Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 4 ભારતનો સાહિત્યિક વાસો
Gujarat Board | Class 10Th | Social Science | Model Question Paper & Solution | Chapter – 4 ભારતનો સાહિત્યિક વાસો
પ્રક૨ણસાર
- ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છેઃ (1) વૈદિક સાહિત્ય અને (2) પ્રશિષ્ટ સાહિત્ય.
- સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’, ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ના નામે ઓળખવામાં આવે છે.
- સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, વિવેચન વગેરે વિષયોની ભાષા હતી.
- વેદો ચાર છે : (1) ૠગ્વેદ, (2) સામવેદ, (3) યજુર્વેદ અને (4) અથર્વવેદ.
- ઋગ્વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે.
- સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે. તેથી સામવેદ ‘સંગીતની ગંગોત્રી’’ કહેવાય છે.
- યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
- અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે.
- ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.
- વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણગ્રંથોમાં સમાવેશ થાય છે.
- આર્યોએ અરણ્યમાં – વનમાં, આશ્રમમાં રહીને સતત ચિંતન કરીને રચેલા તત્ત્વજ્ઞાનથી સભર એવા સાહિત્યને ‘આરણ્યકો’ કહે છે.
- ભારતનાં મુખ્ય બે મહાકાવ્યો (1) રામાયણ અને (2) મહાભારત.
- મહાભારતના ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ – આ ત્રણ મોક્ષપ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે.
- સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો દર્શાવવામાં આવ્યાં છે.
- કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભાવિ, ભતૃહિર, બાણભટ્ટ વગેરે ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો છે.
- ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’ વગેરે મહાકવિ કાલિદાસની ઉત્કૃષ્ટ નાટ્યશૈલીના શ્રેષ્ઠ ગ્રંથો છે.
- ‘સુત્ત (સૂત્ર) પિટક’, ‘વિનય પિટક’ અને ‘અભિધમ્મ પિટક’ – એ ત્રિપિટક બૌદ્ધ ગ્રંથો છે.
- પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો. ‘શીલપ્પતિકારમ્’ અને ‘મણિમેખલાઈ’ એ બે પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.
- મધ્યયુગમાં કશ્મીરમાં સોમદેવે ‘કથાસરિતસાગર’ અને કલ્હણે ‘રાજતરંગિણી’ નામના બે ગ્રંથો લખ્યા.
- કશ્મીરના ઇતિહાસને આલેખતો કલ્હણનો ‘રાજતરંગિણી’ નામનો ગ્રંથ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.
- કવિ જયદેવરચિત ‘ગીતગોવિંદ’ નામનો કાવ્યસંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિસુંદર કાવ્યગ્રંથ છે. ચંદબરદાઈરચિત ‘પૃથ્વીરાજરાસો’ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.
- પંપા, પોન્ના અને રત્ના – એ ત્રણ કવિઓને પ્રારંભિક કન્નડ સાહિત્યની ‘ત્રિમૂર્તિ’ તરીકે ઓળખવામાં આવે છે.
- ‘વ્રજ’ અને ‘ખડીબોલી’ – એ હિંદી ભાષાનાં બે સ્વરૂપો છે.
- મુલ્લા દાઉદરચિત ‘ચંદ્રાયન’ગ્રંથ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે.
- આલ્બા, ઉદલ, બીસલદેવરાસો વગેરે રાજસ્થાની ભાષાની પ્રખ્યાત વીરગાથાઓ છે.
- અમીર ખુશરો દિલ્લી સલ્તનત સમયનો મહાન સાહિત્યકાર હતો. ‘આસિકા’, ‘નૂહ’, ‘સિપિહર’ અને ‘કિરાતુલ-સદાયન’ – એ અમીર ખુશરોની મહત્ત્વની કૃતિઓ છે.
- તુલસીદાસ અને સૂરદાસ મધ્યયુગના હિંદી ભાષાના મહાન સાહિત્યકારો હતાં. તુલસીદાસે અવિધ ભાષામાં ‘રામચિરતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. ભોજપુરી અને અવધી એ બે હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ છે.
- મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્ય, ગુજરાતીમાં નરસિંહ મહેતાએ અને મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિગીતો રચ્યાં.
- ‘આમુક્તમાલ્યદા’ ગ્રંથની રચના વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કરી હતી.
- અબુલ ફઝલે ‘આયને-અકબરી’ અને ‘અકબરનામા’ નામનાં બે પુસ્તકો લખ્યાં. આયને-અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનનાં લગભગ તમામ પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે.
- મુઘલ બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, ‘શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી.
- મધ્યયુગ દરમિયાન વલી, મીરદર્દ, મીતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થઈ ગયા હતા.
- નાલંદા વિશ્વવિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી હતી. નાલંદામાંથી અભ્યાસ કરીને બહાર આવેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો.
- નાલંદા વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાતાં ગ્રંથાલયો હતાં. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ નામે ઓળખાતો હતો. ચીની પ્રવાસી યુઅન-શ્વાંગે આ વિદ્યાપીઠમાં રહીને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કર્યો હતો. તે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. ઈ. સ. 5મીથી 11મી સદી સુધી નાલંદા વિદ્યાપીઠની ખ્યાતિ અને પ્રસિદ્ધિ રહી હતી.
- તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. આ વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
- કૌટિલ્યે, ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલ રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. વારાણસી(કાશી)ના રાજકુમારો તક્ષશિલા વિદ્યાપીઠમાં જ શિક્ષણ લેતા હતા.
- 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
- યાત્રાધામ વારાણસી (કાશી) ઈ. સ. પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્ત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા.
- ભગવાન બુદ્ધ, આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલભાચાર્યજી વગેરે માટે વારાણસી(કાશી)નું મહત્ત્વ ઘણું હતું.
- સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો.
- વલભી વિદ્યાપીઠ ઈ. સ.ના 7મા સૈકામાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું. તે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. વલભી વિદ્યાપીઠને વિશાળ અને અતિ સમૃદ્ધ બનાવવામાં મૈત્રક વંશના એ સમયના શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.
- બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા.
- વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. મૈત્રક વંશના રાજવીઓ સનાતની હોવા છતાં તેઓ મહાન આશ્રયદાતાઓ હતા.
- વલભી વિદ્યાપીઠમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા. ખરેખર, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
- ચીની પ્રવાસી ઇત્સિંગ વલભી વિદ્યાપીઠથી પ્રભાવિત બન્યો હતો.
- નાલંદા, તક્ષશિલા, વલભી, વારાણસી (કાશી) વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી.
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો.
અથવા
પ્રાચીન ભારતીય સાહિત્ય વિગતે જણાવો.
ઉત્તર : પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય નીચે પ્રમાણે છે:
→ ‘ઋગ્વેદ’ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે. મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે.
→ ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ – આ ત્રણ વેદો રચાયા. વેદો પછી બ્રાહ્મણગ્રંથો રચાયા. તે તત્ત્વજ્ઞાનથી ખૂબ ભરેલા છે.
→ એ પછી દાર્શનિક સાહિત્ય તરીકે જાણીતાં બનેલાં ઉપનિષદો રચાયાં. તે સંવાદના સ્વરૂપમાં છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય એ પ્રારંભનાં ઉપનિષદો છે.
→ આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું. તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે.
→ આ સમયમાં મહાન વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ સંસ્કૃત ભાષામાં ‘અષ્ટાધ્યાયી’ નામનો પ્રખ્યાત વ્યાકરણગ્રંથ તૈયાર કર્યો.
→ પ્રાચીન ભારતીય સાહિત્યમાં મહાકાવ્યો તરીકે ‘રામાયણ’ અને ‘મહાભારત’ મુખ્ય છે.
→ પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્ય રચાયું. તેમાં પુરાણો; વિવિધ કલાઓ, તત્ત્વજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્રગ્રંથો તથા સ્મૃતિગ્રંથો મુખ્ય છે.
→ પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલિ ભાષામાં લખાયું. તેમાં ‘ત્રિપિટક’ તરીકે ઓળખાતાં ‘સુત્ત (સૂત્ર) પિટક’, ‘વિનય પિટક’ અને ‘અભિધમ્મ પિટક’ નામના ગ્રંથો મુખ્ય છે.
→ બૌદ્ધ સાહિત્યમાં ‘મિલિન્દ પન્હો’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
→ ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટકના વિકાસનો ‘સુવર્ણયુગ’ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવિ, ભતૃહિર, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. -> એ પછીના સમયમાં શંકરાચાર્યે ‘ભાષ્ય’ની રચનાઓ કરી.
→ પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડકુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે.
(2) મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો.
ઉત્તર : મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું.
→ આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો.
→ મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું.
→ આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું તેમજ વ્યાકરણગ્રંથો, વિજ્ઞાનવિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા.
→ મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું.
→ દિલ્લીના સલ્તનતકાળ દરમિયાન હિંદી ભાષાનાં બે સ્વરૂપો વ્રજ અને ખડીબોલીમાં અનેક ભક્તિગીતો રચાયાં.
→ રાજસ્થાની ભાષામાં ‘આલ્હા’, ‘ઉદલ’, ‘બીસલદેવરાસો’ નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ.
→ મુલ્લા દાઉદરચિત ‘ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
→ જોકે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો (ટીકા ગ્રંથો) સંસ્કૃત ભાષામાં રચાયા હતા.
→ સલ્તનતકાળમાં ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.
→ તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે.
→ કબીર જેવા ભક્તિમાર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. બીરના દોહરા લોકસાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુંકડી (સધુક્કડી) લોક્બોલીમાં છે.
→ આ સમયમાં અવિધ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘પદ્માવત’ નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો.
→ બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘રામાયણ’, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યે ભક્તિગીતો રચ્યાં.
→ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાંબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યાં.
→ કશ્મીરમાં જૈનુલ અબિદિનના આશ્રયે ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
→ વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ રચ્યો.
→ મુઘલ બાદશાહ બાબરે ‘તુઝુકે બાબરી’ અને બાદશાહ જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા ‘હુમાયુનામા’ લખી.
→ બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આયને-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અકબરની આત્મકથા ‘અકબરનામા’ લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા.
→ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર ઉર્દૂ ભાષાનો કવિ હતો.
→ મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો, જે ભાષા-સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મી૨, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થઈ ગયા.
→ 18મી સદી દરમિયાન ઉર્દૂ ગ્રંથો લખાયા, જેમાં મુહંમદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
(3) નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.
અથવા
નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે? તેની વિસ્તૃત સમજ આપો.

ઉત્તર : પ્રશ્નમાં આપેલ ચિત્ર નાલંદા વિદ્યાપીઠનું છે. નાલંદા વિદ્યાપીઠની વિસ્તૃત સમજ નીચે પ્રમાણે છે :
→ નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી.
→ નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો.
→ મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું.
→ ઈસુની 5મીથી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ-પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા.
→ આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ’ના નામથી ઓળખાતો હતો.
→ 7મી સદીમાં ચીની પ્રવાસી યુઅન-ગ્વાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મનાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો.
→ નાલંદા વિદ્યાપીઠમાં સાત મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાનખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલાં અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરાં પાડવામાં આવતાં હતાં.
→ નાલંદા વિદ્યાપીઠમાં તત્ત્વજ્ઞાન, શિલ્પકલા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયોનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું.
→ લગભગ 700 વર્ષ સુધી દેશ-પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જ જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે.
(4) તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો.
ઉત્તર : તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
→ સાતમા સૈકામાં તે ભારતના મહત્ત્વના વિદ્યાકેન્દ્ર તરીકે જાણીતું હતું.
→ એક દંતકથા (મૌખિક વાર્તા) પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે.
→ તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું.
→ વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરનાં શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા.
→ ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્યે, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યે, કૌશલના રાજા પ્રસેનજિતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનિએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું.
→ તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું.
→ પાંચમી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
(5) વલભી વિદ્યાપીઠની માહિતી આપો.
અથવા
ટૂંક નોંધ લખો : વલભી વિદ્યાપીઠ
અથવા
કઈ રીતે કહી શકાય કે, ઈસવીસનના સાતમા શતકમાં ગુજરાતનું વિદ્યાધામ વલભી અતિ પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું? સમજાવો.
ઉત્તર : વલભી વિદ્યાપીઠ ઈ. સ. 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્ર હતું.
→ ભાવનગર પાસેનું વલભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું.
→ વલભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો – શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો.
→ વલભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા, તેઓ બૌદ્ધધર્મી નહોતા, સનાતની હતા; છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો.
→ વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ-વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા.
→ એ સમયે વલભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં, બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું.
→ 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરતિ અને ગુણમિત આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોનાં નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા.
→ આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી.
→ વલભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર, આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.
→ ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે, વલભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણસંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી.
→ આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર : વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ – આ ચાર વેદો ઉપરાંત બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે.
→ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ (સૂક્તો) છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે.
→ સામવેદમાં ઋગ્વેદના છંદોનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. તે ‘સંગીતની ગંગોત્રી’ કહેવાય છે.
→ યજુર્વેદમાં યજ્ઞ વખતે બોલાવવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
→ અથર્વવેદમાં અનેક પ્રકારના ક્રિયાકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
→ બ્રાહ્મણગ્રંથોમાં વૈદિક મંત્રોના અર્થો આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે.
→ આરણ્યકગ્રંથો એ આર્યોએ અરણ્યમાં – જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને રચેલું તત્ત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે.
→ ઉપનિષદો ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અન્ય અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે.
→ બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે.
→ ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ થયેલા છે.
→ વેદાંગ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થયેલો છે.
(2) ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો.
અથવા
વેદો કેટલા છે? કયા કયા? દરેકની ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર : વેદો ચાર છે : (1) ઋગ્વેદ, (2) યજુર્વેદ, (3) સામવેદ અને (4) અથર્વવેદ.
→ ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ (સૂક્તો) છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે.
→ યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે.
→ સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
→ અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે.
(3) મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો.
અથવા
મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો.
ઉત્તર : રામાયણ અને મહાભારત ભારતનાં બે મુખ્ય મહાકાવ્યો છે.
→ આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો ગયાં હતાં. ઈ. સ.ની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું.
→ મહાકવિ વાલ્મીકિરચિત રામાયણ એક મહાન સાહિત્યકૃતિ છે.
→ તે મહાભારત કરતાં ઘણું નાનું છે.
→ તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવનપ્રસંગોની કથા છે.
→ તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે.
→ મુનિ વેદવ્યાસરચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
→ તેમાં લગભગ એક લાખ શ્લોકો છે.
→ મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધ છે.
→ એ યુદ્ધકથામાં અનેક નાની-મોટી વાર્તાઓને જોડવામાં આવી છે.
→ ભારતના અમૂલ્ય વારસા સમાન ‘શ્રીમદ્દ્ભગવદ્ગીતા’ પણ મહાભારતનો જ એક ભાગ છે.
→ તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે.
→ રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે.
→ આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય-સર્જન ૫૨ ગાઢ અસર કરી છે. 7
(4) પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર : બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલિ ભાષામાં લખાયેલું છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તે ‘ત્રિપિટક’ના નામે ઓળખાય છે.
→ ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્રગ્રંથો છે.
→ ત્રિપિટકના ત્રણ ભાગ આ પ્રમાણે છે : (1) સુત્ત (સૂત્ર) પિટક, (2) વિનય પિટક અને (3) અભિધમ્મ પિટક.
→ સુત્ત (સૂત્ર) પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેના સંવાદો છે.
→ વિનયપિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે.
→ ઇન્ડોગ્રીક શાસક મિનેન્ડર (મિલિન્દ) અને બૌદ્ધ તત્ત્વજ્ઞાની નાગસેન (નાગાર્જુન) વચ્ચેના સંવાદોનો ગ્રંથ ‘મિલિન્દ પન્હો’ બૌદ્ધ સાહિત્યનો મહત્ત્વનો ગ્રંથ છે.
→ બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતકકથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે.
→ સમય જતાં અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. તેમાં અશ્વઘોષરચિત ‘બુદ્ધચરિત’ સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે.
(5) ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો.
અથવા
ગુપ્તયુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. વર્ણન કરો.
અથવા
ગુપ્તયુગને સંસ્કૃત સાહિત્યનાં ‘કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ’ શાથી કહે છે ?
ઉત્તર : ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યનાં કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય છે.
→ આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભાવિ, ભતૃહિર, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે.
→ એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વપ્રસિદ્ધિ મળી છે. તેમણે ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’ નામની બેનમૂન કૃતિઓ રચી છે.
→ આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટરચિત ‘હર્ષચરિત’ (સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર) અને ‘કાદમ્બરી’, ભવભૂતિરચિત ‘ઉત્તરરામચરિત’, ભારવિરચિત ‘કિરાતાર્જુનીયમ્’, વિશાખાદત્તરચિત ‘મુદ્રારાક્ષસ’, શૂદ્રકરચિત ‘મૃચ્છકટિકમ્’, દંડીરચિત ‘દસકુમારચરિત’ વગેરેનો સમાવેશ થાય છે.
→ રાજકીય પ્રસંગો, પ્રણય-પ્રસંગો, રૂપકો, હાસ્ય-પ્રસંગો, તત્ત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. આ સમયમાં ઉચ્ચ કોટિનું તત્ત્વજ્ઞાનસંબંધી સાહિત્ય રચાયું.
→ એ પછી શંકરાચાર્યે ‘ભાષ્ય’(ટીકા)ની રચનાઓ કરી.
[વિશેષ : : આ સમયમાં પંચતંત્ર’ અને ‘હિતોપદેશ’ નામના જગપ્રસિદ્ધ વાર્તાસંગ્રહો લખાયા, જેમનો દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે.]
(6) પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર : પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડકુળની ભાષાઓમાં સાહિત્ય રચાયું.
→ તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈ. સ.ના પ્રારંભના સમયમાં રચાયેલું છે.
→ આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ ત્રણ સંગમોની રચના થઈ.
→ એ સંગમોના આશ્રયે અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓ રચી, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાઈ.
→ રાજનીતિ, યુદ્ધ, પ્રેમસંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા.
→ ‘એત્તુથોકઈ’ (આઠ કાવ્યોનું સંકલન), ‘તોલકાપ્પિયમ્’ (વ્યાકરણગ્રંથ) અને ‘પથ્થુપાતુ’ (દસ ગીતો) – એ ત્રણ સંગમ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.
→ કવિ તિરુવલ્લુવરે ‘કુરલ’ નામના પ્રખ્યાત કાવ્યસંગ્રહની રચના કરી. તેમાં જીવનનાં અનેક પાસાંનું વિવેચન કરવામાં આવ્યું છે.
→ ‘શીલપ્પતિકારમ્’ અને ‘મણિમેખલાઈ’ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે.
(7) મધ્યકાલીન યુગના કન્નડ સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર : મધ્યયુગ દરમિયાન દ્રવિડકુળની ભાષાઓમાં ઘણું કન્નડ સાહિત્ય રચાયું.
→ કવિ નૃપતંગે કન્નડ ભાષામાં ‘કવિરાજ માર્ગ’ નામનો મહાન કાવ્યસંગ્રહ રચ્યો.
→ થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થંકરોના જીવન આધારિત ‘આદિપુરાણ’ ગ્રંથ રચ્યો.
→ કવિ પોન્નાએ સોળમા જૈન તીર્થંકર શાંતિનાથના જીવન પર ‘શાંતિપુરાણ’ નામનો ગ્રંથ તૈયાર કર્યો.
→ કવિ રન્નાએ ‘અજીતનાથ પુરાણ’ અને ‘ગદાયુદ્ધ” નામના ગ્રંથો રચ્યા.
→ આ યુગના કવિઓ પંપા, પોન્ના અને રત્ના પ્રારંભિક કન્નડ સાહિત્યની ‘ત્રિમૂર્તિ’ ગણાય છે.
(8) મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો.
અથવા
દિલ્લી સલ્તનતના સમયના ફારસી સાહિત્યનું વર્ણન કરો.
ઉત્તર : મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.
→ ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો છે.
→ આ સમયમાં ફારસી ભાષામાં લખાયેલું ઐતિહાસિક સાહિત્ય એ તુર્ક પ્રજાનું ભારતને કરેલું નોંધપાત્ર પ્રદાન છે.
→ તુર્કોએ ભારતને ઇતિહાસ-લેખનની આરબ-ઈરાની પરંપરાથી પરિચિત કરાવ્યું. તુર્ક લેખકોએ ફારસી ભાષામાં ભારતના ઇતિહાસનું વ્યવસ્થિત વિવરણ કર્યું.
→ મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. ઇતિહાસકાર ઝીયાઉદ્દીન બરનીએ ખલજી અને તઘલક વંશના રાજ્યનું વિવરણ કરતો ‘તારીખે-ફિરોજશાહી’ અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતવા-એ- જહાંદારી’ નામના ગ્રંથો લખ્યા.
→ એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુશરોએ ‘આસિકા’, ‘નૂર (નૂહ)’, ‘સિપિહર’ અને ‘કિરાતુલ-સદાયન’ નામની કૃતિઓ રચી. તદુપરાંત, તેણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા.
→ દિલ્લીની આસપાસના પ્રદેશોમાં બોલાતી ‘હિંદવી’ ભાષાને અમીર ખુશરો પોતાની માતૃભાષા માનતો. એ ભાષામાં તેણે અનેક કાવ્યો રચ્યાં.
→ તેણે હિંદી અને ફારસીના મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ અને દુહા રચ્યાં હતાં.
(9) મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓના સાહિત્ય વિશે નોંધ લખો.
ઉત્તર : મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો.
→ કબીર જેવા ભક્તિમાર્ગના અનેક સંતકવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. સધુંકડી(સધુક્કડી)માં લખાયેલ કબીરના દોહા લોકસાહિત્યનું અંગ બન્યા.
→ આ સમયમાં ભોજપુરી અને અવધિ હિંદી ભાષાની મુખ્ય બોલીઓ હતી.
→ અવિધ ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ ‘પદ્માવત’ નામનું મહાકાવ્ય, સંત તુલસીદાસે ‘રામચરિતમાનસ’ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ અને સૂફી સંત શેખ બુરહાનના શિષ્ય કુતુબને ‘મૃગાવતી’ નામનો ગ્રંથ લખ્યો.
→ બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃત્તિવાસે ‘રામાયણ’, કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યાં.
→ બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ.
→ નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિગીતો રચ્યાં.
→ કશ્મીરમાં જૈનુલ અબિદિનના આશ્રયે ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
(10) (મધ્યયુગના) મુઘલકાલીન સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર : મધ્યયુગમાં મુઘલ બાદશાહો અને તેમના શાહી પરિવારના સભ્યો તુર્કી ભાષાના સારા લેખકો હતા.
→ મુઘલ બાદશાહ બાબરે તુર્કી ભાષામાં ‘તુઝુકે બાબરી (ફારસીમાં ‘બાબરનામા’) અને બાદશાહ જહાંગીરે ‘તુઝુકે જહાંગીરી’ નામની આત્મકથાઓ લખી.
→ હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા ‘હુમાયુનામા’ લખી.
→ બાદશાહ ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો.
→ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુરશાહ ઝફર એક પ્રખ્યાત ઉર્દૂ કવિ હતો.
→ બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિંદી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રસિદ્ધ છે.
→ બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, ‘ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી.
→ એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આયને-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો તેમજ તેણે અક્બરની આત્મકથા ‘અકબરનામા’ લખી.
→ અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો.
(11) ગુજરાતી ગદ્ય-પદ્યસાહિત્ય વિશે નોંધ લખો.
અથવા
ગુજરાતી ગદ્ય-પદ્યસાહિત્ય વિશે માહિતી આપો.
ઉત્તર : આદિકવિ નરસિંહ મહેતાના ભક્તિસાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ્યસાહિત્યનો પ્રારંભ થયો.
→ નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય મધ્યયુગનો સમય ગણાય છે.
→ તેમાં મીરાંબાઈનાં પદો, અખાના છપ્પા, પ્રેમાનંદનાં આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમનાં પદો, શામળ ભટ્ટના છપ્પા, ભાલણનાં આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરેથી મધ્યયુગનું પદ્યસાહિત્ય સમૃદ્ધ બન્યું છે.
→ કવિ દયારામ પછી નર્મદ – દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ.
→ અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય કા. ઠાકોર, નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, ક્લાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, ાનાલાલ, ઉમાશંકર જોષી, સુન્દરમ્ વગેરેએ પદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
→ અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાળા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચન્દ્રકાન્ત બક્ષી વગેરે સાહિત્યકારોએ ગદ્યસાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે.
(12) અમીર ખુશરોનો પરિચય આપો.
ઉત્તર : અમીર ખુશરો દિલ્લીના સલ્તનતકાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે.
→ તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો.
→ અમીર ખુશરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો.
→ તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. ‘આસિકા’, ‘નૂર’ (નૂહ), ‘સિપિહર’ અને કિરાતુલ-સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત, તેણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા હતા.
→ અમીર ખુશરોને ભારતીય હોવાનો ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો.
→ તેણે પોતાનાં પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન-વિજ્ઞાનનાં ભારોભાર વખાણ કર્યાં છે.
→ તે દૃઢપણે માનતો હતો કે હિંદુ ધર્મનું સારતત્ત્વ અનેક દૃષ્ટિએ ઇસ્લામ સાથે મળતું આવે છે.
→ તે દિલ્લીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી ‘હિંદવી’ ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિંદવીમાં તેણે અનેક કાવ્યો રચ્યાં હતાં.
→ તેણે હિંદી અને ફારસીનું સંમિશ્રણ કરીને દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા.
(13) ભારતમાં ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો.
ઉત્તર : ભારતમાં ઉર્દૂ ભાષાનો જન્મ મધ્યયુગ દરમિયાન થયો હતો.
→ સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની.
→ ઉર્દૂ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થયા.
→ 18મી સદીમાં ઉર્દૂ-ગદ્ય વિકસ્યું. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દૂમાં ભાષાંતર થવા લાગ્યું.
→ ઉર્દૂમાં અનેક મૌલિક ગદ્યગ્રંથો રચાયા, જેમાં મુહંમદહુસેન આઝાદરચિત ‘દરબારે અકબરી’ એક મહત્ત્વનો ગ્રંથ છે.
→ આ સમયમાં ભારતીય ભાષાઓમાં થયેલા નવલકથાના વિકાસની સાથે ઉર્દૂ નવલકથાઓનો પણ વિકાસ થયો.
(14) ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી(કાશી)નો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસી (કાશી)
ઉત્તર : પ્રખ્યાત યાત્રાધામ વારાણસી (કાશી) ઈ. સ. પૂર્વે 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું.
→ ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું.
→ આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્ત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી (કાશી) હોવાનો ઉલ્લેખ વ્યાસસંહિતામાં જોવા મળે છે.
→ ભગવાન બુદ્ધે વારાણસી(કાશી)માં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો.
→ મહાન તત્ત્વજ્ઞાની આદિશંકરાચાર્ય તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા.
→ ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસી(કાશી)માં પ્રતિષ્ઠિત બન્યો હતો.
→ સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી(કાશી)નો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો :
(1) પ્રાચીન યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો.
ઉત્તર : પ્રાચીન યુગ દરમિયાન સંસ્કૃત ભાષામાં ધાર્મિક અને લૌકિક સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન થયું.
→ પુરાણોએ શરૂઆતના વૈદિક ધર્મને હિંદુ ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
→ આ સમય દરમિયાન વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના અનેક ગ્રંથો-શાસ્રો રચાયા. દા. ત., ‘કૌટિલ્યનું અર્થશાસ્ત્ર’ નામની કૃતિ એક વહીવટી ગ્રંથ છે.
→ આ યુગમાં વિવિધ કલાઓ, ગણિત તેમજ અન્ય વિજ્ઞાનો વિશે શાસ્ત્રગ્રંથો રચાયા.
→ સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત ફરજો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યાં છે.
(2) પ્રાચીન ભારતના સાહિત્ય પૈકી ઋગ્વેદનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે. એ ઋચાઓમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોની સ્તુતિઓ છે. એ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનોહર છે. ઋગ્વેદમાં સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતો દર્શાવવામાં આવી છે.
(3) યજુર્વેદ વિશે સમજૂતી આપો.
અથવા
યજુર્વેદનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપોમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
(4) પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? કયા કયા?
ઉત્તર : પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તે ‘ત્રિપિટક’ના નામે ઓળખાય છે. ત્રિપિટકના ત્રણ ભાગ આ પ્રમાણે છે: (1) સુત્ત (સૂત્ર) પિટક, (2) વિનય પિટક અને (3) અભિધમ્મ પિટક.
(5) મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર : (1) મધ્યયુગની શરૂઆતમાં કશ્મીરમાં સોમદેવે ‘કથાસરિતસાગર’ અને કલ્હણે ‘રાજતરંગિણી’ નામના મહાન ગ્રંથો રચ્યા. (2) ‘રાજતરંગિણી’ કશ્મીરના ઇતિહાસને આલેખતો ઘણો મહત્ત્વનો ગ્રંથ છે. વાસ્તવમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. (3) કવિ જયદેવે ‘ગીતગોવિંદ’ નામના કાવ્યગ્રંથની રચના કરી. આ કાવ્યસંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્યસંગ્રહ છે. (4) દક્ષિણ ભારતમાં શંકરાચાર્યે ‘ભાષ્ય’ની રચના કરી.
(6) વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે?
ઉત્તર : વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે ‘આમુક્તમાલ્યદા’ નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો.
(7) મુઘલ સમ્રાટ અક્બરના સમયમાં થયેલા સાહિત્યનો વિકાસ જણાવો.
ઉત્તર : (1) મુઘલ સમ્રાટ અકબરના સમયમાં તુલસીદાસ, સૂરદાસ, કેશવદાસ, રહીમ વગેરે હિંદી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. (2) કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષયો પર સાહિત્ય રચ્યું. (3) કવિ રહીમે દોહરાની રચના કરી. (4) અબુલ ફઝલે ફારસી ભાષામાં ‘આયને-અકબરી’ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેણે અકબરની આત્મકથા ‘અકબરનામા’ લખી. (5) અબુલ ફઝલનો ભાઈ પણ ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. (6) અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘ભગવદ્ગીતા’, ‘અથર્વવેદ’ અને ‘પંચતંત્ર’ જેવા ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કરવા એક સ્વતંત્ર ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો રચાયા હતા.
(8) ઉર્દૂ ભાષાના વિકાસનો પરિચય આપો.
ઉત્તર : (1) મધ્યયુગ દરમિયાન ઉર્દૂ ભાષાનો જન્મ થયો, જે ભાષાસાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય છે. (2) ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ વગેરે મહાન કવિઓ થયા. (3) 18મી સદી દરમિયાન ઉર્દૂ ગ્રંથો લખાયા, જેમાં મુહંમદ હુસેન આઝાદનો ‘દરબારે અકબરી’ એક મહત્ત્વનો ગ્રંથ છે. (4) આ સમયમાં ઉર્દૂ ભાષામાં નવલકથાઓ લખવાની શરૂઆત થઈ.
પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
(1) સંસ્કૃત ભાષાને કઈ કઈ ભાષાના નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર : સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’, ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ના નામે ઓળખવામાં આવે છે.
(2) અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે?
ઉત્તર : અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે.
(3) ઉપનિષદ સાહિત્યમાં શાનું વિવેચન કરવામાં આવ્યું છે?
ઉત્તર : ઉપનિષદ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને અન્ય અનેક દાર્શનિક વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.
(4) શ્રીમદ્ભગવદ્ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે?
ઉત્તર : શ્રીમદ્દભગવદ્ગીતામાં જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ – આ ત્રણ મોક્ષપ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે.
(5) ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકોનાં નામ આપો.
ઉત્તર : ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકો : કાલિદાસ, ભવભૂતિ, માઘ, ભાવિ, ભતૃહિર, બાણભટ્ટ વગેરે.
(6) મહાકવિ કાલિદાસની બેનમૂન કૃતિઓ કઈ કઈ છે?
ઉત્તર : ‘અભિજ્ઞાનશાકુન્તલમ્’, ‘કુમારસંભવ’, ‘રઘુવંશ’, ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’ વગેરે મહાકવિ કાલિદાસની બેનમૂન કૃતિઓ છે.
(7) પ્રાચીન યુગ દરમિયાન કઈ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો?
ઉત્તર : પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ – એ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો.
(8) મધ્યયુગના કયા કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે ?
ઉત્તર : મધ્યયુગના પંપા, પોન્ના અને રત્ના એ ત્રણ કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ‘ત્રિપુટી’ કહેવાય છે.
(9) મધ્યયુગ દરમિયાન કઈ કઈ ભાષામાં, કોણે કોણે ભક્તિ- ગીતો રચ્યાં?
ઉત્તર : મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્યે, ગુજરાતીમાં નરસિંહ મહેતાએ અને મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિગીતો રચ્યાં.
(10) ‘આયને-અકબરી’માં કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તર : ‘આયને-અકબરી’માં ભારતીય રીતિરવાજો, શિષ્ટાચારો, ધર્મ દર્શન, દેશની આર્થિક સ્થિતિ તેમજ જીવનનાં લગભગ તમામ પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે.
(11) મુઘલ બાદશાહ અકબરે કયા કયા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી?
ઉત્તર : મુઘલ બાદશાહ અકબરે ‘મહાભારત’, ‘રામાયણ’, ‘અથર્વવેદ’, ‘શ્રીમદ્ભગવદ્ગીતા’, ‘પંચતંત્ર’ વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી.
(12) તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
ઉત્તર : તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્ત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું.
(13) પ્રાચીન ભારતની કઈ કઈ વિદ્યાપીઠો વિશ્વવિખ્યાત હતી?
ઉત્તર : નાલંદા, તક્ષશિલા, વલભી, વારાણસી (કાશી) વગેરે પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ
(1) પ્રાચીન ભારતની લિપિ …….. સમયની છે.
A. પ્રશિષ્ટ
B. વૈદિક
C. હડપ્પા
ઉત્તર : C. હડપ્પા
(2) મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનિએ ……. ગ્રંથની રચના કરી હતી.
A. અષ્ટાધ્યાયી
B. અર્થશાસ્ત્ર
C. ઋગ્વેદ
ઉત્તર : A. અષ્ટાધ્યાયી
(3) …….. ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.
A. પ્રાકૃત
B. સંસ્કૃત
C. હિંદી
ઉત્તર : B. સંસ્કૃત
(4) ……… ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
A. ઋગ્વેદ
B. સામવેદ
C. રામાયણ
ઉત્તર : A. ઋગ્વેદ
(5) ……… ને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
A. ઋગ્વેદ
B. અથર્વવેદ
C. સામવેદ
ઉત્તર : C. સામવેદ
(6) …….. માં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
A. અથર્વવેદ
B. યજુર્વેદ
C. ઋગ્વેદ
ઉત્તર : A. અથર્વવેદ
(7) ……… યજ્ઞનો વેદ કહેવાય છે.
A. સામવેદ
B અથર્વવેદ
C. યજુર્વેદ
ઉત્તર : C. યજુર્વેદ
(8) ……… વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
A. રામાયણ
B. મહાભારત
C. શ્રીમદ્ભગવદ્ગીતા
ઉત્તર : B. મહાભારત
(9) …….. માં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
A. શ્રીમદ્ભગવદ્ગીતા
B. રામાયણ
C. મહાભારત
ઉત્તર : A. શ્રીમદ્ભગવદ્ગીતા
(10) પ્રારંભિક ………. સાહિત્યને ‘ત્રિપિટક’ તરીકે ઓળખવામાં આવે છે.
A. બૌદ્ધ
B. જૈન
C. સંસ્કૃત
ઉત્તર : A. બૌદ્ધ
(11) ……… દ્રવિડકુળની સૌથી જૂની ભાષા છે.
A. મલયાલમ
B. કન્નડ
C. તમિલ
ઉત્તર : C. તમિલ
(12) …….. કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે.
A. કુરલ
B. એત્તુથોકઈ
C. તોલકાપ્પિયમ્
ઉત્તર : A. કુરલ
(13) ……… ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, જે કશ્મીરનો ઇતિહાસ આલેખે છે.
A. કથાસરિતસાગર
B. ગીતગોવિંદ
C. રાજતરંગિણી
ઉત્તર : C. રાજતરંગિણી
(14) કવિ ચંદબરદાઈરચિત ……… હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.
A. પૃથ્વીરાજરાસો
B. પ્રતાપરાજરાસો
C. ચંદ્રાયનરાસો
ઉત્તર : A. પૃથ્વીરાજરાસો
(15) મુલ્લા દાઉદનો ગ્રંથ ………. એ અવિધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
A. કુમારાયન
B. ગીતગોવિંદ
C. ચંદ્રાયન
ઉત્તર : C. ચંદ્રાયન
(16) ……… એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા.
A. અમીર ખુશરો
B. હઝરત નિઝામુદ્દીન ઓલિયા
C. બહાદુરશાહ ઝફર
ઉત્તર : A. અમીર ખુશરો
(17) ……… ની રચનાઓ મુખ્યત્વે સધુંકડી લોકબોલીમાં છે.
A. નાનક
B. કબીર
C. નામદેવ
ઉત્તર : B. કબીર
(18) તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ ‘રામચરિતમાનસ’ ………. ભાષામાં લખ્યો હતો.
A. અવિધ
B. ભોજપુરી
C. હિન્દી
ઉત્તર : A. અવિધ
(19) બંગાળમાં સંત ………. થી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી.
A. કૃતિવાસ
B. નામદેવ
C. ચૈતન્ય
ઉત્તર : C. ચૈતન્ય
(20) વિજયનગરના મહાન સમ્રાટ ……… તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા.
A. કૃષ્ણદેવરાય
B. રામરાય
C. બુક્કારાય
ઉત્તર : A. કૃષ્ણદેવરાય
પ્રશ્ન 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
(1) પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે.
(2) મહર્ષિ પાણિનીએ ‘અષ્ટાધ્યાયી’ નામના વ્યાકરણગ્રંથની રચના કરી હતી.
(3) સંસ્કૃત ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિશ્વ ભાષા’ કહે છે.
(4) ‘ઋગ્વેદ’ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
(5) ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ છે.
(6) યજુર્વેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે.
(7) અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
(8) ‘રામાયણ’ અને ‘મહાભારત’ ભારતનાં બે મુખ્ય મહાકાવ્યો છે.
(9) ‘રામાયણ’ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે.
(10) ‘શ્રીમદ્ભગવદ્ગીતા’માં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે.
(11) પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય અવધિ ભાષામાં લખાયું હતું. (14) કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે.
(12) પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. (13) મહાકવિ બાણે ‘કાદમ્બરી’ની રચના કરી છે.
(15) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે.
(16) ‘તોલકાપ્પિયમ્’ એ કવિ તિરુવલ્લુવરે રચેલો વ્યાકરણગ્રંથ છે.
(17) ‘રાજતરંગિણી’ એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.
(18) ‘રાજતરંગિણી’ એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
(19) જયદેવરચિત ‘ગીતગોવિંદ’ એ સંસ્કૃતનો અતિ સુંદર કાવ્યગ્રંથ છે.
(20) કવિ ચંદબરદાઈરચિત ‘પૃથ્વીરાજરાસો’ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે.
(21) કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક મલયાલમ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.
(22) કવિ કમ્બલે તમિલ ભાષામાં ‘રામાયણમ્’ની રચના કરી હતી.
(23) મુલ્લા દાઉદનો ‘ચંદ્રાયન’ ગ્રંથ અવવિધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે.
(24) ઉર્દૂ ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી.
(25) અમીર ખુશરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને નાટ્યકાર હતા.
(26) સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા અમીર ખુશરોના ગુરુ હતા.
(27) હઝરત નિઝામુદ્દીન ઓલિયા ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા.
(28) કબીરની રચનાઓ (દોહરાઓ) મુખ્યત્વે સધુંકડી લોકબોલી છે.
(29) ‘ઉત્તરરામચરિત’એ તુલસીદાસનો અવિધ ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે.
(30) બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ.
(31) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ‘આમુક્તમાલ્યદા’ નામના ગ્રંથની રચના કરી હતી.
(32) બાબરની બહેન ગુલબદન બેગમે ‘હુમાયુનામા’ની રચના કરી હતી.
(33) ઉર્દૂ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના છે.
(34) ‘દરબારે અકબરી’ એ મુહંમદ હુસેનનો મહત્ત્વનો ગ્રંથ છે. પટના જિલ્લાના બડગાંવ ગામ
(35) નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પાસે આવેલી હતી.
(36) મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં ચાર ચાતુર્માસ કર્યા હતા.
(37) 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી.
(38) યુઅન- શ્વાંગ નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયોમાંથી 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો.
(39) તક્ષશિલાનાં ગ્રંથાલયોવાળો વિસ્તાર ‘ધર્મગંજ’ તરીકે ઓળખાતો હતો.
(40) તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
ઉત્તર :
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
(4) ખરું
(5) ખોટું
(6) ખોટું
(7) ખોટું
(8) ખરું
(9) ખોટું
(10) ખરું
(11) ખોટું
(12) ખરું
(13) ખરું
(14) ખરું
(15) ખોટું
(16) ખોટું
(17) ખરું
(18) ખોટું
(19) ખરું
(20) ખરું
(21) ખોટું
(22) ખરું
(23) ખરું
(24) ખોટું
(25) ખોટું
(26) ખરું
(27) ખોટું
(28) ખરું
(29) ખોટું
(30) ખરું
(31) ખરું
(32) ખોટું
(33) ખરું
(34) ખરું
(35) ખરું
(36) ખોટું
(37) ખોટું
(38) ખરું
(39) ખોટું
(40) ખરું
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો :
(1) મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનિએ કયા ગ્રંથની રચના કરી હતી ?
ઉત્તર : અષ્ટાધ્યાયી
(2) ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે?
ઉત્તર : ઋગ્વેદ
(3) કયા વેદને ‘સંગીતની ગંગોત્રી’ કહે છે?
ઉત્તર : સામવેદને
(4) કયા વેદને યજ્ઞનો વેદ કહે છે?
ઉત્તર : યજુર્વેદને
(5) કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તર : અથર્વવેદમાં
(6) ભારતનાં બે મુખ્ય મહાકાવ્યો કયાં છે?
ઉત્તર : રામાયણ અને મહાભારત
(7) વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?
ઉત્તર : મહાભારત
(8) મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શામાં કરવામાં આવ્યું છે?
ઉત્તર : શ્રીમદ્ભગવદ્ગીતામાં
(9) વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?
ઉત્તર : કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
(10) પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું?
ઉત્તર : પાલિ
(11) દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?
ઉત્તર : તમિલ
(12) ‘કુરલ’ કાવ્યગ્રંથની રચના કોણે કરી હતી?
ઉત્તર : કવિ તિરુવલ્લુવરે
(13) કશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્ત્વનો ગ્રંથ કયો છે?
ઉત્તર : રાજતરંગિણી
(14) ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે?
ઉત્તર : રાજતરંગિણી
(15) હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો છે?
ઉત્તર : પૃથ્વીરાજરાસો
(16) અવિધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ક્યો છે?
ઉત્તર : ચંદ્રાયન
(17) ફારસી ભાષા કોની રાજભાષા હતી?
ઉત્તર : દિલ્લીના સુલતાનોની
(18) ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું?
ઉત્તર : અમીર ખુશરો
(19) અમીર ખુશરોના ગુરુનું નામ શું હતું?
ઉત્તર : હઝરત નિઝામુદ્દીન ઓલિયા
(20) ભક્તિગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ?
ઉત્તર : સંત ચૈતન્યથી
(21) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે ક્યા ગ્રંથની રચના કરી હતી?
ઉત્તર : આમુક્તમાલ્યદા
(22) આયને-અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો ?
ઉત્તર : અબુલ ફઝલે
(23) નાલંદા વિદ્યાપીઠમાં ચૌદ ચાતુર્માસ કોણે કર્યા હતા?
ઉત્તર : મહાવીર સ્વામીએ
(24) 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી?
ઉત્તર : યુઅન-શ્વાંગે
(25) ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?
ઉત્તર : તક્ષશિલા વિદ્યાપીઠની
(26) ક્યા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા?
ઉત્તર : સ્થિરમતિ અને ગુણતિ
(27) ભાષાના ઘડતરમાં મોટો ફાળો કોણે આપ્યો?
ઉત્તર : લિપિએ
(28) ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના ક્યા બે ભાગ પાડ્યા છે?
ઉત્તર : વૈદિક અને પ્રશિષ્ટ
(29) કયા સમયની લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી?
ઉત્તર : હડપ્પા સમયની
(30) આજના સમયમાં કઈ ભાષા વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત (ખાસ કરીને કમ્પ્યૂટર ક્ષેત્રે) બની છે?
ઉત્તર : સંસ્કૃત
(31) કઈ ભાષા મુખ્યત્વે ધર્મ, તત્ત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી ?
ઉત્તર : સંસ્કૃત
(32) તેમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ છે અને તે 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે, તો એ ગ્રંથ ક્યો છે?
ઉત્તર : ઋગ્વેદ
(33) કયો ગ્રંથ સપ્તસિંધુના પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતોનું વર્ણન કરે છે?
ઉત્તર : ઋગ્વેદ
(34) કયા વેદમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તર : યજુર્વેદમાં
(35) શરૂઆતનાં ઉપનિષદો કયાં છે?
ઉત્તર : બૃહદારણ્ય અને છાંદોગ્ય
(36) ઉપનિષદો કયા સ્વરૂપમાં છે?
ઉત્તર : સંવાદના
(37) ક્યો યુગ સંસ્કૃતના કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો ?
ઉત્તર : ગુપ્તયુગ
(38) પ્રારંભિક તમિલ સાહિત્યના બે વિખ્યાત ગ્રંથો કયા છે?
ઉત્તર : ‘શીલપ્પતિકારમ્’ અને ‘મણિમેખલાઈ’
(39) મધ્યયુગ દરમિયાન કશ્મીરમાં કયા બે મહાન ગ્રંથો લખાયા?
ઉત્તર : ‘કથાસરિતસાગર’ અને ‘રાજતરંગિણી’
(40) કવિ જયદેવના કયા કાવ્યગ્રંથની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે?
ઉત્તર : ગીત ગોવિંદની
(41) કયા ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો?
ઉત્તર : ‘પૃથ્વીરાજરાસો’
(42) શંકરાચાર્યની મુખ્ય કૃતિ કઈ છે?
ઉત્તર : ભાષ્ય
(43) કવિ પંપાએ કન્નડ સાહિત્યમાં કઈ કૃતિની રચના કરી?
ઉત્તર : ‘આદિપુરાણ’
(44) કવિ પોન્નાએ સોળમા જૈન તીર્થંકરનું જીવન આલેખતું કયું પુસ્તક તૈયાર કર્યું?
ઉત્તર : ‘શાંતિપુરાણ’
(45) ‘અજીતનાથ પુરાણ’ કૃતિની રચના કોણે કરી હતી?
ઉત્તર : કવિ રન્નાએ
(46) કવિ કમ્બલે તમિલ ભાષામાં કઈ કૃતિની રચના કરી ?
ઉત્તર : ‘રામાયણમ્’
(47) હિન્દી ભાષાનાં બે સ્વરૂપો કયાં છે?
ઉત્તર : વ્રજ અને ખડીબોલી
(48) ‘તારીખે ફિરોજશાહી’ ગ્રંથની રચના કોણે કરી છે?
ઉત્તર : ઝીયાઉદ્દીન બરનીએ
(49) ઝીયાઉદ્દીન બરનીએ રાજકીય સિદ્ધાંતો પર ક્યો ગ્રંથ લખ્યો છે?
ઉત્તર : ‘ફતવા-એ-જહાંદારી’
(50) દિલ્લીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને ‘હિંદવી’ કોણ કહેતા તેમજ તેને પોતાની માતૃભાષા ગણાવતા ?
ઉત્તર : અમીર ખુશરો
(51) ‘રામચરિતમાનસ’ નામનો અવિધ ભાષાનો પ્રસિદ્ધ ગ્રંથ કોણે લખ્યો છે?
ઉત્તર : તુલસીદાસે
(52) કોના આશ્રયે કશ્મીરમાં ‘મહાભારત’ અને ‘રાજતરંગિણી’ નામના સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો?
ઉત્તર : જૈનુલઅબિદિનના
(53) પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતા?
ઉત્તર : બાબર
(54) હુમાયુની બહેન ગુલબદન બેગમે કયા ગ્રંથની રચના કરી ?
ઉત્તર : ‘હુમાયુનામા’
(55) મુહંમદ હુસેન આઝાદે કયો મહત્ત્વનો ગ્રંથ લખ્યો છે?
ઉત્તર : દરબારે અક્બરી’
(56) નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલયવાળો વિસ્તાર કયા નામે ઓળખાતો હતો?
ઉત્તર : ‘ધર્મગંજ’
(57) ‘અર્થશાસ્ત્ર’ના કર્તા કૌટિલ્યે કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો?
ઉત્તર : તક્ષશિલા વિદ્યાપીઠમાં
પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :
1. મહર્ષિ પાણિનિનો મહાન ગ્રંથ કયો છે?
A. અષ્ટાધ્યાયી
B. પૃથ્વીરાજરાસો
C. વિક્રમાંકદેવચરિત
D. ચંદ્રાયન
ઉત્તર : A. અષ્ટાધ્યાયી
2. સંસ્કૃત સાહિત્યના વિશ્વપ્રસિદ્ધ લેખક કોણ છે?
A. વાલ્મીકિ
B. સંત તુલસીદાસ
C. મહાકવિ કાલિદાસ
D. મહાકવિ ભાસ
ઉત્તર : C. મહાકવિ કાલિદાસ
3. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોનાં નામ દરવાજા પર લખવામાં આવતાં?
A. તક્ષશિલા
B. વારાણસી (કાશી)
C. નાલંદા
D. વલભી
ઉત્તર : D. વલભી
4. દ્રવિડકુળની સૌથી જૂની ભાષા કઈ છે?
A. તમિલ
B. તેલુગુ
C. કન્નડ
D. મલયાલમ
ઉત્તર : A. તમિલ
5. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે.
A. ઋગ્વેદ
B. યજુર્વેદ
C. સામવેદ
D. અથર્વવેદ
ઉત્તર : A. ઋગ્વેદ
6. વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે?
A. ઉત્તરરામચરિત
B. મેઘદૂત
C. મહાભારત
D. રામાયણ
ઉત્તર : C. મહાભારત
7. મોક્ષપ્રાપ્તિના ત્રણ માર્ગો – જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે?
A. રામાયણમાં
B. શ્રીમદ્ભગવદ્ગીતામાં
C. રામચરિતમાનસમાં
D. ઉત્તરરામચરિતમાં
ઉત્તર : B. શ્રીમદ્ભગવદ્ગીતામાં
8. પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે?
A. અષ્ટાધ્યાયી
B. મિલિન્દ પન્હો
C. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
D. મિનેન્ડરનું અર્થશાસ્ત્ર
ઉત્તર : C. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
9. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે?
A. પાલિ
B. હિંદી
C. બ્રાહ્મી
D. ગુજરાતી
ઉત્તર : A. પાલિ
10. કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિંદી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે?
A. પૃથ્વીરાજરાસો
B. વિક્રમાંકદેવચરિત
C. કવિરાજ માર્ગ
D. ચંદ્રાયન
ઉત્તર : A. પૃથ્વીરાજરાસો
11. ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો?
A. નરસિંહ મહેતાએ
B. દલપતરામે
C. પ્રેમાનંદે
D. દયારામે
ઉત્તર : A. નરસિંહ મહેતાએ
12. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.
A. શૂદ્રક – મૃચ્છકટિકમ્
B. ભારવિ – કિરાતાર્જુનીયમ્
C. બાણભટ્ટ – કાદમ્બરી
D. વિશાખદત્ત – દશકુમારચરિત
ઉત્તર : D. વિશાખદત્ત – દશકુમારચરિત
13. નીચેનાંમાંથી એક જોડકું ખરું નથી. તે શોધીને ઉત્તર લખો.
A. કવિ રન્ના – અજીતનાથ પુરાણ
B. કવિ પોન્ના – શાંતિપુરાણ
C. કવિ પંપા – આદિપુરાણ
D. કવિ કમ્બલ – મહાભારતમ્
ઉત્તર : D. કવિ કમ્બલ – મહાભારતમ્
14. શૂદ્રક : મૃચ્છકટિકમ્ / દંડી : ………
A. દશકુમારચરિત
B. મુદ્રારાક્ષસ
C. કાદમ્બરી
D. કિરાતાર્જુનીયમ્
ઉત્તર : A. દશકુમારચરિત
15. કથાસરિતસાગર : સોમદેવ / રાજતરંગિણી :
A. જયદેવ
B. ભારવિ
C. કલ્હણ
D. ભવભૂતિ
ઉત્તર : C. કલ્હણ
16. મુઘલ સમ્રાટોનો સાચો ક્રમ પસંદ કરો.
A. અકબર, હુમાયુ, જહાંગીર, શાહજહાં
B. હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં
C. હુમાયુ, જહાંગીર, શાહજહાં, અકબર
D. હુમાયુ, શાહજહાં, અકબર, જહાંગીર
ઉત્તર : B. હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં
17. ભારતની કઈ વિદ્યાપીઠમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવાં ગ્રંથાલયો હતાં?
A. વલભીમાં
B. વારાણસી(કાશી)માં
C. નાલંદામાં
D. તક્ષશિલામાં
ઉત્તર : C. નાલંદામાં
18. 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?
A. હાન-શુઈએ
B. યુઅન-શ્વાંગે
C. ઇત્સિંગે
D. ફાહિયાને
ઉત્તર : D. ફાહિયાને
हमसे जुड़ें, हमें फॉलो करे ..
- Telegram ग्रुप ज्वाइन करे – Click Here
- Facebook पर फॉलो करे – Click Here
- Facebook ग्रुप ज्वाइन करे – Click Here
- Google News ज्वाइन करे – Click Here