓછી ફળદ્રુપ હોવાથી તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કૉફી, કાજુ વગેરે પાક લેવાય છે.
(12) ભારતમાં રણપ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે ?
ઉત્તર : ભારતમાં રણપ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારમાં તેમજ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
(13) ભારતમાં જંગલપ્રકારની જમીન ક્યાં ક્યાં આવેલી છે?
ઉત્તર : ભારતમાં જંગલપ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચેના વિસ્તારોમા તેમજ સહ્યાદ્રિ, પૂર્વધાટ અને મધ્યહિમાલયનાં તરાઈક્ષેત્રોમાં આવેલી છે,
(14) ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ભારતમાં દલદલ કે પીટપ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના દરિયાકિનારાના વિસ્તારો, ઉત્તર બિહારના મધ્યભાગમાં અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે,
(15) જમીન-ધોવાણ એટલે શું?
ઉત્તર : જમીન-ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવાં કુદરતી બળો દ્વારા જમીનની માટીના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે દૂર ઘસડાઈ જવું.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો :
(1) માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ …….. ‘માંથી જ પૂરી થાય છે.
A. જંગલ-પેદાશો
B. સંસાધનો
C. ધાન્યો
ઉત્તર : B. સંસાધનો
(2) જમીન, મકાન વગેરે ……… સંસાધન છે.
A. વ્યક્તિગત
B. રાષ્ટ્રીય
C. સામૂહિક
ઉત્તર : A. વ્યક્તિગત
(3) લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે …….. સંસાધન છે.
A. વૈશ્વિક
B. રાષ્ટ્રીય
C. વ્યક્તિગત
ઉત્તર : B. રાષ્ટ્રીય
(4) વાતાવરણમાં રહેલા ઑક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ……… સંસાધન છે.
A. સર્વસુલભ
B. વિરલ
C. એકલ
ઉત્તર : C. એકલ
(5) જેના પ્રાપ્તિસ્થાનો મર્યાદિત હોય તેવાં ખનીજો …….. સંસાધન છે.
A. એકલ
B. વિરલ
C. સામાન્ય સુલભ
ઉત્તર : B. વિરલ
(6) દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું ખનીજ …….. સંસાધન છે.
A. વિરલ
B. સુલભ
C. એકલ
ઉત્તર : C. એકલ
(7) સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે …….. સંસાધનો કહેવાય છે.
A. નવીનીકરણીય
B. અનવીનીકરણીય
C. પુનઃનિર્માણ
ઉત્તર : B. અનવીનીકરણીય
(8) જે સંસાધનો અખૂટ હોય છે તેને ………. સંસાધનો કહે છે.
A. સંરક્ષિત
B. અનવીનીકરણીય
C. નવીનીકરણીય
ઉત્તર : C. નવીનીકરણીય
(9) ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે ……… સંસાધનો છે.
A. નવીનીકરણીય
B. અનવીનીકરણીય
C. વૈજ્ઞાનિક
ઉત્તર : B. અનવીનીકરણીય
(10) જે સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી તેને ……… સંસાધનો કહે છે.
A. અનવીનીકરણીય
B. નવીનીકરણીય
C. મર્યાદિત
ઉત્તર : A. અનવીનીકરણીય
(11) કુદરતી સંસાધનો ……… છે.
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અખૂટ
ઉત્તર : B. મર્યાદિત
(12) સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ………. સાથે જોડાયેલો છે.
A. અછત
B. મર્યાદા
C. માત્રા
ઉત્તર : A. અછત
(13) જમીનનું નિર્માણ મૂળ ખડકોના ……….. થી મળતા પદાર્થોથી થાય છે.
A. અનુક્રમ અને વિક્રમ
B. સ્થળાંતર અને સ્થગિતતા
C. ખવાણ અને ધોવાણ
ઉત્તર : C. ખવાણ અને ધોવાણ
(14) જમીન એટલે ………. પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ.
A. અસેન્દ્રિય
B. સેન્દ્રિય
C. જૈવિક
ઉત્તર : B. સેન્દ્રિય
(15) ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા ભારતની જમીનને …….. પ્રકારમાં વહેંચવામાં આવી છે.
A. 6
B. 8
C. 9
ઉત્તર : B. 8
(16) ……….. જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. કાંપની
B. રણપ્રકારની
C. રાતી અથવા લાલ
ઉત્તર : A. કાંપની
(17) કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ……… % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. 15
B. 19
C. 43
ઉત્તર : C. 43
(18) ……… જમીનમાં પોટાશ, ફૉસ્ફરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે.
A. લાલ અથવા રાતી
B. કાળી
C. કાંપની
ઉત્તર : C. કાંપની
(19) ………. જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. કાળી
B. કાંપની
C. રાતી અથવા લાલ
ઉત્તર : C. રાતી અથવા લાલ
(20) રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ……….. % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
A. 19
B. 15
C. 43
ઉત્તર : A. 19
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે.
(2) લશ્કર એ આંતરરાષ્ટ્રીય સંસાધન છે.
(3) આંત૨રાષ્ટ્રીય વેપાર એ વૈશ્વિક સંસાધન છે.
(4) ઑક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ સર્વસુલભ સંસાધન છે.
(5) ભૂમિ, જળ, ગોચર વગે૨ે વિરલ સંસાધન છે.
(6) ક્રાયોલાઇટ ખનીજ એકલ સંસાધન છે.
(7) કોલસો, પેટ્રોલિયમ, તાંબું, સોનું, યુરેનિયમ વગેરે ખનીજો સામાન્ય સુલભ સંસાધન છે.
(8) જંગલો, સૂર્યપ્રકાશ, પશુ-પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે.
(9) ખનીજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે નવીનીકરણીય સંસાધનો છે.
(10) માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે.
(11) જમીન એટલે સેંદ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો કઠણ ખડક પદાર્થ.
(12) ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચી છે.
(13) કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 51 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(14) કાંપની જમીનમાં પોટાશ, ફૉસ્ફોરિક ઍસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે.
(15) રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(16) રાતી અથવા લાલ જમીનમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ વધુ હોય છે.
(17) કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 21 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે.
(18) કાળી જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે.
(19) કાળી જમીનમાં લોહ, ચૂનો, પોટાશ, ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે.
(20) કાળી જમીન ફળદ્રુપ હોય છે.
(21) કાળી જમીનમાં ભેજ સંગ્રહણશક્તિ ઘણી વધારે હોય છે.
(22) લેટેરાઇટ કે પડખાઉ જમીનો લાલ રંગ લાલ માટીને કારણે હોય છે.
(23) લેટેરાઇટ કે પડખાઉ જમીનમાં મુખ્યત્વે લોહતત્ત્વ, પોટાશ અને ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે.
(24) રણપ્રકારની જમીન દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ ઓછું હોય છે.
(25) પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે.
(26) દલદલ કે પીટપ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં લાવાયિક પદાર્થોના સંચયથી વિકસે છે.
(27) એકલ સંસાધન દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન છે.
(28) જમીનનું નિર્માણ મૂળ ખડકોના ઊર્ધ્વ અને શીર્ષથી મળવાવાળા પદાર્થોથી થાય છે.
(29) પડખાઉ જમીનનું બીજું નામ લેટેરાઇટ જમીન છે.
ઉત્તર :
(1) ખરું
(2) ખોટું
(3) ખોટું
(4) ખરું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખોટું
(9) ખોટું
(10) ખરું
(11) ખોટું
(12) ખરું
(13) ખોટું
(14) ખરું
(15) ખરું
(16) ખોટું
(17) ખોટું
(18) ખરું
(19) ખરું
(20) ખરું
(21) ખરું
(22) ખોટું
(23) ખરું
(24) ખોટું
(25) ખરું
(26) ખોટું
(27) ખરું
(28) ખોટું
(29) ખરું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) માનવીની ખોરાકની જરૂરિયાત શામાંથી પૂરી થાય છે?
ઉત્તર : વિવિધ સંસાધનોમાંથી
(2) કયાં સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે? (અથવા ક્યાં સંસાધનો અખૂટ હોય છે?)
ઉત્તર : નવીનીકરણીય સંસાધનો
(3) ક્યાં સંસાધનો એક વાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતાં નથી અથવા તેમને ફરીથી બનાવી શકાતાં નથી?
ઉત્તર : અનવીનીકરણીય સંસાધનો
(4) કઈ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે?
ઉત્તર : કાંપની જમીનમાં
(5) કયા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે?
ઉત્તર : કાંપની જમીન
(6) કયા પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે?
ઉત્તર : કાંપની જમીનમાં
(7) ક્યા પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે?
ઉત્તર : રાતી અથવા લાલ જમીન
(8) રાતી અથવા લાલ જમીનમાં શું ભળેલું હોય છે?
ઉત્તર : ફેરિક ઑક્સાઇડ
(9) કઈ જમીનમાં મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?
ઉત્તર : રાતી અથવા લાલ જમીનમાં
(10) કઈ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15 % ક્ષેત્રફળમાં ફેલાયેલી છે?
ઉત્તર : કાળી અથવા રેગુર જમીન
(11) કાળી જમીનના નિર્માણમાં કોની ભૂમિકા મુખ્ય છે?
ઉત્તર : લાવાયિક ખડકો અને આબોહવાની
(12) કઈ જમીનની ભેજ સંગ્રહણશક્તિ ઘણી વધારે છે?
ઉત્તર : કાળી જમીનની
(13) કઈ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે?
ઉત્તર : કાળી જમીન
(14) કઈ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખાય છે?
ઉત્તર : લેટેરાઇટ જમીનને
(15) લેટેરાઇટ જમીનનો લાલ રંગ શાને કારણે હોય છે?
ઉત્તર : લોહ ઑક્સાઇડને કારણે
(16) કઈ જમીન ભીની થાય માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે?
ઉત્તર : લેટેરાઇટ જમીન
(17) કઈ જમીનમાં લોહતત્ત્વ, પોટાશ અને ઍલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે?
ઉત્તર : લેટેરાઇટ જમીનમાં
(18) કઈ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે?
ઉત્તર : રણપ્રકારની જમીનમાં
(19) કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે?
ઉત્તર : પર્વતીય જમીનનું
(20) કઈ જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે?
ઉત્તર : દલદલ કે પીટપ્રકારની જમીન
(21) કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જરૂરી છે?
ઉત્તર : ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
(22) માનવીની જરૂરિયાતો કેવી છે?
ઉત્તર : અમર્યાદિત
(23) કુદરતી સંસાધનો કેવાં છે?
ઉત્તર : મર્યાદિત
(24) સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે?
ઉત્તર : સંસાધનોની અછત સાથે
(25) કઈ જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે?
ઉત્તર : કાંપની જમીનમાં
(26) કઈ જમીન દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે?
ઉત્તર : રાતી અથવા લાલ જમીન
(27) ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન કયા પ્રકારની છે?
ઉત્તર : કાળી જમીન
(28) લેટેરાઇટ જમીનનું નામ લૅટિન ભાષાના કયા શબ્દ પરથી પડ્યું છે?
ઉત્તર : ‘Later’ એટલે કે ઈંટ પરથી
(29) કઈ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે?
ઉત્તર : રણપ્રકારની જમીન
(30) કઈ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે?
ઉત્તર : રણપ્રકારની જમીન
(31) વૃક્ષોનાં ખરેલાં પાંદડાંથી કઈ જમીનની ભૂસપાટી ઢંકાયેલી હોય છે?
ઉત્તર : જંગલપ્રકારની જમીનની
(32) કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતાં તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે?
ઉત્તર : દલદલ કે પીટપ્રકારની જમીન
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. કુદરતી સંસાધનમાં ક્યા બે ગુણધર્મો હોવા જોઈએ?
A. જરૂરિયાત અને કાર્ય કરવાની યોગ્યતા
B. ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
C. ઉપયોગિતા અને અછત
D. ઊર્જાનો ઉપયોગ અને સંરક્ષણ
ઉત્તર : B. ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા
2. દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન ……
A. સર્વસુલભ સંસાધન
B. સામાન્ય સુલભ સંસાધન
C. વિરલ સંસાધન
D. એકલ સંસાધન
ઉત્તર : D. એકલ સંસાધન
3. કયું સંસાધન નવીનીકરણીય છે?
A. ખનીજ તેલ
B. સૂર્યપ્રકાશ
C. ખનીજ કોલસો
D. કુદરતી વાયુ
ઉત્તર : B. સૂર્યપ્રકાશ
4. ક્યાં સંસાધનો અનવીનીકરણીય છે?
A. પ્રાણીઓ
B. જંગલો
C. ખનીજે
D. સરોવરો
ઉત્તર : C. ખનીજે
5. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ……… મળતા પદાર્થોથી થાય છે.
A. ખવાણ અને ઘસારા(ધોવાણ)થી
B. સ્થળાંતર અને સ્થગિતતાથી
C. અનુક્રમ અને વિક્રમથી
D. ઊર્ધ્વ અને શીર્ષથી
ઉત્તર : A. ખવાણ અને ઘસારા(ધોવાણ)થી
6. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને મુખ્ય પ્રકારોમાં વહેંચવામાં આવી છે.
A. સાત
B. સોળ
C. પાંચ
D. આઠ
ઉત્તર : D. આઠ
7. કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે?
A. ફેરિક ઑક્સાઇડને
B. સિલિકામય પદાર્થોને
C. લાવાયિક ખડકોને
D. નદીઓના નિક્ષેપિત કાંપને
ઉત્તર : D. નદીઓના નિક્ષેપિત કાંપને
8. કઈ જમીનમાં ચૂનો, મૅગ્નેશિયમ, ફૉસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઊણપ જોવા મળે છે?
A. કાળી
B. રાતી અથવા લાલ
C. લેટેરાઇટ
D. કાંપની
ઉત્તર : B. રાતી અથવા લાલ
9. કાળી જમીન બીજા ક્યા નામે ઓળખાય છે?
A. રેગુર
B. ખદર
C. પડખાઉ
D. બાંગર
ઉત્તર : A. રેગુર
10. કયા પ્રકારની જમીન ‘રંગર’ નામે ઓળખાય છે?
A. કાળી
B. રાતી
C. પડખાઉ
D. રણપ્રકારની
ઉત્તર : A. કાળી
11. કઈ જમીનને ‘કપાસની જમીન’ પણ કહે છે?
A. પડખાઉ
B. કાળી
C. રાતી અથવા લાલ
D. પર્વતીય
ઉત્તર : B. કાળી
12. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે?
A. કાંપની જમીન
B. લેટેરાઇટ જમીન
C. કાળી જમીન
D. રાતી અથવા લાલ જમીન
ઉત્તર : B. લેટેરાઇટ જમીન
13. જમીનના ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?
A. વન્ય પ્રાણીજીવન
B. વહેતું જળ
C. પવન
D. પશુઓ થકી થતું અતિ ચરાણ
ઉત્તર : A. વન્ય પ્રાણીજીવન
14. નીચેનામાંથી સંસાધનનો એક ઉપયોગ ખરો નથી, તે શોધીને ઉત્તર લખો :
A. સંસાધન – ખોરાક તરીકે
B. સંસાધન – વાહનવ્યવહાર તરીકે
C. સંસાધન – કાચા માલના સ્રોત તરીકે
D. સંસાધન – શક્તિ સંસાધન તરીકે
ઉત્તર : B. સંસાધન – વાહનવ્યવહાર તરીકે
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here