Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 6 નિબંધલેખન

Gujarat Board | Class 9Th | Gujarati | Model Question Paper & Solution | Writing – Chapter – 6 નિબંધલેખન

પ્રશ્નપત્રમાં નિબંધલેખન માટે બે વિષય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ એમાંથી ગમે તે એક વિષય પર આશરે 200 શબ્દોમાં (વીસ લીટીઓમાં) નિબંધ લખવાનો હોય છે.

નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

  1. વિચારીને કોઈ એક વિષય પસંદ કરો.
  2. રૂપરેખા : નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરીને તમામ મુદ્દાઓને ક્રમમાં ગોઠવો.
    1. આરંભ : નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયને અનુરૂપ હોવી જોઈએ.
    2. મધ્યભાગ : આમાં વિષયલક્ષી ચર્ચા કરવી. મહત્ત્વના તમામ મુદ્દાઓને સંક્ષેપમાં આવરી લેવા.
    3. અંત : એક-બે અસરકારક વાક્યોમાં નિબંધનું તાત્પર્ય જણાવો.
  3. નિબંધમાં ચાર-પાંચ પરિચ્છેદ હોવા જોઈએ.
  4. નિબંધની ભાષા વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. લેખનમાં સરળ શબ્દો અને યોગ્ય વિરામચિહ્નોનો ઉપયોગ કરવો.
  5. નિબંધમાં વિચાર કે ભાવની દૃષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું.

નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો :

(1) દુષ્કાળનો દાવાનળ
મુદ્દા : પ્રસ્તાવના – લીલો દુકાળ અને સૂકો દુકાળ – દુષ્કાળની એંધાણીઓ – દુષ્કાળમાં માનવીની અને પશુપંખીની હાલત – ભયંકર કુદરતી આફત – રાહતકાર્યો – ઉપસંહાર
ઉત્તર : વર્ષાનાં બે બિહામણાં રૂપ એટલે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ! બેહદ વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જાય, નદીઓ, નાળાં, બંધો છલકાઈ જાય, ગામો ને નગરો પાયમાલ થઈ જાય, લોકોનાં ઘર, ઝૂંપડાં, ઘરવખરી, ઢોરઢાંખર તણાઈ જાય, ખેતીપાક ધોવાઈ જાય ને સર્વત્ર હાહાકાર મચી જાય એટલે અતિવૃષ્ટિ! અને એને પગલે પગલે લીલો દુકાળ પડવાની ભીતિ!
તદ્દન ઓછો વરસાદ પડે એટલે અનાવૃષ્ટિ! અને એના પરિણામે સૂકો દુકાળ પડવાની સંભાવના! લીલોતરી તો શું, ઝાડનું ઠૂંઠું કે સૂકા ઘાસનું તણખલુંય જોવા ન મળે. વેદનાભર્યું વ્યાકુળ હૈયું મેધરાજા પાસે ‘પાણી! પાણી’ની ઝંખના કરતું હોય છે. ધરતીનાં અમી તો ક્યારનાંયે ચુસાઈ ગયાં હોય છે’; તો નદી, વાવ અને કૂવા પણ જળવિહોણા બની ગયાં છે ! ઘાસચારાની તીવ્ર અછત ઊભી થવાથી મૂંગાં પ્રાણીઓ આંગણામાં તરફડીને જીવ કાઢી નાખે છે.
આવી પરિસ્થિતિમાં ન મળે ખાવા અનાજ ને ન મળે પીવા પાણી !
દુકાળ એટલે જ્યાં ને ત્યાં મડદાંના ઢગ; જાણે ધરતી પર મોતનો વરસાદ વરસ્યો !
હજારો ખેડૂતો દેવાના બોજ નીચે દટાઈ જાય છે. અનાજની અછત ઊભી થતાં અનાજ ખૂબ મોંઘું થઈ જાય છે. ઘણી વાર સંગ્રહખોરો કે કાળાંબજારિયાઓ નફાખોરી માટે અનાજનો સંગ્રહ કરી દુષ્કાળને વધુ અસહ્ય બનાવે છે. સંબંધો મરી પરવારે છે. આમ, દુષ્કાળને પગલે પગલે અનેક યાતનાઓ ને આફતોનો રાફડો ફાટી નીકળે છે.
વાહનવ્યવહારનાં સાધનોની સગવડ થતાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સરકાર અનેક રાહતકાર્યો શરૂ કરે છે. માનવીઓને અનાજ, પાણી, કપડાં, દવાઓ વગેરે અપાય છે, સદાવ્રતો શરૂ થાય છે, ઢોરો માટે ઘાસચારો ને પીવાના પાણીની તાબડતોબ વ્યવસ્થા થાય છે. ઢોરોને જીવતાં રાખવા અન્ય સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે છે. વિશ્વભરમાંથી દુષ્કાળ નાબૂદી ઝુંબેશ ઉપાડવાનું માનવી ક્યારે વિચારશે?
(2) વસંતનો વૈભવ
મુદ્દા : પ્રસ્તાવના – વસંતનો વૈભવ – વસંતનું વાતાવ૨ણ – વસંતની માનવજીવન પર અસર – કવિઓની પ્રિય ઋતુ – ઉપસંહાર
ઉત્તર : “મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લે, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?”
– મનોજ ખંડેરિયા
પ્રત્યેક ઋતુને તેનાં આગવાં રંગ-રૂપ અને સૌંદર્ય હોય છે. એમાં વસંતઋતુના સૌંદર્યની તો વાત જ નિરાળી છે !
વસંત એ નવસર્જનની ઋતુ છે. વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે. તેમની ડાળીએ ડાળીએ કૂંપળો ફૂટે છે. આમ્રવૃક્ષની ઘટાઓમાં છુપાઈને કોયલ મધમીઠા ટહુકા કરે છે. આમ્રવૃક્ષો પર મબલક મંજરીઓ મૉરી ઊઠે છે. ઉપવનોમાં રંગબેરંગી અને સુગંધી પુષ્પો ખીલી ઊઠે છે. રંગબેરંગી કેસૂડાનાં ફૂલોનાં કેસરી ઝુંડ કુદરતની શોભામાં વધારો કરે છે. પતંગિયાં અને મધમાખીઓ પુષ્પોની આસપાસ ઘૂમવા લાગે છે. ફૂલે ફૂલે ભમરા ગુંજારવ કરે છે. કવિશ્રી મનોજ ખંડેરિયા વસંતની શોભા વર્ણવતાં લખે છે:
‘આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.”
ચારે બાજુ વસંતનું સામ્રાજ્ય છવાઈ જાય છે. સર્વત્ર વસંતનો વૈભવ દેખાય છે. શીતળ વાસંતી લહેરો અને સૂર્યનાં કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગીથી ભરી દે છે.
પ્રાચીન સમયમાં લોકો આ ઋતુમાં સમૂહનૃત્યો કરતા હતા. આપણા લોકસાહિત્યમાં પણ વસંતઋતુનાં નૃત્યગીતોનો અનેરો મહિમા ગવાયો છે. માનવજીવનમાં વસંતઋતુ ઉલ્લાસ પ્રેરે છે. વસંતપંચમી, હોળી અને ધુળેટી વસંતઋતુના મુખ્ય તહેવારો છે. હોળીમાં આબાલવૃદ્ધ સૌ રંગ અને ગુલાલ વડે મન ભરીને રમે છે. લોકો ઢોલના તાલે ઝૂમે છે, નાચે છે તેમજ વસંતનાં અને હોળીનાં ગીતો ગાય છે.
વિશ્વભરના કવિઓએ આ ઋતુને ઘણાં લાડ લડાવ્યાં છે. વસંતઋતુ આપણને જીવનમાં પ્રેમ અને સૌંદર્યનું કેટલું બધું મહત્ત્વ છે તેનો ખ્યાલ આપે છે. કેટલાક કવિઓએ એને ‘વિલાસની ઋતુ’ તરીકે પણ ઓળખાવી છે; પણ ખરેખર તો એ સ્ફૂર્તિદાયક ઋતુ છે.
વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લામાં વૃક્ષો પાસે કે બાગબગીચા કે જંગલમાં જવું જોઈએ. કવિ દલપતરામે આપણને વસંતઋતુનો ઠાઠ આ પંક્તિઓમાં વર્ણવ્યો છે :
‘રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ તેણે વનમાં જમાવ્યો.”
(3) ગ્રીષ્મનો મધ્યાહ્ન
મુદ્દા : પ્રસ્તાવના – બપોરનું વાતાવરણ – એ વાતાવરણની લોકો પર અસર – બપોરનું સૌંદર્ય – ઉપસંહાર
ઉત્તર : “રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.”
– જયંત પાઠક
ભારતમાં મુખ્ય ત્રણ ઋતુઓ છે : ચોમાસું, શિયાળો અને ઉનાળો (ગ્રીષ્મ). વસંતની વિદાય થતાં ગ્રીષ્મઋતુનું આગમન થાય છે.
ગ્રીષ્મમાં સૂર્યોદય પહેલાં થોડીક ઠંડક હોય છે. એ સમયે અગાશીમા કે ઘરના આંગણામાં મીઠી નીંદરનો આનંદ માણી શકાય છે, પણ સૂર્યોદય પછી તડકાનું અને ગરમીનું પ્રમાણ વધતું જાય છે, બપો૨ે તો જાણે આકાશમાંથી આગ વરસતી હોય તેવો અસહ્ય તાપ પડે છે. ધરતીમાંથી ઊની લાય ઝાળ નીકળે છે. એના લીધે રણમાં જળનો આભાસ થાય છે, જેને ‘મૃગજળ’ કે ‘ઝાંઝવાં’ કહે છે.
ખેડૂતો, શ્રમિકો, મુસાફરો તથા પશુઓ પણ ઘટાદાર વૃક્ષોની છાયામાં વિશ્રામ કરે છે. બપોરની ગરમીમાં ઠંડક મેળવવા માટે ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. કાળઝાળ ગરમીમાં પરગજુ લોકોએ ઠેરઠેર બંધાવેલી પરબો તરસ્યાઓ માટે આશીર્વાદરૂપ નીવડે છે.
ગ્રીષ્મની બપોરનું સૌંદર્ય જુદું જ હોય છે. ગુલમહોરનાં લાલચટ્ટાક પુષ્પો ગ્રીષ્મના મધ્યાહ્નની શોભા વધારે છે. બપોરે નીલા રંગના આકાશમાં ચકરાવા લેતી સમડીનું દૃશ્ય કેવું સુંદર લાગે છે! ગ્રીષ્મમાં ફાલસા, સક્કરટેટી, તડબૂચ અને કેરી જેવાં સ્વાદિષ્ટ ફળો થાય છે, જે કાળઝાળ ગરમીમાં રાહત આપે છે.
ગરમીથી રાહત મેળવવા લોકો પંખા, ઍરકન્ડિશનર, ઍકૂલર તેમજ આઇસક્રીમ, લસ્સી, છાશ જેવાં ઠંડાં પીણાંનો આશ્રય લે છે. ઘણા લોકો માઉન્ટ આબુ, ઊટી, માથેરાન જેવાં હવા ખાવાનાં સ્થળોએ જાય છે.
આપણને ગ્રીષ્મૠતુ ભલે ત્રાસદાયક લાગતી હોય, પરંતુ ગ્રીષ્મના આકરા તાપ વિના જીવનને શાતા આપનારી વર્ષાનું આગમન શક્ય નથી. આથી જ કહેવાયું છે :
“દુર્જનની કૃપા બુરી, ભલો સજ્જનનો ત્રાસ,
સૂરજ જ્યાં ગરમી કરે, ત્યાં વર્ષાની આશ.’’
(4) વર્ષાઋતુ
મુદ્દા : પ્રસ્તાવના – વર્ષાનું આગમન – વર્ષાનું સ્વાગત – અતિવૃષ્ટિ – અનાવૃષ્ટિ – વર્ષાઋતુના તહેવારો – મર્યાદાઓ – માનવજીવનમાં વર્ષાઋતુનું મહત્ત્વ – ઉપસંહાર
ઉત્તર : “થર થર ભીંજે આંખ-કાન, વરસાદ ભીંજવે
  કોને કોનાં ભાન-સાન, વરસાદ ભીંજવે.”
– રમેશ પારેખ
ગ્રીષ્મની વિદાય થતાં વર્ષાનું આગમન થાય છે.
પવનના સુસવાટા, ધૂળની ડમરીઓ, વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરામણી થાય છે.
વરસાદનું આગમન થતાં સઘળે આનંદ છવાઈ જાય છે. મોરલાની ગહેક, કોયલના ટહુકા અને દેડકાંનું ‘ડ્રાઉં’ ‘ડ્રાઉં’ વાતાવરણને જીવંત બનાવે છે. મોર કળા કરી નાચે છે. ખેડૂતો હરખઘેલા થઈ વર્ષાનાં ગીતો ગાય છે. નાનાં બાળકો વરસાદમાં નાચે છે, કૂદે છે અને ગાય છે ઃ
“આવ રે વરસાદ, ઘેરિયો પરસાદ;
ઊની ઊની રોટલી ને, કારેલાંનું શાક.”
વરસાદના આગમનથી ધરતીમાંથી મીઠી સોડમ આવે છે. ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળતાં ધરતીએ લીલી સાડી પહેરી હોય એવું મનોહર દશ્ય આંખને ઠારે છે. નવાં પાણીથી છલકાતાં જળાશયો જીવંત લાગે છે. ખેતરોમાં લીલોછમ પાક લહેરાવા લાગે છે.
વર્ષાઋતુમાં ઘણા તહેવારો આવે છે. લોકો રક્ષાબંધન, જન્માષ્ટમી, પર્યુષણ, ગણેશચતુર્થી, નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારોનો આનંદ મન મૂકીને લૂંટે છે. વ્રતઉપવાસ કરે છે અને પ્રભુને રીઝવે છે.
વર્ષાઋતુમાં કાદવકીચડ અને ગંદકી થાય છે. માખી અને મચ્છરનો ઉપદ્રવ વધે છે. તેનાથી મેલેરિયા, મરડો અને વાળા જેવા રોગો ફેલાય છે.
વર્ષાઋતુ અન્નપૂર્ણા છે. તે માનવને પાણી અને અનાજ પૂરાં પાડે છે. પશુધનને તંદુરસ્ત અને જીવતાં રાખવા માટે ઘાસચારો પણ વરસાદને કારણે જ થાય છે.
કવિઓએ વર્ષાઋતુને ‘ઋતુઓની રાણી’ કહી છે. કવિશ્રી બાલમુકુન્દ દવેએ વરસાદના સૌમ્ય રૂપને કાવ્યમાં આ રીતે ઉતાર્યું છે :
“આ શ્રાવણ નીતર્યો સ૨વડે કોઈ ઝીલો જી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ કોઈ ઝીલો જી.”
(5) શરદપૂર્ણિમાની રાત
મુદ્દા : પ્રસ્તાવના – શરદપૂર્ણિમાની રાતનું વાતાવરણ – ગરબા મહોત્સવ – શરદપૂર્ણિમાની રાતનું પ્રાકૃતિક સૌંદર્ય અને લોકો – ઉપસંહાર
ઉત્તર : આસો માસ ને શરદ પૂનમની રાત જો;
  ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં.”
ઋતુએ ઋતુએ પ્રકૃતિમાં પરિવર્તન થતું રહે છે. પરિવર્તન જ પ્રકૃતિનો શ્વાસ છે, સ્વભાવ છે. સવાર અને સાંજનું પ્રાકૃતિક સૌંદર્ય આપણાં તનમનને તાજગી આપે છે. સોળે કળાએ ખીલી ઊઠેલી શરદપૂનમની રાતનું સૌંદર્ય આપણને હર્ષઘેલાં કરી મૂકે છે.
શરદપૂનમની રાત્રે વાતાવરણમાં નથી હોતી ગ્રીષ્મની દઝાડે તેવી ગરમી કે નથી હોતી હેમંતની ધ્રુજાવનારી ઠંડી. શરદનું વાદળાં વિનાનું આકાશ સ્વચ્છ દેખાય છે. નવરાત્રિની નવનવ રાત્રિ સુધી જામેલા રાસગરબાનો આનંદ શરદપૂર્ણિમાની રાતે પરાકાષ્ઠાએ પહોંચે છે.
સૂર, લય અને તાલની સંગતમાં લોકો મોડી રાત સુધી ગરબે ઘૂમે છે. ખાણીપીણીની જયાફત ઊડે છે. ચાંદનીનો શીતળ સ્પર્શ પામેલા દૂધપૌંઆનો સ્વાદ અનેરો હોય છે.
શરદપૂનમની રઢિયાળી રાતે કોઈ અગાસીમાં, કોઈ ખુલ્લા મેદાનમાં, કોઈ બાગબગીચામાં તો કોઈ નદી, તળાવ કે સાગરકાંઠે જઈને શરદપૂનમની ચાંદનીનું રૂપસૌંદર્ય માણે છે. કવિશ્રી બાલમુકુન્દ દવે ‘શરદરજની’વિશે લખે છેઃ
“જગસકલની ત્રાંબાકૂંડી ભરી તસુ એ તસુ,
શશિયર સ્વયં ના’વા જાણે રહ્યો નભથી સરી.”
શરદપૂર્ણિમાને ‘માણેકઠારી પૂનમ’ પણ કહે છે. આ દિવસે ડાકોરમાં મોટો મેળો ભરાય છે. એવી લોકવાયકા છે કે આ દિવસે ભગવાન રણછોડરાયજી સાક્ષાત્ હાજર હોય છે. આ દિવસે ભગવાન રણછોડરાયજીને ખાસ વસ્ત્રો, કીમતી મુગટ અને કીમતી અલંકારોથી શણગારવામાં આવે છે.
(6) પ્રકૃતિને ખોળે એક કલાક
મુદ્દા : પ્રસ્તાવના – પ્રકૃતિના સાન્નિધ્યમાં – કુદરતી સૌંદર્ય અને વાતાવરણનો આહ્લાદક અનુભવ – ઉપસંહાર
ઉત્તર : સર્જનહાર પરમાત્માએ ઠેર ઠેર પ્રકૃતિસૌંદર્ય પાથર્યું છે; પરંતુ શહેરીજનોને એ પ્રકૃતિસૌંદર્ય માણવાનો અવસર જ ક્યાં મળે છે? ‘યાચના’ અને ‘ચિતારો’ કાવ્યમાં પ્રકૃતિની અનોખી શોભા વાંચી ત્યારે અમે સૌ વિદ્યાર્થીઓએ વનપ્રવાસનું આયોજન કર્યું. આ પ્રવાસ નિમિત્તે મને પ્રકૃતિના સાન્નિધ્યમાં એક-બે ક્લાક વિતાવવાનો અવસર મળ્યો. સમય હતો વસંતની સાંજનો અને સ્થળ હતું વનમાં ખળખળ વહેતી નદીનો કિનારો.
વાસંતી વાયરાના સ્પર્શથી પ્રકૃતિમાં જાણે નવચેતનાનો સંચાર થયો હતો. નવપલ્લવિત વૃક્ષો અને વેલીઓની શોભા અનેરી હતી. આમ્રઘટાઓમાં મંજરીઓ મહોરી ઊઠી હતી. રાતાં ફુલોથી શોભતાં કેસૂડાનાં વૃક્ષો, કમળોથી આચ્છાદિત સરોવરો અને રંગબેરંગી ફૂલોની સુવાસથી મઘમઘતું વાતાવરણ મને જિંદગીમાં પહેલી વાર માણવા મળ્યું.
ભમરાના મધુર ગુંજારવ, કોયલના કર્ણપ્રિય ટહુકા, નદી-ઝરણાંના ખળખળ વહેતા પ્રવાહનું નાદમાધુર્ય અને ધીરે ધીરે કુસુમરજ લઈ ડોલતા પવનની શીતળતાનો અનુભવ મારે માટે ખરેખર અલ્પ્ય હતો. પ્રકૃતિના નયનરમ્ય, મનોહર સૌંદર્યને નિહાળવામાં એક ક્લાક ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ ન રહી.
પ્રકૃતિના સાન્નિધ્યમાં વિતાવેલો આ સમય મારે માટે જીવનનું એક મીઠું સંભારણું બની ગયું. મને થયું, વસંતનો વૈભવ આટલો મનભર છે તો અન્ય ઋતુની પ્રકૃતિ પણ કેટલી સમૃદ્ધ હશે ! મેં નક્કી ક્યું કે મારે સમય કાઢીને અન્ય ૠતુનાં પ્રકૃતિદર્શનનો લાભ પણ લેવો જોઈએ.
(7) વિશ્વ એક કુટુંબ છે અથવા વિશ્વબંધુત્વ
મુદ્દા : પ્રસ્તાવના – ભારતીય સંસ્કૃતિ – વસુધૈવ ટુમ્બમ્ ભાવનાનો વિકાસ – વિશ્વબંધુત્વની ભાવનામાં આત્મીયતાના સંબંધો – ઉપસંહાર
ઉત્તર : ભારતીય સંસ્કૃતિ ઉચ્ચ, ઉદાત્ત અને મહાન મૂલ્યો પર આધારિત છે. વેદમાં નિરૂપેલી ‘ૐ સહ નાવવતુ સહ નૌ મુનતુ …’ની પ્રાર્થનામાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે એકતાનો સૂર પ્રકટ થયો છે. આપણે સૌ એક જ ૫રમાત્માનાં સંતાનો છીએ. આ વિચારમાંથી વસુધૈવટુમ્બમ્ એટલે કે ‘સમગ્ર વિશ્વ એક કુટુંબ છે’ની કલ્પના સાકાર થઈ છે. સંત જ્ઞાનેશ્વરે ‘આ વિશ્વ જ મારું ઘર છે’ એવો સમભાવ દર્શાવતો બોધ આપ્યો છે. ‘જ્ઞાનેશ્વરી’ જેવા મહાન ગ્રંથમાં સંત જ્ઞાનેશ્વરે પરમાત્મા પાસે ‘વિશ્વ જ મારું કુટુંબ છે’ એમ કહીને વિશ્વબંધુત્વનું વરદાન માગ્યું છે.
વિશ્વબંધુત્વની ભાવનાનાં મૂળ ભારતદેશમાં તેમજ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં છે. આધુનિક સમયમાં ફ્રેંચ રાજ્યક્રાંતિમાંથી બંધુત્વની ભાવના જન્મી. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અન્ય પાશ્ચાત્ય દેશોમાં પણ આ વિશ્વબંધુત્વની ભાવનાની કલ્પના અનેકવિધ રૂપે અસ્તિત્વમાં આવી. ‘યુનો’ અને ‘યુનેસ્કો’ જેવી વૈશ્વિક સંસ્થાઓના જન્મ પછી તમામ રાષ્ટ્રોમાં એકબીજાને એક જ વિશ્વકુટુંબના સભ્ય તરીકે જોવાની અને સ્વીકારવાની વૃત્તિ જાગી. પરસ્પર પ્રત્યે પ્રેમભાવ તેમજ સંસ્કૃતિ, સાહિત્ય, જ્ઞાન, વિકાસ આદિના ક્ષેત્રે આદાનપ્રદાન શરૂ થયાં.
ગૅલિલિયો, શેક્સપિયર, સી. વી. રામન, ગાંધીજી, જગદીશચંદ્ર બોઝ, વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર વગે૨ે વિશ્વબંધુત્વની ભાવનાના પુરસ્કર્તા છે. ટાગોરે સ્થાપેલી ‘શાંતિનિકેતન’ શિક્ષણસંસ્થાનું ધ્યેયસૂત્ર છે : વિશ્વ મવત્યેનીડમ્ અર્થાત્ વિશ્વ એ એક માળો છે અને આપણે સૌ એ માળાનાં પંખીઓ છીએ.
વસુધૈવદુમ્ની ભાવના વિકસાવવા સંસ્કૃતિ, વિજ્ઞાન, કલા વગેરેનો અભ્યાસ કરવા તેમજ ધંધાર્થીઓ ધંધાર્થે બીજા રાષ્ટ્રમાં જઈ શકે છે. આધુનિક વાહનવ્યવહાર, સંદેશવ્યવહાર, સૅટેલાઇટ વગેરેની શોધને કારણે વિશ્વને નજદીક આવવામાં સરળતા થઈ છે. ઇન્ટરનેટ, એસએમએસ, મોબાઇલ ફોન, ફેસબુડ, વૉટ્સ એપ, ટ્વિટર જેવી ટેકિનકે સમગ્ર વિશ્વને એક છત્ર નીચે લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
માનવ અને માનવેતર પ્રાણી વચ્ચે, માનવ અને પ્રકૃતિ (નિસર્ગ) વચ્ચે પણ આત્મીયતાના સંબંધો કેળવાય, એવો વિચાર પણ વિશ્વકુટુંબની ભાવનામાં રહેલો છે. પ્રકૃતિ (નિસર્ગ) પ્રત્યે પ્રેમ, કૃતજ્ઞતા અને પ્રાણીમાત્ર પ્રત્યે આત્મીયતા રાખવાથી વિશ્વબંધુત્વની ભાવનાને પોષણ મળે છે.
(8) પુસ્તકોની મૈત્રી
મુદ્દા : પ્રસ્તાવના સારાં પુસ્તકોનો ફાળો – સારાં પુસ્તકોનો લાભ – હલકાં પુસ્તકોના ગેરલાભ – ઉપસંહાર
ઉત્તર : વાંચતાં આવડતું હોય છતાં પણ જે વાંચતો નથી, તે નિરક્ષર જ છે.
આપણે આપણા અભ્યાસક્રમનાં પુસ્તકો વાંચીએ છીએ. તેનાથી આપણાં માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે, પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે. એટલે આપણે આપણાં પાઠ્યપુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવાં જોઈએ.
પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રસ્કિનના ‘Unto The Last’ નામના પુસ્તકે ગાંધીજીને સત્યાગ્રહની પ્રેરણા આપી હતી. ગીતા અને બાઇબલ જેવાં પુસ્તકોએ જગતના અનેક લોકોને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા આપી છે. રામાયણ, શ્રીમદ્ ભાગવત અને મહાભારત જેવા ગ્રંથોએ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
સારાં પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી. તે આપણને સાચું માર્ગદર્શન તેમજ સારાં કામો કરવાની પ્રેરણા આપે છે. તેઓ આપણને સુખદુઃખમાં સમભાવથી ૨હેવાનું બળ આપે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચવાથી આપણને વિપત્તિમાં પણ શાંતિ અને ધીરજ જાળવી રાખવાની પ્રેરણા મળે છે. સારાં પુસ્તકોના વાચનથી આપણામાં હિંમત, બહાદુરી, દયા, પ્રેમ, ક્ષમા વગેરે ગુણોનો વિકાસ થાય છે. સારાં પુસ્તકોના વાચનથી સારું-નરસું અને સાચું-ખોટું પારખવાની આપણી શક્તિ ખીલે છે; પરંતુ હલકી કક્ષાનાં પુસ્તકો આપણા જીવનને બગાડે છે, તે આપણને ગેરમાર્ગે દોરે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે, ‘તમે શું વાંચો છો તે મને કહો અને તમે કેવા છો તે હું તમને કહી દઈશ !’ સારાં પુસ્તકોના વાચનથી આપણે જગત અને જીવનને વિશાળ દૃષ્ટિથી જોઈ શકીએ છીએ.
જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાચન કરવું જોઈએ.
(9) પ્રવાસનું જીવનઘડતરમાં સ્થાન
મુદ્દા : પ્રસ્તાવના – પ્રવાસના વિવિધ ફાયદા – પ્રત્યક્ષ જ્ઞાન – સૌદર્યદૃષ્ટિનો વિકાસ – સામૂહિક જીવનનો અનુભવ – સાંસ્કૃતિક વૃત્તિનો વિકાસ – ઉપસંહાર
ઉત્તર : જીવનઘડતરમાં અને જીવનશિક્ષણમાં પ્રવાસનું બહુ મહત્ત્વ છે. વિવિધ પ્રદેશોના સમાજજીવન, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની માહિતી પુસ્તકો વાંચીને મેળવવા કરતાં પ્રત્યક્ષ જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને તે સહેલાઈથી યાદ રહે છે.
પ્રવાસમાં આપણે ઘણાં ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લઈએ છીએ. તેનાથી આપણને વિવિધ પ્રદેશોની કલા, શિલ્પસ્થાપત્ય, ધાર્મિક પરંપરા, જીવનશૈલી વગેરેનો પરિચય થાય છે. આપણી સૌંદર્યદૃષ્ટિ વિકસે છે. પ્રવાસોથી માનવના નવા ચહેરામહોરા, નદીઓ, સાગરો, ગિરિમથકો, લીલાંછમ ખેતરો વગેરેનું સૌંદર્ય આપણા જીવનરસને છલકાવે છે. તેનાથી આપણને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આપણાં તન અને મન તાજગી અનુભવે છે.
પ્રવાસો આપણને સામૂહિક જીવનનો અનુભવ કરાવે છે. પ્રવાસમાં દરેક સ્થળે આપણને ઘર જેવી સગવડ ન પણ મળે. આથી અગવડો વેઠવાની ટેવ પડે છે. આપણા મહાન નિબંધકાર કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે : ‘‘પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી ઢબ.” પ્રવાસ દરમિયાન આપણને આપણું કામ જાતે કરવાની ટેવ પડે છે. વળી, સહનશીલતા, સેવા, ક્ષમા, ત્યાગ વગેરે ગુણોનો વિકાસ થાય છે. કવિશ્રી ઉમાશંકર જોશીએ કહ્યું છે ઃ
“ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા,
પછવાડે અડવા થનારને ભરખે ઘર કેરી શૂન્યતા !”
પ્રવાસો આપણને સાહસિક બનાવે છે. પ્રવાસમાં આપણને અનેક માણસોના રીતિરિવાજો, સંસ્કાર, બોલી, રહનસહન વગેરેનો પરિચય થાય છે. આપણી રીતભાત, વાતચીત કરવાની કળા વગેરે પણ ખીલે છે. આમ, પ્રવાસ એ જીવનની પ્રયોગશાળા બની રહે છે.
આપણા જીવનઘડતરમાં પ્રવાસનું અમૂલ્ય સ્થાન છે. પ્રવાસસ્થ થા રમ્યા પ્રવાસની વાત રમણીય હોય તો પ્રવાસ કેટલો બધો રમ્ય હોય?
(10) પ્રાર્થના – આત્માનો ખોરાક
મુદ્દા : પ્રસ્તાવના ઈશ્વરના ઋણી – વિવિધ ધર્મોમાં પ્રાર્થના – પ્રાર્થનાની શક્તિ અને તેનાં ઉદાહરણ – પ્રાર્થનાના સંસ્કાર – ઉપસંહાર
ઉત્તર : શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્ત્વિક ખોરાક જરૂરી છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.
દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ છે. હિંદુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજનકીર્તન કરે છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. મુસલમાનો દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે.
પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે. પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થ રહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે. પ્રાર્થનાથી મનુષ્યને દુ:ખનો સામનો કરવાનું બળ મળે છે. પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર બને છે. પ્રાર્થના કરવાથી આપણે આપણા દોષો શોધી શકીએ છીએ.
ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદ્ભુત ચમત્કારો સર્જાયા છે. દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે તેને નવસો નવ્વાણું ચીર પૂરાં પાડ્યાં હતાં. સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવતદાન મળ્યું હતું. ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાનાં અનેક કામો કર્યાં હતાં. તેમણે શામળશા શેઠનું રૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી તેમજ કુંવરબાઈનું મામેરું કર્યું હતું. મીરાંને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાંની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું. બાબરે ખુદાની બંદગી કરીને મરણ પથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયૂને બચાવી લીધો હતો.
બાળકોમાં પ્રાર્થના અંગે સંસ્કાર કેળવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે. ગાધીજી પણ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. ગાંધીજી કહેતા કે, ‘“ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી.’ ગાંધીજી સાથે અનેક લોકો પ્રાર્થનામાં જોડાતા હતા. પ્રાર્થના મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય. ભજનકીર્તન અને સત્સંગ એ બધાં પ્રાર્થનાનાં જ વિવિધ સ્વરૂપો છે.
આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માગણી કરવાને બદલે મનની શાંતિ માગવી જોઈએ. ઉમાશંકર જોશીએ કહ્યું છે :
“ત્રણ વાનાં મુજને મળ્યાં,
હૈયું, મસ્તક, હાથ.
બહુ દઈ દીધું નાથ,
જા, ચોથું નથી માગવું.”
(11) જીવનમાં તહેવારોનું મહત્ત્વ
મુદ્દા : પ્રસ્તાવના – તહેવારોના પ્રકાર અને તેનું મહત્ત્વ – ઉપસંહાર
ઉત્તર : એકધારા જીવનથી માણસ કંટાળી જાય છે. એવું જીવન નીરસ લાગે છે. જીવનને રસપૂર્ણ બનાવવા માટે આપણા પૂર્વજોએ વર્ષ દરમિયાન અનેક તહેવારોનું આયોજન કરેલું છે. આ તહેવારો આપણે સૌ સાથે મળીને ઊજવીએ છીએ. તેથી જીવનમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે. આપણા જીવનમાં તાજગી, સ્ફૂર્તિ અને નવચેતનાનો સંચાર થાય છે. આજના જમાનાની તણાવવાળી જિંદગીને તહેવારો હળવી ફૂલ બનાવે છે.
ભારતમાં લોકો ધાર્મિક, સામાજિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય વગેરે અનેક પ્રકારના તહેવારો ઊજવે છે. દરેક ધર્મના લોકો પોતાના ધાર્મિક તહેવારો ઊજવે છે. હિંદુઓ જન્માષ્ટમી, શિવરાત્રિ, રામનવમી, દશેરા, દિવાળી જેવા તહેવારો, મુસલમાનો ૨મઝાન ઈદ, મહોરમ, બકરી ઈદ જેવા તહેવારો, ખ્રિસ્તીઓ નાતાલ અને ગુડ ફ્રાઇડે જેવા તહેવારો તથા જૈનો પર્યુષણ અને મહાવીર જયંતી જેવા તહેવારો ઊજવે છે. પતેતી પારસીઓનો ધાર્મિક તહેવાર છે. વૈશાખી શીખોનો અને બુદ્ધજયંતી બૌદ્ધ લોકોનો ધાર્મિક તહેવાર છે. ધાર્મિક તહેવારો વખતે લોકો પોતાના ઇષ્ટદેવની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પૂજા કરે છે. આવા પ્રસંગે લોકોમાં દયા, પ્રેમ, ક્ષમા, સહનશીલતા અને સહિષ્ણુતા જેવા ગુણો કેળવાય છે.
રક્ષાબંધન, ભાઈબીજ અને ઉત્તરાયણને સામાજિક તહેવારો કહી શકાય. સમાજના બધા જ લોકો આ તહેવારો ઊજવે છે. આવા તહેવારોની ઉજવણીથી પરસ્પર ભાઈચારાની ભાવના કેળવાય છે.
મહા સુદ પાંચમે આવતી વસંતપંચમીને પ્રાકૃતિક તહેવાર ગણી શકાય. આવા તહેવારોની ઉજવણીથી લોકો પ્રકૃતિપ્રેમી બને છે અને નૈસર્ગિક રમણીય વાતાવરણનો આનંદ માણે છે.
સાંસ્કૃતિક તહેવારો આપણી સંસ્કૃતિની પરંપરાને ધબકતી રાખે છે. નવરાત્રિ ભલે ધાર્મિક તહેવાર હોય પરંતુ નવ-નવ રાત્રિ દરમિયાન ગવાતા ગરબામાં આપણી સંસ્કૃતિનું પ્રતિબિંબ પડે છે.
તહેવારો સામાજિક જીવનને ઘનિષ્ટ બનાવે છે. તે માણસ અને માણસ વચ્ચેનું અંતર ઓછું કરે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં હોળી, ધુળેટી અને દિવાળીને વાવણી, કાપણી અને પાક લેવા સાથે સંબંધ છે. તહેવારો સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદરૂપ થાય છે. જેમ કે ફાગણમાં આવતી હોળીમાં ધાણી-ચણા અને ખજૂરનું મહત્ત્વ છે. આ ચીજો કફનાશક અને શક્તિવર્ધક છે. આમ, તહેવારો જીવનપોષક અને સંવર્ધક બની રહે છે.
સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન અને ગાંધીજયંતી જેવા રાષ્ટ્રીય તહેવારો રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાતજાતના ભેદ ભૂલીને લોકો આ તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઊજવે છે. તેથી આપણી રાષ્ટ્રભાવના કેળવાય છે. ગાંધીજયંતીના દિવસે આપણે ગાંધીજીનાં જીવન અને કાર્યોમાંથી આદર્શ જીવન જીવવાની પ્રેરણા મેળવીએ છીએ.
તહેવારોની ઉજવણીથી આપણા પરસ્પરના સંબંધોમાં મીઠાશ આવે છે. આપણે એકબીજાને સારી રીતે ઓળખતાં-સમજતાં થઈએ છીએ. આપણે ‘માફ કરો અને ભૂલી જાઓ’ની ભાવના કેળવીએ છીએ.
તહેવારોની ઉજવણીમાં સંયમ જળવાય અને બીજાને અગવડ ન પડે તેની કાળજી રાખવામાં આવે તો તહેવારો સૌને માટે આનંદદાયી અને ફળદાયી બની રહેશે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *