Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 16 કુદરતી (એડાંડી)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 16 કુદરતી (એડાંડી)
પાઠ-પરિચય
‘કુદરતી’ એકાંકીમાં ડૉક્ટર મુખ્ય પાત્ર બાબુને મૃત જાહેર કરે છે; પરંતુ અચાનક એ જ સાંજે એ જીવતો થઈ જાય છે. બાબુને જીવતો જોઈને એની ઠાઠડી તૈયાર કરતાં સગાંસંબંધીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ પછી બાબુ અને એમના વચ્ચે વાર્તાલાપ થાય છે. બાબુ પોતાના એક દિવસના સ્વર્ગના અનુભવોનું એમની આગળ વર્ણન કરે છે. એના જ ગામનો બે વર્ષ પહેલાં મૃત્યુ પામેલો એનો મિત્ર દેવલો સ્વર્ગમાં ‘દેવાંશી’ નામની અપ્સરા બની ગયો હતો. બાબુને દેવાંશીને સ્વર્ગમાં મળવાનું થયું અને એની સાથે રહેવાનો લહાવો પણ મળ્યો. સ્વર્ગમાં એક દિવસ આનંદમાં પસાર કર્યા પછી, બાબુને આયુષ્ય બાકી હોવાથી પૃથ્વી પર પાછું આવવું પડ્યું. એ વખતે દેવાંશીએ બાબુને શીખ આપેલી : “પૂન્ય કરજે, પણ જોજે કરવા ખાતર ન કરીશ, એનો વિચાર નઈ કરવાનો. સ્વાભાવિક જ થવું જોઈએ, કુદરતી.’’ કુદરતી એટલે સહજ રીતે. લેખકે એકાંકીમાં આ ધ્વનિને કેન્દ્રમાં રાખીને માનવજીવનની સાર્થકતા શેમાં છે એ દર્શાવ્યું છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : એક પુણ્ય બાબુને હાથે થયું એના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઊંચકી લીધો. તેઓ આકાશમાં ઊડવા લાગ્યા; પરંતુ ઠંડાં વાદળાંમાંથી પસાર થતાં બાબુને છીંક આવી ગઈ. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને એના રેશમી લૂગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાતભાતનાં ઝાડ, વેલ, ફૂલ હતાં. પાણીના ફુવારા ઊડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાયેલી હતી. ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન પર ઇન્દ્રરાજા બિરાજેલા. નાચગાન ચાલતાં હતાં. બાબુ પ્રવેશતાં જ નાચગાન બંધ થઈ ગયાં. બાબુને જોઈને ઇન્દ્રરાજા તરત જ ઊભા થઈ ગયા અને ‘આવો બાબુરાજ’ કહીને એને પ્રેમથી ભેટ્યા. બંનેની આંખમાં હરખનાં આંસુ આવ્યાં. ઇન્દ્રરાજાની આંખના ઈશારે ફરી નાચગાન શરૂ થયાં. દેવાંશીએ ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ’ ગીત મીઠી હલકથી ગાયું. એમના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો. તે રૂપરૂપના અંબાર જેવો હતો. એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે. નાચગાન ફરી બંધ થયાં પછી ઇન્દ્રરાજા બાબુને જમવા લઈ ગયા. ત્યાં બાબુને ચોખ્ખા ઘીની ધારવાળું છૂટું ચૂરમું જમાડ્યું, બંગલા પાન ખવડાવ્યું. બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો. પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દીધો. આમ, બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું?
ઉત્તર : એક સવારે બાબુ નવેરીમાં પેશાબ કરીને ઘ૨માં આવ્યો અને અચાનક મૂંઝારો થતાં એ ઢળી પડ્યો. એવામાં બાબુનાં મા-બાપને રડતાં મૂકીને પાંખોવાળા બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઊંચકી લીધો. તેઓ ઠંડાં વાદળાંમાંથી પસાર થતાં આકાશમાં ઊડી રહ્યા હતા; પરંતુ વાતાવરણ અતિશય ઠંડું હોવાને લીધે બાબુને બેચાર છીંકો આવી ગઈ.
(2) દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો?
ઉત્તર : દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો. એ સહજ રીતે ગાતો હતો; પરંતુ બે વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો. દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી એને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામિથી સુંદર અપ્સરા બની ગયું અને એનું નામ દેવાંશી પડ્યું,
(3) સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું?
ઉત્તર : સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સૂરીલું ગીત ગાતી, એમાંય એણે ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ’ ખૂબ મીઠાશ અને હલકથી ગાયું. સ્વર્ગમાં એનું ઘણું માન હતું. એના પર ઇન્દ્રરાજાના ચાર હાથ હતા, દેવાંશીને એના પ્રિય ભાઇબંધ બાબુ વગર ગમતું નહોતું. એની ઇચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી. દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવાંગીની આ ઇચ્છા પણ પૂરી કરી. આમ, દેવાંશી કુદરતી રીતે નાચતી-ગાતી. એને લીધે તેને સ્વર્ગનો મોભો મળ્યો હતો.
(4) દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : દેવાંશી ઉર્ફે દેવલાનાં નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું. દેવલાએ ઇન્દ્રરાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઇચ્છા રજુ કરી. ઇન્દ્રરાજાએ એની ઇચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી,
(5) દેવાંશીએ બાબુને વિદાય આપતાં શી શિખામણ આપી?
ઉત્તર : દેવાંશીએ બાબુને વિદાય આપતાં શિખામણ આપી કે તું પુણ્ય કરજે, પણ કરવા ખાતર નહિ. એનો વિચાર પણ નહિ કરતો. એ પુણ્ય આપોઆપ જ થવું જોઈએ, કુદરતી.
(6) ‘કુદરતી’ એકાંકી દ્વારા લેખકે શેનો મહિમા રજૂ કર્યો છે?
ઉત્તર : ‘કુદરતી’ એકાંકી દ્વારા લેખક એમ કહેવા માગે છે કે જે કંઈ પુણ્યકાર્ય કરવું હોય તે સહજપણે થવું જોઈએ. જે પુણ્યકાર્ય સહજ રીતે – કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્યકાર્ય છે. લેખકે ‘કુદરતી’ એકાંકીમાં બાબુ અને દેવાંશીનાં પાત્ર દ્વારા સાચા પુણ્યકાર્યનો મહિમા હળવી શૈલીમાં, નાટ્યાત્મક રીતે મર્માળી ભાષામાં રજૂ કર્યો છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘કુદરતી’ એકાંકીના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘કુદરતી’ એકાંકીના લેખક લાભશંકર ઠાકર છે.
(2) ‘કુદરતી’ કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘કુદરતી’ એકાંકી છે.
(3) બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો?
ઉત્તર : બાજુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો.
(4) “મારા બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ. ઇની બહુ યાદ આવે છે… ઇને તેડોવો …’ આ વાક્ય કોણે બોલે છે? કોને કહે છે?
ઉત્તર : ‘મારા બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ. ઇની બહુ યાદ આવે છે… ઇને તેડાવો …” આ વાક્ય દેવલો બોલે છે અને ઇન્દ્રરાજાને કહે છે.
(5) સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય?
ઉત્તર : સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે, સહજતાથી થયેલું સદ્કાર્ય પુણ્ય ગણાય.
(6) બાબુનું કયું પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું?
ઉત્તર : બાબુએ પેશાબ કરતાં બે ડગ ખસીને એક કીડીને મરતાં બચાવી; તેનું આ પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું.
(7) ઇન્દ્રરાજાએ બાબુને શું કહીને બથમાં લીધો?
ઉત્તર : ઇન્દ્રરાજાએ ‘આવો બાબુરાજ’ કહીને બાબુને બથમાં લીધો.
(8) ઇન્દ્રરાજાએ બાબુને ક્યાં બેસાડ્યો?
ઉત્તર : ઇન્દ્રરાજાએ બાબુને પોતાની પાસેના સિંહાસન પર બેસાડ્યો.
(9) દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું કરવાની સલાહ આપી?
ઉત્તર : દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પુણ્યકાર્ય કરવાની સલાહ આપી.
(10) પરસોત્તમ દાક્તરે બાબુને તપાસી શું લાવવા કહ્યું?
ઉત્તર : પરસોત્તમ દાક્તરે બાબુને તપાસી ગંગાજળ લાવવા કહ્યું,
(11) દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા?
ઉત્તર : દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા.
(12) સ્વર્ગમાં સિંહાસન ઉપર કોણ બિરાજેલા હતા?
ઉત્તર : સ્વર્ગમાં સિંહાસન ઉપર ઇન્દ્રરાજા બિરાજેલા હતા.
(13) જમી લીધા પછી ઇન્દ્રરાજાએ શું ખાધું?
ઉત્તર : જમી લીધા પછી ઇન્દ્રરાજાએ બંગલા પાન ખાધું.
(14) સૌ ગયા પછી કાશી ફઈએ શું બનાવવા આંધણ મૂક્યું?
ઉત્તર : સૌ ગયા પછી કાશી ફઈએ લાપસી બનાવવા આંધણ મૂક્યું.
(15) બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લહાવો કેમ લઈ શક્યો?
ઉત્તર : બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લહાવો લઈ શક્યો, કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here