Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 3 શીલવંત સાધુને (ભજન)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 3 શીલવંત સાધુને (ભજન)

કાવ્ય-પરિચય

મધ્યકાળમાં જ્ઞાનમાર્ગની ઉત્તમ રચનાઓ – ખાસ કરીને ભજનો – ગંગાસતી પાસેથી મળે છે. ગંગાસતીએ પાનબાઈને સંબોધીને જે કેટલીક રચનાઓ કરી છે, એમાં ‘મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે’; ‘વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ’ તેમજ ‘શીલવંત સાધુને’ વધુ પ્રચલિત છે. આ રચનાઓ પારંપરિકરૂપે, લોકમુખે પણ કંઠોપકંઠ ગવાય છે. ‘શીલવંત સાધુને’ એ પદ છે; ભજનના ઢાળમાં છે. જ્ઞાનમાર્ગી કૃતિ છે. શીલવંત સાધુનાં લક્ષણો એમાં દર્શાવાયાં છે. ગંગાસતીને પાનબાઈને એવા શીલવંત સાધુનો, સાચા ગુરુ તરીકે સંગ કરવા ઉપદેશ આપ્યો છે.
એવું કહેવાય છે કે યોગમાર્ગે આગળ વધેલાં ગંગાબાઈએ સમાધિ લેતાં પહેલાં, પાનબાઈને બાવન દિવસ એક-એક રચના સંભળાવી હતી, જે રચનાઓ ભજનોરૂપે લોકપરંપરામાં સચવાઈ છે.
આદર્શ, શીલવંત સાધુ કેવો હોય, એની ગુણસંપદાનો અહીં મહિમા કરવામાં આવ્યો છે. જેનું ચિત્ત નિર્મળ હોય, મનમાં રાગ- દ્વેષ ન હોય, મિત્ર કે શત્રુ એવા ભેદ ન હોય, પોતે પ્રભુ-મગ્ન હોય, મન-વચન-કર્મ એક હોય, આઠે પ્રહર આનંદમાં મસ્ત હોય એવા શીલવંત સાધુનાં ચરણોમાં નમવાની ગંગાસતી પ્રસ્તુત પદમાં વાત કરે છે.

કાવ્યની સમજૂતી

શીલવંત સાધુને વારંવાર નમન કરીએ કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા ન મળે, જેના ચિત્તની વૃત્તિ હંમેશાં નિર્મળ હોય, જેના પર પરમાત્માની કૃપા ઉતરે છે. [1-4]
જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ નથી હોતા, જેને ૫રમાર્થ(મોક્ષ)માં જ પ્રીતિ હોય છે. જેનાં મન, વચન ને વાણીમાં એકરૂપતા હોય છે અને જે સારી રીતે નિયમોનું પાલન કરતો હોય છે. [5-8]
જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, જેની બ્રહ્માવસ્થા જાગ્રત થઈ હોય છે, જેણે નામ ને રૂપને મિથ્યા કરી દીધાં હોય છે અને જેનું મન હંમેશાં ભજનમાં પરોવાયેલું હોય છે. [9-12]
તમે આવા સંતનો સંગ કરશો તો સંસાર તરી જશો. ગંગાસતીએ પાનબાઈને કહ્યું કે આવા સંતને પરમાત્માનાં વચનો(વાણી)માં વિશ્વાસ હોય છે. [13-16]

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો આઠ-દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :

‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.
ઉત્તર : ‘શીલવંત સાધુને’ પદમાં ગંગાસતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતાં ‘શીલવંત સાધુ’નાં લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યાં છે : સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશાં નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ ૫રમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માનાં વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુરીયાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી ૫૨ હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :

(1) ‘શીલવંત સાધુને’ કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે?
ઉત્તર : શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત ૫૨ જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
(2) ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે?
ઉત્તર : જે સંતનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય; જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય; જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે.
(3) જેને જાગી ગયો તૂરિયાનો તાર રે’ એટલે શું?
ઉત્તર : મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુરીયાવસ્થા (ધ્યાનાવસ્થા) છે. તૂરી વાઘ (તુરિયા) દ્વારા જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે, તે તુરીયાવસ્થા. જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સંસારનાં સુખદુ:ખ વ્યાપતાં નથી.
(4) શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે?
ઉત્તર : શીલવંત સાધુ સાથે શત્રુ અને મિત્ર સમભાવ રાખી, સરળ વ્યવહાર રાખે છે. એને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો, એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી. તે નિસ્પૃહી હોય છે, એનું મન કાયમ પ્રભુમાં પરોવાયેલું હોય છે.

પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :

(1) ગંગાસતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે?
ઉત્તર : ગંગાસતી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
(2) ‘જેના બદલે નહીં વર્તમાન રે.’ આ પંક્તિમાં ‘વર્તમાન’ શબ્દનો અર્થ આપો.
ઉત્તર : ‘જેના બદલે નહીં વર્તમાન રે.’ આ પંક્તિમાં ‘વર્તમાન’ શબ્દનો અર્થ ‘વર્તન-વ્યવહાર’ છે.
(3) શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે?
ઉત્તર : શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે.
(4) ‘જેને મા’રાજ થાય મહેરબાન’ પંક્તિનો અર્થ શો થાય?
ઉત્તર : ‘જેને મા’રાજ થાય મહેરબાન’ પંક્તિનો અર્થ : જેના પર પરમાત્માની કૃપા વરસે છે. :
(5) ગંગાસતીનું કયું ભજન તમારા પાઠ્યપુસ્તકમાં છે?
ઉત્તર : ગંગાસતીનું ‘શીલવંત સાધુને’ ભજન પાઠ્યપુસ્તકમાં છે. અમારા
(6) શીલવંત સાધુને શામાં પ્રીત હોય છે?
ઉત્તર : શીલવંત સાધુને પરમાર્થમાં પ્રીત હોય છે.
(7) શીલવંત સાધુના જીવનમાં, શામાં એકત્વ જોવા મળે છે? 
ઉત્તર : શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે.
(8) ‘રૂડી પાળે એવી રીત’ આ પંક્તિ કોની જીવનશૈલીને ઉદ્દેશીને લખાઈ છે?
ઉત્તર : ‘રૂડી પાળે એવી રીત’ આ પંક્તિ શીલવંત સાધુની જીવનશૈલીને ઉદ્દેશીને લખાઈ છે.
(9) ‘શીલવંત સાધુને’ ભજનની ધ્રુવપંક્તિ (ટેકની) કઈ છે?
ઉત્તર : ‘શીલવંત સાધુને વારેવારે નમીએ’ એ ‘શીલવંત સાધુને’ ભજનની ધ્રુવપંક્તિ (ટેકની) છે.
(10) ‘શીલવંત સાધુને’ કાવ્યમાં કોનાં લક્ષણો વર્ણવાયાં છે?
ઉત્તર : ‘શીલવંત સાધુને’ કાવ્યમાં આદર્શ સંતનાં લક્ષણો વર્ણવાયાં છે.
(11) ‘આઠે પો’ર’ શબ્દોમાં ‘પો’૨’નો અર્થ લખો.
ઉત્તર : ‘આઠે પો’ર’ એટલે પ્રહર – ત્રણ ક્લાક.
(12) ‘તૂરિયાનો તાર’ એટલે શું?
ઉત્તર : ‘તૂરિયાનો તાર’ એટલે ધ્યાનાવસ્થા, સમાધિ સ્થિતિ.
(13) શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે?
ઉત્તર : શીલવંત સાધુ નામરૂપને મિથ્યા કરી જાણે છે.
(14) શીલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે?
ઉત્તર : શીલવંત સાધુ સદાય ભજનનો વેપાર કરે છે.
(15) ગંગાસતી શિષ્યોને કોની સંગત કરવાનું કહે છે?
ઉત્તર : ગંગાસતી શિષ્યોને શીલવંત સાધુની સંગત કરવાનું કહે છે.
(16) ‘શીલવંત સાધુને’ ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે?
ઉત્તર : ‘શીલવંત સાધુને’ ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે.
(17) ‘શીલવંત સાધુને’ ભજન શામાંથી લેવામાં આવ્યું છે?
ઉત્તર : ‘શીલવંત સાધુને’ ભજન ‘ગંગાસતીની ભજનગંગા’માંથી લેવામાં આવ્યું છે.
(18) ગંગાસતીનું પૂરું નામ જણાવો.
ઉત્તર : ગંગાસતીનું પૂરું નામ : ગંગાબા કહળસંગ ગોહિલ
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *