Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 3 ગદ્યાર્થગ્રહણ
Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 3 ગદ્યાર્થગ્રહણ
‘ગદ્યાર્થગ્રહણ’ એટલે આપેલા ગદ્યખંડને બરાબર સમજીને તેના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવા.
ગદ્યાર્થગ્રહણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
- આપવામાં આવેલા ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચો. એક વાર વાંચવાથી તે બરાબર ન સમજાય તો તેને ફરીથી વાંચો અને તેનો ભાવાર્થ પૂરેપૂરો સમજી લો.
- પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ગદ્યખંડને ફરીથી વાંચો.
- બધા પ્રશ્નોના ઉત્તર પહેલાં મનમાં ગોઠવી લો અને પછી તેના ઉત્તર લખો.
- દરેક પ્રશ્નનો ઉત્તર સરળ ભાષામાં લખો.
- ગદ્યખંડના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક આપો.
- લખેલા ઉત્તરો એક વાર ફરીથી વાંચી લો. કોઈ ભૂલ રહી ગઈ હોય, તો તે સુધારી લો.
નીચે આપેલો પ્રત્યેક ગદ્યખંડ વાંચી, તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો :
(1) જીવનવ્યવહાર ચલાવવા માટે તો શારીરિક મહેનત કરવી પડે છે, શ્રમ પડે એવાં ઉત્પાદક કામો કરવાં પડે છે. આપણને મહેનત પ્રત્યે તો એક પ્રકારનો કંટાળો આવ્યો છે. આપણે મહેનતના કામને ‘કુલી’નું કામ, મજૂરનું કામ, હલકું કામ એમ કહીને ઉતારી પાડ્યું છે; પણ એ અભણ શ્રમજીવી જ ખાવા માટે અનાજ, પહેરવા માટે કાપડ અને રહેવા માટે મકાન બનાવી આપે છે. એના વિના જીવન એક ડગલું પણ ચાલી શકવાનું નથી. એટલા માટે રવિશંકર મહારાજે કામ વિનાની બુદ્ધિને એકડા વિનાનાં મીંડાં જેવી ગણાવી છે. મીંડાં ગમે તેટલાં વધે પણ ૨કમની કિંમત ન વધે, પણ એક એકડો હોય તો પછી મીંડાં ચડતાં જાય એમ એની કિંમત વધતી જાય. એમ નરી બુદ્ધિની કશી કિંમત નથી, પણ કામની અંદર બુદ્ધિ ભળે તો એ કામની કિંમત અનેક ગણી વધી જાય છે.
– બબલભાઈ મહેતા
પ્રશ્નો :
(1) શારીરિક મહેનત શા માટે કરવી પડે છે?
(2) આપણે મહેનતના કામને શું કહીને ઉતારી પાડ્યું છે?
(3) કામની કિંમત ક્યારે વધી જાય? શા માટે?
(4) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર :
(1) જીવનવ્યવહાર ચલાવવા માટે શારીરિક મહેનત કરવી પડે છે.
(2) આપણે મહેનતના કામને ‘કુલી’નું કામ, મજૂરીનું કામ અને હલકું કામ કહીને ઉતારી પાડ્યું છે.
(3) કામની અંદર બુદ્ધિ ભળે તો એ કામની કિંમત અનેક ગણી વધી જાય, કારણ કે કામ વિનાની બુદ્ધિ એકડા વિનાનાં મીંડાં જેવી છે.
(4) શીર્ષક : શ્રમનો મહિમા
(2) સંવેદનશીલ વ્યક્તિનું હૃદય અન્યો માટે કુસુમ જેવું કોમળ અને પોતાને માટે વજ્ર જેવું કઠોર હોય છે. હૃદયની વાત હૃદયથી સાંભળી શકાય, કાનથી નહીં. અન્યો પ્રત્યેની સંવેદના આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. પ્રાણીમાત્ર પ્રત્યેની સંવેદના હિંદુસ્તાનની ધરતીની મહેક છે એટલે જ અહીંના લોકો કીડીને કણ અને હાથીને મણ નાખવા જાય છે. અહીંના ચબૂતરા પર ચણ ચણતાં પક્ષીઓ અહીંની સંવેદનાના સંદેશવાહક છે. આ સંવેદનાના પ્રવાહમાં વહીને જ રવિશંકર મહારાજ અને ઠક્કરબાપા જેવાઓએ વગડેવગડે ફરીને લોકોનાં આંસુ લૂછ્યાં. ક્યારેક સંવેદનાનું દૃશ્ય રૂપ કર્મ હોય છે તો ક્યારેક આંસુ. આંસુ તો ચલચિત્ર જોતાંય ખરી પડે છે. ચલચિત્ર એ વાસ્તવિકતા નથી છતાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે. હૃદય દ્રવી ઊઠે ત્યારે આંસુ બનીને સરી પડતી સંવેદના નક્કર રૂપ ધારણ કરે તો તે કર્મશીલતામાં પરિણમે છે. અખિલ જીવનમાં જેણે કદી આંસુ સાર્યા નથી એણે જીવનને કદી પ્રેમ કર્યો નથી.
પ્રશ્નો :
(1) સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કેવું હોય છે ?
(2) હિંદુસ્તાનની ધરતીની મહેક શેમાં છે? સંવેદનાના સંદેશવાહક કોણ છે?
(3) ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ શેમાં છે?
(4) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર :
(1) સંવેદનશીલ વ્યક્તિનું હૃદય બીજા માટે કોમળ અને પોતાને માટે કઠોર હોય છે.
(2) પ્રાણીમાત્ર પ્રત્યેની સંવેદના એ હિંદુસ્તાનની ધરતીની મહેક છે. ચબૂતરા પર ચણ ચણતાં પક્ષીઓ સંવેદનાના સંદેશવાહક છે.
(3) ચલચિત્રમાં સંવેદના જગાડવાની શક્તિ અભિનય અને સંવાદમાં છે.
(4) શીર્ષક : સંવેદના – હિંદુસ્તાનની ધરતીની મહેક
(3) ભારતનો માર્ગ હવે મોકળો બન્યો છે. કોઈની હરીફાઈમાં તેણે ઊતરવાનું નથી. મૂડીબજારમાં રૂપિયો મજબૂત બની રહ્યો છે. અર્થતંત્ર ખાસ્સુ મજબૂત બન્યું છે. ટેક્નોલૉજીનું પીઠબળ છે અને સંજોગો આપણી તરફેલુમાં છે. નસીબ પણ સાથ આપી રહ્યું છે. બધું જ આપણી પાસે છે તો પછી ખૂટે છે શું? આત્મવિશ્વાસ. Yes, I can do itની ભાવના ! આપણે પોતે આપણામાં રહેલી ક્ષમતાને ઓળખી શકતા નથી. કોઈ પરદેશી રાષ્ટ્ર આપણને ઢંઢોળે ત્યારે આપણી ઊંઘ ઊડે છે. બસો વર્ષ સુધી આપણે અંગ્રેજોની ગુલામી ભોગવી અને તે દરમિયાન ગોરા લાટસાહેબોના ઘૂંટણિયે પડતા રહ્યા. આજે પ્રતિકૂળ સંજોગોને બદલવાની વૃત્તિ ખીલતી નથી. આ જોશ જ્યારે સૌ ભારતીયોમાં ખીલશે ત્યારે ભારત તેના અલ્ટિમેટ લક્ષ્યાંક સુધી પહોંચી શકશે – અને તે લક્ષ્યાંક એટલે જગતના સુપરપાવર દેશ તરીકેની ઓળખાણ! 21મી સદીનો ભાગ્યોદય ભારતના આંગણે થઈ રહ્યો છે. Let us wake up!
– હર્ષલ પુષ્કર્ણા
પ્રશ્નો :
(1) ભારતદેશનો માર્ગ કઈ કઈ બાબતમાં મોકળો બન્યો છે?
(2) આપણામાં શું ખૂટે છે?
(3) સૌ ભારતીયોમાં જોશ ખીલે તો તેનું કેવું પરિણામ આવે?
(4) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો,
ઉત્તર :
(1) ભારતદેશનો માર્ગ આટલી બાબતમાં મોકળો બન્યો છે : મૂડીબજાર તેમજ અર્થતંત્ર મજબૂત બન્યું છે અને ટેક્નોલૉજીના પીઠબળ સાથે સંજોગો અને નસીબનો સાથ મળ્યો છે.
(2) આપણામાં આત્મવિશ્વાસ તથા Yes, I can do itની ભાવના ખૂટે છે.
(૩) સૌ ભારતીયોમાં જોશ ખીલે તો ભારત તેના અલ્ટિમેટ લક્ષ્યાંક સુધી પહોંચી શકશે અને જગત ભારતદેશને એક સુપરપાવર દેશ તરીકે ઓળખતો થશે.
(4) શીર્ષક : ભારત – સુપરપાવર દેશ!
(4) કઈ રીતે ખરી ગંભીરતાની મર્યાદા સમજવી? ગાંભીર્ય તેજાબ છે. આવા તેજાબના ચટકા હોય, કૂંડા નહીં. જ્યારે ગાંભીર્ય માર્ગ મટીને મંજિલ થઈ જાય છે ત્યારે સમગ્ર માનવજાત તેને જંતુ જેવી લાગે છે. હું એ સ્વીકારું છું મોટા ભાગના લોકો જંતુ જેવું જીવન જીવતા હોય છે; પણ એ કાયમ માટે જંતુ જેવા જ રહેવાના છે એમ માનીને ચાલવું તે સંસ્કૃતિઘાતક મનોવૃત્તિ છે. સમગ્ર માનવજાત વિશે નહીં, તો છેવટે આપણી આજુબાજુના માણસો વિશે આપણા મનમાં કોઈ આશા ન હોય તો ધીરગંભીર ચિંતન કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આખરે આપણે એટલા માટે ગંભીર થઈએ છીએ કે બીજા માટે આપણે થોડું મન ઘસીએ. જે બીજા માટે મન ન ઘસી શકે તે જાત શું ઘસી શકે?
પ્રશ્નો :
(1) ગંભીરતાની કઈ મર્યાદા છે?
(2 ગાંભીર્યને સમગ્ર માનવજાત ક્યારે જંતુ જેવી લાગે છે?
(3) કઈ મનોવૃત્તિ સંસ્કૃતિઘાતક છે?
(4) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર :
(1) ગંભીરતા એ તેજાબ છે. આવા તેજાબના ચટકા હોય, કૂંડા નહીં.
(2) ગાંભીર્ય માર્ગ મટીને મંજિલ થઈ જાય ત્યારે સમગ્ર માનવજાત તેને જંતુ જેવી લાગે છે.
(3) જે લોકો જંતુ જેવું જીવન જીવતા હોય છે તેઓ કાયમ માટે જંતુ જેવા જ રહેવાના છે એમ માનીને ચાલવું તે મનોવૃત્તિ સંસ્કૃતિઘાતક છે.
(4) શીર્ષક : ગાંભીર્ય એટલે તેજાબ
(5) સમયની મૂડી તો દરેક પાસે સરખી જ હોય છે, પણ તેને ખર્ચવામાં તફાવત હોય છે. એક વ્યક્તિ તેને કરકસરથી યોજનાપૂર્વક, વ્યવસ્થિત રીતે ખર્ચે છે, જ્યારે બીજી વ્યક્તિ તેને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે. પરિણામે એકને સંતોષ અને સફળતા મળે છે. બીજાને થાક અને નિષ્ફળતા. જે વ્યક્તિને પોતાનો સમય વાપરતા આવડતું નથી તેને કશું જ વાપરતા આવડતું નથી. જો તમારી પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય તો તેમાં થતી બચત એ જ કમાણી છે. નવો સમય કોઈને મળી શકતો નથી. એટલે જે માનવ પોતાના સમયની વધુમાં વધુ બચત કરી શકે તેની પાસે વધુમાં વધુ સમય જમા થઈ શકે અને જેની પાસે સમય જમા થાય તેની પાસે શક્તિ પણ જમા થાય. સમય અને શક્તિ ભેગા થાય એ પછી શું ન કરી શકે? એ ધારે તે કરી શકે.
– મોહમ્મદ માંકડ
પ્રશ્નો :
(1) કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે?
(2) થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે?
(3) કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય છે?
(4) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર :
(1) જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે, તેને સંતોષ અને સફળતા મળે છે.
(2) જે વ્યક્તિ સમયની મૂડીને આડેધડ અને અવિચારીપણે વેડફી નાખે છે, તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે.
(3) જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે છે, તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિ જમા થાય છે.
(4) શીર્ષક : સમય એ જ સાચી મૂડી
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here