Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ (લલિતનિબંધ)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ (લલિતનિબંધ)

પાઠ-પરિચય

‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ નિબંધમાં વિનોબા ભાવેએ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું અંતર દૃષ્ટાંતો આપીને સ્પષ્ટ કર્યું છે. માણસમાં અને પશુમાં શો ફરક છે તે સમજવો અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિવર્ધન છે એમ કહીને વિનોબાએ ‘જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે’ એમ કહ્યું છે. લેખકે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારતદેશની વિવિધતામાં એકતાની વિશેષતા ૫૨ ભા૨ મૂક્યો છે. એનું કારણ ભારતદેશનો અદ્ભુત વિચાર-વૈભવ અને આધ્યાત્મિક વિચાર-સંપદા છે. વિનોબાએ આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદરભાવ વ્યક્ત કર્યો છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની (1 વિશેષતાઓ લખો.
ઉત્તર : ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિવર્ધન છે. તેની પાસે સુંદર વિચાર-વૈભવ અને આધ્યાત્મિક વિચાર-સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાઈ છે, પણ આપણી જ્ઞાન-પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ-કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારતદેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારતદેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે.
(2) પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.
ઉત્તર : માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે, ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અકરાંતિયાની જેમ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોય, પણ એકાદશીને કારણે ભગવત્-સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. એને સંસ્કૃતિવર્ધન કહેવાય.
(3) વિનોબાના મતે માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે?
ઉત્તર : દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહિ. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય, તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહિ. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનુંય હંમેશાં શોધન કરતાં રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતાં રહેવું. જેમ કે, ખાવાનું આપણે ન છોડી શકીએ, પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ, માણસ હંમેશાં સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે.
(4) ‘ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.’ વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો.
ઉત્તર : ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષથી માણસ જાતજાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ. બહુ પ્રયોગો થયા. તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયાં. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની ક્લ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાનાં કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા – આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણવ્યવસ્થા, આશ્રમવ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્ત્વજ્ઞાન ને દર્શન, ગુણવિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દૃષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દૃષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દૃષ્ટિએ જોતાં ‘ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.’ વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) ‘પ્રકૃતિથી ઉપર ઊઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે.” આ વિધાન સમજાવો.
ઉત્તર : ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત્-સ્મરણ કરવા માટે માણસ ખાય નહિ, તે એની સંસ્કૃતિ છે. આમ, પોતાની પ્રકૃતિથી ઉપર ઊઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે.
(2) વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે?
ઉત્તર : વિનોબાના મતે, આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું, પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે.
(3) ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થતી આવી છે? તેનાં કારણો કયાં છે?
ઉત્તર : ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે. દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહિ મળે. ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી, પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દપરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે. આને કારણે જ ભારતમાં શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થતી રહી છે.
(4) પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે?
ઉત્તર : પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે, તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે, જેથી એ ઋષિ કહેશે કે આ મારાં જ બાળકો છે.
(5) તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે?
ઉત્તર : તુલસીદાસજીએ પણ ભારતભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે ઃ ‘ભલિ ભારતભૂમિ, ભલે કુલ જન્મ.’ પાંચસો વર્ષ પહેલાં ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમનાં પદમાં રજૂ કર્યો : ‘ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે!’ આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આ લોકો એકબીજાની ભાષા જાણતા નહોતા. એકબીજાને પણ જાણતા નહોતા. છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ્યા તેથી તે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત કર્યું.

પ્રશ્ન 3. નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો :

ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતાં રહીશું, તે આપણી વિકૃતિ છે.
પ્રશ્નો :
(1) બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય?
ઉત્તર : બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાય.
(2) ઉપવાસને વિનોબા શું કહે છે?
ઉત્તર : ઉપવાસને વિનોબા સંસ્કૃતિ કહે છે.
(3) ‘પ્રકૃતિ’ને સમજાવવા વિનોબા ભાવેએ શું કહ્યું છે?
ઉત્તર : ‘પ્રકૃતિ’ને સમજાવવા વિનોબા ભાવેએ કહ્યું છે કે, આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે.
(4) આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ નિબંધના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ નિબંધના લેખક વિનોબા ભાવે છે.
(2) ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ લલિતનિબંધ છે.
(3) પ્રકૃતિ એટલે શું?
ઉત્તર : પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ.
(4) સંસ્કૃતિ એટલે શું?
ઉત્તર : સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું.
(5) વિકૃતિ એટલે શું?
ઉત્તર : વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું.
(6) ઉપવાસ કરવો એ શું કહેવાય – સંસ્કૃતિ કે વિકૃતિ?
ઉત્તર : ઉપવાસ કરવો એ સંસ્કૃતિ કહેવાય.
(7) વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે?
ઉત્તર : માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે.
(8) ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે?
ઉત્તર : ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ’ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય વિચારસંપદા છે.
(9) ભારતીય સંસ્કૃતિ કેવી રીતે મળી છે?
ઉત્તર : હજારો વર્ષથી માણસે કરેલા જાતજાતના પ્રયોગોમાંથી ભારતીય સંસ્કૃતિ મળી છે.
(10) આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના કેમ ભોગવવી નહિ?
ઉત્તર : આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહિ; કારણ કે ચીજ આપીને અને વહેંચીને ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે.
(11) કાગડો કાળો છે, તેને આપણે શા માટે ખરાબ ન કહી શકીએ?
ઉત્તર : કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ; કારણ કે તે એની પ્રકૃતિ છે.
(12) ભારતમાં શબ્દપરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે તેનું શું કારણ?
ઉત્તર : ભારતમાં શબ્દપરંપરા પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે, કારણ કે ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે.
(13) ‘ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે !’ આવું કયા કવિએ ગાયું?
ઉત્તર : ‘ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે !’ આવું ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું.
(14) સાચો આનંદ કોને કહેવાય?
ઉત્તર : જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ સાચો આનંદ કહેવાય.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *