Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 9 પુત્રવધૂનું સ્વાગત (ગીત) (મુખપાઠ)
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 9 પુત્રવધૂનું સ્વાગત (ગીત) (મુખપાઠ)
કાવ્ય-પરિચય
ગુજરાતી સાહિત્યમાં દીકરી પ્રત્યેની લાગણી દર્શાવતાં અનેક કાવ્યો છે, પણ પુત્રવધૂનું ગૌરવ કરતાં કાવ્યો ભાગ્યે જ જોવા મળે છે. કવિ મકરંદ દવેએ ‘પુત્રવધૂનું સ્વાગત’ ગીતમાં કુટુંબના દીકરાની પત્ની માટે પ્રયોજેલ ‘પુત્રવધૂ’ શબ્દ જ ગૌરવપૂર્ણ છે. પુત્રવધૂના ગૃહપ્રવેશ સમયે એનું સ્વાગત કરવાનું છે, કેમ કે એ ઘરની લક્ષ્મી છે, એટલે કવિને મન એ ઉત્સવ છે. પુત્રવધૂ તો જાણે ઘર અને કુળનો દીવડો છે એવો ભાવ પ્રગટ થયો છે. કવિ કહે છે કે, પુત્રવધૂએ પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળ્યાં છે. આ કંઈ નાનીસૂની વાત નથી. આથી જ કવિ આ ગીતમાં પુત્રવધૂના પ્રવેશથી ઘરનું અને કુટુંબનું વાતાવરણ કેવું પવિત્ર અને સુગંધિત થઈ જાય છે એનું સુંદર વર્ણન કર્યું છે.
કાવ્યની સમજૂતી
આજ મારે આંગણે લક્ષ્મી પધાર્યાં અને સાથે સો-સો કમળની સુગંધ લાવ્યાં. મારે આંગણે ઉત્સવ આવ્યો. [1-3]
મારી સૂની દીવાલોને જ્યાં જ્યાં એના આંગળાનો સ્પર્શ થશે ત્યાં ત્યાં દીવાલ જાણે શણગારથી શોભી ઊઠશે. આજ મારે આંગણે ઉત્સવ આવ્યો. [4-6]
એનાં વેણમાં વહાલ વરસે છે. એના ઘરના ટોડલે ટહુકાર થાય છે. આજ મારે આંગણે ઉત્સવ આવ્યો. [7–9]
એ (પુત્રવધૂ) અમારા ઘરનું છત્ર (ઘરની માનમર્યાદા / આબરૂનું ઢાંકણ) છે, ઘરની છાંયડી અર્થાત્ ઘરમાં શાંતિ જાળવનારી છે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ (સ્વતંત્રતા) છે. [10-12]
એણે બે-બે (પિયર અને સાસરી) કુળને ઉજાળ્યાં છે (એમની પ્રતિષ્ઠા વધારી) છે. એના હૈયામાં (કુટુંબીજનો પ્રત્યે) ઉષ્મા હેત છે અને જીવનમાં સંતોષ અને શાંતિ છે. [13–15]
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર : પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો-સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીંતો સૂની હતી; પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે. એણે વહાલભરી વાણીથી સૌનાં દિલ જીતી લીધાં છે. પુત્રવધૂ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે; એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે.
(2) પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે, એમ કવિ શા માટે કહે છે?
ઉત્તર : પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે, એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતાં જ એણે ઘ૨માં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીંતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌનાં હૃદય જીતી લીધાં. એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતાં જ સૌને શીતળ છાંયડી સમી શાંતિની પ્રતીતિ થઈ. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધાં. પિયર અને સાસરી એમ બે-બે કુળને ઉજાળનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું.
(3) કવિ પુત્રવધૂને બે-બે કુળને ઉજાળનારી શા માટે કહે છે?
ઉત્તર : કવિ પુત્રવધૂને બે-બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધૂ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધૂ પોતાનાં વાણી-વર્તન દ્વારા કુટુંબમાં સૌનાં દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવત૨માં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી?
ઉત્તર : ઘરની ભીંતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સૂની (અડવી) હતી; પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીંતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા! ઘરનું વાતાવરણ જીવંત બની ગયું.
(2) કવિએ પુત્રવધૂનું ગૌરવ કઈ રીતે કર્યું છે?
ઉત્તર : પુત્રવધૂ કુટુંબની આબરૂ જાળવનારી છે. એ ઘરની છાંયડી છે. એની હાજરીમાં કુટુંબીજનો શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે. એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે એટલે કે પુત્રવધૂ વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધૂને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ કર્યું છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘પુત્રવધૂનું સ્વાગત’ કાવ્યના કવિનું નામ લખો.
ઉત્તર : ‘પુત્રવધૂનું સ્વાગત’ કાવ્યના કવિ મકરંદ દવે છે.
(2) ‘પુત્રવધૂનું સ્વાગત’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
ઉત્તર : ‘પુત્રવધૂનું સ્વાગત’ ગીત છે.
(3) પુત્રવધૂના આવવાથી ઘરમાં કેવું લાગે છે?
ઉત્તર : પુત્રવધૂના આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યાં હોય, આંગણે ઉત્સવ થયો હોય, સો-સો કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે.
(4) પુત્રવધૂનાં વેણ કેવાં લાગે છે?
ઉત્તર : પુત્રવધૂનાં વેણ વ્હાલ નીતરતાં લાગે છે.
(5) ઘરનું છત્તર બનવું એટલે શું?
ઉત્તર : ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું.
(6) ‘ઘરની અગાસીનું ખુલ્લું આકાશ’ વાક્યનો ભાવાર્થ લખો.
ઉત્તર : ‘ઘરની અગાસીનું ખુલ્લું આકાશ’નો ભાવાર્થ સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર.
(7) પુત્રવધૂએ કયાં કયાં કુળ ઊજાળ્યાં છે?
ઉત્તર : પુત્રવધૂએ પિયર અને સાસરી, એમ બંને કુળને ઊજાળ્યાં છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here