Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 13 રસ્તો કરી જવાના (ગઝલ) (મુખપાઠ)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 13 રસ્તો કરી જવાના (ગઝલ) (મુખપાઠ)

કાવ્ય-પરિચય

‘રસ્તો કરી જવાના’ ગઝલમાં કવિ જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, તોપણ સહેજે મુંઝાયા વગર એમાંથી કઈ રીતે બહાર આવવું એનો માર્ગ શોધવાની વાત કરે છે. કવિના એક-એક શેરમાં એમની ખુમારી ઝળકે છે. ઈશ્વરમાં શ્રદ્ધા હોય અને હૃદયમાં અડગ આત્મબળ હોય, તો કોઈ પણ પરિસ્થિતિમાંથી ઊગરી જવાય છે. કવિએ અનેક દૃષ્ટાંતો દ્વારા પોતાના વિચારો રજૂ કર્યા છે.

કાવ્યની સમજૂતી

(જીવનમાં) સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે તોપણ અમે ગમે તેમ કરીને માર્ગ શોધી કાઢવાના. શું અમે મૂંઝાઈને મનમાં શાંત થઈ જવાના! અર્થાત્ ચૂપ બેસી રહેવાના! [1-2]
અમે તો અમારી મસ્તીમાં આખું જીવન પૂરું કરી નાખવાના. બિંદુમાં ડૂબીને સિન્ધુ તરી જવાના અર્થાત્ થોડાંઘણાં સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાના! [3-4]
કોણે કહ્યું કે અમે જીવનમાં એક પણ સત્કર્મ કર્યા વગર જ મરી જવાના! અમે તો દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી દેવાના. [5-6]
મનમાં શું વિચારો છો? અનેક દીપક તો સદૈવ પ્રજ્વલિત છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરી જવાના અર્થાત્ જીવનની ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા પાથરી જવાના. [7-8]
દુઃખની એકમાત્ર દવા આત્મબળ છે. જીવનના દરેક જખમને નજરથી ટાંકા ભરી જવાના અર્થાત્ જીવનના દરેક જખમને અમી નજરથી રુઝાવી દેવાના. [9-10]
તમે અમને શું સમજો છો? અમે તો સ્વયંપ્રકાશ છીએ! અમે દીપક નથી કે તમે બુઝાવો ને અમે બુઝાઈ જવાના. [11-12]
હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે! ઈશ્વર જેવો અમારો ધણી બેઠો છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના! [13-14]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) ‘રસ્તો કરી જવાના’ ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારીભર્યું છે! ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈ ને કોઈ ઉકેલ મળી જ જશે, એવો વિશ્વાસ રાખવો. હંમેશાં મસ્તીમાં જીવવાનું. થોડાંઘણાં સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનો. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાય દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે અર્થાત્ જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રુઝાવી દઈશું. આપણે સ્વયંપ્રકાશ છીએ! આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે! ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ કાંઈ થોડા મરી જવાના છીએ!
(2) કવિનું આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા રસ્તો કરી જવાના’ કાવ્યના આધારે સમજાવો.
ઉત્તર : કવિનું આત્મબળ અડગ છે. તેઓ ક્યારેય નિરાશ થતા નથી. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા નથી. તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દૃઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો તમામ દુઃખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં દૃઢ શ્રદ્ધા હશે, તો દુનિયાની કોઈ તાકાત તમારા જીવનને અંધકારમય નહિ બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે. તેમને કાળનો પણ ડર નથી. એ તો કાળને પણ લલકારે છે : મને તારો સહેજે ભય નથી, તારાથી થાય તે કરી લે. મારી પાસે ઈશ્વર જેવો ધણી છે. પછી મને તારો ડર શાનો? અડગ ખુમારી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ એમને જીવન જીવવાનું આત્મબળ પૂરું પાડે છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) ‘રસ્તો કરી જવાના’ કવિ દિલમાં શું ભરી જવા ઇચ્છે છે?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ કવિ ખાલી હાથે મરી જવા માગતા નથી. દુનિયાની તમામ વસ્તુઓ અને દુનિયાના લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને કવિ પોતાનું જીવન અર્થાત્ દિલ ભર્યુંભાદર્યું રાખવા ઇચ્છે છે.
(2) અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તર : અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તોપણ વિચારરૂપી પ્રકાશનાં અજવાળાં ફેલાવીશું. જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય છે.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!
ઉત્તર : જીવનમાં ઘણી વાર મુશ્કેલ પરિસ્થિતિ આવી પડે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જડે. કોઈ ઉકેલ ન મળે તો એનાથી મૂંઝાઈને મનથી અમે થોડા મરી જવાના! એટલે કે અમે કદી નાસીપાસ નહિ થઈએ. અમે કોઈ ને કોઈ રીતે રસ્તો ચોક્કસ શોધી કાઢીશું.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘રસ્તો કરી જવાના’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ કાવ્યના કવિ અમૃત ‘ઘાયલ’ છે.
(2) ‘રસ્તો કરી જવાના’ કાવ્યનું સાહિત્યસ્વરૂપ જણાવો.
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલ છે.
(3) ‘દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!’ એટલે શું?
ઉત્તર : ‘દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના !’ એટલે જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાના એવો અર્થ છુપાયેલ છે.
(4) ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઇચ્છે છે?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’, ગઝલના કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઇચ્છે છે.
(5) ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે.
(6) ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે.
(7) ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલના કવિને કાળનો ભય નથી; કારણ કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે.
(8) ‘રસ્તો કરી જવાના’ ગઝલનું કેન્દ્રબિંદુ શું છે?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ ગઝલનું કેન્દ્રબિંદુ અડગ આત્મબળ, ખુમારી અને ઈશ્વરમાં શ્રદ્ધા છે.
(9) ‘રસ્તો કરી જવાના’ એટલે શું?
ઉત્તર : ‘રસ્તો કરી જવાના’ એટલે કોઈ પણ સમસ્યાથી મનમાં મૂંઝાઈ જવાને બદલે એનો ઉકેલ, ઉપાય શોધી કાઢવો.

પ્રશ્ન 5. કાવ્યપૂર્તિ કરો :

રસ્તો નહિ જડે ………………
………… સિંધુ તરી જવાના !
ઉત્તર : રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના !
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિંદુ મહીં ડૂબીને સિંધુ તરી જવાના !
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *