Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 15 ગોદ માતની ક્યાં? (ગીત)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 15 ગોદ માતની ક્યાં? (ગીત)

કાવ્ય-પરિચય

કવિશ્રી રાજેન્દ્ર પટેલે એમનાં માતાના અવસાન પ્રસંગે કવિ ચંદ્રકાન્ત શેઠને એક સુંદર મર્માળી પંક્તિ કહેલી : ‘છત્રછાયા તો મળે, પણ માનો ખોળો ક્યાં?’ આ ઉક્તિ સાંભળીને કવિને ‘ગોદ માતની ક્યાં?’ ગીત રચવાની પ્રેરણા મળી. વ્યક્તિને જીવનમાં રહેવા ઘર કે મકાન જેવી છત્રછાયા મળશે, મિત્રો મળશે, પ્રકૃતિનું સૌંદર્ય માણવા મળશે, સંગીતના સૂરો પણ સાંભળવા મળશે, પણ માતાની ગોદ (ખોળો) ક્યાં મળશે? એમ કહીને કવિ જણાવે છે કે વ્યક્તિને એની કોઈ પણ ઉંમરે માની હૂંફ, મમતા, વહાલ, હેતની સરવાણીની ખોટ સાલતી જ હોય છે.
આ ગીતમાં કવિ જણાવે છે કે મનુષ્યના જીવનમાં માતૃપ્રેમનું મૂલ્ય અનેરું છે.

કાવ્યની સમજૂતી

(જીવનમાં) છત મળશે એટલે કે રહેવા ઘર મળશે, છત્ર (આશરો) મળશે, પણ માની ગોદ ક્યાં (મળશે)? શયનખંડ અને શય્યા (પત્નીનો સાથ) મળશે, પણ માતાની સોડ ક્યાં (મળશે) ? [1-4]
(જીવનમાં) રસ્તા મળશે, રાહદારીઓ (મિત્રો) મળશે, પણ માનો વિસામો ક્યાં (મળશે)? (આકાશમાં) ચાંદા, સૂરજ ને તારા મળશે, પણ માની આંખો ક્યાં (મળશે)? કૂણાં પર્ણો ને પુષ્પો મળશે, પણ માનો પાલવ ક્યાં (મળશે) ? [5-10]
(જીવનમાં) સૂર, તાલ ને સંગીતનો આનંદ મળશે, માનો ટહુકો (મીઠા બોલ) ક્યાં (સાંભળવા મળશે)? (જીવનમાં મદદ કરવા) હજાર હાથ (હજાર મિત્રો) મળશે, પણ માની છાતી (મા બથમાં લે ત્યારે જે સુખ મળે તે) ક્યાં (મળશે)? [11-14]
અનરાધાર વરસાદ વરસે, પણ માના હેતની હેલી ક્યાં (મળશે) ? [15-16]
ભરઉનાળે પરબ જેવી માની છાયા ક્યાં (મળશે)? ભરશિયાળે હૂંફ આપતી માની માયા ક્યાં (મળશે)? [17-20]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) ‘ગોદ માતની ક્યાં?’ કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? શા માટે?
ઉત્તર : ‘ગોદ માતની ક્યાં?’ કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો ઝુરાપો સાલે છે. કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે, પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુંવાળી શય્યામાં પણ માતાની સોડની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી (મિત્રો) મળશે, પણ ત્યાંય માની હાજરી અનુભવવા નહિ મળે. ચંદ્ર, સૂર્ય ને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂ૨૫ સાલે છે. પલ્લવ ને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે, પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા હજાર હાથ તૈયાર છે, પણ માના આલિંગનમાં જે હૂંફ અને નિશ્ચિંતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે? વર્ષાની હેલી ઊમટે છે એમાં માના હેતની હેલી તો શોધીય જડતી નથી. કવિ ભરઉનાળે તરસ છિપાવતી પાણીની પરબ સમી માની અનુપસ્થિતિ અનુભવે છે. કવિને ભરશિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ સાલે છે, કારણ કે હવે એમની પાસે મા રહી નથી. આમ, કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે.
(2) ‘ગોદ માતની ક્યાં?’ ગીતની વિશેષતા દર્શાવો.
ઉત્તર : ‘ગોદ માતની ક્યાં?’ ગીતમાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો ઝુરાપો વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માતાનાં પ્રેમ-વાત્સલ્ય પાસે ફિક્કી લાગે છે. જેમાં માતનો હૂંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખસાહ્યબી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોડ, માની રાહત, માની વાત્સલ્યપૂર્ણ આંખો, માનો પાલવ, માનો મીઠો સાદ, માની હૂંફ, માના હેતની હેલી, માની છાયા ને માની માયા ક્યાં છે? એનો અભાવ સતત સાલે છે. માતૃમહિમાને બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સજાવ્યું છે. ‘ભર્યા ઉનાળે પરબ સરીખી માની માયા’ અને ‘બારે ઊમટે હેતની હેલી માની’ જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ‘ગોદ માતની ક્યાં ?’થી શરૂ થતી લયબદ્ઘ પ્રશ્નાવલી ‘માયા માની ક્યાં?’ આગળ વિરમે છે, ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી, પણ કવિના મનમાં સાલતી માની અધૂરપ અને માનો ઝુરાપો છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે?
ઉત્તર : આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો માતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે.
(2) માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે?
ઉત્તર : માતાના હેતની હેલીને સમજાવતાં કવિ કહે છે કે ચોમાસામાં મુસળધાર વરસાદની હેલી ઊમટે છે. એ જ રીતે જીવનમાં પણ ભલેને સો પ્રેમની હેલી વરસે, તોપણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ.
(3) કવિને માતા પાસેથી શું શું મળે છે?
ઉત્તર : કવિને માતા પાસેથી એની હૂંફાળી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માની હાજરીથી મોટી રાહત મળે છે. માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે. માનો પ્રેમાળ સાદ સાંભળવા મળે છે. માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શ મળે છે. એના પર માના હેતની હેલી સતત વરસે છે. માની શીતળ છાયા અને હૂંફાળી માયા મળે છે.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

હાજર હાથ હજાર હોય, પણ છાતી માની ક્યાં?
ઉત્તર : જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મુંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે મા આલિંગનમાં લે છે ત્યારે જે હૂંફ મળે છે, એનાથી મુંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય, પણ એમાં માના આલિંગનમાં મળતી હૂંફની અનુભૂતિ નથી થતી.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘ગોદ માતની ક્યાં?’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘ગોદ માતની ક્યાં?’ કાવ્યના કવિ ચંદ્રકાન્ત શેઠ છે.
(2) ‘ગોદ માતની ક્યાં?’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો. ઉત્તર : ‘ગોદ માતની ક્યાં?’ ગીત છે.
ઉત્તર : માતાના ટહુકા પાસે સૂરની, તાલની અને સંગીતની વિસાત નથી.
(4) ‘હાજર હાથ હજાર હોય’ ઉક્તિનો અર્થ શો થાય?
ઉત્તર : ‘હાજર હાથ હજાર હોય’ ઉક્તિનો અર્થ ‘બધા જ મદદ કરવા તૈયાર હોય’ તેવો થાય.
(5) માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે?
ઉત્તર : માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે.
(6) ‘ગોદ માતની ક્યાં?’ કાવ્યના કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે?
ઉત્તર : ‘ગોદ માતની ક્યાં?’ કાવ્યના કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે.
(7) કઈ કહેવત ‘ગોદ માતની ક્યાં?’ ગીતમાં બંધબેસતી નથી?
ઉત્તર : ‘માગ્યા વિના મા પણ ન પીરસે’ કહેવત ‘ગોદ માતની ક્યાં?’ ગીતમાં બંધબેસતી નથી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *