Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 4 પઘાર્થગ્રહણ

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 4 પઘાર્થગ્રહણ

‘પઘાર્થગ્રહણ’ એટલે આપેલા કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજીને તેની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપવા.

પદાર્થગ્રહણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

  1. પદ્યને ધ્યાનપૂર્વક વાંચો. જો એક વાર વાંચવાથી તેનો અર્થ ન સમજાય, તો તેને વારંવાર વાંચો અને તેનો પૂરેપૂરો ભાવ સમજી લો.
  2. દરેક પ્રશ્નને સમજી લો અને તેનો કાવ્યમાંથી ઉત્તર શોધો.
  3. દરેક પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર લખો. ઉત્તર સરળ ભાષામાં, બને એટલો ટૂંકો અને સચોટ હોવો જોઈએ.
  4. પદ્યના ભાવને સ્પષ્ટ કરે તેવું શીર્ષક શોધો.
  5. લખેલા ઉત્તર એક વાર ફરીથી વાંચી જાઓ. એમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારી લો.

નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેમની નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો : 

(1)     હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું
કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને હેરા ચમકે નવા નવા!
–રે ચહુ ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં
સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બે ચાર ઘડી
ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે
ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!
– નિરંજન ભગત
પ્રશ્નો :
1. કવિ ફરવા આવવા માટે ક્યું પ્રયોજન કહે છે?
ઉત્તર : કવિ ફરવા આવવા માટે ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ એવું નિર્દેતુક સુખદ ભ્રમણ કરી પ્રેમગીત સંભળાવવા આવ્યા છે.
2. કવિ ફરતાં ફરતાં શું કરવા આવ્યા છે?
ઉત્તર : કવિ ફરતાં ફરતાં સ્વપ્નસુખમાં સરી જવા આવ્યા છે.
3. કવિ ફરતાં ફરતાં શું શું જુએ છે?
ઉત્તર : કવિ ફરતાં ફરતાં નવા નવા ચમકતા સુંદર ચહેરા જુએ છે. એમને મધુર હવાનો અનુભવ થાય છે.
4. કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : શીર્ષક : ફરવા આવ્યો છું
(2)    આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ,
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ,
છો ને એ એક તારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ!’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ,
બળને બાહુમાં ભરી હૈયામાં હામ ભરી,
સાગર મોઝારે ઝુકાવીએ,
આપણા વહાણનાં સઢ ને સુકાનને,
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર,
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ.
– પ્રહ્લાદ પારેખ
પ્રશ્નો :
1. ‘તારે ભરોસે, રામ’ એવું ગાનારને કવ શા માટે ખોટો કહે છે?
ઉત્તર : ‘તારે ભરોસે, રામ’ એવું ગાનારને કવિ ખોટો કહે છે, કારણ કે એને ખુદ (પોતાના) પર જ ભરોસો નથી. કેવળ ખુદા પર ભરોસો રાખીને બેસવાથી કાંઈ અર્થ સરવાનો નથી.
2. કયા સાગરમાં, કેવી રીતે અને શું ઝુકાવવા કવિ ઇચ્છે છે?
ઉત્તર : કવિ હૈયામાં હિંમત રાખી, પોતાના જીવનરૂપી વહાણનાં સઢ અને કમાનને પોતાના જ બાહુબળથી સંભાળીને સંસારરૂપી સાગરમાં ઝુકાવવા ઇચ્છે છે.
3. કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે?
ઉત્તર : કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે.
4. કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : શીર્ષક : આપણે પોતાને ભરોસે
(3)   ‘તાંબાલોટો ભરી તુલસીને પાણી પાયું ખરું
કે? જોજો પાછું ભૂલી નવ જતાં વ્યર્થ જંજાળ આડે!
રે’શે મારાં તુલસી તરસ્યાં, પાંદડાં ઓસવાશે.
એકે ય ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી;
કૂંડામાં જે ખરી-ગરી પડ્યાં હોય તે માત્ર લેજો;
રાજી રે’શે પ્રભુ, ઝળહળશે દીપ સૌભાગ્યનો યે.’
નિત્યે માના મુખથી સ્રવતા શબ્દ ભીના ભરેલા;
વૃન્દા-વિષ્ણુ-પરિણય લિયે કાર્તિકે ધન્યતાથી.
ઘ્રુજે દીવો, અરવ કણસે ખંડ, લંબાય ઓળા;
મૂંગું મૂંગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને
સૂતેલા જે ક્ષીણ થઈ; બધે ડૂસકાં કે થીજેલાં
અર્ધ ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા
મૂકે લીલું પરણ તુલસીનું ભીડી હોઠ સૂકા
આયુષ્ય જે ઉર સીંચે ઉછરેલ તે છોડ કેરું!
– ભગવતીકુમાર શર્મા
પ્રશ્નો :
1. મા કોને પાણી પાવાની સૂચના આપે છે?
ઉત્તર : મા તુલસીના છોડને તાંબાનો લોટો ભરી પાણી પાવાની સૂચના આપે છે.
2. મા કેવાં તુલસીદલ લેવાનું કહે છે?
ઉત્તર : કૂંડામાં જે ખરી-ગરી પડ્યાં હોય એવાં તુલસીદલ લેવાનું મા કહે છે.
3. મા કઈ રીતે એમના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે?
ઉત્તર : મા એમના પતિના અર્ધ ખુલ્લા મુખમાં કંપતે હાથે તુલસીનું લીલું પર્ણ મૂકે છે.
4. કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : શીર્ષક : તુલસીદલ
(4)   મને તારા અંગે મન મહીં હતો ખ્યાલ જ જુદો :
મને તો એવું કે કંઈ કંઈ હશે જો’તું તુજને!
હશે જો’તાં તારે : સુઘડ ઘર, પરસાળ, ફળિયું,
ફૂલો માંહી ઝૂલો, ઋતુ ઋતુ તણાં શાક નવલાં,
પછીતે વાડામાં, તુલસી લચતા આંગણ મહીં
બગીચામાં બેથી ત્રણ ઝૂલતી આરામખુરશી
૫૨ સ્નેહી મિત્રો, વિરલ જગ-સાહિત્ય ઊભર્યા.
બાટો, દીવાલે પ્રકૃતિ-ચિતરો, બુદ્ધ, ઈસુ ને
મહાત્માનાં શિલ્પો, ત્રિપદી-સ્થિતિ પેલી કપિ-ત્રયી!
પરંતુ જ્યારે મેં ઊલળી ઊલળી ભાષણ કર્યાં
સભાઓમાં ત્યારે લહ્યું : ન કશું આમાંનું તું ચહે,
ચહે તું તો રોટી, વસત૨, રહેઠાણ ફ… ક… ત.
અરે, તો તો તારી જરૂરત ઘણી ઓછી, ભઈલા!
તને સરકારે તે અરપવી ત્રણેયે ચીજ ઘટે!
– દેવજી મોઢા
પ્રશ્નો :
1. આ કાવ્ય કવિએ કોને ઉદ્દેશીને લખ્યું છે?
ઉત્તર : આ કાવ્ય કવિએ આપણા ભારતદેશના અદના માણસને ઉદ્દેશીને લખ્યું છે.
2. આ દેશના અદના આદમીને શું જોઈએ છે?
ઉત્તર : આ દેશના અદના આદમીને ત્રણ જ વસ્તુ જોઈએ છે : રોટી, વસ્ત્ર અને રહેવા માટે એક સાદું ઘર.
3. અંતે કવિએ કયું સત્ય તારવ્યું છે?
ઉત્તર : કવિએ અંતે એ સત્ય તારવ્યું છે કે આપણા દેશના સામાન્ય માનવીની આટલી ઓછી જરૂરિયાતો હોય, તો સરકારે તેને તે પૂરી પાડવી જોઈએ.
4. કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : શીર્ષક : અદના આદમીની જરૂરિયાત
(5)    અસ્ત થાતાં રવિ પૂછતો અવનિને :
સારશે કોણ કર્તવ્ય મારાં?
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું,
ભીડને કો’ક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ!
એટલું સોંપજો, તો કરીશ હું.’
– રવીન્દ્રનાથ ટાગોર (અનુવાદ : ઝવેરચંદ મેઘાણી)
પ્રશ્નો :
1. અસ્ત થાતાં રવિ (સૂર્ય) કોને શો પ્રશ્ન પૂછે છે?
ઉત્તર : અસ્ત થાતાં રવિ (સૂર્ય) અવનિને પ્રશ્ન પૂછે છે કે “મારા અસ્ત થયા પછી અવનિને પ્રકાશ આપવાનું મારું કર્તવ્ય કોણ બજાવશે?”
2. રવિ(સૂર્ય)એ અવનિને પ્રશ્ન પૂછ્યો તો સૌના પર શી અસર થઈ?
ઉત્તર : રવિ(સૂર્ય)એ અવનિને પ્રશ્ન પૂછ્યો ત્યારે એ પ્રશ્ન સાંભળીને સૌ સ્તબ્ધ થઈ ગયાં અને સૌનાં મોં સાવ કાળાં પડી ગયાં.
3. ‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ! એટલું સોંપજો, તો કરીશ હું.’નો અર્થ સમજાવો.
ઉત્તર : ‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ! એટલું સોંપજો, તો કરીશ હું.’નો અર્થ એ છે કે કોડિયાની જેમ ભલે આપણામાં ઓછી શક્તિ હોય, પણ આપણને પ્રભુ જે કામ સોંપે તે યથાશક્તિ નિભાવવું જોઈએ.
4. કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તર : શીર્ષક : કોડિયું અથવા કોડિયાનું કર્તવ્ય
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *