Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 19 પપ્પા, હવે ફોન મૂકું? (ગીત)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 19 પપ્પા, હવે ફોન મૂકું? (ગીત)

કાવ્ય-પરિચય

‘પપ્પા, હવે ફોન મૂકું?’ ગીતમાં STDથી એના પપ્પાને ફોન કરે છે. હૉસ્ટેલમાં રહેતી દીકરી ગીતનો આરંભ પ્રશ્નથી થાય છે : ‘… તો, પપ્પા! હવે ફોન મૂકું ?’ દીકરી જાણે પિતાની પરવાનગી માગે છે. પિતાને થોડી ખુશી થાય એટલે હૉસ્ટેલમાં રહેતી દીકરીએ પપ્પાને ફોન જોડ્યો. એને થયું કે STDની ડાળ પર બેસી ટહુકું અર્થાત્ પપ્પા સાથે વાત કરું. કવિએ દીકરીની પપ્પા સાથે ફોન પર થયેલી વાત દ્વારા માતા-પિતા વચ્ચેની સ્નેહની કડીરૂપ દીકરીની લાગણીને વાચા આપી છે. અંતમાં ફોન પર કેટલી વાત થાય? એટલે દીકરી પપ્પાને પૂછે છેઃ પપ્પા! હવે ફોન મૂકું? આમ, આરંભે પૂછેલો પ્રશ્ન ફરી ગીતના અંતે દીકરી દોહરાવે છે અને ગીત અહીં પૂરું થાય છે.

કાવ્યની સમજૂતી

….. તો પપ્પા! હવે ફોન મૂકું? તમને થોડી ખુશી થાય એટલે થયું કે STDની ડાળ પર ટહૂકું, અર્થાત્ STD દ્વારા ફોન જોડી તમારી સાથે થોડી વાતો કરું. (પપ્પાનો પ્રશ્ન સમજી ગઈ હોય એમ પૂછે છે) હૉસ્ટેલને ? હૉસ્ટેલમાં ફાવે છે. જેમ કાંટામાં ફૂલ સચવાય તોય એ ખીલે છે, મહેકે છે … ડાળખી પર ઝૂલે છે. ફાગણ મહિનામાં લીલા ઘટાદાર ઝાડવાનાં પાન એમ કાંઈ સુકાઈ ન જાય. [1-5]
મમ્મીબા આનંદમાં છે ને? બાજુમાં ઊભી છે? ના. ના તો ભલે વાસણ માંજતી. (એને) કહેજો … આ તારી દીકરી તારાં સપનાં (ઇચ્છા – અરમાનો) ઊંઘમાં આંજે છે અર્થાત્ ઊંઘમાં પણ યાદ રાખે છે. એને (માને) સાચવજો … એ ભોળી છે ચિંતા કરનારી છે … ભૂલકણી પણ એનું માઠું નહિ લગાડતા. (મા પૂછતી હશે) શું લીધું? સ્કૂટરને? (પતિ પર ગુસ્સો કરતી હોય એમ તમે તો) ભારે ઉતાવળા. શમ્મુ તો ફ્રિજ લેવાનું કહેતો હતો. કેવા જિદ્દી છો? (હવે) હપતા ને વ્યાજ ભરવાનાં)? (આ જાણીને) આખું ઘર ગુસ્સો કરશે. [6-10]
ઝાઝી વાતુંનાં ગાડાં ભરાય અર્થાત્ વાતો નહિ ખૂટે. હાઈકુમાં એટલે કે ટૂંકમાં કહું? તો પપ્પા! હવે ફોન મૂકું? [11-12]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો :

“માતા-પિતા અને દીકરીના લાગણીભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે.” આ વિધાનને ‘પપ્પા, હવે ફોન મૂકું?’ ગીત દ્વારા સમજાવો.
ઉત્તર : ‘પપ્પા, હવે ફોન મૂકું?’ ગીત એ સંવાદગીત નથી. એ તો પુત્રીની કેવળ એકોક્તિ છે. ગીતનો આરંભ ‘પપ્પા, હવે ફોન મૂકું?’ પ્રશ્નથી થાય છે અને અંત પણ એ જ પ્રશ્નથી આવે છે. દીકરી ઘરથી દૂર હૉસ્ટેલમાં રહીને ભણતી હોય એટલે માતા-પિતાને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. આથી દીકરી ‘તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?’ એમ કહીને પિતાને હળવા કરી દે છે. પછી તો પિતાના મનમાં જાગતો પ્રશ્ન પોતે જ પૂછીને એનો ઉત્તર પણ પોતે જ આપે છે. હૉસ્ટેલમાં જોઈએ એવી સગવડ ન હોય છતાં હૉસ્ટેલમાં રહેતી દીકરી પોતાને કાંટામાં સચવાતું ફૂલ કહે છે. એ અગવડોથી હારી જાય એવી કાચી નથી. તે પોતાના લક્ષ્ય તરફ જ ધ્યાન આપે છે. ‘ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહિ સૂકું’ કહે છે. એનો અર્થ એ કે તે પ્રેમાળ સંસ્કારી દીકરી ફાગણના ઝાડના પાન જેવી પોતે લીલીછમ છે, એટલે કે ખુશ છે. આથી પિતાએ દીકરીની ચિંતા કરવાની જરૂર નથી એનો અણસાર આપે છે. તે ફોનમાં માને પણ યાદ કરે છે. ‘મમ્મીબા જલસામાં? શું લીધું? સ્કૂટરને?’ જેવા પ્રશ્નો અને આંખમાં સમાવેલાં માનાં સ્વપ્નાં, ભારે ઉતાવળા, કેવા છો જિદ્દી? ઇત્યાદિ ટૂંકા શબ્દોથી વાત આગળ ચાલે છે, પણ એને પૂર્ણવિરામ તો આપવું પડે ને! એટલે અંતે પિતાની પરવાનગી માગે છે : ‘તો પપ્પા! હવે ફોન મૂકું?’ એમાં વિનમ્રતા છે અને માતા-પિતા અને પુત્રીના લાગણીભર્યા સંબંધોની મીઠાશ છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો : 

પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ ‘પપ્પા, હવે ફોન મૂકું?’ કાવ્યમાં કયા કયા શબ્દપ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે?
ઉત્તર : ‘પપ્પા, હવે ફોન મૂકું?’ પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે. પુત્રી પિતાની પરવાનગી માગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન ૫૨ વાત શરૂ કરે છે. જોકે, પિતા પ્રશ્ન નથી પૂછતા. પિતાને દૂર હૉસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે એટલે ‘તમને ય જરી મોજ આવે તે થયું મને હું STDની ડાળથી ટહુકું’, એમ કહીને પિતાને ચિંતાથી હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતાના મનમાં ઊઠેલો પ્રશ્ન ‘હૉસ્ટેલને?’ સાથે વાતનો દોર આગળ ચલાવે છે. એ શબ્દપ્રયોગ પણ પિતા-પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યમાં ‘હૉસ્ટેલ તો ફાવે છે’, ‘ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહિ સૂકું’, ‘મમ્મીબા જલસામાં? અને અંતે ‘ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય . કહ્યું હાઈકુમાં, એટલે કે ટૂંકું’, ‘તો પપ્પા! હવે ફોન મૂકું?’ જેવા શબ્દપ્રયોગો દીકરીની માતા-પિતાને ચિંતામુક્ત કરવાની ભાવના દર્શાવે છે, એટલું જ નહિ પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અણસાર પણ આપે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

માતાનાં સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે?
ઉત્તર : પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારાં સપનાં (ઇચ્છા – અરમાનો) ઊંઘમાં આંજે છે, અર્થાત્ એ ભૂલી નથી.

પ્રશ્ન 4. મુદ્દાસર નોંધ લખો :

(1) હૉસ્ટેલમાં રહેતી દીકરીનું દૃઢ મનોબળ
ઉત્તર : હૉસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીનાં અરમાનોને પૂરાં કરવાં એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હૉસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાંછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દૃઢ મનોબળ દર્શાવે છે. ‘મન હોય, તો માળવે જવાય’ એ કહેવતને એણે જીવનમાં ઉતારી છે.
(2) દીકરીની ઘર માટેની ચિંતા
ઉત્તર : દીકરી દૂ૨ હૉસ્ટેલમાં રહીને ભણે છે. જેમ માતા-પિતાને એની ચિંતા થાય છે તેમ દીકરીને પણ માતાપિતાની ચિંતા છે. આથી તે પિતાને ફોન પર પોતે હૉસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાનાં પાન જેવી લીલીછમ છે, એટલે કે ખુશ છે એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર આપે છે. તેને માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્રભાવે કહે છે કે મા ભોળી, ચિંતાળુ અને ભૂલકણી છે તો એનું માઠું નહિ લગાડતા.

પ્રશ્ન 5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

હૉસ્ટેલને? ….. હૉસ્ટેલ તો ફાવે છે … જેમ કે કાંટામાં સચવાતું ફૂલ તોય એ તો ઊઘડે છે … રંગભર્યું મ્હેંકે છે … ડાળખીમાં કરે ઝુલાઝૂલ.
ઉત્તર : દીકરી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે ત્યારે તેને ખબર છે કે પિતા પ્રશ્ન પૂછશે જ, એટલે એ પૂછે એ પહેલાં પોતે જ પ્રશ્ન પૂછે છે : હૉસ્ટેલને? અને હૉસ્ટેલમાં ફાવે છે? … હૉસ્ટેલનું જીવન કાંઈ ઘર જેવું ન હોય. થોડીઘણી અગવડો તો હોવાની જ. તો જેમ કાંટામાં ફૂલ સચવાય એમ આટલી અગવડો વચ્ચે પણ તમારી આ ફૂલ જેવી દીકરી સચવાય છે. એમાં પણ તે આનંદથી રહે છે, ભણે છે અને સહિયરો સાથે મોજમજા કરે છે.

પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘પપ્પા, હવે ફોન મૂકું?’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : “પપ્પા, હવે ફોન મૂકું?’ કાવ્યના કવિ મનોહર ત્રિવેદી છે.
(2) પપ્પા, હવે ફોન મૂકું?’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘પપ્પા, હવે ફોન મૂકું?’ ગીત છે.
(3) દીકરીને હૉસ્ટેલ કેવી લાગે છે?
ઉત્તર : દીકરીને હૉસ્ટેલ કાંટા જેવી લાગે છે.
(4) દીકરીના મતે માતા કેવી છે?
ઉત્તર : દીકરીના મતે માતા ચિંતાતુર, ભોળી અને ભુલકણી છે.
(5) ‘ઝાઝી વાતુનાં ગાડાં ભરાય’ દ્વારા દીકરી શું હેવા માગે છે?
ઉત્તર : ‘ઝાઝી વાતુનાં ગાડાં ભરાય’ દ્વારા દીકરી કહેવા માગે છે કે વાતો તો ખૂબ કરવી છે, પણ હું ટૂંકમાં જ બધું સમજાવવા માગું છું.
(6) ‘STDની ડાળથી ટહુકું?’ કહીને દીકરી શું કહેવા માગે છે?
ઉત્તર : ‘STDની ડાળથી ટહુકું?’ કહીને દીકરી પિતાજી સાથે મીઠી મીઠી વાતો કહેવા માગે છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *