Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 1 પત્રલેખન

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 1 પત્રલેખન

પ્રશ્નપત્રમાં વાર્તાલેખનના વિકલ્પ પત્રલેખનનો પ્રશ્ન હોય છે. જીવનમાં ઉપયોગી રોજબરોજના કોઈ વિષય ૫૨ મિત્રને કે સગાને પત્ર લખવાનું કહેવામાં આવે છે.
પત્રલેખન એ સૌથી વધુ ઉપયોગી લેખનપ્રકાર છે. સગાંસંબંધીઓ, મિત્રો, ધંધાદારી કે વ્યાવસાયિક ક્ષેત્રે સંપર્કમાં આવનારાઓ સાથેના પત્રવ્યવહારના પ્રસંગો દરેક વ્યક્તિના જીવનમાં આવે છે. શિષ્ટ અને ભાવવાહી પત્રો જેમને લખાયા હોય તેમના મન પર સારી છાપ પાડે છે. *
પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
  1. પત્ર લખનારનું સરનામું અને તારીખ : પત્ર લખતી વખતે સૌથી ઉપર જમણી બાજુના મથાળે પત્ર લખનારે પોતાનું પૂરું નામ તથા સરનામું લખી તેની નીચે તારીખ લખવી. સરનામામાં મકાનનું નામ અને સ્થાન, શેરી કે રસ્તાનું નામ, ગામ કે શહેર, તાલુકો કે જિલ્લો અને છેલ્લે શહેરનો પિન કોડ નંબર – આ બધી વિગતો યોગ્ય ક્રમમાં લખવી જોઈએ. જો પત્રલેખનના પ્રશ્નમાં પત્રલેખકનું સરનામું આપ્યું હોય તો વિદ્યાર્થીએ એ જ સરનામું લખવું.
  2. સંબોધન : તારીખની નીચેની લીટીમાં, ડાબી બાજુએ હાંસિયા પાસે, જેને પત્ર લખવાનો હોય એની સાથેના સંબંધ અનુસાર સંબોધન લખવાનું હોય છે. વડીલોને લખાતા પત્રોમાં પૂજ્ય પિતાશ્રી, આદરણીય મોટી બહેન, મિત્રને લખાતા પત્રોમાં પ્રિય મિત્ર, અજાણી વ્યક્તિને તેમના હોદ્દાનુસાર માનનીય સાહેબ જેવાં સંબોધન લખવાં જોઈએ.
    એની નીચે બીજી લીટીમાં યોગ્ય અભિવાદન લખવું જોઈએ. જેમ કે, સાદર પ્રણામ, સપ્રેમ નમસ્કાર વગેરે.
    સંબોધન …….. પૂજ્ય પિતાશ્રી,
    અભિવાદન …….. સાદર પ્રણામ.
  3. પત્રનો મધ્યભાગ (વિષયવસ્તુ) : મિત્ર કે સગાંને લખવામાં આવતા પત્રની શરૂઆતમાં કુશળ સમાચાર, પત્ર મળ્યાની વાત વગે૨ે લખી મુખ્ય વિષયની રજૂઆત કરવી.
  4. સમાપન : પત્રના અંતે જેને પત્ર લખવામાં આવ્યો હોય, એના કુટુંબીજનોને શુભેચ્છા, વડીલો પ્રત્યે આદર અને બાળકોને સ્મરણ પાઠવવાના હોય છે. જેને પત્ર લખ્યો હોય એને પ્રત્યુત્તર લખવા માટે પણ કહેવામાં આવે છે.
    પત્રની વિગત પૂરી થાય પછી જમણી બાજુએ પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટાચારસૂચક યોગ્ય વિદાયવચન લખીને પોતાની ઓળખ માટે સહી કરવાની હોય છે.
  5. અન્ય કેટલીક બાબતો : (1) પત્રમાં બે-ત્રણ પરિચ્છેદ હોવા જોઈએ. પત્રની ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય વિરામચિહ્નો મુકાવાં જોઈએ. (2) પત્રમાં આકરી કે કડવી વાત ન લખવી જોઈએ. પત્રમાં વધારે પડતી ભાવુકતા કે લાગણી પણ ન દેખાડવી જોઈએ. (3) પત્રની નીચે આપેલું નામ જ લખવું. નામ લખવાનું ન કહ્યું હોય તો આપનો વિશ્વાસુ, કયા ગામનો રહેવાસી છે તે લખવું.

નીચે આપેલા વિષયો પર પત્ર લખો :

(1) તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજીપત્ર આશરે 100 શબ્દોમાં લખો.
ઉત્તર :
પાયલ દેસાઈ
5, યોગી સ્મૃતિ,
કૉલેજ રોડ,
અલકાપુરી,
નડિયાદ – 387 001,
તા. 10-4-2019
પ્રતિ,
માનનીય અધિકારીશ્રી,
વીજળી ખાતું, વોર્ડ નં. 19,
નડિયાદ.
વિષય : વોર્ડ નં. 19ના વિસ્તારમાં વીજળીની સમસ્યા બાબતે
આપને સખેદ જણાવવાનું કે અમારા વિસ્તારની પ્રજાને છેલ્લા કેટલાય દિવસોથી વારંવા૨ વીજળીની સમસ્યા સતાવી રહી છે. ઘણી વા૨ કલાકો સુધી અચાનક વીજળી જતી રહે છે. પરિણામે પ્રજા ખૂબ હેરાન થાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકતા નથી. ગરમીના દિવસોમાં વીજળી બંધ થઈ જતાં લોકો હેરાન થઈ જાય છે. રસ્તા પરના થાંભલાના બલ્બો ઊડી ગયા પછી એને સ્થાને નવા બલ્બો મુકાતા નથી. આથી રસ્તામાં અંધારું રહે છે, જેને લીધે ચોરી અને છેડતીના બનાવો બનતા રહે છે. વીજળીની સમસ્યાની જલસેવા પર પણ અસર પડે છે. સમયસર પાણી ન મળતાં જીવનવ્યવહાર ખોરવાઈ જાય છે. આ અંગે અમે ઘણી વાર વીજળી ખાતાને અરજી કરી ચૂક્યા છીએ, પણ હજી સુધી એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયાં નથી.
અમારી આ અરજીને ગંભીરતાથી લેશો અને અમારી સમસ્યા દૂર કરવા સત્વરે પગલાં લેશો, એવી આશા છે. આપના પ્રત્યુત્તરની અપેક્ષા છે.
લિ.
આપની વિશ્વાસુ,
વોર્ડ નં. 19ની રહેવાસી
(2) તમારા શહેરથી દશેક કિમી દૂર આવેલા રંગરસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના જળમાં ભળે છે. તેથી નદીનું જળ પીવાલાયક રહ્યું નથી. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા રાજ્યના આરોગ્યમંત્રીને અરજી લખો.
ઉત્તર :
1. અલકાપુરી,
યજ્ઞેશ ભુવન,
ભરૂચ – 392 002.
તા. 10-9-2019
પ્રતિ,
માનનીય આરોગ્યમંત્રીશ્રી,
મંત્રાલય,
ગાંધીનગર.
વિષય : નદીનું જળ પીવાલાયક રાખવા બાબતે આદરણીય મહોદય,
હું ભરૂચ શહેરનો નાગરિક છું અને ઉપર દર્શાવેલા સ૨નામે રહું છું. આ પત્ર દ્વારા હું મારા શહેરની એક મહત્ત્વની સમસ્યા બાબતે આપનું ધ્યાન દોરવા માગું છું.
છેલ્લા કેટલાય દિવસોથી અમારા શહેરથી દશેક કિમી દૂર આવેલા રંગરસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના પાણીમાં ભળે છે. તેથી નદીનું પાણી પીવાલાયક રહ્યું નથી. આ અંગે ઘણી વાર અમારા શહેરની જનતાએ મ્યુનિસિપાલિટીના આરોગ્યખાતાને અરજી કરી છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવું દૂષિત પાણી આમ જ વહેતું રહેશે અને તે અંગે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો શહેરમાં રોગચાળો ફાટી નીકળશે અને તેને કારણે પશુપંખી તથા માણસોનાં જીવન જોખમમાં મુકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે.
મારા શહેરની સમગ્ર જનતા વતી આપને નમ્ર વિનંતી કરું છું કે શહેરની જનતાના અને પશુપંખીઓના આરોગ્યની દૃષ્ટિએ નીચે મુજબનાં તાત્કાલિક પગલાં લેવામાં આવે :
(1) તાત્કાલિક રંગરસાયણના કારખાનાનું દૂષિત પાણી નદીના જળમાં જતું રોકવામાં આવે.
(2) રંગરસાયણના કારખાનાના માલિકને નોટિસ મોકલવામાં આવે.
(3) દૂષિત જળની અશુદ્ધિ દૂર કરવા માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
(4) અમારા શહેરની મ્યુનિસિપાલિટીને જનતાના અને પશુપંખીઓના આરોગ્યનું ધ્યાન રાખવા માટે ચેતવણી આપવામાં આવે. આપ ઘટતી કાર્યવાહી કરશો એવો મને પૂરો વિશ્વાસ છે.
લિ.
આપનો વિશ્વાસુ,
ભરૂચ શહેરના નાગરિકના પ્રણામ
(3) તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે અને માણસો તથા મૂંગાં ઢોર પાણી વિના ટળવળે છે. આ હકીકતની વિગતો દર્શાવતી તથા જરૂરી સહાય માટે વિનંતી કરતી એક અરજી, તમારા વિસ્તારના નગરપાલિકા કમિશનરને ઉદ્દેશીને લખો.
ઉત્તર :
11, આતિથ્ય,
કૉલેજ રોડ,
અંજાર – 370 110,
કચ્છ.
તા. 1-3-2019
પ્રતિ,
માનનીયશ્રી નગરપાલિકા કમિશનર,
કચ્છ નગરપાલિકા,
કચ્છ.
વિષય : પાણીની અછત દૂર કરવા બાબતે આદરણીય નગરપાલિકા કમિશનર,
હું કચ્છના અંજાર તાલુકાનો રહેવાસી છું. આમ તો અમારા પૂરા કચ્છ વિસ્તારમાં પાણીની સમસ્યા છે જ, પરંતુ અંજાર તાલુકામાં તો પાણીની તીવ્ર અછતને કારણે પ્રજા અને મૂંગાં પશુપંખીઓ પાણી વિના ટળવળી રહ્યાં છે. મૂંગાં પશુપંખીઓની વેદના અસહ્ય છે. જળ એ જીવન છે અને જળ જ ન મળે તો માણસ કે પશુપંખી જીવે શી રીતે? ઘણા સમયથી પ્રજા આશા રાખીને બેઠી હતી કે નર્મદાનાં પાણી અમારા કચ્છ વિસ્તાર સુધી આવશે અને અમારી પાણીની સમસ્યા દૂર થશે. અમારાં જીવન અને વ્યવસાય ફૂલશેફાલશે એ આશા તો દૂર રહી પણ હવે તો જીવવું પણ મુશ્કેલ બની ગયું છે.
આપને મારા વિસ્તારની પ્રજા અને મૂંગાં પશુપંખીઓ વતી હૃદયપૂર્વક અરજી કરું છું કે આપ વહેલી તકે અમારી સમસ્યા દૂર કરશો અને અમને સૌને જીવતદાન આપવામાં સહભાગી થશો.
મને દૃઢ વિશ્વાસ છે કે આપ ઉચિત વ્યવસ્થા કરશો અને અમને પાણી પૂરું પાડશો.
લિ.
આપનો વિશ્વાસુ,
અંજાર, કચ્છનો રહેવાસી
(4) તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કૉલરશિપ મેળવવા માટે તમારી શાળાના આચાર્યને સંબોધીને અરજી લખો.
ઉત્તર :
મયૂર દેસાઈ
અલકાપુરી,
વડોદરા – 390 001.
તા. 20-7-2019
પ્રતિ,
આચાર્યશ્રી,
શારદાસાધના વિદ્યાલય,
વડોદરા.
વિષય : હોશિયાર વિદ્યાર્થીને અપાતી સ્કૉલરશિપ મેળવવા બાબતે સંદર્ભ : તા. 10 – 7 – 2019ના રોજ નોટિસબોર્ડ ૫૨ મૂકેલી નોટિસ
આદરણીય આચાર્યશ્રી,
સાદર પ્રણામ. આ વર્ષે હું નવમા ધોરણમાં આવ્યો છું. મને આઠમા ધોરણની પરીક્ષામાં 98 % ગુણ મળ્યા છે અને વર્ગમાં હું પ્રથમ ક્રમાંકે આવ્યો છું. આપના આશીર્વાદ અને મારા શિક્ષકોના સહકાર તથા મારાં માતાપિતાની પ્રેરણાને કારણે મને અદ્ભુત સફળતા મળી અને હું આટલું સુંદર પરિણામ લાવી શક્યો. એ માટે હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
શાળાના નોટિસબોર્ડમાં જણાવ્યા પ્રમાણે આપણી શાળાના હોશિયાર વિદ્યાર્થીને સ્કૉલરશિપ આપવામાં આવે છે. એ વાંચીને મારી આર્થિક પરિસ્થિતિવશ હું સ્કૉલરશિપ માટે અરજી કરું છું. આ માટે ઘટતું કરવા વિનંતી.
લિ.
આપનો વિશ્વાસુ વિદ્યાર્થી,
XYZ
(5) તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો.
ઉત્તર :
24, હરિઓમ સોસાયટી,
સુરેન્દ્ર મંગળદાસ રોડ,
સટેલાઇટ,
અમદાવાદ – 380 015.
તા. 25-8-2019
પ્રતિ,
માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી,
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન,
દાણાપીઠ,
અમદાવાદ.
વિષય : કચરાના ઢગલા દૂર કરવા બાબતે
માનનીય મહોદયશ્રી,
જયભારત સાથે જણાવવાનું કે કચરો ભરી જનારી મ્યુનિસિપાલિટીની ગાડી છેલ્લા ઘણા દિવસથી અમારા વિસ્તારમાં આવી નથી. એને લીધે અમારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આખા વિસ્તારમાં પ્રસરી રહી છે.
આ કચરો રસ્તાઓ ઉપર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. તેને લીધે અમારા વિસ્તારમાં માખીઓ અને મચ્છરોનો ભારે ઉપદ્રવ શરૂ થયો છે. આથી અમારા વિસ્તારના અસંખ્ય લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે.
જાહેર આરોગ્ય જળવાઈ રહે અને આ પરિસ્થિતિ વધારે વણસે નહિ તે માટે આપ તાકીદે ઘટતું કરી આભારી કરશો, એવી આશા છે. આપના સહકારની અપેક્ષા સહ,
લિ.
આપનો વિશ્વાસુ,
P.Q.R.
(6) વધુ પડતા ટીવી કાર્યક્રમો જોવાથી અભ્યાસ બગડે છે, એ બાબત સમજાવવા તમારા મિત્રને પત્ર લખો.
ઉત્તર :
તા. 12-12-2019
પ્રિય સંદીપ,
પ્રેમ નમસ્તે.
ગઈ કાલે જ મને તારો પત્ર મળ્યો. મને એ જાણીને ખુબ આનંદ થયો કે તારા ઘરમાં મોટું રંગીન ટીવી આવી ગયું છે. આ ખુશીની સાથે મને થોડીક ચિંતાની લાગણી પણ થઈ છે.
તારા ઘરમાં ટીવીનું આગમન થતાં જ સૌ તેના દીવાના થઈ ગયા! શાળામાંથી છૂટીને આવે કે તરત જ તું ટીવીની સામે બેસી જાય છે! તું મોડી રાત સુધી ટીવીમાં આવતા બધા કાર્યક્રમો જોયા કરે છે. એનું પરિણામ એ આવ્યું કે તું અભ્યાસમાં ખૂબ પાછળ પડી ગયો છે. ટીવી સાથે ઓતપ્રોત થઈ ગયા પછી તને અભ્યાસ કરવાની ઇચ્છા જ થતી નથી. વાંચવામાં પણ તારું મન લાગતું નથી. તને કોઈ પ્રશ્નોના જવાબો યાદ રહેતા નથી! ટીવીના વિવિધ કાર્યક્રમોનો જાદુ તારા મનને અભ્યાસમાં લાગવા નથી દેતા. ટીવી જોવાના વધુ પડતા શોખને કા૨ણે જ તારું છમાસિક પરીક્ષાનું પરિણામ સારું આવ્યું નથી.
હું આશા રાખું છું કે તું ટીવીના કાર્યક્રમો જોવામાં ઘણો સંયમ રાખીશ અને ટીવી કાર્યક્રમો જોવાના શોખને તારા અભ્યાસ પર સવાર નહીં થવા દે.
તારાં માતા-પિતાને મારા પ્રણામ.
તારા ભાઈ-બહેનને વહાલ.
તારા પત્રની રાહ જોઈશ.
લિ.
તારો મિત્ર,
X.Y.Z.

સ્વ-પ્રયત્ન માટે

નીચે આપેલા વિષયો પર પત્ર લખો :

(1) તમારી શાળા તરફથી શિયાળાની રજાઓમાં એક પ્રવાસનું આયોજન થયું છે. એ પ્રવાસમાં જોડાવા માટે પરવાનગી માગતો પત્ર તમારા પિતાજીને લખો.
(2) તમારા શહેરની નગરપાલિકા તરફથી ‘સ્વચ્છ શાળા’ની સ્પર્ધા યોજવામાં આવી છે. તેમાં ભાગ લેવા તમે સૌ વિદ્યાર્થીઓ સહકાર આપવા ઇચ્છો છો, એ બાબતની જાણ કરતો પત્ર તમારી શાળાના આચાર્યને લખો.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *