Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 21 ચાંલિયો (લોકગીત)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 21 ચાંલિયો (લોકગીત)
કાવ્ય-પરિચય
‘ચાંદલિયો’ લોકગીત છે. લોકગીત લોકો દ્વારા રચાયેલું, લોકો વડે ગવાતું, લોક-સંસ્કાર કે લોક-સમાજને રજૂ કરતું સાહિત્યસ્વરૂપ છે. લોકનાં સુખ-દુ:ખની અભિવ્યક્તિ એમાં જોવા મળે છે.
‘ચાંદલિયો’ લોકગીતમાં એ રીતે શરદપૂનમની રાતે ગરબે રમતી કાવ્યનાયિકા પોતાની સાસરીનાં સ્વજનો સાથેના સુખદ અનુભવને વ્યક્ત કરે છે. પૂર્વજન્મનાં માતા-પિતા જેવાં સાસુસસરા, અષાઢ મહિનાના વરસાદ જેવા જેઠ એમ એક પછી એક તેની સાસરીનાં સગાંઓની તુલના કાવ્યનાયિકા વિવિધ વસ્તુઓ સાથે કરે છે. અંતમાં તાણીને બાંધેલી નવરંગ પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિ પર એ વારી જાય છે. આ લોકગીતમાં કાવ્યનાયિકાને સારું સાસરિયું મળ્યાનો આનંદ તેની વાણીમાં વર્તાય છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
સ્વજનો માટેનો કાવ્યનાયિકાનો ભાવ ‘ચાંદલિયો’ લોકગીતના આધારે વર્ણવો.
ઉત્તર : મધુર કંઠે શરદપૂનમની રાતે ‘ચાંદલિયો’ લોકગીત ગાતી કાવ્યનાયિકાએ એક-એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીને વાચા આપી છે. સાસુસસરા એનાં પૂર્વજન્મનાં માતા-પિતા છે. એના જેઠ અષાઢ મહિનાના વરસાદ જેવા છે, તો જેઠાણી અષાઢની ઝબૂકતી વીજળી જેવી છે. એનો દિયર ચંપાનો છોડ છે, અને દેરાણી એ છોડની નાજુક પાંદડી જેવી છે. નણંદ એની વાડીની વેલ છે અને નણદોઈ એની વાડીમાંનો મોર (મોરલો) છે. કાવ્યનાયિકાએ એક-એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં ‘પોતાનો પતિ’ એમ કહેવાને બદલે ‘પરણ્યો મારો સગી નણંદનો વીર’ જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો, પણ એની પહેલાં એ એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્યનાયિકાએ ભાઈ-બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્ત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ, શરદપૂનમની રાતે ચૉકમાં ચાંદલિયો ઊગ્યો અને સુખદ વાતાવરણ સર્જાયું તેનું મધુર વર્ણન કાવ્યનાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્યનાયિકા તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) ‘ચાંદલિયો’ લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો.
ઉત્તર : શરદપૂનમની રાત છે. સોળે કળાએ ખીલેલો ચંદ્ર કાવ્યનાયિકાના ચૉકમાં જાણે ઊગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એ મધુર, રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી-પુરુષો ગરબે રમે છે.
(2) કાવ્યનાયિકાએ ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે?
ઉત્તર : કાવ્યનાયિકાએ ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે. મોરપીંછથી રળિયામણો લાગતો મોર વાડીમાં પોતાના ટહુકારથી વાતાવરણને ગુંજતું કરી દે છે એમ નણદોઈ પણ પોતાની મીઠાશભરી વાણીથી સૌનાં દિલ જીતી લે છે. આથી ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કહ્યો છે.
(3) કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે?
ઉત્તર : કાવ્યનાયિકા સખીને ‘પોતાનો પતિ’ એમ નહિ, પણ ‘પરણ્યો મારો’ એમ કહે છે. એમાં પતિ પ્રત્યેનાં મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. ‘પરણ્યો મારો સગી નણંદનો વીર જો.’ આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો છે, તેનું ગૌરવ કર્યું છે. આમ, આ શબ્દોમાં તેણે ભાઈ-બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી છે.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ‘ચાંદલિયો’ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે?
ઉત્તર : ‘ચાંદલિયો’ કાવ્યમાં શરદઋતુની વાત કરવામાં આવી છે.
(2) આકાશમાં કઈ પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશી રહ્યો છે?
ઉત્તર : આકાશમાં આસો સુદ પૂનમ(પૂર્ણિમા)નો ચંદ્ર પ્રકાશી રહ્યો છે.
(3) સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે?
ઉત્તર : સાસુ અને સસરા માટે કાવ્યનાયિકા પોતાનો પ્રેમભાવ પૂર્વજન્મનાં માતા-પિતા કહીને વ્યક્ત કરે છે.
(4) ‘ચાંદલિયો’લોકગીતમાં નણદોઈ વિશે શું કહેવાયું છે?
ઉત્તર : ‘ચાંદલિયો’ લોકગીતમાં નણદોઈને વાડીમાંનો મોરલો કહ્યો છે.
(5) ‘ચાંદલિયો’લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદ વિશે શું કહ્યું છે?
ઉત્તર : ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ નણંદને ‘વાડીની વેલ’ કહી છે.
(6) ‘ચાંદલિયો’ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી કોને કહી છે?
ઉત્તર : ‘ચાંદલિયો’ લોકગીતમાં ચાંપલિયાની પાંદડી દેરાણીને કહી છે.
(7) ‘પરણ્યો મારો સગી નણંદનો વીર જો’ પંક્તિમાં કઈ રૂઢિ પ્રગટ થાય છે?
ઉત્તર : ‘પરણ્યો મારો સગી નણંદનો વીર જો’ પંક્તિમાં ‘પતિનું નામ પત્ની ઉચ્ચારતી નથી તે’ રૂઢિ પ્રગટ થાય છે.
(8) કાવ્યનાયિકાનો પરણ્યો કોનો વીર છે?
ઉત્તર : કાવ્યનાયિકાનો પરણ્યો નણંદનો વીર છે. :
(9) કાવ્યનાયિકાનો વીર કેવી પાઘડી પહેરે છે?
ઉત્તર : કાવ્યનાયિકાનો વીર નવરંગી પાઘડી પહેરે છે.
(10) ‘ચાંદલિયો’લોકગીતમાં કયા સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે?
ઉત્તર : ‘ચાંદલિયો’ લોકગીતમાં કુટુંબજીવનના સંબંધોનું મધુર ચિત્ર નિરૂપાયું છે.
(11) કાવ્યનાયિકાનો પરણ્યો પાઘડી કેવી રીતે બાંધે છે?
ઉત્તર : કાવ્યનાયિકાનો પરણ્યો પાઘડી તાણીને બાંધે છે.
(12) કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે?
ઉત્તર : કાવ્યનાયિકા સખીને પોતાના પતિ તાણીને નવરંગ-પાઘડી બાંધે છે, એ વિશે કહે છે.
(13) ‘રઢિયાળી રાત’ સંગ્રહનું સંપાદન કોણે કર્યું છે?
ઉત્તર : ‘રઢિયાળી રાત’ સંગ્રહનું સંપાદન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે.
(14) ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ જેઠને કોની ઉપમા આપી છે?
ઉત્તર : ‘ચાંદલિયો’ લોકગીતમાં કાવ્યનાયિકાએ જેને અષાઢિયા મેઘની ઉપમા આપી છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here