Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 5 ગુર્જરીના ગૃહકુંજે (ગીત)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 5 ગુર્જરીના ગૃહકુંજે (ગીત)

કાવ્ય-પરિચય

‘ગુર્જરીના ગૃહકુંજે’ગીતમાં કવિએ ગુજરાતી ભાષાનું જ્યાં ઘર છે એ ગુજરાતની વનરાઈમાં પોતાનું સમગ્ર જીવન કેવું ગૂંજી રહ્યું છે એનું વર્ણન કર્યું છે. આપણે આ ભૂમિ ૫૨ જન્મ્યા ત્યારથી આખું જીવન અહીં જ પસાર કર્યું છે. કવિએ ગુજરાતનાં ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં, નદીઓમાં, દરેક ઋતુમાં વિતાવેલી પોતાના જીવનની દરેક ક્ષણને યાદ કરી છે. કવિએ પ્રકૃતિનો જે આનંદ માણ્યો છે એની અનુભૂતિને આ ગીતમાં રજૂ કરી છે. જીવનમાં સુખદુઃખથી ઘેરાયા છતાં કવિ એમાંથી બહાર આવ્યાં. કવિ જીવનના આ જંગમાં આખું વિશ્વ ભમ્યા, પણ કદી પોતાના ગૃહની અર્થાત્ જન્મભૂમિની માયા ક્યારેય વિસર્યા નથી. આ ગીતમાં કવિએ પોતાનો જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે અને એ રીતે કવિએ આ ગીતમાં પોતાની જન્મભૂમિને આદરાંજલિ આપી છે.

કાવ્યની સમજૂતી

અમારી જન્મભૂમિ ગુજરાતની કુંજ(વનરાઈ)માં અમારું જીવન સતત ગુંજારવ કરી રહ્યું છે.
અહીં જ અમારી સૌથી પહેલી આંખ ખૂલી (અહીં જ જન્મ્યા), અહીં અમે પહેલી પગલી ભરી અને અહીં જ અમારી યુવાનીની વાદળીઓ વરસેલી. (યૌવન ખીલેલું) … [1-4]
અહીં શિયાળામાં (ઠંડી ઉડાડવા) સગડીમાં તાપણું કરીને તાપ્યા. વસંતઋતુમાં કોયલના મધુર ટહુકાર સાંભળ્યા. અષાઢ મહિનામાં અમારા હૃદયમાં રણઝણી રહેલા તા૨ે વાદળોની ગર્જના ઝીલી … [5 – 7]
અમે અહીંના ખેતરમાં, ડુંગરમાં અને કોતરમાં ઘૂમ્યા. (અહીંની) નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં આળોટ્યા … [8 – 10]
અહીં અમે અમારાં તન-ધન અર્પણ કર્યાં. પુરુષાતનના પ્રાણ સમર્પિત કર્યા. વિશ્વરૂપી વાડીને સુલિત કરવા અમારી નસેનસના રસ અર્પણ કર્યા. [11-13]
અહીં અમે રડ્યા અને આનંદકિલ્લોલ કર્યો. અહીં ઊઠ્યા, પછડાયા. (સુખદુઃખથી ઘેરાયા છતાં એમાંથી બહાર આવ્યા.) જીવનના આ જંગમાં જગત આખું ભમ્યા, પણ અમે અમારી જન્મભૂમિ(ગૃહ)ની માયા (લાગણી) કદી ભૂલ્યા નહીં. [14-16]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : આશરે બાર વર્ષની ઉંમરે હું અને અમારા કુટુંબનાં સરખી ઉંમરનાં ભાઈ-બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયાં હતાં. અમારી સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું છે. ગામની નજીક ખળખળ વહેતી નદીમાં નાહ્યા. કશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે રંગબેરંગી ફૂલોએ જાણે સુગંધની મહેફિલ જમાવી હતી. બોર, શેતૂર જેવાં અનેક ફળોથી વાડી શોભતી હતી. ખેતરોમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવો પીળો ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણાં મુક્તપણે ફરતાં હતાં. સસલાં નાચતાં-કૂદતાં હતાં. ઝાડ પર ખિસકોલી ઊછળકૂદ કરતી હતી. હૃષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાંયે ઊભી હતી.
વાડીમાં આંબાડાળે ઝૂલતી કોયલના ટહુકા, ગામના મંદિરના શિખર પર બેસી મધુર સ્વર રેલાવતો મોર, આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઊતરતી નદીનાં પાણીને ઝીલતો મોર જાણે વર્ષાને વધાવવા પોતાનાં પીંછાં પ્રસારી નૃત્ય કરી રહ્યો હતો !
કુદરતની અનેરી રમણીય સૃષ્ટિમાં વિહરવાનો આનંદ અનેરો હોય છે એનો અમને અનુભવ થયો.
(2) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો.
ઉત્તર : કાવ્યની પ્રથમ પંક્તિ ‘ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે’થી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિસૌંદર્ય ખરેખર મનભાવન છે. શિયાળામાં સળગતાં તાપણાં ઠંડીમાં ઉષ્મા આપે છે. વસંતઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઊઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત્ વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સધિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત.
(3) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યના આધારે કવિનો વતનપ્રેમ વર્ણવો.
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યમાં કવિનો વતનપ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે. આ વતનમાં કવિનો જન્મ થયો છે. અહીં જ તેમનું બાળપણ વીત્યું અને યૌવનની વાદળીઓ પણ અહીં જ વરસી. આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો. વતનનાં ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા. નદીઓમાં નાહ્યા. કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો. આ વતનને પોતાનાં તન-ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યાં. વિશ્વરૂપી વાડીને સુલિત કરવા કવિએ નસનસથી જીવનરસ સિચ્યો. આ વતનમાં જ આનંદકિલ્લોલ કર્યો; અનેક સુખદુઃખમાંથી પસાર થયા. સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય મળ્યું નથી. ગમે ત્યાં ગયા, પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી.
આમ, કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતનપ્રેમ છલકાય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો?
ઉત્તર : કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પા પા પગલી માંડી અર્થાત્ શૈશવ વીત્યું. એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી. એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું.

પ્રશ્ન 3. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

આંખ અમારી ખૂલી અહીં પહેલી
પગલી ભરી અહીં પહેલી
અહીં અમારાં યૌવન કેરી વાદળીઓ વરસેલી.
ઉત્તર : બાળક જન્મે એટલે સૌપ્રથમ એ આંખો ખોલીને ચારે બાજુ જુએ છે, કવિનો જન્મ એમની જન્મભૂમિ ગુજરાતમાં થયો. અહીં જ એમણે પહેલી પગલી ભરી; અહીં જ એમનું શૈશવ વીત્યું. કવિ રૂપક અલંકાર દ્વારા યૌવનને વાદળી કહે છે. જેમ વાદળી વરસે અને અનાજ પાકે એમ કવિનું યૌવન ખીલ્યું.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યના કવિ ‘સુન્દરમ્’ છે.
(2) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ ગીત છે.
(3) ‘સુન્દરમ્’ કોનું ઉપનામ છે?
ઉત્તર : ‘સુન્દરમ્’કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ છે.
(4) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્ય કવિના કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્ય કવિના ‘વસુધા’ કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.
(5) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો?
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્યના કવિને ‘ભર ઉનાળે તાપ્યાં અહીં સગડીએ’નો અનુભવ નથી થયો.
(6) ‘આંખ અમારી ખૂલી અહીં પહેલી’ કહીને કવિ શું કહેવા માંગે છે?
ઉત્તર : ‘આંખ અમારી ખૂલી અહીં પહેલી’ કહીને કવિ કહેવા માંગે છે કે તેમનો અહીં જ (ગુજરાતમાં) જન્મ થયો હતો.
(7) ‘જીવનની સફળતા-નિષ્ફળતાનો ઉલ્લેખ’ ક્યાં જોવા મળે છે?
ઉત્તર : ‘જીવનની સફળતા-નિષ્ફળતાનો ઉલ્લેખ’ ‘જીવનજંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહિ ગૃહમાયા’માં જોવા મળે છે.
(8) જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા?
ઉત્તર : જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા.
(9) ‘ગુર્જરીના ગૃહકુંજે’ના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહિ?
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ ગૃહમાયા (જન્મભૂમિની માયાને) વિસર્યા નહિ.
(10) ‘ગુર્જરીનું ગૃહ’ એટલે કોનું ગૃહ?
ઉત્તર : ‘ગુર્જરીનું ગૃહ’ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ.
(11) ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્ય કયા રાગમાં સ્વરબદ્ધ થયું છે?
ઉત્તર : ‘ગુર્જરીના ગૃહકુંજે’ કાવ્ય કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *