Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 20 સમાજ સર્માર્પત શ્રેષ્ઠી (રેખાચિત્ર)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 20 સમાજ સર્માર્પત શ્રેષ્ઠી (રેખાચિત્ર)

પાઠ-પરિચય

‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાનું રેખાચિત્ર છે. તેમનું અનોખું વ્યક્તિત્વ અને સામાજિક કાર્યો માટેની તેમની નિષ્કામ ભાવનાને કારણે પૂર્વ આફ્રિકામાં અને ગુજરાતમાં તેઓ નામાંકિત થયા હતા. ‘સાદું જીવન અને ઉચ્ચ વિચારો’ એ તેમનો જીવનમંત્ર હતો. તેમની અદ્ભુત કોઠાસૂઝ, દૃઢ સંલ્પશક્તિ, પ્રબળ પુરુષાર્થ, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ, વિદ્યાપ્રેમ અને પરમાત્મામાં શ્રદ્ધા – આ અસાધારણ ગુણોને કારણે તેઓ યુગાન્ડા, કેન્યા અને ગુજરાતમાં ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં સફળ રહ્યા. યુગાન્ડામાં તેઓ ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાયા. એમના જીવનનું એકમાત્ર લક્ષ્ય પરોપકાર અને માનવતા હતું. શૂન્યમાંથી સર્જન કરી 82 વર્ષ સુધી સતત ગુજરાત અને પૂર્વ આફ્રિકા માટે પોતાનું આજીવન સમર્પિત કરનાર આ વિરલ વ્યક્તિ સાચા અર્થમાં શ્રેષ્ઠી હતા.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ’ તરીકે શા માટે ઓળખાવ્યા છે?
ઉત્તર : નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજે જ્ઞાન નહોતું; છતાં તેમણે યુગાન્ડાની વણખેડેલી ધરતી પર, અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા-કૉફીની ખેતી શરૂ કરી. પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરનાં વિશાળ ખેતરો સર્જ્યો. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે, યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાઝી સુગર ફૅક્ટરી શરૂ કરી. એક સદી પહેલાં જાપાનની ટેક્નોલૉજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી.
આમ, સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર ચાર ચોપડી સુધી ભણેલા નાનજીભાઈને અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મળી. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાવ્યા છે.
(2) નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ‘ઉદ્યોગ સાહસિક’ તરીકે શા કારણે સફળ થયા?
ઉત્તર : નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ‘ઉદ્યોગ સાહસિક’ તરીકે સફળ થયા; કારણ કે તેમણે પોતાની હૈયાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા-કૉફી, કેતકી અને રબરની ખેતી કરી. કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરીને 1924માં લુગાઝી સુગર ફેક્ટરી શરૂ કરી. નાની ઉંમર અને ઓછું ભણતર હોવા છતાં; અસાધારણ હૈયાસૂઝ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા.
(3) નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું?
ઉત્તર : નાનજીભાઈ યુગાન્ડાની ધરતી પર પોતાની હૈયાસૂઝ, સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધાથી પુષ્કળ ધન કમાયા. યુગાન્ડાની ધરતીએ તેમને ખૂબ સમૃદ્ધિ આપી અને શ્રેષ્ઠ ઉઘોગપતિ તરીકેની નામના મળી. તેઓ યુગાન્ડાના “બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાયા. નાનજીભાઈ મહેતામાં પરોપકાર, વિદ્યાપ્રેમ અને ભારતીય સંસ્કારનો ત્રિવેણીસંગમ હતો. આથી તેમણે પૂર્વ આફ્રિકામાં ઉદાર હાથે દાન આપીને નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઈસ્કૂલ, લાયબ્રેરી, ટાઉનહૉલ, નગરઉદ્યાનો, આર્યસમાજનાં મંદિરો અને મહિલામંડળ ભવનોની સ્થાપના કરી. આમ, નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ અદા કર્યું.
(4) નાનજીભાઈ મહેતાએ પોરબંદરમાં સ્થાપેલી આર્યકન્યા ગુરુકુળ’ વિશે જણાવો.
ઉત્તર : નાનજીભાઈ મહેતા સ્પષ્ટપણે માનતા હતા કે પુત્રપુત્રીમાં સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના જ ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્યસમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ-પદ્ધતિનું શિક્ષણ આપવા માટે પોરબંદરમાં ‘આર્યન્યા ગુરુકુળ’ની સ્થાપના કરી. આ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હસ્તે નંખાવ્યો. આ તેમનું અસ્પૃશ્યતા-નિવારણનું સાહસિક પગલું હતું. છેલ્લાં 80 વર્ષથી ચાલતી આર્યકન્યા ગુરુકુળમાંથી 30 હજારથી વધારે કન્યાઓએ ડિગ્રી મેળવી છે. એથી વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે આ કન્યાઓએ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ કન્યાઓ દેશ-વિદેશમાં દીવડી બનીને પ્રકાશ પાથરી રહી છે. આર્યકન્યા ગુરુકુળને તેમનાં પુત્રી સવિતાબહેન પણ વર્ષો સુધી ઉત્તમ માર્ગદર્શન આપતાં રહ્યાં.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો?
ઉત્તર : 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું. મહિનાઓની આ સફર હતી. એમાં વચ્ચે તોફાન આવ્યું. વહાણને દરિયામાં આગળ ધપાવનાર કૂવાસ્તંભ અને સઢ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો, છતાં નાનજી સહેજે ડગ્યા નહોતા.
(2) કિશોર નાનજીએ દરિયાની અનિશ્ચિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા?
ઉત્તર : દરિયાનું તોફાન જોતાં જીવન અનિશ્ચિત હતું, છતાં કિશોર નાનજીએ હિંમત જાળવી રાખી. દરિયાની અનિશ્ચિત સફરમાં પણ વહાણમાં બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા રાખીને એ દિવસો પસાર કર્યાં.
(3) નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો.
ઉત્તર : નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત આ હતો : ‘સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચારો’. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્ય જનો, ગ્રામસમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા-નિવારણ, શિક્ષણ-સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યાં તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા.
(4) નાનજીભાઈ મહેતાએ ક્યારે સમાજ-ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું?
ઉત્તર : નાનજીભાઈએ પૂર્વ આફ્રિકામાં વેપાર-ઉદ્યોગ વિક્સાવવામાં અને તેમને સ્થિર કરવામાં લગભગ અડધી સદી સુધી જિંદગી પસાર કરી. જોકે, આ સાથે તેમનાં સેવાકાર્યો તો ચાલુ જ હતાં. પણ પછી માતૃભૂમિનું ઋણ ચૂકવવા તેમણે પોતાના પુત્રોને ઉદ્યોગધંધા સોંપી, સમાજ-ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું.
(5) આજથી 60 વર્ષ પહેલાં નાનજીભાઇએ સંશોધનના વિકાસ માટે શું કર્યું?
ઉત્તર : આજથી 60 વર્ષ પહેલાં નાનજીભાઈને લાગ્યું કે દેશવિદેશના સંશોધનકારોને એમના સંશોધન માટે અનુકુળતા અને સગવડ કરી આપવી જોઈએ. આથી તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં ‘શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનૅશનલ ાસ’ની સ્થાપના કરી. આ રીતે તેમણે વિકાસ માટેના દરવાજા ખોલ્યા.
(6) આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઇએ સૌરાષ્ટ્રમાં શી શી પ્રવૃત્તિઓ શરૂ કરી?
ઉત્તર : આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌપ્રથમ સૌરાષ્ટ્રના પોરબંદરમાં ઉદ્યોગોના તારકમંડળની રચના કરી. પોરબંદરમાં ‘ભારતમંદિર’ની સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનો સંદેશો ઊગતી પેઢી સુધી પહોંચે એ માટે તેમણે ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ તૈયાર કરાવ્યું. ઉપરાંત વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે ‘તારામંદિર’ની પણ રચના કરી.
(7) નાનજીભાઈના મૃત્યુ પછી તેમને કોણે કોણે કઈ રીતે શ્રદ્ધાંજલિ આપી?
ઉત્તર : તા. 25 – 08 – 1969ના દિવસે નાનજીભાઈનું મૃત્યુ થયું ત્યારે અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી; પરંતુ તેમાં ગામડાની એક અભણ બહેને સર્વોત્તમ અંજલિ આપી હતી : ‘આજ ધરમનો થાંભલો ખરી પડ્યો’. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત યોગદાન આપનાર નાનજીભાઈને યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબોટે ભવ્ય અંજલિ આપતાં કહેલું, “નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્ત્વનો ફાળો આપનાર મિત્ર અમે ગુમાવ્યો છે. તેમણે કરેલાં સમાજ-ઉપયોગી કાર્યો કાયમ યાદ રહેશે.’
(8) અંતમાં લેખક મનસુખ સલ્લાએ નાનજીભાઈની પ્રશંસા કરતાં શું કહ્યું?
ઉત્તર : અંતમાં લેખક મનસુખ સલ્લાએ નાનજીભાઈની પ્રશંસા કરતાં કહ્યું કે, નાનજી કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા અને ઋણભાવવાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળ પૃથ્વી ઉપરથી વરાળરૂપે પાણી લઈને એકઠું કરે છે અને યોગ્ય વખતે ફરી પૃથ્વી ઉપર વરસાવે છે, તેમ નાનજીભાઈ કમાયેલું સમાજને અર્પણ કરતા રહ્યા. સંપત્તિ કમાનારા અનેક હોય છે, પણ સમાજને આવી હિતકર રીતે પાછું વાળનાર બહુ થોડા હોય છે. નાનજી કાલિદાસ મહેતા એવા વિરલ શ્રેષ્ઠી હતા.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ ગદ્યનું આલેખન કોણે કર્યું છે?
ઉત્તર : ‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ ગદ્યનું આલેખન મનસુખ સલ્લાએ કર્યું છે.
(2) ‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ ગદ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ રેખાચિત્ર છે.
(3) કિશોરવયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી?
ઉત્તર : કિશોરવયે નાનજીભાઈમાં અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની સાહસિકતા હતી.
(4) ‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ’ તરીકે કોને ઓળખાવ્યા છે?
ઉત્તર : ‘સમાજ સમર્પિત શ્રેષ્ઠી’ના લેખક મનસુખ સલ્લાએ ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાવ્યા છે.
(5) નાનજીભાઈના મતે કેવી સમાજરચના ભારતને મહાન બનાવશે?
ઉત્તર : નાનજીભાઈના મતે પુત્ર-પુત્રીની સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના ભારતને મહાન બનાવશે.
(6) નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા-નિવારણનું સાહસિક પગલું ભર્યું?
ઉત્તર : નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હિરજન બાળાના હાથે નખાવી અસ્પૃશ્યતા-નિવારણનું સાહસિક પગલું ભર્યું.
(7) નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં કઈ બે બાબતો હતી?
ઉત્તર : નાનજીભાઈ ઉદ્યોગપતિ બન્યા તેના પાયામાં તેમનો સખત પરિશ્રમ અને આત્મશ્રદ્ધા હતી.
(8) નાનજીભાઈને પંચશીલ સિદ્ધાંતો અપનાવવામાં કોનો સાથ હતો?
ઉત્તર : નાનજીભાઈને પંચશીલ સિદ્ધાંતો અપનાવવામાં તેમનાં સહધર્મચારિણી સંતોષબહેનનો સાથ હતો.
(9) નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે શાની રચના કરી?
ઉત્તર : નાનજીભાઈએ વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ નિદર્શન માટે ‘તારામંદિર’ની રચના કરી.
(10) નાનજીભાઈએ ગાંધીજીના જન્મસ્થળે શાનું સર્જન કરાવ્યું?
ઉત્તર : નાનજીભાઈએ ગાંધીજીના જન્મસ્થળે કીર્તિમંદિરનું સર્જન કરાવ્યું.
(11) નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના શા માટે કરી?
ઉત્તર : નાનજીભાઈએ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી; કારણ કે તેમને કન્યાઓને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવાની પ્રેરણા આર્યસમાજમાંથી મળી હતી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *