Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો

પ્રકરણસાર

  1. ભારત વસ્તીની સંખ્યામાં ચીન પછી દ્વિતીય ક્રમે છે તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
  2. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મસમભાવની વિશેષતા ધરાવે છે. દેશમાં વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, રીત-રિવાજો ધરાવતા લોકો વસે છે.
  3. સાંપ્રદાયિકતા : ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સમાજમાં સાંપ્રદાયિક તનાવ ઉત્પન્ન થાય છે.
  4. અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ, પોતાનાં ધાર્મિક હિતોને વધુ મહત્ત્વ આપવું અને દરેક નાગરિકને સાંપ્રદાયિક દૃષ્ટિથી જોવો – આ વિચારધારા સમાજને વિઘટન તરફ લઈ જાય છે.
  5. ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવા માટેની સ્વતંત્રતા આપે છે.
  6. રાષ્ટ્રીય લઘુમતી પંચની સ્થાપનાનો મુખ્ય હેતુ ભારતના લઘુમતી વર્ગોના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે કામ કરવાનો છે.
  7. જ્ઞાતિવાદ : ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. પ્રાચીન સમયમાં સમાજરચના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણો – જ્ઞાતિઓ પર આધારિત હતી. દરેક ગામડામાં જ્ઞાતિ-આધારિત રહેઠાણો અને વ્યવસાયો હતા. સમાજમાં કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હોવાથી તેઓ અન્ય જ્ઞાતિઓની તુલનામાં આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ.
  8. સમાજની કેટલીક જાતિઓ દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશમાં રહેતી હતી. તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા- સમૂહોથી અલગ હતું. અલગ વસવાટ, એકાકી જીવન અને ઓછા વળતરવાળા વ્યવસાયોને કારણે તેઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ.
  9. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોનાં ક્લ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે.
  10. બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ- (Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જાતિઓ’ (Scheduled Castes) અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ(Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જનજાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.
  11. અનુસૂચિત જનજાતિના લોકો મોટે ભાગે જંગલો કે પહાડી વિસ્તારોમાં વસે છે.
  12. રાજ્યહસ્તકની નોકરીઓમાં અનુસૂચિત જાતિઓ માટે 15 ટકા જગ્યાઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે.
  13. સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, કલ્યાણ, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવગરિમા માટે કામ કરનારને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે.
    હિંદુઓમાં હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ ધર્મનો સમાવેશ થાય છે.
  14. નક્સલવાદનો ઉદ્ભવ ઈ. સ. 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો. પિપલ્સ વૉર ગ્રૂપ અને માઓવાદી – સામ્યવાદી કેન્દ્ર આ બે નક્સલવાદી સંગઠનો છે.
  15. જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ત્રાસ, હિંસા, ભય, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે સર્જેલું વાતાવરણ ‘આતંકવાદ’ કહેવાય છે.
  16. માત્ર હિંસા કે કોઈ રાજનીતિ અથવા ચોક્કસ નીતિ-આધારિત વિચારધારાથી પ્રેરાઈને કરાતી પ્રવૃત્તિને ‘આતંકવાદી પ્રવૃત્તિ’ કહી શકાય.
  17. પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે, પોતાની જ સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને ‘બળવાખોરી’ કહેવાય. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય.
  18. ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.
  19. ઈ. સ. 1988 પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. સીમાપારથી સતત સહાય મેળવતા આતંકવાદીઓ બૉમ્બવિસ્ફોટ, અપહરણ, હત્યા વગેરે દ્વારા ભય ફેલાવી રહ્યા છે. પરિણામે અનેક પંડિત કુટુંબોએ નાછૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.
  20. આતંકવાદની સામાજિક અસરો : સમાજને વિઘટન તરફ લઈ જાય છે. સમાજમાં ભય, અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. શિક્ષણ કથળે છે. લોકોમાં ભાઈચારાની ભાવના ઓછી થાય છે. સાંપ્રદાયિક ઝઘડાઓ સમાજવ્યવસ્થાને છિન્નભિન્ન કરે છે. આંતરવ્યવહારો ખોરવાય છે.
  21. આતંકવાદની આર્થિક અસરો : જે-તે પ્રદેશના વિકાસ પર માઠી અસર થતાં લોકો રોજગાર માટે સ્થળાંતર કરે છે. આતંકવાદીઓ ભય ઉત્પન્ન કરી નાણાં પડાવે છે. તેઓ માદક દ્રવ્યોની હેરાફેરી, કાળાં નાણાં જેવાં અસામાજિક કાર્યો કરે છે. મિલકતોને નુકસાન થતાં તેના પુનઃસ્થાપન માટે કરોડોનો ખર્ચ કરવો પડે છે. પ્રદેશના પરિવહન અને પર્યટન ઉદ્યોગને નુકસાન થાય છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો.
અથવા સાંપ્રદાયિકતાને દૂર કરવા કયાં કયાં પગલાં ભરવાં જોઈએ?
ઉત્તર : સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો નીચે પ્રમાણે છે :
→ સાંપ્રદાયિક તત્ત્વો સામે સૌ નાગરિકોએ અને સરકારે સખતાઈથી કામ લેવું. કોઈ પણ સંજોગોમાં તેમની સામે ઝૂકવું નહિ તેમજ સમાધાન કરવું નહિ.
→ શિક્ષણ દ્વારા સાંપ્રદાયિકતા અસરકારક રીતે નાબૂદ કરી શકાય છે, તેથી અભ્યાસક્રમોમાં બધા ધર્મોનાં સારાં તત્ત્વો દાખલ કરવાં જોઈએ. તદુપરાંત, શાળાઓમાં સર્વધર્મની પ્રાર્થનાઓ તેમજ સામાજિક અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં સર્વધર્મસમભાવનો દૃષ્ટિકોણ વિકસાવી શકાય છે.
→ ભારતના ચૂંટણી પંચે સાંપ્રદાયિક વિચારસરણી પર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી નહિ. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો અને કરાવવો.
→ રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવાં દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં શ્રેષ્ઠ વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝને પોતાના કાર્યક્રમો દ્વારા તેમજ સિનેમાના પડદા પર ફિલ્મોએ સમાજમાં સર્વધર્મસમભાવ અને સહિષ્ણુતાની ભાવનાનો પ્રસાર કરવો જોઈએ. રેડિયો અને ટેલિવિઝને રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
→ સક્ષમ, સબળ અને નિષ્પક્ષ યુવાનોએ સાંપ્રદાયિક હિંસાને નાબૂદ કરવા કમર કસવી જોઈએ.
→> યુવાનોમાંથી સાંપ્રદાયિક ભાવના નાબૂદ થાય અને તેમનામાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલે એવા શૈક્ષણિક અને સામાજિક પ્રયત્નો કરવા જોઈએ.
→ સમાજના બુદ્ધિજીવીઓ, રાજકીય નેતાઓ, ધર્મ કે સંપ્રદાયના વડાઓ વગેરેએ સાથે મળીને સાંપ્રદાયિકતાને અંકુશિત અને નિર્મૂળ કરવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ.
→ ધર્મ, જાતિ, ભાષા અને પ્રદેશથી ઉપર રાષ્ટ્રહિતો અને રાષ્ટ્રગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવવી જોઈએ, જે તેમનામાં ઐક્ય, રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.
(2) લઘુમતીઓનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.
અથવા
લઘુમતીઓ માટે સમાન તકના સંદર્ભમાં બંધારણમાં કઈ જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર : લઘુમતીઓનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ નીચે પ્રમાણે છે :
→ ભારતના બંધારણે દેશની બધી જ લઘુમતીઓને બહુમતીઓના જેટલા અને જેવા જ હકો સમાન ધોરણે ભોગવવાનો અધિકાર આપ્યો છે.
→ લઘુમતીઓના અધિકારો, હિતો, કલ્યાણ અને વિકાસ માટે ભારત સરકારે ‘રાષ્ટ્રીય લઘુમતી પંચ’ની રચના કરી છે. આ ઉપરાંત, ભારતમાં ખાસ કરીને મુસ્લિમ લઘુમતી માટે સરકારે ‘મુસ્લિમ પર્સનલ લૉ’ બનાવ્યો છે. એ કાયદા દ્વારા સરકાર મુસ્લિમ કોમનાં હિતોનું રક્ષણ કરે છે.
→ ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક મુખ્યત્વે ધાર્મિક લઘુમતીઓને ખાતરી આપે છે કે તેઓ પોતાના ધર્મના પ્રસાર, પ્રચાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવા સ્વતંત્ર છે.
→ કાયદો બળપૂર્વક કરેલા ધર્માંતરને માન્ય રાખતો નથી.
→ સરકારી આર્થિક સહાય લેતી કોઈ પણ શિક્ષણસંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી.
→ તમામ ધાર્મિક સમુદાયો પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે સંપત્તિ કે દાન મેળવવાનો તેમજ તેની દેખભાળ કરવાનો અધિકાર ધરાવે છે.
→ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક દ્વારા મળેલા અધિકારો મુજબ લઘુમતીઓ પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિનું સંરક્ષણ કરી શકે છે.
→ લઘુમતીઓને ધર્મ, વંશ, જાતિ, રંગ કે ભાષાને કારણે સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં પ્રવેશતાં અટકાવી શકાશે નહિ.
→ સમાજના બધા વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા અને લિપિને જાળવવા અને તેનો વિકાસ કરવા તેમજ પોતાની સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓ અને તેમનું સંચાલન કરવાનો અધિકાર છે.
(3) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટેની (સામાન્ય) બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો.
અથવા
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ સામાન્ય જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનાં કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય સામાન્ય જોગવાઈઓ નીચે પ્રમાણે છે :
→ બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, ભાષા અથવા તેમાંના કોઈના આધારે (1) રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકશે નહિ. (2) દુકાનો, જાહેર રેસ્ટોરાં, હૉટલો અને જાહેર મનોરંજનનાં સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા (૩) કૂવા, તળાવ, નાહવા માટેના ઘાટો, રસ્તાઓ, સંપૂર્ણ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતાં સ્થળોના અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલાં સ્થળોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ કે શરતો લાદી શકાશે નહિ તેમજ ભેદભાવ દાખવી શકાશે નહિ.
→ બંધારણના આર્ટિકલ 29 પ્રમાણે (1) ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં રહેતા નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે. (2) કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નભતી અથવા નાણાકીય મદદથી ચાલતી કોઈ પણ શિક્ષણસંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતો અટકાવી શકાશે નહિ.
(4) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે?
અથવા
જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ શરૂ કરવામાં આવી છે?
ઉત્તર માટે વાંચો ક્રમાંક 1થી 8]
ઉત્તર : અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓનાં કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં નીચે પ્રમાણે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે :
→ બંધારણના આર્ટિકલ 46ના રાજનીતિના એક મહત્ત્વના માર્ગદર્શક સિદ્ધાંત પ્રમાણે રાજ્ય પ્રજાના પછાત વર્ગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનાં શૈક્ષણિક અને આર્થિક હિતોની સંભાળ રાખશે તેમજ સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે.
→ બંધારણના આર્ટિકલ 16 (4) પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં નાગરિકોના અમુક પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ યોગ્ય પ્રમાણમાં જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમને માટે જગ્યાઓ અથવા નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો અધિકાર રહેશે. આ માટે અનુસૂચિત જાતિઓ માટે 15 ટકા અને અનુસૂચિત જનજાતિઓ માટે 7.5 ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. [શરૂઆતમાં આ અનામત પ્રથા કામચલાઉ ધોરણે 10 વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ ત્યારપછી દર દસ વર્ષે આ સમયગાળો વધારવામાં આવ્યો છે.]
→ બંધારણના આર્ટિકલ 330, 332 અને 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે રાજ્યોની વિધાનસભાઓમાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ બેઠક અનામત રાખવામાં આવી નથી.
→ દરેક રાજ્યની ગ્રામપંચાયતો અને નગરપાલિકાઓમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે વસ્તીના પ્રમાણમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે.
  1. પંચવર્ષીય યોજનાઓમાં તેમનાં બાળકો માટે છાત્રાલયો ખોલવામાં આવ્યાં છે અને શિષ્યવૃત્તિઓની યોજના અમલમાં મુકાયેલી છે.
  2. તેમના માટે વિવિધ પ્રતિયોગ્યતા કસોટી માટે તાલીમ અને માર્ગદર્શન આપતા વર્ગો ચલાવવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે.
  3. સરકારી નોકરીઓમાં આ બંને જાતિઓના ઉમેદવારો માટે ઉંમર, ફી અને લાયકાતના ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે.
  4. તેમના શૈક્ષણિક વિકાસ માટે આશ્રમશાળાઓ શરૂ કરવામાં આવી છે.
  5. તેમના માટે મેડિક્લ, ફાર્મસી અને એન્જિનિયરિંગ કૉલેજ કક્ષાએ તેમજ કેટલીક ઉચ્ચ કક્ષાની શિક્ષણસંસ્થાઓમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે. કૉલેજ કક્ષાના કેટલાક અભ્યાસક્રમો માટે પુસ્તક બૅન્કની યોજના શરૂ કરવામાં આવી છે.
  6. માર્ચ, 1992માં ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મ શતાબ્દી દરમિયાન ડૉ. બાબાસાહેબ આંબેડકર નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. એ સંસ્થા નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવગિરમા માટે કામ કરનાર વ્યક્તિને ‘ડૉ. આંબેડકર પુરસ્કાર’થી સન્માને છે.
  7. આ બંને જાતિઓના કલ્યાણ અને હિતોની સુરક્ષા માટે રાજ્યમાં એક અલગ વિભાગ તથા કેન્દ્રમાં એક વિશિષ્ટ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે.
  8. આ બંને જાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે.
(5) ટૂંક નોંધ લખો : આતંકવાદ – એક વૈશ્વિક સમસ્યા
ઉત્તર : આતંકવાદ માનવસમાજ માટે એક જટિલ, વિકટ અને પડકારરૂપ પ્રશ્ન છે.
→ વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ આજે એક વૈશ્વિક સમસ્યા બન્યો છે.
→ તે માનવઅધિકારોનો હ્રાસ કરે છે.
→ તે થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક તથા ભયજનક હિંસાત્મક કૃત્ય છે.
→ આતંકવાદીઓ હિંસક પ્રવૃત્તિઓ દ્વારા જે-તે પ્રદેશમાં રક્તપાત, વિનાશ, ભય, અશાંતિ અને અરાજકતા ફેલાવે છે.
→ આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી, છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડીને કાયરતાપૂર્ણ, ઘાતકી કૃત્યો કરે છે.
→ તે કોઈ પણ રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે.
→ આતંકવાદી હિંસક પ્રવૃત્તિઓ પ્રકૃતિના સિદ્ધાંત – જીવો અને જીવવા દો’નું સરેઆમ ઉલ્લંઘન કરે છે.
→ આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આત્મઘાતી હુમલા કરવા, બૉમ્બ ફેંકવા, ઘાતક શસ્રો સંતાડવાં અને તેનો ઉપયોગ કરવો, વિમાનો હાઇજેક કરવાં, વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહૃત વ્યક્તિઓને મારી નાખવી, માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવાં વગે૨ે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે.
(6) ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ઉત્તર-પૂર્વ ભારતમાં ચાલતી બળવાખોરી
ઉત્તર : સ્વાતંત્ર્ય બાદથી આજ સુધી ભારતનાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ઉદ્ભવેલી બળવાખોરી એક કાયમી સમસ્યા બની છે.
→ ભારતમાં બળવાખોરીએ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ સામે મોટું જોખમ ઊભું કર્યું છે.
→ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોની અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળોએ આ વિસ્તારની બળવાખોરીની સમસ્યાને જટિલ બનાવી છે.
ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં બળવાખોરી સંગઠનો :
  1. નાગાલૅન્ડ : આ રાજ્યમાં ચાલતી બળવાખોરી એ ભારતના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં સૌથી જૂની છે. અહીં એન.એસ.સી.એન. (નૅશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડ) નામનું સંગઠન ખૂબ સક્રિય છે.
  2. મણિપુર : આ રાજ્યમાં કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) અને કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) નામનાં બે સંગઠનો સક્રિય છે.
  3. ત્રિપુરા : ત્રિપુરામાં ગેરકાયદેસર રહેતા લોકોને ત્રિપુરામાંથી હાંકી કાઢવા માટે એન.એલ.એફ.ટી. (નૅશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા) અને ‘એ.ટી.ટી.એફ. (ઑલ ત્રિપુરા ટાઇગર ફોર્સ) નામનાં બે બળવાખોર સંગઠનો સક્રિય છે.
    તેની પ્રતિક્રિયા રૂપે ગેરકાયદેસર રહેતા લોકોએ પણ પોતાનું ટી.યુ.જે.એસ. (ત્રિપુરા ઉપનીસ જુપા સમિતિ) નામનું બળવાખોર સંગઠન રચ્યું છે.
  4. અસમ : ઉલ્કા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) અને યુ.એમ.એફ. (યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ) અસમનાં મુખ્ય બે બળવાખોર સંગઠનો છે. તેમાં વિદેશી વિરોધી આંદોલનથી જન્મેલું ઉલ્ફા સંગઠન ખતરનાક હિંસક પ્રવૃત્તિઓ કરે છે. આ ઉપરાંત, એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) અને બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) નામનાં બે બળવાખોર સંગઠનો અલગ બોડોલૅન્ડની માગણી કરી રહ્યાં છે.
→ આ બળવાખોર સંગઠનો વચ્ચે અલગ રાજ્યની માગણી અને પોતાનાં રાજકીય તથા આર્થિક હિતો સ્થાપિત કરવાં તેમજ ગેરકાયદેસર વસવાટ વગેરે પ્રશ્નો અંગે સંઘર્ષ થાય છે.
→ એ સંઘર્ષોને કારણે ઉત્તર-પૂર્વ ભારતનાં આ રાજ્યોની આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે.
(7) આતંકવાદની સામાજિક અસરો જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો : આતંકવાદની સામાજિક અસરો
ઉત્તર : આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે પ્રમાણે છે :
→ આતંકવાદ સમાજની એકતાને છિન્નભિન્ન કરે છે.
→ આતંકવાદને કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે.
→ આતંકવાદીઓ ભય ફેલાવવા હુમલા, લૂંટફાટ, અપહરણ, હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે. પરિણામે નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે.
→ આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી.
→ સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજવ્યવસ્થા અસ્તવ્યસ્ત બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે.
→ જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી.
→ ગામડાં અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય-રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર ઓછો થઈ જાય છે.
(8) આતંકવાદની આર્થિક અસરો વર્ણવો.
અથવા
ટૂંક નોંધ લખો : આતંકવાદની આર્થિક અસરો
ઉત્તર : આતંકવાદની મુખ્ય આર્થિક અસરો નીચે પ્રમાણે છેઃ
→ આતંકવાદથી જે-તે પ્રદેશના વેપાર-ધંધાનો વિકાસ રૂંધાય છે. લોકોને વેપા૨-૨ોજગાર માટે અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરવું પડે છે.
→ આતંકવાદીઓની માદક દ્રવ્યોની હેરાફેરીને લીધે તેમજ તેમના આંતરિક સંબંધોને કારણે દેશમાં કાળું નાણું ઠલવાય છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
→ કેટલાંક આતંકવાદી સંગઠનો વેપારીઓ, કર્મચારીઓ અને શ્રીમંત વેપારીઓ પાસેથી ડરાવી-ધમકાવીને તેમજ અપહરણ કરીને નાણાં પડાવે છે.
→ આતંકવાદથી પોતાના જાનમાલની ખુવારી થશે એવા ભયથી એ પ્રદેશમાં ધંધો કે ઉત્પાદન-પ્રવૃત્તિ માટે લોકો જવા તૈયાર થતા નથી.
→  આતંકવાદી પ્રદેશના લોકો અન્ય વિસ્તારમાં ધંધાર્થે જાય છે, પરંતુ પૂરતી રોજીરોટી નહિ મળવાને કારણે તેઓ નશીલા પદાર્થોનું સેવન કરે છે; ક્યારેક ચોરી-લૂંટફાટ જેવી અસામાજિક પ્રવૃત્તિ કરે છે.
→ આતંકવાદ સામે લોકોને સલામતી અને સુરક્ષા પૂરી પાડવા સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશમાં વિકાસનાં કામો ઓછા પ્રમાણમાં થાય છે.
→ સરકારે બાંધેલાં અનેક બાંધકામો જેવાં કે રસ્તા, પુલ, બંધ, રેલવે, મોટી ઇમારતો વગેરેનો બૉમ્બવિસ્ફોટોથી નાશ કે નુકસાન થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એ બાંધકામોના પુનર્નિર્માણ કે સમારકામમાં સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી એ પ્રદેશની વિકાસ યોજનાઓ સમયસર પૂરી થઈ શકતી નથી કે નવી યોજનાઓ હાથ ધરી શકાતી નથી.
→ આતંકવાદને પરિણામે રાષ્ટ્રના અને રાજ્યના પરિવહન અને પ્રવાસન ઉદ્યોગને આર્થિક નુકસાન થાય છે.
→ આતંકવાદી પ્રવૃત્તિની માઠી અસર જે-તે પ્રદેશના ઉદ્યોગ-ધંધા અને વાહનવ્યવહાર પર થાય છે. તેથી ત્યાં જીવનજરૂરિયાતોની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થતાં ભાવવધારો જોવા મળે છે. લાંચરુશવત અને ભ્રષ્ટાચારની બદી ફેલાય છે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી રહી ગઈ?
ઉત્તર : ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ : ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. જ્ઞાતિવ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ આજના સ્વરૂપ કરતાં જુદું હતું. પ્રાચીન સમયની જ્ઞાતિવ્યવસ્થા ચાતુર્વણવ્યવસ્થા પર આધારિત હતી. તે સમયમાં સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – આ ચાર વર્ણો હતા. પ્રત્યેક જ્ઞાતિ પોતાને ફાળવેલ વ્યવસાય કરતી હતી.
→ એ સમયમાં જ્ઞાતિ-આધારિત વસવાટો અને વ્યવસાયો હતા. દરેક જ્ઞાતિ પોતાના વ્યવસાય પ્રમાણે આવક મેળવતી હતી.
→ આમ, આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી. તેથી એ જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ અન્ય જ્ઞાતિઓ કરતાં નબળી રહી ગઈ.
ભારતીય સમાજની કેટલીક જાતિઓ : ભારતમાં બ્રિટિશકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, મોટે ભાગે દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં અલગ વસતી હતી.
→ તેમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક સમૂહોથી અલગ હતું.
→ એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાકી જીવન જીવતા હતા. તેથી તેઓ વિકાસ સાધી શક્યા નહિ.
→ તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરે છે.
→ આમ, ઉપર્યુક્ત કારણોને લીધે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહી ગઈ.
(2) ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરી છે?
ઉત્તર : ભારતમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ, કલ્યાણ અને રક્ષણ માટે નીચેની બંધારણીય જોગવાઈઓ કરી છે :
→ ભારતના બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે.
→ દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી.
→ રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા, બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે.
→ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
→ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીય હકો આપવામાં આવ્યા છે.
→ દેશની પંચવર્ષીય યોજનાઓમાં આ વર્ગોના વિકાસ અને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.
(3) અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ કોને કહેવામાં આવે છે?
ઉત્તર : ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી.
→ જે-તે રાજ્યના રાજ્યપાલની સલાહથી દેશના રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા આ બંને જાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે.
→ ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત – નબળા – બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભાઈચારાથી તેમનામાં રહેલી સંકુચિતતાઓ નાબૂદ કરી તેમને સામાજિક દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ સાધવા એ વર્ગો માટે ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.
→ બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ- (Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.
→ બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ- (Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જનજાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.
→ મોટે ભાગે દુર્ગમ જંગલો કે પહાડી પ્રદેશમાં રહેતી, સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન અને આગવી સંસ્કૃતિ ધરાવતી તેમજ આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ પછાત જાતિઓને અનુસૂચિત જનજાતિઓની અનુસૂચિમાં સમાવવામાં આવી છે.
(4) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર : ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે નીચે પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવી છે:
→ બંધારણના આર્ટિકલ 17 મુજબ ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે. કોઈ પણ સ્વરૂપે ‘અસ્પૃશ્યતા’ના અમલની મનાઈ ફરમાવવામાં આવી છે. ‘અસ્પૃશ્યતા’ના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે.
[વિશેષ : કેન્દ્ર સરકારે બનાવેલા અસ્પૃશ્યતા નાબૂદીના કાયદા -1955 મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે દંડ અને જેલની શિક્ષા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.]
→ બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે, જાહેર ગણી શકાય તેવી હિંદુ ધાર્મિક સંસ્થાઓને હિંદુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવાનો અથવા એ અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળે છે.
→ તેમાં ‘હિંદુઓ’ના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓનો તેમજ ‘હિંદુ ધાર્મિક સંસ્થાઓ’ના ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
(5) નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. અથવા નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો.
ઉત્તર : નક્સલવાદી આંદોલન અંગેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે :
→ ચીનમાં માઓ-ત્સે-તંગની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું છે.
→ આ ઉગ્રવાદી વિચારધારા નક્સલવાદ કહેવાય છે, કારણ કે તેનો ઉદ્ભવ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો.
→ ઈ. સ. 1967માં પશ્ચિમ બંગાળમાં ચારુ મજમુદારના નેતૃત્વ નીચે નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું.
→ ત્યારપછી આ આંદોલન ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરલ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના પહાડી અને જંગલ- વિસ્તારોમાં પ્રસર્યું છે. આજે ભારતનાં 13 રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ છે.
→ નક્સલવાદી આંદોલનમાં ‘પિપલ્સ વૉર ગ્રૂપ’ (પી.ડબ્લ્યૂ.જી.) અને ‘માઓવાદી – સામ્યવાદી કેન્દ્ર’ (એમ.સી.સી.) નામનાં બે મુખ્ય સંગઠનો છે. –
→ નક્સલવાદી બળવાખોરો લૂંટફાટ, અપહરણ, હિંસક હુમલા, બૉમ્બવિસ્ફોટ જેવી હિંસાત્મક પ્રવૃત્તિઓ કરે છે.
→ તેમની પ્રવૃત્તિઓ મુખ્યત્વે રાજ્ય સરકારોની શાસનવ્યવસ્થા સામે છે.
(6) ટૂંક નોંધ લખો : જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ
ઉત્તર : 15 ઑગસ્ટ, 1947ના રોજ ભારતને આઝાદી મળી એ સાથે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં. એ સમયે પાકિસ્તાને કશ્મીરમાં સૈનિકો મોકલીને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો.
→ જમ્મુ-કશ્મીર ભારતનું જ અભિન્ન અંગ છે એ હકીકત નિર્વિવાદ છે. આમ છતાં, પાકિસ્તાને તેને મેળવવા ભારત સાથે ઈ. સ. 1948, 1965, 1971 અને 1998(કાગિલ)માં ચાર વાર યુદ્ધો કર્યાં. તેમાં દ૨ેક વખત પાકિસ્તાનનો પરાજય થયો.
→ ઈ. સ. 1988 પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે. જમ્મુ-કશ્મીરના આતંકવાદને સીમાપારથી સતત સહાય મળે છે. એટલું જ નહિ, આ આતંકવાદની છાવણીઓ તેમજ તાલીમ કેન્દ્રો પણ સીમાપાર આવેલા વિસ્તારોમાં છે, તેવા અહેવાલો વારંવા૨ પ્રસિદ્ધ થયા છે.
→ સીમાપારથી તાલીમ અને અતિઆધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ-કશ્મીરમાં હત્યા, અપહરણ, બૉમ્બવિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આથી જમ્મુ-કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.
→ આજે આવાં હજારો કુટુંબો શરણાર્થી તરીકે જમ્મુ-કશ્મીરની બહાર જીવી રહ્યાં છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :

(1) કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે?
ઉત્તર : ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણથી વિરુદ્ધ છે.
→ આમ છતાં, કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય વિના કારણે અન્ય ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તનાવ પેદા થાય છે. પરિણામે દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે.
→ કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજા ધર્મોની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવા પ્રયત્ન કરે અને પોતાનાં ધાર્મિક હિતોને જ પ્રાધાન્ય આપે છે ત્યારે સમાજમાં વર્ગવિગ્રહ થાય છે.
→ તેઓ અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દૃષ્ટિથી જુએ છે.
→ તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા રહે છે.
→ વ્યક્તિ પોતાના જ દેશબંધુઓને પોતાના વિરોધી માને છે, તેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે.
→ આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારાની ઉગ્રતા સમાજને વિભાજન તરફ લઈ જાય છે.
(2) લઘુમતી કોને કહેવાય?
ઉત્તર : ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી નથી. ધર્મ કે ભાષાના આધાર પર કોઈ ચોક્કસ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતી ન ધરાવતા લોકસમૂહને લઘુમતી કહેવાય. સામાન્ય રીતે દેશ કે કોઈ પ્રદેશની કુલ જનસંખ્યાના અડધાથી ઓછી જનસંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય.
→ લઘુમતી વિષેનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી.
→ રાષ્ટ્રીય સ્તર ૫૨ લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક કે પ્રાદેશિક લઘુમતીઓ પણ હોય છે. તેથી રાષ્ટ્રીય સ્તરની લઘુમતીઓની સંકલ્પના રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં તદ્દન જુદી છે.
→ એટલે કે, કોઈ એક લોકસમુદાય રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તોપણ તે રાષ્ટ્રીય સ્તરે લઘુમતીમાં હોઈ શકે છે અને રાજ્યની લઘુમતીનો કોઈ લોક્સમુદાય રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે છે.
(3) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કોને કહેવામાં આવે છે?
ઉત્તર : બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ(Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જાતિઓ’ (Scheduled Castes) અને બંધારણની કલમ 342માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિ(Schedules)માં સમાવિષ્ટ જાતિઓને ‘અનુસૂચિત જનજાતિઓ’ (Scheduled Castes) કહેવામાં આવે છે.
(4) બંધારણનો આર્ટિકલ 19 (5) રાજ્યપાલોને કઈ સત્તા આપે છે?
અથવા
બંધારણમાં ફક્ત અનુસૂચિત જનજાતિ માટે ખાસ કઈ જોગવાઈ કરવામાં આવી છે ?
ઉત્તર : બંધારણનો આર્ટિકલ 19 (5) રાજ્યપાલોને નીચેની સત્તાઓ આપે છે :
→ અનુસૂચિત જનજાતિઓના હિતમાં બધા નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવ-જા કરવાના, વસવાટ કરવાના, મિલકત સંપાદન કરવાના અથવા કોઈ પણ વેપાર કે ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે.
→ આ સત્તાની રૂએ રાજ્યપાલો અનુસૂચિત જનજાતિઓના વિસ્તારોમાં જમીનની ફેરબદલી, નાણાંની ધીરધાર તેમજ અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને અટકાવવા અને શોષણ સામે રક્ષણ કરવા ખાસ કાયદાઓ બનાવી શકે છે.
(5) બળવાખોરી કોને કહેવાય? ભારતમાં આતંકવાદ અને બળવાખોરીએ શી અસર કરી છે?
ઉત્તર : પોતાના રાષ્ટ્રની સરહદો વચ્ચે, પોતાની જ સરકાર વિરુદ્ધ, સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હિંસક પ્રવૃત્તિને ‘બળવાખોરી’ કહેવાય. બળવાખોરીને આતંકવાદનું નાનું અને સ્થાનિક સ્વરૂપ ગણી શકાય.
ભારતમાં આતંકવાદ અને બળવાખોરીએ દેશની એકતા, અખંડિતતા, સાંપ્રદાયિકતા અને વિકાસ સામે મોટું જોખમ ઊભું કર્યું છે.
(6) ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયાં પરિબળો ઉત્તેજિત રાખે છે?
ઉત્તર : ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદાં જુદાં બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.
(7) આતંકવાદ એટલે શું?
ઉત્તર : જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ ‘આતંકવાદ’ કહેવાય છે.
→ આતંકવાદ થોડાક લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને ઇરાદાપૂર્વક કરવામાં આવતું અનૈતિક અને ભયજનક હિંસાત્મક કૃત્ય છે.
(8) જમ્મુ-કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને શા માટે સ્થળાંતર કરવું પડ્યું છે?
ઉત્તર : સીમાપારથી તાલીમ અને અતિઆધુનિક શસ્ત્રો સાથે ઘૂસણખોરી કરતા આતંકવાદીઓએ જમ્મુ-કશ્મીરમાં હત્યા, અપહરણ, બૉમ્બવિસ્ફોટ વગેરે દ્વારા ક્રૂર આતંક ફેલાવીને લોકોને ભયભીત કરી દીધા છે. આથી જમ્મુ-કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોને વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે.

પ્રશ્ન 4. નીચેનાં વિધાનો કારણો આપી સમજાવો :

(1) ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીને ધાર્મિક વિશ્વાસ અપાવે છે.
ઉત્તર : ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા લઘુમતીઓને બહુમતીઓની જેમ જ જાહેર શાંતિ, સલામતી અને એકતાની વિરુદ્ધ ન હોય એવો કોઈ પણ ધર્મ પાળવાની, ધાર્મિક ક્રિયાઓ કરવાની, તેનો પ્રચાર કરવાની અને તેના પ્રોત્સાહન માટે પ્રયત્નો કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
→ લઘુમતીઓ પોતપોતાના ધર્મના પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેમનું સંચાલન કરી શકે છે, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફંડફાળો એકઠો કરી શકે છે તેમજ મિલકત પણ ધરાવી શકે છે.
આમ, ધાર્મિક સ્વતંત્રતાનો હક લઘુમતીઓને ધાર્મિક વિશ્વાસ અપાવે છે.
(2) નબળા વર્ગો માટે બંધારણમાં વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તર : ભારતમાં જ્ઞાતિવાદને કારણે શોષિત – નબળા – બનેલા કેટલાક વર્ગોનું શોષણ અટકાવવા, તેમની સામેના અન્યાયો દૂર કરી તેમનું રક્ષણ કરવા, સમાનતા અને ભ્રાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતાઓ નાબૂદ કરી તેમને સમાન દરજ્જો આપવા તેમજ તેમનો સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક વિકાસ કરવા સમાન તકો આપવા બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે.

પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :

(1) કેવા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર : ભૌગોલિક એકલતા, સામાન્ય સમાજથી અલગ જીવન, ભિન્ન સંસ્કૃતિ તેમજ આર્થિક અને શૈક્ષણિક પછાતપણું ભોગવતા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે.
(2) બંધારણના આર્ટિકલ 330, 332 અને 334માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે?
ઉત્તર : બંધારણના આર્ટિક્લ 330, 332 અને 334માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભામાં અને કેન્દ્રમાં લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
(3) ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનવામાં આવે છે?
ઉત્તર : સમાજના નબળા વર્ગોના ઉદ્ધાર, કલ્યાણ, સામાજિક પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવગરિમા માટે કામ કરનારને ડૉ. આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનવામાં આવે છે.
(4) ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને કયાં પરિબળો ઉત્તેજિત રાખે છે?
ઉત્તર : ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થતી બળવાખોરીને અનેક જનજાતિઓ, જંગલી અને પહાડી વિસ્તાર, જુદા જુદા બળવાખોર સંગઠનોનો એકબીજા સાથે મેળ, કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા, વિદેશી એજન્સીઓનો હસ્તક્ષેપ વગેરે પરિબળો ઉત્તેજિત રાખે છે.
(5) નક્સલવાદી પ્રવૃત્તિ કયાં કયાં રાજ્યોમાં ચાલે છે?
ઉત્તર : નક્સલવાદી પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં ચાલે છે.
(6) મણિપુરમાં કયાં બળવાખોર સંગઠનો વધુ સક્રિય છે?
ઉત્તર : મણિપુરમાં કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) અને કે.એન.એ. (કુકી) નૅશનલ આર્મી) આ બે બળવાખોર સંગઠનો વધુ સક્રિય છે.
(7) ત્રિપુરામાં કયાં બળવાખોર સંગઠનો સક્રિય છે?
ઉત્તર : ત્રિપુરામાં એન.એલ.એફ.ટી. (નૅશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા), એ.ટી.ટી.એફ. (ઑલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ) અને ટી.યુ.જે.એસ. (ત્રિપુરા ઉપનીસિ જુપા સમિતિ) આ ત્રણ બળવાખોર સંગઠનો સક્રિય છે.
(8) અસમમાં કયાં બળવાખોર સંગઠનો સક્રિય છે?
ઉત્તર : અસમમાં ઉલ્હા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ), યુ.એમ.એફ. (યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ), એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) અને બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) આ ચાર બળવાખોર સંગઠનો સક્રિય છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો  :

(1) ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને ……… ની વિશેષતા ધરાવે છે. 
A. સાંપ્રદાયિક
B. સર્વધર્મસમભાવ
C. સહિષ્ણુતા
ઉત્તર : B. સર્વધર્મસમભાવ
(2) ધર્મ એ ……… વિષય છે.
A. શ્રદ્ધા
B. સદ્ભાવ
C. માનસિક
ઉત્તર : A. શ્રદ્ધા
(3) સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય …….. કરી શકે છે. 
A. પ્રાર્થના
B. બંધારણ
C. શિક્ષણ
ઉત્તર : C. શિક્ષણ
(4) ભારતની સામાજિક સંરચના …….. પર આધારિત છે.
A. ભાષા
B. જ્ઞાતિ
C. સંપ્રદાય
ઉત્તર : B. જ્ઞાતિ
(5) ભારતના લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ …….. ‘માં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે.
A. માતૃભાષા
B. રાષ્ટ્રભાષા
C. પ્રાદેશિક
ઉત્તર : A. માતૃભાષા
(6) સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી …….. ના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
A. મુખ્ય ન્યાયમૂર્તિ
B. વડા પ્રધાન
C. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર : C. રાષ્ટ્રપ્રમુખ
(7) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે ……… ને આધાર ગણવામાં આવે છે. 
A. અસ્પૃશ્યતા
B. ધર્મ
C. સંપ્રદાય
ઉત્તર : A. અસ્પૃશ્યતા
(8) બંધારણના આર્ટિકલ ……… પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
A. 25
B. 17
C. 29
ઉત્તર : B. 17
(9) બંધારણનો આર્ટિકલ ……… ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતને કારણે ભેદભાવ પર પ્રતિબંધ મૂકે છે.
A. 16(4)
B. 15
C. 29
ઉત્તર : B. 15
(10) …….. એક વૈશ્વિક સમસ્યા છે.
A. સાંપ્રદાયિકતા
B. ભાષાવાદ
C. આતંકવાદ
ઉત્તર : C. આતંકવાદ
(11) ……… એ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. 
A. જ્ઞાતિવાદ
B. ભાષાવાદ
C. આતંકવાદ
ઉત્તર : C. આતંકવાદ
(12) ……… સમાજને વિઘટન તરફ દોરી જાય છે.
A. જ્ઞાતિવાદ
B. આતંકવાદ
C. ભાષાવાદ
ઉત્તર : B. આતંકવાદ
(13) 15 ઑગસ્ટ, ………… ના રોજ ભારત સ્વતંત્ર થયું.
A. 1947
B. 1945
C. 1950
ઉત્તર : A. 1947
(14) ઈ. સ. …….. પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.
A. 1980
B. 1985
C. 1988
ઉત્તર : C. 1988
(15) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ. ……. માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. 
A. 1962
B. 1967
C. 1982
ઉત્તર : B. 1967
(16) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ………. રાજ્યમાં શરૂ થયું. 
A. પશ્ચિમ બંગાળ
B. અસમ
C. બિહાર
ઉત્તર : A. પશ્ચિમ બંગાળ
(17) એન.એસ.સી.એન.એ …….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે. 
A. નાગાલૅન્ડ
B. અસમ
C. ત્રિપુરા
ઉત્તર : A. નાગાલૅન્ડ
(18) ભારતમાં શરૂ થયેલ નક્સલવાદી આંદોલને …….. ની ક્રાંતિમાંથી પ્રેરણા લીધી હતી. 
A. ફ્રાન્સ
B. ચીન
C. રશિયા
ઉત્તર : B. ચીન
(19) ચીનની ક્રાંતિ ……… ના નેતૃત્વ નીચે થઈ હતી.
A. ચી-હવાંગ-ટી
B. સુમો-યાત-સેન
C. માઓ-ત્સે-તંગ
ઉત્તર : C. માઓ-ત્સે-તંગ
(20) કે.એન.એફ. (કુકી નૅશનલ ફ્રન્ટ) એ ………. રાજ્યનું બળવાખોરી સંગઠન છે. 
A. અસમ
B. ત્રિપુરા
C. મણિપુર
ઉત્તર : C. મણિપુર
(21) કે.એન.એ. (કુકી નૅશનલ આર્મી) એ ……….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે. 
A. મણિપુર
B. અસમ
C . નાગાલૅન્ડ
ઉત્તર : A. મણિપુર
(22) એન.એલ.એફ.ટી. એ …….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. અસમ
B. ત્રિપુરા
C. મણિપુર
ઉત્તર : B. ત્રિપુરા
(23) એ.ટી.ટી.એફ. એ …….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. ત્રિપુરા
B. અસમ
C. નાગાલૅન્ડ
ઉત્તર : A. ત્રિપુરા
(24) ટી.યુ.જે.એસ. એ …….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. અસમ
B. નાગાલૅન્ડ
C. ત્રિપુરા
ઉત્તર : C. ત્રિપુરા
(25) ઉલ્કા (યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ) એ ……… રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. ત્રિપુરા
B. અસમ
C. નાગાલૅન્ડ
ઉત્તર : B. અસમ
(26) યુ.એમ.એફ. (યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ) એ ……….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે. 
A. અસમ
B. નાગાલૅન્ડ
C. મણિપુર
ઉત્તર : A. અસમ
(27) એન.ડી.એફ.બી. (નૅશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઑફ બોડોલૅન્ડ) એ …….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. નાગાલૅન્ડ
B. ત્રિપુરા
C. અસમ
ઉત્તર : C. અસમ
(28) બી.એલ.ટી.એફ. (બોડોલૅન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ) એ …….. રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
A. ત્રિપુરા
B. મણિપુર
C અસમ
ઉત્તર : C અસમ

પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

(1) ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
(2) ભારતની સંસ્કૃતિ વિઘટનકારી અને સર્વધર્મસમભાવની વિશેષતા ધરાવે છે.
(3) ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે.
(4) ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે.
(5) સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય ધર્મ કરી શકે છે.
(6) ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે.
(7) ભારતીય લઘુમતીનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ રાષ્ટ્રભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે.
(8) ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ રાષ્ટ્રપ્રમુખના આદેશ દ્વારા કરવામાં આવ્યો છે.
(9) બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
(10) બંધારણની ક્લમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે.
(11) અનુસૂચિત જનજાતિઓ સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ છે.
(12) કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ બેઠક અનામત રાખવામાં આવી નથી.
(13) બંધારણની ક્લમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે.
(14) આતંકવાદ જે-તે રાષ્ટ્રની સમસ્યા છે.
(15) આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે.
(16) બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે.
(17) ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈ. સ. 1948માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.
(18) એન.એસ.સી.એન.એ નાગાલૅન્ડ રાજ્યનું બળવાખોરી આંદોલન છે.
(19) કે.એન.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(20) કે.એન.એ. એ મણિપુર રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(21) એન.એફ.ટી.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(22) એ.ટી.ટી.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(23) ટી.યુ.જે.એસ. એ મણિપુર રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(24) ઉલ્ફા એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(25) યુ.એમ.એફ. એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(26) એન.ડી.એફ.બી. એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(27) બી.એલ.ટી.એફ. એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે.
(28) 15 ઑગસ્ટ, 1948ના રોજ ભારત સ્વતંત્ર થયું.
(29) ઈ. સ. 1988 પછી જમ્મુ-કશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે.
(30) આતંકવાદ સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે.
ઉત્તર :
(1) ખરું
(2) ખોટું
(3) ખરું
(4) ખોટું
(5) ખોટું
(6) ખરું
(7) ખોટું
(8) ખરું
(9) ખોટું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
(13) ખરું
(14) ખોટું
(15) ખરું
(16) ખોટું
(17) ખોટું
(18) ખરું
(19) ખોટું
(20) ખરું
(21) ખોટું
(22) ખરું
(23) ખોટું
(24) ખરું
(25) ખોટું
(26) ખરું
(27) ખરું
(28) ખોટું
(29) ખરું
(30) ખોટું

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :

(1) ધર્મની દૃષ્ટિએ ભારત કેવું રાજ્ય છે?
ઉત્તર : બિનસાંપ્રદાયિક
(2) ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે?
ઉત્તર : હિંદુઓ
(3) ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?
ઉત્તર : મુસ્લિમ
(4) કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ ?
ઉત્તર : સાંપ્રદાયિક
(5) ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?
ઉત્તર : જ્ઞાતિ પર
(6) પ્રાચીન ભારતની સામાજિક સંરચના શાના પર આધારિત હતી ?
ઉત્તર : વર્ણવ્યવસ્થા પર
(7) ભારતમાં દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશમાં કઈ જાતિઓ વસવાટ કરે છે?
ઉત્તર : અનુસૂચિત જનજાતિઓ
(8) કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે?
ઉત્તર : સાંપ્રદાયિકતા
(9) વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ક્યો છે?
ઉત્તર : ભારત
(10) સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં કર્યું શિક્ષણ આપી શકાતું નથી?
ઉત્તર : ધાર્મિક
(11) બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
ઉત્તર : અનુસૂચિત જાતિઓ
(12) બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
ઉત્તર : અનુસૂચિત જનજાતિઓ
(13) અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?
ઉત્તર : રાષ્ટ્રપ્રમુખ
(14) અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?
ઉત્તર : અસ્પૃશ્યતાને
(15) કેન્દ્રના કયા સંસદગૃહમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી નથી?
ઉત્તર : રાજ્યસભા
(16) બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
ઉત્તર : આર્ટિકલ 17
(17) કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?
ઉત્તર : આતંકવાદીઓ
(18) પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી કઈ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે?
ઉત્તર : બળવાખોરી
(19) ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?
ઉત્તર : પશ્ચિમ બંગાળ
(20) આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?
ઉત્તર : વિઘટન
(21) નક્સલબારી વિસ્તાર કયા રાજ્યમાં આવેલ છે?
ઉત્તર : પશ્ચિમ બંગાળ
(22) આતંકવાદની તાત્કાલિક અસર જે-તે પ્રદેશની કઈ વ્યવસ્થા ૫૨ પડે છે?
ઉત્તર : આર્થિક
(23) ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?
ઉત્તર : જમ્મુ-કશ્મીર
(24) એકવીસમી સદીમાં કઈ બાબત માનવસમાજ માટે એક સમસ્યા બનેલ છે?
ઉત્તર : આતંકવાદ
(25) કઈ સમસ્યા સમાજને વિઘટન તરફ દોરી જાય છે?
ઉત્તર : આતંકવાદ
(26) કોના પરિણામે કશ્મીરનાં અનેક પંડિત કુટુંબોએ નાછૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે?
ઉત્તર : (સીમા પરના) આતંકવાદના
(27) કોના નેતૃત્વ નીચે ચીનમાં ક્રાંતિ થઈ હતી ?
ઉત્તર : માઓ-ત્સે-તુંગના
(28) કયા દેશની ક્રાંતિથી પ્રેરણા લઈ ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું હતું?
ઉત્તર : ચીનની

પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

1. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે?
A. જ્ઞાતિવાદ
B. સાંપ્રદાયિકતા
C. ભાષાવાદ
D. આતંકવાદ
ઉત્તર : D. આતંકવાદ
2. ભારત કેવું રાજ્ય છે?
A. રૂઢિવાદી
B. બિનસાંપ્રદાયિક
C. સાંપ્રદાયિક
D. હિંદુવાદી
ઉત્તર : B. બિનસાંપ્રદાયિક
3. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે?
A. ખ્રિસ્તી
B. પારસી
C. શીખ
D. મુસ્લિમ
ઉત્તર : D. મુસ્લિમ
4. ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે?
A. સાંપ્રદાયિકતા
B. જ્ઞાતિવાદ
C. ભાષાવાદ
D. જૂથવાદ
ઉત્તર : B. જ્ઞાતિવાદ
5. ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક મોટો પડકાર છે …
અથવા
કયું પરિબળ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસને અવરોધતું પરિબળ છે?
A. ભાષાવાદ
B. પ્રદેશવાદ
C. જ્ઞાતિવાદ
D. સાંપ્રદાયિકતા
ઉત્તર : D. સાંપ્રદાયિકતા
6. બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
A. અંતિમ જનજાતિઓ
B. લઘુમતી જાતિઓ
C. અનુસૂચિત જાતિઓ
D. અનુસૂચિત જનજાતિઓ
ઉત્તર : C. અનુસૂચિત જાતિઓ
7. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય છે?
A. બહુમતી જાતિઓ
B. અનુસૂચિત જનજાતિઓ
C. અનુસૂચિત જાતિઓ
D. લઘુમતી જાતિઓ
ઉત્તર : B. અનુસૂચિત જનજાતિઓ
8. અનુસૂચિ 341 અને 342માં જાતિની યાદી કોણ નક્કી કરે છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. રાજ્યપાલ
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તર : B. રાષ્ટ્રપ્રમુખ
9. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે?
A. અસ્પૃશ્યતાને
B. ધર્મને
C. સંપ્રદાયને નહિ
D. આપેલ પૈકી એક પણ
ઉત્તર : A. અસ્પૃશ્યતાને
10. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?
A. 10%
B. 21 %
C. 7.5 %
D. 15 %
ઉત્તર : D. 15 %
11. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે?
A. 7.5 %
B. 12%
C. 9 %
D. 15 %
ઉત્તર : A. 7.5 %
12. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે?
A. આર્ટિકલ 25
B. આર્ટિકલ 29
C. આર્ટિકલ 17
D. આર્ટિકલ 46
ઉત્તર : C. આર્ટિકલ 17
13. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે?
A. આંબેડકર આયોગની
B. ગાંધી આયોગની
C. રાષ્ટ્રીય આયોગની
D. ઇન્દિરા આયોગની
ઉત્તર : C. રાષ્ટ્રીય આયોગની
14. કયા લોકો માનવઅધિકારમાં માનતા નથી?
A. રાષ્ટ્રવાદીઓ
B. આતંકવાદીઓ
C. ક્રાંતિકારીઓ
D. સમાજસેવકો
ઉત્તર : B. આતંકવાદીઓ
15. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલ ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી છે?
A. માઓ-ત્સે-તુંગના
B. ચી-હવાંગ-ટીના
C. ડૉ. સિયા-યાત-સુનના
D. સુમો-યાત-સેનના
ઉત્તર : A. માઓ-ત્સે-તુંગના
16. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો?
A. આંધ્ર પ્રદેશ
B. ઓડિશા
C. પશ્ચિમ બંગાળ
D. બિહાર
ઉત્તર : C. પશ્ચિમ બંગાળ
17. આતંકવાદ સમાજને કઈ તરફ દોરી જાય છે?
A. વિઘટન
B. સંગઠન
C. એકતા
D. રાષ્ટ્રપ્રેમ
ઉત્તર : A. વિઘટન
18. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે?
A. ગુજરાત
B. ઉત્તર પ્રદેશ
C . મહારાષ્ટ્ર
D. જમ્મુ-કશ્મીર
ઉત્તર : D. જમ્મુ-કશ્મીર
19. એન.એલ.એફ.ટી. : ત્રિપુરા / ઉલ્કા : ……
A. નાગાલૅન્ડ
B. પંજાબ
C. આંધ્ર પ્રદેશ
D. અસમ
ઉત્તર : D. અસમ
20. ભારત એક ………. ધર્મી દેશ છે.
A. ઇસ્લામ
B. એક
C. બહુ
D. હિંદુ
ઉત્તર : C. બહુ
21. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠનને ‘અસમ’ રાજ્ય સાથે સંબંધ નથી? 
A. ઉલ્હા
B. બી.એલ.ટી.એફ.
C. યુ.એમ.એફ.
D. એમ.સી.સી.
ઉત્તર : D. એમ.સી.સી.
हमसे जुड़ें, हमें फॉलो करे ..
  • Telegram ग्रुप ज्वाइन करे – Click Here
  • Facebook पर फॉलो करे – Click Here
  • Facebook ग्रुप ज्वाइन करे – Click Here
  • Google News ज्वाइन करे – Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *