Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 4 ભૂલી ગયા પછી (એડાંડી)
Gujarat Board | Class 10Th | Gujarati | Model Question Paper & Solution | Chapter – 4 ભૂલી ગયા પછી (એડાંડી)
પાઠ-પરિચય
‘ભૂલી ગયા પછી’ એ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરી લિખિત એકાંકી છે. આ એકાંકીનો વિષય મનીષા અને નરેનના સંબંધોના વિચ્છેદ અંગેનો અને તે પછી ફરી બંધાતા તેમના સંબંધો અંગેની ઘટનાનો છે. મનીષાના પિતા તેમની પુત્રીની ક્ષમતાને પારખી શક્યા નથી, આને કારણે મનીષા અને નરેનનાં લગ્ન થઈ શક્યાં નહોતાં. તેમ છતાં બંનેનો પ્રેમ યથાવત્ રહ્યો હતો. મનીષાની ક્ષમતાનો પરિચય સૌને આબુના પર્વતારોહણ દરમિયાન થાય છે, એ સમયગાળા દરમિયાન મનીષા એક કુટુંબને રીંછના પંજામાંથી બચાવે છે. ભીરુ અને ડરપોક મનીષાનું આ પરાક્રમ સૌને વિસ્મય પમાડે છે. આ ઘટના મનીષા અને નરેનને ભેગાં કરવાનું નિમિત્ત બને છે. પિતા દીકરીના આ પરાક્રમથી ભાવવિભોર થઈ જાય છે અને બસસ્ટૅન્ડ પર તેને ઊંચકીને સૌ પૅસેન્જરોની સમક્ષ પોતાનાં હર્ષ અને ગર્વ પ્રગટ કરે છે. મનીષાના પિતા એકાંકીના અંતમાં સૌને મીઠાઈ ખવડાવી મનીષા અને નરેન ભવિષ્યમાં પ્રેમશૌર્યનો ધ્વજ ફરકાવતા રહે એવા આશીર્વાદ આપે છે. એકાંકીમાં સંવાદની ગૂંથણી, એમાંથી પ્રગટ થતું રહસ્ય, પાત્રોનો ક્રમશઃ પરિચય અને સુખદ અંત રજૂ કરીને લેખકે નારીશક્તિને ઉજાગર કરી છે.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) ‘મનીષા’નું પાત્રચિત્રણ ‘ભૂલી ગયા પછી’ કૃતિના આધારે કરો.
ઉત્તર : ‘ભૂલી ગયા પછી’ કૃતિ એકાંકી છે. આ એકાંકીમાં મનીષા સમગ્ર નાટ્યવસ્તુના કેન્દ્રમાં છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારીશક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમણી, નાજુક અને ડરપોક છે. જોકે સંકલ્પબળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાનાં શિખર પ્રાપ્ત કરે છે.
આમ તો તે શિકારી પિતા વિરાટબાબુની પુત્રી છે. નરેનના પ્રેમમાં છે, પણ પિતાની મંજૂરી ન મળતાં લગ્ન કરી શકી નથી. જે જંગલમાં નરેનને ઑફિસરની નોકરી મળી છે, ત્યાં મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમયસૂચકતાથી રીંછના હુમલાથી બચાવ્યું છે. તે સાહસિક થઈ છે.
મનીષાના પિતાને જાણ થતાં તેઓ પણ આનંદિવભોર થઈ ગયા. તેને ઊંચકીને તેમણે સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું. “તે મારા કરતાં પણ ચડિયાતી છે; કારણ કે તે મારી દીકરી છે” એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી. તેમણે મનીષા અને નરેનને “તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો !” એવા આશીર્વાદ આપ્યા. મનીષાએ ધૈર્ય, સમજ, જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો પ્રાપ્ત કરી, પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી. અંતમાં, મનીષા અને નરેનના સાચા પ્રેમનો વિજય થયો.
(2) નરેનનું પાત્રાલેખન ‘ભૂલી ગયા પછી’ એકાંકીને આધારે તૈયાર કરો.
ઉત્તર : નરેન ફોરેસ્ટ ઑફિસર છે. બાળપણમાં મનીષા સાથે એને પ્રેમ હતો. મનીષાના પિતાએ એમના લગ્નને સંમતિ આપી નહોતી. નરેન અન્ય માગાંને પાછાં ઠેલતો હતો. મનીષાને એ કવિતા માનતો હતો. મનીષા પ્રત્યે એને ગાઢ પ્રેમ હતો. જંગલમાં તે નિષ્ઠાથી ફરજ બજાવતો હતો. મનીષા હિંમત તેમજ સમયસૂચકતાથી સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું હતું. નાજુક, નમણી ને ભીરુ મનીષાના આ સાહસિક, નવા સ્વરૂપથી નરેન પ્રભાવિત થયો. એના પ્રત્યે પ્રેમ ઉપરાંત આદર થયો. એકાંકીમાં ભાવસ્થિતિના સૂચક પલટા આવે છે. નરેન પણ મનીષાને એના પ્રેમની પ્રતીતિ કરાવે છે. નરેન કહે છે પ્રેમ એ કોઈ મુદતી વસ્તુ નથી. સાચા અને નિસ્વાર્થ પ્રેમમાં મનીષાના પિતા વિરાટબાબુ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એકાંકીમાં નરેનના સંવાદો બુદ્ધિગમ્ય, માર્મિક તેમજ પ્રેમની ઉદાત્તતા પ્રગટ કરનારા છે. નરેનના વ્યક્તિત્વને સુરેખ પ્રગટ કરે છે. બાહ્ય પ્રાકૃતિક સૌંદર્ય કરતાં માનવહૃદયતા, ખાસ કરીને મનીષાના આંતરિક સૌંદર્ય પ્રત્યેનું એનું આકર્ષણ ક્રમશઃ પ્રગટ થતું રહે છે.
(3) મનીષાના પિતા વિરાટબાબુનું પાત્રાલેખન ભૂલી ગયા પછી’ એકાંકીને આધારે તૈયાર કરો.
ઉત્તર : નીડર અને સાહસિક પ્રકૃતિ ધરાવતા વિરાટબાબુ મનીષાના પિતા હતા. પોતે શિકારી હતા, એમની પુત્રી એમના ગુણો ધરાવતી નહોતી, તે ડરપોક ને ભીરુ સ્વભાવની હતી. વિરાટબાબુને પુત્રીની પ્રકૃતિ કઠે છે. નરેન, કે જે મનીષાને ચાહતો હતો, એની સાથે મનીષા લગ્ન કરે, તે એમને મંજૂર નહોતું. ત્યાં એક ઘટના બને છે. મનીષા જંગલમાં એક પરિવારને રીંછના કાતિલ હુમલામાંથી બચાવે છે. પિતાને પુત્રીના આ સાહસથી ખૂબ આનંદ થાય છે. હર્ષવિભોર પિતા પુત્રીને અભિનંદન આપવા આબુ દોડી જાય છે; જ્યાં મનીષા રહે છે. પુત્રીના ભીરુ – ડરપોક – સ્વભાવ બાબતે પોતે ખોટા પડ્યા છે, એનો એમને અતિશય આનંદ છે. વાતેવાતે તેઓ તત્ત્વજ્ઞાની સાત્રને સમર્થન માટે ટાંક્યા કરે છે. તેઓ મનીષા અને નરેનના લગ્નને સ્વીકૃતિ આપે છે. પોતાની ભૂલ સુધારી લે છે. સૌને બહાદુર તેમજ બુદ્ધિશાળી બનવા અંગે આશીર્વાદ આપે છે. પ્રેમમાંથી પ્રગટતા શૌર્યનો મહિમા કરે છે. સૌને પ્રેમશૌર્ય-અંકિત ધ્વજ ફરકાવવા હિમાયત કરે છે. ખાસ કરીને એકાંકીના ભાવપલટામાં, રસાળ સંવાદો દ્વારા લેખકે વિરાટબાબુની મહત્ત્વની ભૂમિકાની ગૂંથણી કરી છે. આમ, વિરાટબાબુ ‘ભૂલી ગયા પછી’ નાટિકામાં પિતા તરીકેની ભૂમિકા રજૂ કરતું મહત્ત્વનું પાત્ર બની રહે છે.
(4) ‘ભૂલી ગયા પછી’ એકાંકીનું રહસ્ય જણાવો.
ઉત્તર : ‘ભૂલી ગયા પછી’ એકાંકીમાં મનીષા અને નરેનના સંબંધ, વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટના છે. મનીષા અને નરેન વચ્ચે પ્રેમસંબંધ છે, પણ તેના પિતા તેમની દીકરીની ક્ષમતા જાણતા ન હોવાથી મનીષા અને નરેનનાં લગ્નની વિરુદ્ધ હતા. નાની ગરોળીથી ડરતી મનીષા ગરોળીને પકડી લાવે તો તેનાં લગ્નની હા પાડી દઉં એમ કહીને પિતાએ લગ્નની વાત ટાળી હતી. એ પછી તેઓ આ વાત ભૂલી ગયા, પણ એને કારણે બંને વચ્ચેના સંબંધમાં વિચ્છેદ સર્જાયો. એ પછી એકાંકીમાં એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. એમાં મહત્ત્વની ઘટના આબુ પર પર્વતારોહણની. મનીષા પોતાના સૌ મિત્રો સાથે પર્વતારોહણ કરવા ગઈ. એ દરમિયાન મનીષાએ એક સુરતી કુટુંબને રીંછના પંજામાંથી બહાદુરીથી ઉગાર્યું. આ જોઈ સૌ અવાક્ થઈ ગયા. એ સમયે બનેલી આ બાહ્ય ઘટના તથા મનીષા અને નરેન બંનેના અંતરમાં વહેતા પ્રેમપ્રવાહને રજૂ કરતાં સંવાદોની ગૂંથણી સંબંધોનો થયેલો અકારણ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવાની ઘટનાને દિશા આપે છે. એકાંકીના અંતે મનીષાના આ પરાક્રમની જાણ થતાં તેના પિતા ગર્વ અનુભવે અને તેઓ બંનેનાં લગ્ન કરાવી દેવાની સંમતિ આપે છે, એટલું જ નહિ બંનેને આશીર્વાદ આપે છે ઃ ‘‘તમારા ભવિષ્યમાં પ્રેમશૌર્ય અંકિત ધ્વજ ફરકાવો !”
પિતા તો લગ્નની ના પાડીને આ વાત ભૂલી ગયા હતા, પણ પછી અચાનક બનેલી ઘટનાએ તેમને નવેસરથી વિચારતા કરી મૂક્યા. અંતે પિતાની સંમતિથી સાચા પ્રેમનો વિજય થયો. આ છે એકાંકીનું ચમત્કૃતિપૂર્ણ રહસ્ય !!
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
(1) વિરાટબાબુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી?
ઉત્તર : વિરાટબાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. મનીષા નાની અમથી ગરોળીથી પણ ડરી જતી હતી. સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ તે મરી જશે અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે, એવું લાગતાં મનીષાના પિતા વિરાટબાબુએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી.
(2) વિરાટબાબુને પોતે ખોટા પડ્યાનો શાથી આનંદ હતો?
ઉત્તર : વિરાટબાબુ જાણતા હતા કે પોતાની દીકરી મનીષા નાજુક, નમણી ને સાવ ડરપોક છે. ગરોળીથી બીતી દીકરીએ જ્યારે એક સુરતી કુટુંબને રીંછના હુમલાથી બચાવ્યું ત્યારે વિરાટબાબુને આનંદ સાથે આશ્ચર્ય થયું. દીકરીના સાહસિક કાર્યથી, પહેલાંની ભીરુ મનીષાની છબી દૂર થઈ ને સાથે સાથે પોતે ખોટા પડ્યા એનો આનંદ થયો.
(3) નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન રહ્યો?
ઉત્તર : નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવહૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહિ. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી. મનીષાને ગુમાવ્યા પછી નરેનને એની બાહ્ય છબિના નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા રહ્યો નહિ, આથી તેણે કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું.
(4) નરેને મનીષાને આવકારતાં શું કહ્યું?
ઉત્તર : નરેને મનીષાને આવકારતાં કહ્યું, “આ છોકરાઓએ ભૂમિકા તૈયાર કરી ન હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે. તેં એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન.’’
(5) મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ શી રીતે વ્યક્ત કર્યો?
ઉત્તર : મનીષાના પિતાએ પોતાની દીકરીને ખડતલ જોઈ પોતાનો આનંદ આ રીતે વ્યક્ત કર્યો : તેમણે બસસ્ટૅન્ડ પર જ તેને ઊંચકી લીધી. બધા પૅસેન્જરોને બતાવી. ગાંડા માણસની જેમ મોટેથી બબડાટ કર્યો. બધાં ભેગાં થઈ ગયાં એટલે એ સૌને પોતાના પ્રેક્ષકો બનાવીને સાર્વનો હવાલો આપી ભાષણ આપતાં કહ્યું, કાયર માણસ બહાદુર થઈ શકે છે, સુકુમાર શક્તિશાળી થઈ શકે છે.
(6) નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી?
ઉત્તર : નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા નમણી અને નાજુક હતી. તે સુકુમાર હતી જ, ડરપોક પણ હતી. તે ગરોળીથી પણ ડરતી હતી.
(7) નાટિકાને અંતે વિરાટબાબુ સૌને આશીર્વાદરૂપે શું કહે છે?
ઉત્તર : નાટિકાને અંતે વિરાટબાબુ સૌને આશીર્વાદ આપતાં કહે છે : “મારી દીકરી તમને સાહસ કરવાનું શીખવી દેશે. તમે બહાદુર જ નહીં, બુદ્ધિશાળી પણ બનશો. તમારા પ્રેમમાંથી શૌર્ય જાગશે. પ્રેમશૌર્ય અંક્તિ ધ્વજ ફરકાવો. લો, મીઠાઈ ખાઓ.’’
(8) મનીષાનાં મમ્મી હૃદયના ધબકારાની દરદી શાથી બની ગયાં?
ઉત્તર : મનીષાના પપ્પા શિકારી હતા. એક વખત શિકારે જતાં તેમણે મનીષાની મમ્મીને પણ સાથે લીધી. શિકાર માટે માંચડો બાંધેલો હતો ને માંચડા ઉપર મનીષાનાં મમ્મી પણ હતાં. વાઘે જેવી છલાંગ મારી કે માંચડા પરનાં મનીષાનાં મમ્મી ચીસ પાડી ઊઠ્યાં, એટલું જ નહિ પણ તેઓ હ્રદયના ધબકારાનાં દરદી બની ગયાં.
(9) મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શો પ્રતિભાવ આપ્યો?
ઉત્તર : નરેન કવિ પણ હતો. સલોની અને નરેન મામા-ફોઈનાં ભાઈબહેન હતાં, તેથી સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા. સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા ને શ્રદ્ધા સાથે કહ્યું, “ના, સલોની પર કવિતા નહોતો લખતો, એને જ કવિતા માનતો હતો.”
(10) મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે શું કહ્યું?
ઉત્તર : મનીષાના પિતાએ દીકરીના પરાક્રમ વિશે કહ્યું કે ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યું. તેમણે મુસાફરો, આરામ માટે આવેલા, દુનિયાથી થાકેલા માણસોને ઉદ્દેશીને સાત્રને ટાંકીને કહ્યું કે માણસ માટે કશું અશક્ય નથી. એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. આકાશના તારાને એ ફૂલની જેમ વીણી શકે છે.
(11) મનીષાના શિકારી પિતા વિશે જણાવો.
ઉત્તર : મનીષાના પિતા એક શિકારી હતા. એક વાર તેઓ શિકાર કરવા ગયા ત્યારે તેમની પત્નીને પોતાની સાથે લઈ ગયા હતા. જોકે તેની ઇચ્છા નહોતી, પણ પતિની આજ્ઞા માનીને તે સાથે ગયેલી. બંને માંચડા પર બેઠાં હતાં તેમ છતાં વાઘની છલાંગ જોઈને તે ચીસ પાડી ઊઠેલી. એ પછી તેના હૃદયના ધબકારાનું દર્દ કોઈ ઉપાયે દૂર ન જ થયું. પિતાજીની જગ્યાએ મનીષાની મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને તેના ધબકારા કાયમ માટે શમી ગયા હોત.
પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો :
(1) પર્વતારોહણ શિબિર ક્યાં હતી?
ઉત્તર : પર્વતારોહણ શિબિર માઉન્ટ આબુમાં હતી.
(2) પર્વતારોહણ શિબિરમાં ખભે દોરડાં ભરાવીને કોણ કોણ ચાલી આવતાં હતાં?
ઉત્તર : પર્વતારોહણ શિબિરમાં ખભે દોરડાં ભરાવીને સલોની અને કનોજ ચાલી આવતાં હતાં.
(3) મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું?
ઉત્તર : મનીષાના બાળપણના સ્નેહીનું નામ નરેન હતું.
(4) ‘ભૂલી ગયા પછી’ નાટિકામાં કુલ કેટલાં પાત્રો છે?
ઉત્તર : ‘ભૂલી ગયા પછી’ નાટિકામાં કુલ છ પાત્રો છે.
(5) સલોનીએ કોનો ફોટો તેમજ સમાચાર વાંચવા કહ્યું?
ઉત્તર : સલોનીએ દીદી(મનીષા)નો ફોટો તેમજ એના સાહસના સમાચાર વાંચવા કહ્યું.
(6) આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ જણાવો.
ઉત્તર : આબુમાં કોચ તરીકે સેવા આપનાર બહેનનું નામ મનીષા દેસાઈ હતું.
(7) ‘ભૂલી ગયા પછી’ પાઠને આધારે સલોની અને નરેનભાઈ શાં સગાં થતાં હશે ?
ઉત્તર : ‘ભૂલી ગયા પછી’ પાઠને આધારે સલોની અને નરેનભાઈ મામા-ફોઈનાં ભાઈબહેન થતાં હશે.
(8) નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને કોણે કહેલું?
ઉત્તર : નરેનભાઈ મોટા કવિ થશે એવું સલોનીને એનાં મમ્મીએ કહેલું.
(9) નૈસર્ગિક સૌંદર્ય પાછળ કોણ પાગલ હતું?
ઉત્તર : નૈસર્ગિક સૌંદર્ય પાછળ નરેન પાગલ હતો.
(10) નરેન આબુમાં કયા પદે નોકરી કરતો હતો ?
ઉત્તર : નરેન આબુમાં વન-અધિકારીના પદે નોકરી કરતો હતો.
(11) ‘અહીંનાં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે.” એવું કનોજ કોના સંદર્ભમાં કહે છે?
ઉત્તર : ‘“અહીંનાં રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે.” એવું કનોજ દીદી(મનીષા)ના સંદર્ભમાં કહે છે.
(12) નરેને શા માટે ફોરેસ્ટ ઑફિસરની નોકરી લીધી?
ઉત્તર : નરેને ફોરેસ્ટ ઑફિસરની નોકરી લીધી, કારણ કે તે નૈસર્ગિક સૌંદર્ય પાછળ ગાંડો હતો.
(13) રીંછ માણસને જોઈને શું કરે છે?
ઉત્તર : રીંછ માણસને જોઈને ઝનૂનથી પ્રતિકાર કરે છે.
(14) નરેન શા માટે લગ્નનાં માગાં પાછાં ઠેલતો હતો?
ઉત્તર : નરેન લગ્નનાં માગાં પાછાં ઠેલતો હતો, કારણ કે તે જે કન્યા પર કવિતાઓ લખતો હતો, તે લગ્નની ના પાડતી હતી.
(15) સલોની કોનો ફોટો નરેનને બતાવે છે?
ઉત્તર : સલોની મનીષાનો ફોટો નરેનને બતાવે છે.
(16) કુ. મનીષા દેસાઈએ કયા મુદ્દા ઉપર ભાષણ આપેલું?
ઉત્તર : ‘નાજુક વ્યક્તિ ખડતલ ને નિર્ભય થઈ શકે છે.’ એ મુદ્દા ઉ૫૨ કુ. મનીષા દેસાઈએ ભાષણ આપેલું.
(17) “ના, ના, સલોની એ (મનીષા) ન હોય,’ એમ નરેન સલોનીને શા માટે કહે છે?
ઉત્તર : નરેને જોયું તો આંખો મનીષાની હતી, પણ સૈનિકબાળા જેવો યુનિફૉર્મ મનીષાનો નહોતો. તેથી તેણે સલોનીને કહ્યું કે તે મનીષા ન હોય.
(18) શી ખાતરી થાય, તો નરેન મનીષાને અભિનંદન આપવા માગે છે?
ઉત્તર : નાજુક મનીષા ખડતલ ને નિર્ભય થઈ હોય, તો નરેન મનીષાને અભિનંદન આપવા માગે છે.
(19) સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ કોને કહે છે?
ઉત્તર : સલોની ફોટા ઉપરથી મૂળ વસ્તુ મનીષાને કહે છે.
(20) નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય વધુ ઉંમર કોની હતી?
ઉત્તર : નરેન અને સલોનીની ઉંમરના સરવાળા કરતાંય ગુલમહોરની ઉંમર વધુ હતી.
અથવા
નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર કેટલી છે?
ઉત્તર : નરેનના આંગણામાં ખીલેલા ગુલમહોરની ઉંમર નરેન અને સલોનીની ઉંમરના સરવાળાથી પણ વધારે છે.
(21) ‘હવે કંઈ બાકી છે, ખાતરી કરી લેવામાં?’ સલોનીના આ ઉદ્ગા૨નો નરેન શો ઉત્તર આપે છે?
ઉત્તર : ‘હવે કંઈ બાકી છે, ખાતરી કરી લેવામાં?’ સલોનીના આ ઉદ્ગારનો નરેનનો ઉત્તર આ છે : ‘હા – મૂળ વસ્તુ – મનીષાનું મન’.
(22) આનંદને સલોની પાસે જવાનું કોણે કહ્યું હતું?
ઉત્તર : આનંદને સલોની પાસે જવાનું કનોજે કહ્યું હતું.
(23) મનીષા અને આનંદની કાર રોકીને કનોજ ક્યાં ગયો?
ઉત્તર : મનીષા અને આનંદની કાર રોકીને કનોજ મનીષાની સાથે વિરાટબાબુને લેવા ગયો.
(24) આનંદને એના પપ્પા આવવાના છે, એની જાણ શી રીતે થઈ?
ઉત્તર : આનંદને એના પપ્પા આવવાના છે, એની જાણ તાર દ્વારા થઈ.
(25) 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા ગુજરાતી લેખકને એનાયત થયો હતો?
ઉત્તર : 2015નો સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર રઘુવી૨ ચૌધરીને એનાયત થયો હતો.
(26) આનંદની દૃષ્ટિએ મનીષાએ કોને માટે આકરું તપ કર્યું છે?
ઉત્તર : આનંદની દૃષ્ટિએ મનીષાએ નરેન માટે આકરું તપ કર્યું છે.
(27) વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કોણ કોણ જાય છે?
ઉત્તર : વિરાટબાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા કનોજ અને આનંદ જાય છે.
(28) ગરોળીથી ડરનાર મનીષા હવે કોની સાથે લડી શકે એમ છે?
ઉત્તર : ગરોળીથી ડરનાર મનીષા હવે મગર સાથે લડી શકે એમ છે.
(29) સલોનીના મતે એક વાર પ્રેમમાં પડેલ કન્યાનું મન કોના જેવું હોય છે?
ઉત્તર : સલોનીના મતે એક વાર પ્રેમમાં પડેલ કન્યાનું મન લીલા વન જેવું હોય છે.
(30) વરસો પહેલાં સુકુમાર લાગતી મનીષા, નરેનને હવે કેવી લાગે છે?
ઉત્તર : વરસો પહેલાં સુકુમાર લાગતી મનીષા, નરેનને હવે દીપ્તિવંત લાગે છે.
(31) મનીષાના પપ્પાએ પૅસેન્જરોને ઑડિયન્સ બનાવીને ભાષણમાં કોનો હવાલો આપ્યો?
ઉત્તર : મનીષાના પપ્પાએ પૅસેન્જરોને ઑડિયન્સ બનાવીને ભાષણમાં સાર્ગનો હવાલો આપ્યો.
(32) મનીષાના પપ્પા બસસ્ટૅન્ડ ઉપર કોનો શેર બોલ્યા?
ઉત્તર : મનીષાના પપ્પા બસસ્ટૅન્ડ ઉપર ઇકબાલનો શેર બોલ્યા.
(33) મનીષાના પપ્પાનો આનંદ ખરેખર શેના કારણે હતો?
ઉત્તર : મનીષાના પપ્પાનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા એ કારણે હતો.
(34) ‘માણસ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે…’ આ વાત કોણ કહે છે?
ઉત્તર : ‘માણસ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે…’ આ વાત વિરાટબાબુ કહે છે.
(35) મનીષાના પપ્પા શું હતા?
ઉત્તર : મનીષાના પપ્પા શિકારી હતા.
(36) મનીષાની માતાના હૃદયના ધબકારા શાથી દર્દ બની ગયા?
ઉત્તર : મનીષાની માતાના હૃદયના ધબકારા વાઘની છલાંગ જોઈને દર્દ બની ગયા.
(37) રોજના અનુભવે, મનીષા પ્રકૃતિને શું માને છે?
ઉત્તર : રોજના અનુભવે, મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે.
(38) વિરાટબાબુ (પપ્પા) નરેનને કોના ઉપર કવિતા લખવાનું કહે છે?
ઉત્તર : વિરાટબાબુ (પપ્પા) નરેનને પોતાના ઉપર કવિતા લખવાનું કહે છે.
(39) ‘ભૂલી ગયા પછી’ નાટિકા રઘુવીર ચૌધરીના કયા નાટ્યસંગ્રહમાંથી લેવામાં આવી છે?
ઉત્તર : ‘ભૂલી ગયા પછી’ નાટિકા રઘુવીર ચૌધરીના ‘ત્રીજો પુરુષ’ નાટ્યસંગ્રહમાંથી લેવામાં આવી છે.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here