Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 6 લોહીની સગાઈ (નવલિકા)

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 6 લોહીની સગાઈ (નવલિકા)

પાઠ-પરિચય

‘લોહીની સગાઈ’ નવલિકામાં અમરતકાકીના માતૃત્વનું નિરૂપણ છે. અમરતકાકીને ચાર સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ છે. એમાં સૌથી નાની દીકરી મંગુ નાનપણથી ગાંડી છે. આથી અમરતકાકી પોતાનું માતૃવાત્સલ્ય સંપૂર્ણપણે મંગુ પર જ વરસાવે છે. એની સેવા-ચાકરી કરે છે. એને એક ક્ષણ પણ પોતાનાથી દૂર કરતાં નથી. એમના ગામની એક દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ જતાં એ દવાખાનામાં સારવાર લે છે અને એનામાં સુધારો જણાતાં સૌની સલાહથી અમરતકાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થાય છે, પણ એ પછી મંગુ વગરનું જીવન એમને માટે અસહ્ય થઈ પડે છે. એમના મન પર એની એટલી ઘેરી અસર પડે છે કે એ પોતે જ ગાંડાં થઈ જાય છે. વાર્તાના અંતમાં માતાની વેદનાની પરાકાષ્ઠા દર્શાવી છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

(1) ‘અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું.’ -આ વાક્ય સમજાવો.
ઉત્તર : અમરતકાકીનાં ચાર સંતાનો હતાં : બે દીકરા અને બે દીકરીઓ, એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી જ ગાંડી ને મૂંગી હતી. આથી અમરતકાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતાં. અમરતકાકી એના ઉછેર અને ચાકરીમાં કોઈ કસર રાખતાં નહિ; કેમ કે મંગુને ઝાડો-પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું. અમરતકાકીને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા ત્યારે અમરતકાકીનું ઘર એમનાં પૌત્ર-પૌત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઊઠતું, પણ અમરતકાકીને એ જોઈને આનંદ થતો નહિ. તેઓ ભાગ્યે જ એમને તેડતાં, ૨માડતાં કે લાડ લડાવતાં, અમરતકાકીની વહુઓની ફરિયાદ હતી કે તેમને દીકરાનાં બાળકો દીઠાં ગમતાં નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતાં નથી. મંગુને ખોટા લાડ લડાવીને તેં જ વધા૨ે ગાંડી કરી મૂકી છે.’ આવું કેટલુંય એમની દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ હકીકત દર્શાવે છે કે અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું.
(2) દવાખાનાનું વર્ણન ‘લોહીની સગાઈ’ પાઠના આધારે કરો.
ઉત્તર : દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમનાં સગાંસંબંધીઓ છૂટાં છૂટાં બેઠાં હતાં. સ્વજનોએ ઘેરથી તૈયા૨ કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો, પરિચારિકાએ સહેજ પણ ખિજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નૅપ્કિનથી એનું મોં લૂછ્યું. અમરતકાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટકેટલી ભલામણો કરી, છતાંય તેણે ધીરજ રાખીને એમના દરેક સૂચનનો સંતોષકારક જવાબ આપ્યો. અમરતકાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઇચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમરતકાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતાં અમરતકાકી છુટ્ટા મોંએ રડી પડે છે ત્યારે ડૉક્ટર, મેટ્રન અને પરિચારિકાઓનાં હૈયાં ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવી મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતાં જ એનો હાથ પકડી, હળવેકથી અંદર લઈ જાય છે.
(3) મંગુને દવાખાને મૂકવા જતાં પહેલાંની અમરતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો.
ઉત્તર : અમરતકાકીના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથેનો સારો વ્યવહાર જાણ્યા પછી અમરતકાકી મંગુને દવાખાનામાં મૂકવા તૈયાર થયાં; પરંતુ ત્યારથી એમની ઊંઘ ઊડી ગઈ. તેમને થતું કે મંગુ મોટી થતી જાય છે અને પોતાની વૃદ્ધાવસ્થા પણ વધતી જાય છે. તેઓ જાણતાં હતાં કે વહુઓ મંગુની ચાકરી નહિ કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તોપણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાના અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈ પારકું છે. અમરતકાકી આ વિચારોથી પોતાના મનને મનાવતાં, પણ આંખમાંથી એટલાં આંસુ વહેવા માંડતાં કે એમની પથારી પલળી જતી. એમને થતું કે તે થાકી ગયાં છે એટલે મંગુને દવાખાને મોકલવા તૈયાર થયાં છે. દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શી ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં એને દવાખાનામાં ધકેલવી પડે? રાતમાં પોતે એને કેટલી વખત ઓઢાડતાં. દવાખાનામાં એને વારે ઘડીએ કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. અમરતકાકીની માનસિક સ્થિતિ ન કહેવાય કે ન સહેવાય એવી થઈ ગઈ હતી.
(4) ‘લોહીની સગાઈ’ વાર્તાના અંત વિશે તમારા વિચારો જણાવો.
ઉત્તર : અમરતકાકીએ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. એ જાણ્યા પછી અમરતકાકીએ પણ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો. જોકે, આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઈ ગયું. એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન હતાં. ઘરમાં મંગુની પથારી સૂની સૂની લાગતી હતી. આટલાં વર્ષોથી મા સાથે સૂવા ટેવાયેલી મંગુને ઊંધ આવી હશે કે નહિ એ વિચારથી તેઓ બહાવરાં બની ગયાં. એમણે ખાટલાની ઈસ પર કપાળ ફૂટ્યું. મા થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યાં ! આ વિચારે તેમનાથી ડૂસકું ભરાઈ ગયું. અમરતકાકીની દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી. ત્યાં અચાનક વહેલી પરોઢે ઘંટીના અને વલોણાના મધુર અવાજમાં ગામ આખાને વીંધી નાખે તેવી અમરતકાકીની ચીસ સંભળાઈ : ધાજો, રે … ધાજો, મારી મંગુને મારી નાખી રે ……’. આ ચીસની સાથે જ અમરતકાકી પણ ગાંડાં થઈ ગયાં. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત વધારે હૃદયદ્રાવક છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

(1) ગામના લોકો કઈ બાબત અંગે અમરતકાકીના વખાણ કરતા?
ઉત્તર : અમરતકાકીએ જન્મથી ગાંડી ને મૂંગી મંગુનાં ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી નહોતી. આવી ગાંડી છોકરીને તો અમરતકાકી જ ઉછેરી શકે. બીજાને ઘરે હોત તો ક્યારની ભૂખીતરસી મરી ગઈ હોત અને જીવતી હોત તોપણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોત. આ રીતે ગામના લોકો અમરતકાકીના મંગુ પ્રત્યેના માતૃપ્રેમના વખાણ કરતા.
(2) અમરતકાકીની દીકરીએ માને મંગુ વિશે શું સંભળાવ્યું?
ઉત્તર : અમરતકાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તેં જ એને વધારે ગાંડી કરી મૂકી છે. બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને ઝાડો-પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે. ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય, તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મૂકવાથી ઝાડો-પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ મંગુને સમયસર ખાવા ન આપે એવી કજાત પણ નથી.
(3) એક જોષીએ મંગુ માટે ભાખેલા ભવિષ્યની અમરતકાકી પર શું અસર પડી?
ઉત્તર : એક જોષીએ મંગુ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે, એટલે એને સારું થઈ જશે. આ જાણીને અમરતકાકી માટે માગશર મહિનો આરાધ્ય દેવ બની ગયો. ત્યારથી અમરતકાકી વિચારે ચડી ગયા કે જો માગશર મહિનામાં મંગુને સારું થઈ જાય તો મૂઈનું રૂપ તો એવું છે કે મૂરતિયો એને જોતાં જ હા પાડી દે! જાણે મંગુ સાજી થઈ ગઈ હોય તેમ તેઓ એનાં લગ્ન અંગે વિચારવા લાગ્યાં.
(4) દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરતકાકી શા માટે જોવા માગતાં હતાં?
ઉત્તર : દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતીઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને અંદરના ખંડમાં લઈ જવા પૂરતું જ બારણું ખૂલતું. એ તક ઝડપી લઈ અમરતકાકીએ બે-ત્રણ વખત અંદર જોયું. અંદર ત્રણ-ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડાંમાં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઈને છાતી કૂટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયાં. આ દૃશ્ય જોયું એટલે અમરતકાકી દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માગતાં હતાં.
(5) અમરતકાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો.
ઉત્તર : અમરતકાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી : મંગુને મૂંગા ઢોર જેટલું ય ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય, તો દાળમાં ચોળીને આપજો. એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને, પણ બીજે-ત્રીજે દહાડે દહીં આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું. જે એની ચાકરી કરતું હશે તેને પણ રાજી કરીશું.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ‘લોહીની સગાઈ’ પાઠના લેખકનું નામ લખો.
ઉત્તર : ‘લોહીની સગાઈ’ પાઠના લેખક ઈશ્વર પેટલીકર છે.
(2) ‘લોહીની સગાઈ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘લોહીની સગાઈ’ નવલિકા છે.
(3) અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતાં?
ઉત્તર : અમરતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતાં.
(4) “બાપ રે! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : “બાપ રે! તમે મા થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો?” આ વાક્ય ગાડીના મુસાફર બોલે છે.
(5) અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં ! એટલે ..?
ઉત્તર : અમરતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયાં હતાં ! એટલે અમરતકાકી મંગુની જેમ ગાંડાં થઈ ગયાં હતાં.
(6) વહુઓ મંગુની ચાકરી નહિ કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી. કેવી રીતે?
ઉત્તર : વહુઓ મંગુની ચાકરી નહિ કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે બેમાંથી એકે વહુએ હજી સુધી અમરતકાકીને પોતાને ત્યાં રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતું.
(7) અમરતકાકીની દૃષ્ટિએ લોહીની સગાઈ ક્યારે ખરી ગણાય?
ઉત્તર : અમરતકાકીની દૃષ્ટિએ તે ગાંડી મંગુની સાચી મા બની રહે ત્યારે જ તેમની લોહીની સગાઈ ખરી ગણાય.
(8) વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચુંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વાર કોને થયો?
ઉત્તર : વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચુંથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વાર અમરતકાકીના દીકરાને થયો.
(9) દીકરાએ બહેન મંગુને જીવતાં સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે તેના પર શી અસર પડી?
ઉત્તર : દીકરાએ બહેન મંગુને જીવતાં સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી ત્યારે વેદનાનો કાળમીંઢ પથ્થર એની છાતી પરથી ખસી ગયો.
(10) ‘લોહીની સગાઈ’કૃતિમાં લેખકે કયા ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે?
ઉત્તર : ‘લોહીની સગાઈ’ કૃતિમાં લેખકે માના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે.
(11) અમરતકાકીએ એમની દીકરી કમુને ક્યારે પરણાવી હતી?
ઉત્તર : અમરતકાકીએ એમની દીકરી કમુને ચૌદમું વર્ષ ઊતરતાં પરણાવી હતી.
(12) માગશર મહિનો અમરતકાકીનો આરાધ્યદેવ કેમ બની ગયો હતો?
ઉત્તર : માગશર મહિનો અમરતકાકીનો આરાધ્યદેવ બની ગયો હતો; કારણ કે એક જોષીએ ભાખ્યું હતું કે આવતા માગશર મહિનામાં મંગુની દશા બદલાય છે એટલે એને સારું થઈ જશે.
(13) અમરતકાકીએ કુસુમને પોતાને ઘેર કેમ બોલાવી?
ઉત્તર : ગાંડી થઈ ગયેલી કુસુમને દવાખાનામાં મૂકીને ઉપચાર કરાવવાથી સારું થઈ ગયું હતું; એ જાણી અમરતકાકીએ કુસુમ પાસેથી દવાખાનાની હકીકત જાણવા તેને પોતાને ઘેર બોલાવી.
(14) અમરતકાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કેમ કર્યો? 
ઉત્તર : સાજી થઈ ગયેલી કુસુમ સાથે વાત કર્યા પછી અમરતકાકીને નવી આશા જન્મી હતી કે મંગુના કરમમાં દવાખાનામાં જવાથી મટી જવાનું લખ્યું હશે; તે વિચારથી અમરતકાકીએ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો.
(15) અમરતકાકીના દીકરાએ શી પ્રતિજ્ઞા કરી?
ઉત્તર : અમરતકાકીના દીકરાએ પોતાની બહેન મંગુને જીવતાં સુધી સારી રીતે પાળવાની પ્રતિજ્ઞા કરી.
(16) અમરતકાકીને કેટલાં સંતાનો હતાં?
ઉત્તર : અમરતકાકીને બે દીકરા અને બે દીકરીઓ હતાં.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *