Gujarat Board | Class 9Th | Science | Biology | Model Question Paper & Solution | Chapter – 7 Diversity in Living Organisms (સજીવોમાં વિવિધતા)
પ્રકરણસાર
- ભિન્નતા (Variation) : સજીવોમાં જોવા મળતી લક્ષણોની વિવિધતાને ભિન્નતા કહે છે.
- ભિન્નતા સજીવોના વર્ગીકરણનો આધાર બને છે.
- સજીવોનાં વિભિન્ન સ્વરૂપોની ભિન્નતાના અભ્યાસ માટે વિશિષ્ટ લક્ષણોને અનુરૂપ સમૂહ બનાવવામાં આવે છે.
- એરિસ્ટોટલ ગ્રીક તત્ત્વચિંતકે સજીવોનું વર્ગીકરણ (Classification) તેમના નિવાસસ્થાનને આધારે કર્યું.
- સજીવોના વર્ગીકરણ માટે મૂળભૂત લક્ષણ કોષીય સંરચના (Cellular Structure) છે.
- વનસ્પતિઓ અને પ્રાણીઓને મુખ્યત્વે પ્રકાશસંશ્લેષણ (Photosynthesis) ક્રિયા આધારે અલગ કરવામાં આવે છે.
- સજીવોના વર્ગીકરણનો તેમના ઉદ્વિકાસ (Evolution) સાથે નજીકનો સંબંધ છે. વર્ગીકરણના અભ્યાસ સાથે સજીવોના ઉદ્વિકાસની સમજ મળે છે.
- ચાર્લ્સ ડાર્વિને તેમના પુસ્તક “The Origin of Species by Means of Natural Selection’માં ઉદ્વિકાસની સંકલ્પના રજૂ કરી.
- આર. એચ. વ્હીટેકરે સજીવોનું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું. વ્હીટેકરે સજીવોની કોષીય રચના, દેહરચના, પોષણ પદ્ધતિ, કોષદીવાલ વગેરે લક્ષણોના આધારે પાંચ સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ રજૂ કરી.
- મોનેરા (Monera) સૃષ્ટિમાં આદિકોષકેન્દ્રી સજીવો બૅક્ટેરિયા, માયકોપ્લાઝ્મા, નીલરિત લીલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- પ્રોટિસ્ટા (Protista) સૃષ્ટિમાં એકકોષી લીલ, સુકોષકેન્દ્રી સજીવો ડાયેટમ્સ, પ્રજીવો, યુગ્લિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ફૂગ (Fungi) સૃષ્ટિમાં વિષમપોષી, સુકોષકેન્દ્રી સજીવો યીસ્ટ, મશરૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રશ્નોત્તર
પ્રસ્તાવના
પ્રશ્ન 1. આપણી ચારેય બાજુએ કેટલા પ્રકારના સજીવસમૂહ જોવા મળે છે? તેઓ શું ધરાવે છે? [1 ગુણ]
ઉત્તર : આપણી ચારેય બાજુએ ઘણા પ્રકારના સજીવસમૂહ જોવા મળે છે. તેઓ એકબીજા સાથે ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવે છે.
તમે તમારી જાતને તમારા એક મિત્ર સાથે સરખાવી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
→ શું બંનેની ઊંચાઈ એકસરખી છે?
ઉત્તર : ના
→ શું તમારું નાક, તમારા મિત્રના નાક જેવું જ છે?
ઉત્તર : ના
→ શું તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એકસમાન છે?
ઉત્તર : હા
→ આપણે દેશી અને જર્શી ગાય વિશે સાંભળેલું છે.
→ શું એક દેશી ગાય, જર્શી ગાય જેવી દેખાય છે?
ઉત્તર : ના, દેશી ગાય કદ અને રંગમાં અલગ દેખાય છે.
→ શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે?
ઉત્તર : બધી નહિ પરંતુ મોટા ભાગની દેશી ગાય એક જેવી દેખાય છે.
→ શું આપણે દેશી ગાયોના સમૂહમાં જર્શી ગાયને ઓળખી શકીએ છીએ ?
ઉત્તર : હા, દેશી ગાયોના સમૂહમાં જર્શી ગાયને ઓળખી શકીએ છીએ.
→ ઓળખવા માટેનો આપણો આધાર શું હોય છે?
ઉત્તર ; ઓળખવા માટેનો આપણો આધાર કદ, શિંગડાનો આકાર, ચામડીનો રંગ, ઊંચાઈ વગેરે હોય છે.
→ આ પ્રવૃત્તિ પરથી નક્કી કરો કે કયા વિશિષ્ટ લક્ષણ ઇચ્છિત સમૂહના સજીવો માટે વધુ મહત્ત્વપૂર્ણ છે?
ઉત્તર : ઇચ્છિત સમૂહના સજીવો દા. ત., ગાય માટે વિશિષ્ટ લક્ષણ કદ, ત્વચાનો રંગ, ઊંચાઈ, પ્રજનન અવધિ, દૂધ-ઉત્પાદન ક્ષમતા, રોગપ્રતિકારકતા, દૂધનું પોષણમૂલ્ય વગેરે વધુ મહત્ત્વપૂર્ણ છે.
પ્રશ્ન 2. સજીવનાં ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો. [2 ગુણ ]
ઉત્તર : સજીવનાં ભિન્ન સ્વરૂપોની વિવિધતા નીચે મુજબ છે :
( 1 ) કદ : બૅક્ટેરિયા જેવા માઇક્રોમીટર (um) કદ ધરાવતા સજીવ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. જ્યારે વિશાળ કદ ધરાવતા સજીવો જેવા કે 30 મીટર લંબાઈ ધરાવતી વાદળી વ્હેલ (Blue whale) અને કૅલિફોર્નિયાના 100 મીટર ઊંચાઈ ધરાવતાં રેડવુડ (Redwood) વૃક્ષો છે.
( 2 ) જીવનકાળ : કેટલાક પાઇનના વૃક્ષ હજારો વર્ષ સુધી જીવિત રહે છે, જ્યારે મચ્છર જેવા કીટકો કેટલાક દિવસનો જીવનકાળ ધરાવે છે.
આ ઉપરાંત રંગહીન જીવો, પારદર્શી કીટકો, વિવિધ રંગવાળાં પક્ષીઓ અને પુષ્પોમાં પણ વિવિધતા જોવા મળે છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 3. આપણે સજીવોનું વર્ગીકરણ શા માટે કરીએ છીએ? [2 ગુણ]
ઉત્તર : પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવજાતિઓ આવેલી છે અને તેમાં અમાપ વિભિન્નતાઓ આવેલી છે. વ્યક્તિના જીવનકાળ દરમિયાન આ સમગ્ર વિભિન્નતાઓનો અભ્યાસ થઈ શકે નહિ. આથી સજીવોના સરળ અને સગવડ ભરેલા અભ્યાસ માટે તેમના સમૂહ બનાવવામાં આવે છે. આ માટે આપણે સજીવોનું વર્ગીકરણ કરીએ છીએ.
પ્રશ્ન 4. આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ત્રણ ઉદાહરણો આપો. [1 ગુણ]
ઉત્તર : આપણી ચારેય બાજુએ ફેલાયેલાં સજીવસ્વરૂપોની ભિન્નતાનાં ઉદાહરણ નીચે મુજબ છે :
( 1 ) નાની બિલાડી અને મોટી ગાય
( 2 ) ઘાસ અને વડનું વૃક્ષ
( 3 ) કાળો કાગડો અને લીલો પોપટ
7.1 વર્ગીકરણનો આધાર શું છે?
પ્રશ્ન 5. નિવાસસ્થાન આધારે સજીવોની સમૂહમાં વહેંચણી શા માટે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી? [2 ગુણ]
અથવા
સમજાવો : એરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે, પરંતુ સાચું નથી.
ઉત્તર : ગ્રીક તત્ત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાન આધા૨ે સ્થળજ, જલજ અને ખેચર સમૂહોમાં કર્યું હતું. સજીવોને ઓળખવાનો આ સરળ, પરંતુ સાચો રસ્તો નથી.
ઉદાહરણ તરીકે પ્રવાળ, ઑક્ટોપસ, તારામાછલી (સ્ટારફિશ), શાર્ક અને વ્હેલ આ બધા સજીવો સમુદ્રમાં વસવાટ કરે છે. આ બધામાં માત્ર તેમના નિવાસસ્થાનની સમાનતા છે. અન્ય લક્ષણોમાં ખૂબ જ ભિન્નતાઓ છે. તારામાછલી માછલી નથી. શાર્ક માછલી છે અને વ્હેલ પણ માછલી નથી.
આથી નિવાસસ્થાન આધારે સજીવોની સમૂહમાં વહેંચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.
પ્રશ્ન 6. સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો લક્ષમાં લેવી જરૂરી છે? [2 ગુણ]
ઉત્તર : સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોને લક્ષમાં લેવા જરૂરી છે.
ખાસ કરીને મોટા વર્ગ કે સમૂહના નિર્માણ માટેનો આધાર ચોક્કસ વિશિષ્ટ લક્ષણો અને ત્યારબાદ અન્ય લક્ષણોને આધારે કોઈ વર્ગને ઉપસમૂહો કે ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. સજીવોને ચોક્કસ વર્ગ કે સમૂહમાં વર્ગીકૃત કરતી વખતે જે-તે સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે કે જેના આધારે ચોક્કસ કેટલાક સજીવોને તે સમૂહમાં સાથે રાખી શકાય. આમ, સજીવના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂક બાબતોને લક્ષમાં લેવી જરૂરી છે.
પ્રશ્ન 7. સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય? [2 ગુણ]
ઉત્તર : સજીવોના વર્ગીકરણ માટે નીચલા (પાયાના) સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવાં લક્ષણો લેવામાં આવે છે અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. તેના પછીના દ્વિતીય સ્તરનાં લક્ષણ પહેલાં સ્તરનાં લક્ષણ ૫૨ નિર્ભર હોય અને તેમના તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણ લેવામાં આવે છે.
આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય.
પ્રશ્ન 8, સમજાવો : કોષની સંરચના સજીવોનાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે. [2 ગુણ]
ઉત્તર : કોષની સંરચના આધારે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો વર્ગીકૃત કરવામાં આવે છે.
આદિકોષકેન્દ્રી સજીવકોષોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી છે. તેમાં જૈવરાસાયણિક પથ ભિન્ન હોય છે. તેની અસર કોષની સંરચનાનાં બધાં જ પાસાઓ પર પડે છે.
સુકોષકેન્દ્રી સજીવકોષોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી છે. તેના કારણે કોષીય ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્ર પણે ક્ષમતાપૂર્વક થાય છે. આ ઉપરાંત સુકોષકેન્દ્રી કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે.
આથી કોષની સંરચના સજીવોનાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે.
પ્રશ્ન 9. ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો. [3 ગુણ]
ઉત્તર : ઉદ્વિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો :
( 1 ) સુયોજિત કોષકેન્દ્રની હાજરી કે ગેરહાજરી : આદિકોષકેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર ગેરહાજરી અને પટલમય અંગિકાઓનો અભાવ હોય છે.
સુકોષકેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી હોય છે.
( 2 ) સજીવોમાં કોષોની સંખ્યા : એકકોષી સજીવોમાં એક જ કોષ વડે સજીવ જીવન માટેનાં બધાં જ કાર્યો કરવામાં આવે છે.
બહુકોષી સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય છે. તેના દ્વારા વધારે ક્ષમતા મેળવવા શ્રમવિભાજન (કાર્ય-વહેંચણી) જોવા મળે છે.
( 3 ) પોષણ પદ્ધતિ : સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજકદ્રવ્ય (ક્લોરોફિલ) દ્વારા પ્રકાશસંશ્લેષણ ક્રિયા થાય છે અને તેમનો ખોરાક જાતે બનાવે છે.
૫૨પોષી સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી, તેઓ તેમનો ખોરાક વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે.
( 4 ) શરીરમાં આયોજનના સ્તર : બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે.
વનસ્પતિમાં સરળ પેશી → જટિલ પેશી → મૂળ, પ્રકાંડ, પર્ણ અંગોનું આયોજન જોવા મળે છે.
પ્રાણીઓમાં પણ પેશી → અંગ → અંગતંત્ર કક્ષાના આયોજન સ્તર ઉદ્વિકાસ પામેલા છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 10. સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ કયું હોઈ શકે છે? શા માટે? [1 ગુણ)
( a ) તેમનાં નિવાસસ્થાન
( b ) તેમની કોષીય સંરચના
ઉત્તર : ( b ) તેમની કોષીય સંરચના. કારણ કે કોષીય સંરચના આધારે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી સજીવો તેમજ વનસ્પતિ અને પ્રાણીનું વર્ગીકરણ સરળતાથી થઈ શકે છે.
પ્રશ્ન 11. સજીવોના પ્રારંભિક વિભાજન માટે કયા મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે? [1 ગુણ]
ઉત્તર : સજીવોના પ્રારંભિક વિભાજન માટે કોષનું સ્વરૂપ કે સંરચનાના મૂળભૂત લક્ષણને આધાર ગણવામાં આવ્યો છે.
પ્રશ્ન 12. કયા લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે? [1 ગુણ]
ઉત્તર : પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવાની ક્ષમતાના લક્ષણને આધારે પ્રાણીઓ અને વનસ્પતિઓને એકબીજાથી ભિન્ન વર્ગમાં મૂકવામાં આવે છે.
7.2 વર્ગીકરણ અને ઉદ્વિકાસ
પ્રશ્ન 13. કયા લક્ષણને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. સમજાવો. [2 ગુણ]
અથવા
સમજાવો : સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ છે.
ઉત્તર : બધા સજીવોને તેમની શરીરરચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે.
સજીવશરીરની રચનામાં કેટલાંક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે. જેમાં સમયની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આથી જ્યારે ચોક્કસ શરીરરચના અસ્તિત્વમાં આવે ત્યારે તે પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીરરચનામાં પરિવર્તનો કરે છે. આથી પછીથી અસ્તિત્વમાં આવતાં લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ ધરાવતાં લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. આનો અર્થ એ થાય કે સજીવસ્વરૂપોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે.
પ્રશ્ન 14. સજીવોનો ઉદ્વિકાસ શું છે? ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? [2 ગુણ]
ઉત્તર : સજીવોનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે. ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું.
ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક ‘The Origin of Species by Means of Natural Selection'(જાતિનો ઉદ્ભવ)માં આપ્યો.
પ્રશ્ન 15. વિસ્તૃત રીતે સમજાવો : વર્ગીકરણ અને ઉદ્વિકાસ [4 ગુણ]
ઉત્તર : બધા સજીવોને તેમની શરીરરચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે.
શરીર બંધારણ(રચના)માં કેટલાંક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીરરચનામાં આવાં પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીરરચના ઉદ્વિકસિત થાય છે. શરીરરચનાનાં અગાઉનાં લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં માનવામાં આવે છે.
આ પ્રમાણે કેટલાક સજીવસમૂહોની શરી૨૨ચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફારો થયા નથી. તેમને પ્રાચીન (આદિ) સજીવો કહે છે. તેમની શરી૨૨ચના પ્રમાણમાં સરળ છે. કેટલાક સજીવસમૂહોની શરીરરચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે છે. ઉદ્વિકાસને કારણે તેમાં જટિલતાઓ પ્રવેશતાં જટિલ શરીરરચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે.
સજીવના ઉદ્વિકાસની સમજ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક “The Origin of Species by Means of Natural Selection’માં રજૂ કરી. આ સમજૂતી પ્રમાણે અત્યારે જોવા મળતા સજીવો તેમના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે.
સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો જે દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને ઉદ્વિકાસ કહે છે. વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાના આધારે રચાતા સજીવસમૂહો ક્રમશઃ ઉદ્વિકાસની સમજૂતી આપે છે.
પ્રશ્ન 16. નોંધ લખો : જૈવવિવિધતા [3 ગુણ]
ઉત્તર : જૈવવિવિધતા એટલે ભિન્ન સજીવસ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા.
કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતાં સજીવસ્વરૂપોને જૈવવિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. એકસમાન પર્યાવરણ | નિવાસમાં રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી ભિન્ન સજીવ જાતિઓનો સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા વગેરે પરિબળોથી અસર પામે છે.
એક અનુમાન મુજબ પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ પૈકી માત્ર 10 લાખ – 20 લાખ જાતિઓની જાણકારી હાલના તબક્કે પ્રાપ્ત થયેલી છે.
વધુ જૈવવિવિધતા પ્રદેશો (ક્ષેત્રો) : પૃથ્વી પર કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના પ્રદેશો જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો છે, ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશોને વધુ જૈવવિવિધતાવાળા પ્રદેશો કહે છે.
બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયર, માડાગાસ્કર, ઑસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા દેશોમાં પૃથ્વી પરનો જૈવવિવિધતાનો અડધાથી વધારે ભાગ આવેલો છે.
નોંધ : આ પ્રશ્નની સમજૂતી પાઠ્યપુસ્તકમાં ‘વધારે જાણવા જેવું’ તરીકે સમાવી છે.
પ્રશ્ન 17. સજીવોમાં ઉદ્વિકાસીય સંબંધ સમજાવો. [2 ગુણ]
ઉત્તર : ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક The Origin of Species by Means of Natural Selection”чi ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો.
ડાર્વિનની સમજૂતી મુજબ બધા સજીવો એકકોષી સજીવમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. ઉદ્વિકાસના ઇતિહાસમાં પ્રાથમિક સ્વરૂપની શરીરરચના પ્રથમ અસ્તિત્વમાં આવી, જે વધુ જટિલ રચના તરફ ક્રમશઃ આગળ વિકસિત થઈ. આ બાબત સજીવસ્વરૂપોમાં અમાપ વિવિધતા તરફ દોરી ગઈ.
બધા સજીવો પરસ્પર સંબંધ ધરાવે છે, કારણ કે તેઓના પૂર્વજ સામાન્ય છે. બે સજીવો વચ્ચેનો નજીકનો ઉદ્વિકાસીય સંબંધ એ સજીવોના વર્ગીકરણનો પાયો છે.
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 18. આદિસજીવ કોને કહે છે? તે કહેવાતા ઉચ્ચ સજીવોથી કેવી રીતે ભિન્નતા ધરાવે છે? [2 ગુણ]
ઉત્તર : જે સજીવ સાદી કોષીય રચના ધરાવતા હોય અને તેમાં શ્રમવિભાજનનો અભાવ હોય તેમજ પ્રાચીન સમયથી કોઈ ખાસ ફેરફાર થયા નથી તે સજીવને આદિસજીવ કહે છે.
જ્યા૨ે કહેવાતા ઉચ્ચ સજીવો વિવિધ જૈવિક કાર્યો માટે અંગો અને અંગતંત્રોની હાજરી હોય છે. આ બાબતે આદિસજીવ ઉચ્ચ સજીવોથી ભિન્નતા ધરાવે છે.
પ્રશ્ન 19. શું ઉચ્ચ સજીવ અને જિટલ સજીવ એક જેવા જ હોય છે? શા માટે? [1 ગુણ]
ઉત્તર : હા, ઉચ્ચ સજીવ એટલે વધારે ઉદ્વિકાસ પામેલા સજીવો જેમાં ઉદ્વિકાસ દરમિયાન સજીવમાં વધારે જટિલતા સર્જાયેલી હોય છે.
7.3 વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના
પ્રશ્ન 20. કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું? પાંચ સૃષ્ટિનાં નામ અને તે શાના આધારે રચી તે જણાવો. [2 ગુણ]
ઉત્તર : રૉબર્ટ એચ. વ્હીટેકરે (1959) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું. પાંચ સૃષ્ટિ : મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ.
આ સૃષ્ટિઓ કોષીય સંરચના, પોષણનો સ્રોત, શરીર આયોજન અને પોષણ મેળવવાની પદ્ધતિ આધારે રચી.
પ્રશ્ન 21. વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપી અને આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો જણાવો. [4 ગુણ]
ઉત્તર : વર્ગીકરણનો સૌથી મોટો એકમ સૃષ્ટિ છે.
અર્નેસ્ટ હેકલ (1894), રોબર્ટ વ્હીટેકર (1959) અને કાર્લ બ્લૂઝ (1977) નામના જીવવૈજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો તેને સૃષ્ટિ કહે છે.
વ્હીટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ તરીકે ઓળખાતા સમૂહો સૃષ્ટિ તરીકે રચ્યા.
બ્લૂઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટેરિયા અને યુબૅક્ટેરિયામાં વર્ગીકૃત કરી.
વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ છે.
પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે.
સૃષ્ટિથી સજીવોનાં ભિન્ન લક્ષણોને આધારે સજીવોને નાના નાના સમૂહોમાં વર્ગીકૃત કરતા વર્ગીકરણના વિવિધ એકમો રચાય છે.
સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના સ્તરો :
સૃષ્ટિ (Kingdom)
સમુદાય ….. (Phylum) … (પ્રાણીઓ માટે) / વિભાગ (Division) (વનસ્પતિઓ માટે) :
1. વર્ગ (Class)
2. ગોત્ર (Order)
3. કુળ (Family)
4. પ્રજાતિ (Genus)
5. જાતિ (Species)
7.3.1 મોનેરા
પ્રશ્ન 22. મોનેરા સૃષ્ટિનાં લક્ષણો અને સમાવેશિત સજીવો જણાવો. [2 ગુણ]
અથવા
આદિકોષકેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ સમજાવો.
ઉત્તર : આદિકોષકેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે.
લક્ષણો : ( 1 ) કોષકેન્દ્ર ઃ સુયોજિત કોષકેન્દ્રનો અભાવ છે.
( 2 ) અંગિકાઓ : પટલમય અંગિકાઓની ગેરહાજરી છે.
( 3 ) શરીર : એકકોષી, કેટલાક કોષોની વસાહત (સમૂહ) દર્શાવે છે. :
( 4 ) કોષદીવાલ : કેટલાક કોષદીવાલ ધરાવે છે, કેટલાકમાં કોષદીવાલ નથી.
( 5 ) પોષણ : સ્વયંપોષી (જાતે ખોરાક બનાવે) અથવા પરપોષી (અન્ય સજીવ પાસેથી ખોરાક મેળવે).
ઉદાહરણ : બૅક્ટેરિયા, નીલહરિત લીલ (સાયેનોબૅક્ટેરિયા), માયકોપ્લાઝ્મા.
7.8.2 પ્રોટિસ્ટા
પ્રશ્ન 23. ટૂંક નોંધ લખો : પ્રોટિસ્ટા સૃષ્ટિ [2 ગુણ]
ઉત્તર : પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.
લક્ષણો : ( 1 ) શરીરરચના : એકકોષી :
( 2 ) શ્રમવિભાજન : અભાવ
( 3 ) પ્રચલન : ખોટા પગ (ફૂટપાદ), પશ્નો કે કશા દ્વારા
( 4 ) પોષણ : સ્વયંપોષી કે વિષમપોષી
ઉદાહરણ : ડાયેટમ્સ, એકકોષી લીલ, પ્રજીવો (અમીબા, પેરામીશિયમ), યુગ્લિના.
7.3.3 ફૂગ
પ્રશ્ન 24. ફૂગ સૃષ્ટિનાં લક્ષણો અને ઉદાહરણ જણાવો. [2 ગુણ]
ઉત્તર : ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી સુકોષકેન્દ્રી હોય છે. લક્ષણો :
( 1 ) પોષણ : મૃતોપજીવી પોષણ દર્શાવે છે. તેઓ સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે છે.
( 2 ) કોષદીવાલ : કોષદીવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે છે.
( 3 ) શરીરરચના : યીસ્ટ એકકોષી છે. યીસ્ટ સિવાયની બધી ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
( 4 ) આંતરસંબંધ : ફૂગની કેટલીક જાતિઓ નીલરિત લીલ (સાયેનોબૅક્ટેરિયા) સાથે સ્થાયી સહજીવી આંતરસંબંધ ધરાવે છે. તેને લાઇકેન કહે છે.
ઉદાહરણ : યીસ્ટ, એસ્પરજીલસ, પેનિસિલિયમ, મશરૂમ (એગેરિક્સ).
પ્રશ્ન 25. લાઇકેન એટલે શું? તે ક્યાં અને કયા સ્વરૂપમાં જોવા મળે છે? [2 ગુણ]
ઉત્તર : લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલ(સાયેનોબૅક્ટેરિયા)નો સ્થાયી આંતરસંબંધ. આ સંબંધ સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી હોય છે.
લાઇકેન સહજીવી સજીવો છે અને મોટા ભાગે વૃક્ષોની છાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે છે.
7.3.4 વનસ્પતિસૃષ્ટિ
પ્રશ્ન 26. પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કયા સભ્યોને વનસ્પતિસૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે? [1 ગુણ]
ઉત્તર : પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં હરિતકણની મદદથી પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક નિર્માણ કરતા સ્વયંપોષી સજીવો કે સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ ધરાવતા, તેમજ બહુકોષી સુકોષકેન્દ્રી સજીવો(સભ્યો)ને વનસ્પતિસૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે.
7.3.5 પ્રાણીસૃષ્ટિ
પ્રશ્ન 27. પ્રાણીસૃષ્ટિમાં કયા સજીવો આવે છે? [1 ગુણ]
ઉત્તર : પ્રાણીસૃષ્ટિમાં એવા તમામ બહુકોષીય સુકોષકેન્દ્રી સજીવો : કે જેઓમાં કોષદીવાલનો અભાવ છે તેમજ પ્રકાશસંશ્લેષણ ન કરતા વિષમપોષી પોષણ ધરાવતા સજીવો આવે છે.
પ્રશ્ન 28. વ્હીટેકરે સૂચવેલી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ સૂચવતો ચાર્ટ રજૂ કરો. [2 ગુણ]
ઉત્તર :
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 29. મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો કયા છે? [2 ગુણ]
ઉત્તર : મોનેરા અથવા પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટેના એકમો સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી કે હાજરી છે. મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી છે, જ્યારે પ્રોટિસ્ટામાં હાજરી છે.
પ્રશ્ન 30. એકકોષીય, સુક્રોષકેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો? [1 ગુણ]
ઉત્તર : પ્રોટિસ્ટા સૃષ્ટિ
પ્રશ્ન 31. ઉદ્વિકાસીય વર્ગીકરણમાં કયો સજીવસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે? [1 ગુણ]
ઉત્તર : ઉદ્વિકાસીય વર્ગીકરણમાં જાતિસમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને સૃષ્ટિસમૂહ વધુ સંખ્યામાં સજીવો ધરાવે છે.
7.4 વનસ્પતિસૃષ્ટિ
પ્રશ્ન 32. વનસ્પતિસૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયાં ધોરણો પર આધારિત છે? [2 ગુણ]
ઉત્તર : વનસ્પતિસૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ નીચેનાં ધોરણો પર આધારિત છે :
( 1 ) પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિદેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત તે આધારે કરવામાં આવે છે.
( 2 ) બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિદેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે થાય છે.
( 3 ) ત્રીજા સ્તરનું વર્ગીકરણ અંતર્ગત જોવામાં આવે છે. વનસ્પતિઓમાં બીજધારણની ક્ષમતા છે કે નથી તે આધારે વર્ગીકરણ થાય છે.
( 4 ) ત્યારપછી બીજધારણની ક્ષમતા હોય, તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવ૨ણ વગર વિકાસ પામે તે આધારે વર્ગીકરણ થાય છે.
7.4.1 સુકાયક (એકાંગી) (Thallophyta)
પ્રશ્ન 33. સુકાયક વનસ્પતિઓની માહિતી આપો. [2 ગુણ)
ઉત્તર : જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમવિભાજન જોવા મળતું નથી તેને સુકાયક વનસ્પતિઓ કહે છે.
સુકાયક વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં (મીઠા કે ખારા) જોવા મળે છે.
ઉદાહરણ : યુલોથ્રીક્સ, અલ્વા, કારા, ક્લેડોફોરા અને સ્પાયરોગાયરા
7.4.2 દ્વિઅંગી (Bryophyta)
પ્રશ્ન 34. વનસ્પતિસૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિસમૂહ સમજાવી, [2 ગુણ ]
અથવા
ટૂંક નોંધ લખો : દ્વિઅંગી વનસ્પતિઓ
ઉત્તર : દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિસૃષ્ટિનૌ ઉભયજીવી વનસ્પતિસમૂહ કહે છે.
→ આ વનસ્પતિઓને દેહ પ્રકાડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે. તેથી તેમને દ્વિરંગી કહે છે. વનસ્પતિદેહ મૂળ ધરાવતો નથી.
→ આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના (વાહક પેશી) જોવા મળતી નથી.
ઉદાહરણ : રિક્સિયા, માર્કેશિયા, યુનારિયા (માસ – શૈવાળ)
7.4.3 ત્રિઅંગી (Pteridophyta)
પ્રશ્ન 35. ત્રિઅંગી વનસ્પતિનાં બે લક્ષણો અને ઉદાહરણ જણાવો. [2 ગુણ] , પ્રકાંડ
ઉત્તર : ત્રિઅંગી વનસ્પતિનાં લક્ષણો :
( 1 ) વનસ્પતિ શરીર મૂળઅને પર્ણમાં વિભેદન પામેલો હોય છે.
( 2 ) તેમની દેહરચનામાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશી(જલવાહક અને અન્નવાહક)ની હાજરી હોય છે.
ઉદાહરણ : માર્સિલિયા, હંસરાજ, ઇક્વિસેટમ (હૉર્સ ટેઇલ)
પ્રશ્ન 36. ટૂંકી નોંધ લખો : [પ્રત્યેકના 2 ગુણ]
( 1 ) અપુષ્પી વનસ્પતિઓ
ઉત્તર : સુકાયક (થેલોફાયટા કે એકાંગી), દ્વિઅંગી (બ્રાયોફાયટા) અને ત્રિઅંગી (ટેરિડોફાયટા) વનસ્પતિઓ અપુષ્પી (ક્રિપ્ટોગેમ) વનસ્પતિઓ કહે છે.
→ આ વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. તેથી તેઓને બીજવિહીન વનસ્પતિઓ પણ કહે છે.
→ આ વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ જોવા મળે છે. તેને બીજાણુ કહે છે.
→ તેમાં પ્રજનનાંગ અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ કહે છે.
( 2 ) સપુષ્પી વનસ્પતિઓ
ઉત્તર : જે વનસ્પતિઓમાં પ્રજનનપેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય તેમજ પ્રજનનક્રિયા (ફેનરોગેમ) પછી બીજ નિર્માણ કરતી હોય, તેને સપુષ્પી વનસ્પતિઓ કહે છે.
→ તેમાં બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય છે તેમજ સંચિત ખોરાક હોય છે. આ ખોરાકનો અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે.
7.4.4 અનાવૃત બીજધારી વનસ્પતિઓ (Gymnosperms)
પ્રશ્ન 37. અનાવૃત બીજધારી કયા ગ્રીક શબ્દનો અર્થ છે? આ વનસ્પતિઓ કેવી હોય છે? તેનાં ઉદાહરણ લખો. [2 ગુણ ]
ઉત્તર : અનાવૃત બીજધારી ‘Gymnosperma’ ગ્રીક શબ્દ છે. તેમાં Gymnoનો અર્થ નગ્ન અને Spermaનો અર્થ બીજ.
આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી અનાવૃત બીજધારી કહેવાય છે.
આ વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર (સદાહરિત) અને કાષ્ઠીય હોય છે.
ઉદાહરણ : પાઇનસ અને સાયકસ
7.4.5 આવૃત બીજધારી વનસ્પતિઓ (Angiosperms)
પ્રશ્ન 38. ટૂંક નોંધ લખો : આવૃત બીજધારી [2 ગુણ]
ઉત્તર : આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે. તેમના બીજ બીજાશયમાં વિકસે છે અને બીજાશય ફળમાં રૂપાંતિરત થાય છે.
તેમાં ખોરાકસંગ્રહ બીજપત્રોમાં અથવા ભ્રૂણપોષમાં થાય છે.
બીજમાં બીજપત્રોની સંખ્યાના આધારે આવૃત બીજધારી વનસ્પતિઓને બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છેઃ
( 1 ) દ્વિદળી વનસ્પતિઓ : બીજ બે બીજપત્ર ધરાવે છે.
ઉદાહરણ : સૂર્યમુખી, આઇપોમિઆ (Ipomoea)
( 2 ) એકદળી વનસ્પતિઓ : બીજ એક બીજપત્ર ધરાવે છે.
ઉદાહરણ : મકાઈ, પેફિઓપેડિલમ (Paphiopedilum)
પ્રશ્ન 39. વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરો. [૩ ગુણ]
ઉત્તર : વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ નીચે મુજબ છેઃ
→ ભીંજવેલા ચણા, ઘઉં, મકાઈ, વટાણા અને આંબલીનાં બીજ લો. ભીંજવેલાં બીજ પાણીના અભિશોષણને કા૨ણે નરમ થઈ જાય છે. આ બીજને બે ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરો.
• શું આમાંનાં બધાં જ બીજ ફાટીને બે સરખા ભાગોમાં વહેંચાઈ જાય છે?
ઉત્તર : ના. ચણા, વટાણા અને આંબલીનાં બીજના બે ભાગ થાય છે. ઘઉં અને મકાઈનાં બીજના બે ભાગ થતા નથી.
→ જે બીજ બે અડધા ભાગોમાં દેખાય છે, તે દ્વિદળી બીજ છે અને જે તૂટતાં નથી અને બે ભાગોમાં વહેંચાતાં નથી, તે એકદળી બીજ છે.
→ હવે આ વનસ્પતિઓનાં મૂળ, પર્ણો અને પુષ્પોને જુઓ.
• શું આ મૂળ સોટીમય છે કે તંતુમય?
ઉત્તર : ચણા, વટાણા અને આંબલીના મૂળ સોટીમય છે. ઘઉં અને મકાઈના મૂળ તંતુમય છે.
• શું પર્ણોમાં સમાંતર કે જાલાકાર શિરાવિન્યાસ છે?
ઉત્તર : ચણા, વટાણા અને આંબલીનાં પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ; જ્યારે ઘઉં અને મકાઈનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ છે.
• આ વનસ્પતિઓનાં પુષ્પોમાં કેટલાં દલપત્રો છે?
ઉત્તર : ચણા, વટાણા, આંબલીનાં પુષ્પોમાં પાંચ દલપત્રો; જ્યારે ઘઉં અને મકાઈનાં પુષ્પોમાં ત્રણ દલપત્રો હોય છે.
• શું તમે એકદળી અને દ્વિદળી વનસ્પતિઓના આનાથી વધારે લક્ષણો અવલોકનને આધારે લખી શકો છો?
ઉત્તર :
Intext પ્રશ્નોત્તર
પ્રશ્ન 40. સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂક્વામાં આવી છે? [1 ગુણ]
ઉત્તર : સરળતમ વનસ્પતિઓને સુકાયક (એકાંગી) સમૂહમાં મૂકવામાં આવી છે.
પ્રશ્ન 41. ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિઓથી કેવી રીતે જુદી છે? [1 ગુણ]
ઉત્તર : ત્રિઅંગીમાં નગ્ન ભ્રૂણ અને અપ્રત્યક્ષ પ્રજનનાંગો છે. જ્યા૨ે પુષ્પધારી વનસ્પતિઓમાં પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનનાંગ હોય છે.
પ્રશ્ન 42. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી છે? [1 ગુણ]
ઉત્તર : અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ છે, જે ફળનું આવરણ ધરાવતા નથી અને આવૃત બીજધારીમાં બીજ ફળમાં ઢંકાયેલા હોય છે.
7.5 પ્રાણીસૃષ્ટિ
પ્રશ્ન 43. પ્રાણીસૃષ્ટિનાં લક્ષણો જણાવો. [2 ગુણ]
ઉત્તર : પ્રાણીસૃષ્ટિનાં લક્ષણો : (1) સુકોષકેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. (2) તેઓના કોષોમાં કોષદીવાલ હોતી નથી. (3) મોટા ભાગનાં પ્રાણીઓ પ્રચલનશીલ છે. (4) શ૨ી૨૨ચના અને વિભેદીકરણને આધારે પ્રાણીસૃષ્ટિનાં પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
7.5.1 છિદ્રકાય (Porifera)
પ્રશ્ન 44. છિદ્રકાય સમુદાયનાં લક્ષણો ઉદાહરણ સહિત લખો. [3 ગુણ)
ઉત્તર : છિદ્રકાયનો અર્થ ‘છિદ્રયુક્ત શરીર’ થાય છે.
લક્ષણો : (1) વસવાટ : મોટા ભાગે દરિયાઈ, થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે.
(2) શરીરરચના : શરીર બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે.
(3) પ્રચલન : તે અચલિત પ્રાણીઓ છે. કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. પ્રચલન એકમનો અભાવ છે.
(4) કંકાલ : શરી૨ કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે.
( 5 ) નલિકાતંત્ર : તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલાં છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકાતંત્ર સાથે જોડાયેલાં હોય છે. નલિકાતંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઑક્સિજનનું વહન થાય છે.
ઉદાહરણ : યુપ્લેક્ટેલિઆ, સાયકોન, સ્પોન્જિલા.
7.5.2 કોષ્ઠાંત્રિ (Coelenterata)
પ્રશ્ન 45. ટૂંક નોંધ લખો : કોષ્ઠાંત્રિ સમૂહ [2 ગુણ]
ઉત્તર : કોષ્ઠાંત્રિ સમૂહનાં પ્રાણીઓ કોષ્ટાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે.
લક્ષણો : (1) વસવાટ : મોટા ભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે.
(2) શરીરરચના : તેમનું શરીર બાહ્યસ્તર અને અંતઃસ્તર એમ બે સ્તરોથી બનેલું હોય છે. શરીરરચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે.
(3) સ્વરૂપ : કેટલીક જાતિઓ ઉદા., હાઇડ્રા એકાકી સ્વરૂપે જ્યારે કેટલીક જાતિઓ ઉદા., પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે.
(4) વિશિષ્ટતા : તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. ઉદાહરણ : હાઇડ્રા (જળવ્યાળ), જેલીફિશ, પ્રવાળ (પરવાળા), સમુદ્રફૂલ.
7.5.3 પૃથુકૃમિ (Platyhelminthes)
પ્રશ્ન 46. ટૂંક નોંધ લખો : પૃથુમિ સમૂહ [3 અથવા 4 ગુણ]
અથવા
પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ સમજાવો.
ઉત્તર : પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ પૃથુકૃમિ સમૂહનાં છે.
લક્ષણો : (1) વસવાટ : મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં.
(2) જીવન-પદ્ધતિ : મુક્તજીવી (ઉદા., પ્લેનેરિયા) કે અંતઃપરોપજીવી (ઉદા., યકૃતકૃમિ)
(3) શરીરરચના : પ્રાણીઓનું શરીર ત્રણ સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે. શ૨ી૨૨ચના વધારે જટિલ હોય છે.
(4) આયોજન : તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાંક અંગો પણ બને છે. સુવિકસિત અંગવ્યવસ્થા હોય છે.
(5) દેખાવ : તેમના શરીર પૃષ્ઠ-વક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાફમ કે પૃથુક઼િમ કહે છે.
(6) સમિતિ : તેમનું શરી૨ જમણી અને ડાબી એમ બંને બાજુ સમાન સંરચના ધરાવે છે. અર્થાત્ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.
(7) દેહગુહા (શરીરગુહા) : સાચી શરીરગુહાનો અભાવ છે.
ઉદાહરણ : પ્લેનેરિયા, યક્તમિ, પટ્ટીકીડો.
7.5.4 સૂત્રકૃમિ (Nematoda)
પ્રશ્ન 47. ટૂંક નોંધ લખો : સૂત્રકૃમિ સમૂહ [3 ગુણ)
અથવા
આભાસી શરીરગુહા ધરાવતો પ્રાણીસમૂહ વર્ણવો.
ઉત્તર : આભાસી શરીરગુહા ધરાવતો પ્રાણીસમૂહ સૂત્રમિ છે.
લક્ષણો : ( 1 ) શરીર : પ્રાણીઓના શરીર લાંબા, નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે.
( 2 ) ગર્ભસ્તર : આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે.
( 3 ) સમમિતિ : દ્વિપાસ્થિ સમમિતિ ધરાવે છે.
( 4 ) આયોજન : પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી,
( 5 ) જીવન-પદ્ધતિ : મોટા ભાગનાં પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે.
( 6 ) દેહ / શરીરગુહા ઃ તેઓ કૃટ દેહકોષ્ઠ કે આભાસી શરીરગુહા ધરાવે છે.
ઉદાહરણ : કરમિયું, હાથીપગાનું કૃમિ (ફિલારિયલ કૃમિ કે વુકેરેરિયા).
7.5.5 નૃપુરક (Annelida)
પ્રશ્ન 48. નૃપુરક પ્રાણીઓનાં સામાન્ય લક્ષણો જણાવો. [3 ગુણ)
અથવા
સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ ધરાવતાં પ્રાણીઓ સમજાવો.
ઉત્તર : સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ ધરાવતાં પ્રાણીઓ નૂપુરક સમુદાયના છે :
લક્ષણો : ( 1 ) વસવાટ : મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળજ વસવાટ ધરાવે છે.
( 2 ) ગર્ભસ્તર : ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે.
( 3 ) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.
( 4 ) શરીરગુહા : પ્રાણી ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ જોવા મળે છે.
( 5 ) શરીરરચના : શરીરરચનામાં સાચાં અંગ નિર્માણ પામે છે અને તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે.
( 6 ) ખંડન : તેઓનું શરીર શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોમાં વહેંચાયેલું હોય છે.
( 7 ) અંગતંત્ર આયોજન : પ્રાણીશરીરમાં પાચન, પરિવહન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે.
ઉદાહરણ : રેતીકીડો, અળસિયું, જળો.
7.5.6 સંધિપાદ (Arthropoda)
પ્રશ્ન 49. સંધિપાદ સમૂહનાં લક્ષણો જણાવો. [2 ગુણ]
અથવા
પ્રાણીજગતના સૌથી મોટા સમુદાયની માહિતી આપો.
ઉત્તર : સંધિપાદ સમુદાય પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય છે.
લક્ષણો : ( 1 ) શરીર : ખંડમય હોય છે.
( 2 ) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.
( 3 ) ઉપાંગો : પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા છે.
( 4 ) પરિવહનતંત્ર : ખુલ્લા પ્રકારનું હોવાથી દેહગુહા કે શરીરગુહા રુધિરથી ભરેલી હોય છે. આવી દેહગુહાને રુધિરગુહા કહે છે.
ઉદાહરણ : વંદો, જિંગા, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો, કાનખજૂરો.
7.5.7 મૃદુકાય (Molusca)
પ્રશ્ન 50. ટૂંક નોંધ લખો : મૃદુકાય પ્રાણીસમૂહ [3 ગુણ]
ઉત્તર : મૃદુકાય પ્રાણીસમૂહનાં લક્ષણો નીચે મુજબ છે :
લક્ષણો : ( 1 ) સમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમિતિ.
( 2 ) શરીરગુહા : શરીરગુહા (દેહગુહા) નાની હોય છે.
( 3 ) ખંડન : શરીર થોડું ખંડન દર્શાવે છે.
( 4 ) કંકાલ : આ પ્રાણી કોમળ શરીર ધરાવતાં હોવાથી મોટા ભાગનાં પ્રાણીઓમાં કવચ જોવા મળે છે.
( 5 ) પરિવહનતંત્ર : ખુલ્લા પ્રકારનું છે.
( 6 ) ઉત્સર્જન : ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જેવી રચના ધરાવે છે.
( 7 ) પ્રચલન : મૃદુપગનો ઉપયોગ પ્રચલન માટે કરે છે.
ઉદાહરણ : કાઇટોન, ઑક્ટોપસ, પાઇલા, ઉનિઓ (છીપણું).
7.5.8 શૂળત્વચી (Echinodermata)
પ્રશ્ન 51. ટૂંક નોંધ લખો : સમુદાય શૂળત્વચી [2 ગુણ]
અથવા
જલપરિવહન નલિકાતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ વર્ણવો.
ઉત્તર : જલપરિવહન નલિકાતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ શૂળત્વચી છે. આ પ્રાણીઓની ત્વચા શૂળ (કાંટા) જેવી રચનાઓથી આચ્છાદિત હોવાથી તેમને શૂળત્વચી કહે છે.
લક્ષણો : ( 1 ) વસવાટ : દરિયાઈ મુક્તજીવી પ્રાણીઓ છે.
( 2 ) સામાન્ય લક્ષણ : ત્રિગર્ભસ્તરીય, શરીરગુહાયુક્ત પ્રાણીઓ છે.
( 3 ) વિશિષ્ટ તંત્ર ઃ પ્રચલનમાં સહાયક વિશિષ્ટ પ્રકારનું જલપરિવહન નલિકાતંત્ર જોવા મળે છે.
( 4 ) બાહ્યકંકાલ : પ્રાણીઓમાં કૅલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને શુળ જોવા મળે છે.
ઉદાહરણ : બરડતારા, સમુદ્રકાકડી, સાગરગોટા, સમુદ્રતારા.

7.5.9 પ્રાથમિક મેરુદંડી (Protochordata –પ્રમેરુદંડી)
પ્રશ્ન 52. મેરુદંડની માહિતી આપી, પ્રાથમિક મેરુદંડી પ્રાણીનાં લક્ષણો જણાવો. [4 ગુણ]
ઉત્તર : પ્રમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓમાં જોવા મળતી લાંબા દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે.
મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે.
પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓનાં લક્ષણો નીચે મુજબ છે :
( 1 ) વસવાટ : દરિયાઈ પ્રાણીઓ છે.
( 2 ) સામાન્ય લક્ષણ : ત્રિગર્ભસ્તરીય, દેહગુહાયુક્ત છે.
( 3 ) સમમિતિ : દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે.
( 4 ) મેરુદંડ : તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી.
ઉદાહરણ : બાલાનોગ્લોસસ, ઍલ્ફિઑક્સસ, હર્ડમેનિયા.
7.5.10 પૃષ્ઠવંશી (Vertebrata)
પ્રશ્ન 53. પૃષ્ઠવંશી પ્રાણીઓનાં લક્ષણો જણાવો. [3 ગુણ)
ઉત્તર : પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલા હોય છે. આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે.
લક્ષણો : (1) મેરુદંડ ધરાવે, (2) પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી, (3) ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે, (4) યુગ્મિત ઝાલર કોથળી, (5) દેહકોષ્ઠ(શરીરગુહા)ની હાજરી,
પૃષ્ઠવંશી પ્રાણીઓને મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એવા પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
7.5.10 (i) મત્સ્ય (Pisces)
પ્રશ્ન 54. મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ જણાવો. [4 ગુણ]
ઉત્તર : મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ
( 1 ) વસવાટ : દરિયાઈ કે મીઠા પાણીમાં કરે છે.
( 2 ) બાહ્ય કંકાલ : ત્વચા ભીંગડાં અથવા પ્લેટોથી ઢંકાયેલી છે.
( 3 ) શ્વસન : ઝાલરો દ્વારા પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
( 4 ) શરીર : ચપટું રેખીય કે ત્રાકાકાર છે.
( 5 ) પ્રચલન : પાણીમાં તરવા પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ કરે છે.
( 6 ) હૃદય : એક કર્ણક અને એક ક્ષેપકથી બનેલું દ્વિખંડી છે.
( 7 ) તાપમાન આધારે પ્રકાર : મત્સ્યો અસમતાપી (શીત રુધિરવાળાં) પ્રાણી છે.
( 8 ) વિકાસ : મોટા ભાગનાં મત્સ્યો ઈંડાં મૂકતાં અંડપ્રસવી પ્રાણીઓ છે.
7.5.10 (ii) ઉભયજીવી (Amphibia)
પ્રશ્ન 55. ઉભયજીવી એટલે શું? ઉભયજીવી વર્ગનાં લક્ષણો જણાવો. [3 ગુણ]
ઉત્તર : ઉભયજીવી એટલે ડિમ્ભાવસ્થા પાણીમાં અને પુખ્તાવસ્થામાં પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતાં પ્રાણીઓ.
ઉભયજીવી વર્ગનાં લક્ષણો નીચે મુજબ છેઃ
( 1 ) ત્વચા : શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીકણી હોય છે.
( 2 ) બાહ્ય કંકાલ : ભીંગડાં તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી.
( 3 ) હૃદય : બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય છે.
( 4 ) શ્વસન : ડિમ્ભાવસ્થામાં ઝાલરો દ્વારા અને પુખ્તાવસ્થામાં ત્વચા અને ફેફસાં વડે શ્વસન થાય છે.
( 5 ) ઉત્સર્જન : ઉત્સર્જન-કાર્ય માટે મૂત્રપિંડ ધરાવે છે.
( 6 ) વિકાસ : ઈંડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભવિકાસ છે.
ઉદાહરણ : સાલામાન્ડર, ટોડ, દેડકો.
7.5.10 (iii) સરીસૃપ (Reptilia)
પ્રશ્ન 56. સરીસૃપ વર્ગનાં લક્ષણો જણાવો. [3 ગુણ]
ઉત્તર : સરીસૃપ વર્ગનાં લક્ષણો નીચે મુજબ છે ઃ
(1) ત્વચા : ભીંગડાઓ ધરાવે છે.
(2) હૃદય : સામાન્યતઃ ત્રિખંડીય છે, પરંતુ મગરની જાતિઓમાં ચતુખંડીય હોય છે.
(3) શ્વસન : ફેફસાં દ્વારા થાય છે.
(4) ઉત્સર્જન : ઉત્સર્જન-કાર્ય માટે મૂત્રપિંડ જોવા મળે છે.
(5) તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ અસમતાપી (શીત રુધિરવાળાં) છે.
(6) વિકાસ : ઈંડાં મૂકતાં પ્રાણીઓ છે. તેમનાં ઈંડાં મજબૂત સખત કવચથી ઢંકાયેલા હોવાથી જમીન ૫૨ મૂકે છે. તેમને પાણીમાં ઈંડાં મૂકવાની આવશ્યકતા નથી.
ઉદાહરણ : કાચબો, નાગ, મગર, ગરોળી, સાપ.
7.5.10 (iv) વિહંગ (Aves)
પ્રશ્ન 57. પક્ષીઓનો સમાવેશ કરતા વર્ગમાં કયાં લક્ષણો જોવા મળે છે તે જણાવો. [3 ગુણ]
અથવા
ટૂંકી સમજૂતી લખો : વિહગ
ઉત્તર : પક્ષીઓનો સમાવેશ વિહગ વર્ગમાં કરવામાં આવ્યો છે.
લક્ષણો : ( 1 ) ઉપાંગો : તેઓ બે જોડ ઉપાંગો ધરાવે છે. અગ્રઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે.
( 2 ) હૃદય : ચતુખંડીય હૃદય ધરાવે છે.
( 3 ) શ્વસન : ફેફસાં દ્વારા થાય છે.
( 4 ) તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ સમતાપી (ઉષ્ણ રુધિરવાળાં) છે.
( 5 ) વિકાસ : ઈંડાં મૂકતાં અંડપ્રસવી પ્રાણી છે.
( 6 ) શરીર ઃ શરીર પર પીંછાં ધરાવે છે.
ઉદાહરણ : સફેદ બગલો, શાહમૃગ, બતક, કાગડો, ચક્લી, બૂતર
7.5.10 (v) સસ્તન (Mammalia)
પ્રશ્ન 58. સસ્તન વર્ગનાં લક્ષણો જણાવો. [3 ગુણ]
ઉત્તર : સસ્તન વર્ગનાં લક્ષણો નીચે મુજબ છે :
( 1 ) સ્તનગ્રંથિઓ : આ વર્ગના બધાં જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સ્રાવ કરતી સ્તનગ્રંથિઓ ધરાવે છે.
( 2 ) ત્વચા : પ્રાણીઓની ત્વચા વાળ, પ્રસ્વેદગ્રંથિઓ અને તૈલગ્રંથિઓ ધરાવે છે.
( 3 ) હૃદય : ચતુખંડીય છે.
( 4 ) તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ સમતાપી (ઉષ્ણ રુધિરવાળાં) છે.
( 5 ) વિકાસ : ગર્ભવિકાસ માતૃપ્રાણી શરીરમાં થઈ જીવતી બાળપેઢીને જન્મ આપે છે.
અપવાદરૂપે શેળો (Echidna) અને બતકચાંચ (Platypus) ઈંડાં મૂકતાં સસ્તન છે.
સસ્તન પ્રાણી કાંગારુ અવિકસિત નવજાત જ્યાં સુધી પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી માર્સપિયમ નામની કોથળીમાં લટકાવી રાખે છે.
ઉદાહરણ : વ્હેલ, ચામાચીડિયું, બિલાડી, ઉંદર, માનવ.
7.6 નામકરણ
• નીચે આપેલાં પ્રાણીઓ અને વનસ્પતિઓનાં નામ જેટલી ભાષાઓમાં તમે આપી શકો તેટલી શક્ય ભાષામાં નામ આપો :
( 1 ) વાઘ
( 2 ) મોર
( 4 ) લીમડો
( 3 ) કીડી
( 5 ) કમળ
( 6 ) બટાટા
ઉત્તર : ( 1 ) વાધ → > શેર, બાષ, પુલી (Pulli), હુલી, હુ
( 2 ) મોર → મયુર, પાવો, તેઓન, પેવલીન, નેમાલી
( 3 ) કીડી → ચીંટી
( 4 ) લીમડો → નીમ, વધુમ (Vabum)
( 5 ) કમળ → થમારી (Thamari)
( 6 ) બટાટા → આલુ
પ્રશ્ન 59. સજીવોને વર્ગીકરણ નામ / વૈજ્ઞાનિક નામ આપવાની આવશ્યકતા શું છે? [2 ગુણ]
ઉત્તર : પૃથ્વી પર વિવિધ સજીવો અસ્તિત્વ ધરાવે છે. કોઈ ચોક્કસ સજીવને જુદા જુદા પ્રદેશમાં ત્યાંની સ્થાનિક ભાષામાં જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે. આમ, એક સજીવના અલગ અલગ સ્થાનિક નામથી ગેરસમજ થાય છે અને ચોક્કસ ઓળખમાં મુશ્કેલી સર્જાય છે.
આથી વૈજ્ઞાનિકોએ ઓળખાયેલા સજીવો માટે ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપી, વૈશ્વિક સ્તરે તેની એ જ નામથી ઓળખ શક્ય બનાવી છે. આમ, સજીવોની ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ માટે વર્ગીકરણ નામ આપવાની આવશ્યકતા છે.
સ્વાધ્યાયના પ્રશ્નોત્તર
( 1 ) સજીવોનું વર્ગીકરણ કરવાથી શો ફાયદો થાય છે? [2 ગુણ]
ઉત્તર : સજીવોના વર્ગીકરણના ફાયદા : (1) સામાન્ય લક્ષણો આધારિત સજીવોની ચોક્કસ કક્ષાઓ/સમૂહો નક્કી થઈ શકે છે. (2) વૈજ્ઞાનિક સંશોધનનો અભ્યાસ સરળ થઈ શકે છે. (૩) વિવિધ જૂથના સજીવોના આંતરસંબંધો નક્કી થઈ શકે છે અને મનુષ્ય માટે તેમની ઉપયોગિતાની સમજ પ્રાપ્ત થઈ શકે છે. (4) આર્થિક હેતુ માટે સંકરણ અને જનીન ઇજનેરી વિદ્યામાં સજીવોનો ઉપયોગ કરી શકાય છે.
( 2 ) વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી તમે કયા લક્ષણની પસંદગી કરશો? [1 ગુણ]
ઉત્તર : વર્ગીકરણમાં પદાનુક્રમ કે કક્ષા નક્કી કરવા માટે બે લક્ષણોમાંથી એવા લક્ષણની પસંદગી કરવામાં આવે છે કે જે સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક તથા ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય અને તેની અગાઉના સ્તરના લક્ષણ પર નિર્ભર હોય,
( 3 ) સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો સમજાવો. [1 ગુણ)
ઉત્તર : સજીવોની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ કરવાના આધારો : કોષીય સંરચના, શરીર આયોજન, પોષણ સ્રોત અને પોષણ મેળવવાની પદ્ધતિ,
( 4 ) વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ કયા છે? આ વર્ગીકરણનો મુખ્ય આધાર શું છે? [2 ગુણ]
ઉત્તર :
વનસ્પતિસૃષ્ટિમાં મુખ્ય વિભાગ 1. સુકાયક (થેલોફાયટા) 2. દ્વિઅંગી 3. ત્રિઅંગી 4. અનાવૃત બીજધારી 5. આવૃત બીજધારી 6. દ્વિદળી 7. એકદળી વર્ગીકરણનો મુખ્ય આધાર અવિભેદિત વનસ્પતિદેહ વાહક પેશીની ગેરહાજરી બીજ ઉત્પાદન ન કરે બીજ નગ્ન, ફળ આવરણ વગર બીજ ફળમાં ઢંકાયેલા બીજમાં બીજપત્રની સંખ્યા 2 બીજમાં બીજપત્રની સંખ્યા 1
( 5 ) પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી કેવી રીતે જુદા પડે છે? [3 ગુણ)
ઉત્તર : વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડો : મોટા ભાગે અચલિત, કોષદીવાલની હાજરી, ખોરાક બનાવવાની ક્ષમતા અનુસાર દેહનો વિકાસ આ માપદંડોના આધારે વનસ્પતિસમૂહ અલગ પડે છે,
ત્યારબાદ વનસ્પતિદેહના મુખ્ય ભાગોનું વિભેદન, વાહક પેશી, બીજ ધારણક્ષમતા અને બીજ ખુલ્લા કે ઢંકાયેલા આ માપદંડના આધારે વનસ્પતિ વર્ગીકરણ કરવામાં આવે છે.
પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો ઃ ચલિત, કોષદીવાલનો અભાવ, ખોરાકગ્રહણ અનુરૂપ પ્રાણીદેહનો વિકાસ વગે૨ે માપદંડોના આધારે પ્રાણીસમૂહ અલગ પડે છે.
ત્યારબાદ પેશી, કોષીય સ્તરો, દેહકોષ્ઠ, મેરુદંડ, કરોડસ્તંભ, બાહ્ય કંકાલ, ઉપાંગો વગેરે માપદડોના આધારે પ્રાણી વર્ગીકરણ કરવામાં આવે છે.
આમ, પ્રાણી વર્ગીકરણ માટેના માપદંડો વનસ્પતિ વર્ગીકરણ માટેના માપદંડોથી જુદા પડે છે.
( 6 ) પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ સમજાવો. [3 ગુણ)
ઉત્તર : પૃષ્ઠવંશી પ્રાણીઓને વિભિન્ન વર્ગોમાં વહેંચવા માટેની મુખ્ય બાબતો કે મુદ્દાઓ નીચે મુજબ છેઃ
હેતુલક્ષી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો : [પ્રત્યેકનો 1 ગુણ
( 1 ) સજીવોના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર કયો હોય છે?
ઉત્તર : સજીવોના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર પ્રજાતીય નામનો અને કૅપિટલ હોય છે.
( 2 ) કયા વિભાગમાં વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી?
ઉત્તર : થેલોફાયટા (સુકાયક) વિભાગમાં વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી.
( 3 ) ક્યા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે?
ઉત્તર : દ્વિઅંગી વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે.
( 4 ) ફૂગની કોષદીવાલનું રાસાયણિક બંધારણ આપો.
ઉત્તર : ફૂગની કોષદીવાલ કાઇટિનની બનેલી છે.
( 5 ) એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ શાના આધારે કર્યું?
ઉત્તર : એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના જમીન, પાણી કે હવામાં નિવાસને આધારે કર્યું.
( 6 ) કયા સજીવોને એક જ જાતિના સજીવો કહેવાય?
ઉત્તર : પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને એક જ જાતિના સજીવો કહેવાય.
( 7 ) વ્યૂઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને શામાં વહેંચી?
ઉત્તર : વ્યૂઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટેરિયા અને યુબૅક્ટેરિયામાં વહેંચી.
( 8 ) માયકોપ્લાઝ્મા અને ડાયેટમ્સ અનુક્રમે કઈ સૃષ્ટિના સજીવો છે?
ઉત્તર : માયકોપ્લાઝ્મા મોનેરા સૃષ્ટિ અને ડાયેટમ્સ પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે.
( 9 ) લાઇકેન કોની વચ્ચેનું સ્થાયી સહજીવન છે?
ઉત્તર : લાઇકેન ફૂગની જાતિઓ અને નીલહરિત લીલ (સાયેનોબૅક્ટેરિયા) વચ્ચેનું સ્થાયી સહજીવન છે.
(10) કયા સજીવ કોષમાં બૃહદ્ અને લઘુ એમ બે કોષકેન્દ્ર જોવા મળે છે?
ઉત્તર : પેરામીશિયમ કોષમાં બૃહદ્ અને લઘુ એમ બે કોષકેન્દ્ર જોવા મળે છે.
(11) લાંબી અને ટૂંકી એમ બે કશા ધરાવતા સજીવનું નામ અને તેનું પોષણ જણાવો.
ઉત્તર : લાંબી અને ટૂંકી એમ બે કશા ધરાવતા સજીવનું નામ : યુગ્લિના
પોષણ : સ્વોપજીવી
(12) કયા સમૂહની વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવાય છે?
ઉત્તર : સુકાયક (એકાંગી) સમૂહની વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવાય છે.
(13) અપ્રત્યક્ષ પ્રજનનાંગોવાળી વનસ્પતિઓ કઈ છે?
ઉત્તર : અપ્રત્યક્ષ પ્રજનનાંગોવાળી વનસ્પતિઓ સુકાયક (એકાંગી), દ્વિઅંગી અને ત્રિઅંગી છે.
(14) બીજાણુ એટલે શું?
ઉત્તર : બીજાણુ એટલે સુકાયક (એકાંગી), દ્વિઅંગી અને ત્રિઅંગીમાં જોવા મળતા અનાવિરત (નગ્ન) ભ્રૂણ.
(15) અનાવૃત બીજધારી વનસ્પતિઓ કેવી હોય છે?
ઉત્તર : અનાવૃત બીજધારી વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય હોય છે.
(16) દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું?
ઉત્તર : દ્વિપાર્શ્વ સમમિતિ એટલે પ્રાણીશરીરના જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો.
(17) કરમિયામાં કયો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે?
ઉત્તર : કરમિયામાં નર કરતાં માદાની લંબાઈ વધારે જોવા મળે છે.
(18) ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર એટલે શું?
ઉત્તર : ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર એટલે રુધિર રુધિરવાહિનીઓમાં વહેતું ન હોય અને શરીરગુહા રુધિરથી ભરેલી હોય.
(19) જલપરિવહનતંત્ર કયા પ્રાણીસમૂહની લાક્ષણિકતા છે? તે શામાં સહાયક બને છે?
ઉત્તર : જલપરિવહનતંત્ર શૂળત્વચી પ્રાણીસમૂહની લાક્ષણિકતા છે. તે પ્રચલનમાં સહાયક બને છે.
(20) મેરુદંડ શું છે?
ઉત્તર : મેરુદંડ એ પ્રાણીમાં ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરતી પૃષ્ઠ ભાગે આવેલી લાંબા દંડ જેવી રચના છે.
(21) પ્રાથમિક મેરુદંડી (પ્રમેરુદંડી) પ્રાણીનાં ઉદાહરણ આપો.
ઉત્તર : પ્રાથમિક મેરુદંડી (પ્રમેરુદંડી) પ્રાણી : બાલાનોગ્લોસસ, હર્ડમેનિયા, ઍમ્ફિઑક્સસ
(22) ચાર્લ્સ ડાર્વિને કયું પુસ્તક લખ્યું?
ઉત્તર : ચાર્લ્સ ડાર્વિને ‘The Origin of Specles by Means of Natural Selection’ નામનું પુસ્તક લખ્યું.
(23) કયાં સસ્તન અપવાદરૂપે ઈંડાં મૂકે છે?
ઉત્તર : શેળો અને બતકચાંચ (પ્લેટિપસ) સસ્તન અપવાદરૂપે ઈંડાં મૂકે છે.
(24) માર્સપિયમ શું છે?
ઉત્તર : માર્સપિયમ એ કાંગારુની અવિકસિત નવજાતને પૂર્ણ વિકાસ પામે ત્યાં સુધી લટકાવી રાખવા માટેની કોથળી છે.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
( 1 ) કયા વૈજ્ઞાનિકે વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ આપી?
( 2 ) કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું?
( 3 ) માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
( 4 ) પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોમાં પદ્મો કે કશા કયા કાર્ય માટેની અંગિકા છે?
( 5 ) ફૂગની કોષદીવાલ શાની બનેલી હોય છે?
( 6 ) દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી અને અન્ય ઉચ્ચ વનસ્પતિઓ કરતાં કઈ બાબતે અલગ પડે છે?
( 7 ) કયા વનસ્પતિસમૂહમાં બીજ અને ફળ રચાય છે?
( 8 ) અપુષ્પી વનસ્પતિઓના વિભાગો (વનસ્પતિસમૂહો) કયા છે?
( 9 ) કયા વર્ગની વનસ્પતિઓમાં બીજનો વિકાસ બીજાશયની અંદર થાય છે, જે ત્યારબાદ ફળ આપે છે?
(10) કયા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે?
(11) કૅમિલીયોન કયા વર્ગનું પ્રાણી છે?
(12) કયા વર્ગનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદય બે કર્ણક અને એક ક્ષેપકનું બનેલું હોય છે?
(13) શરીરનું તાપમાન વાતાવરણ પર આધારિત હોય તેવાં પ્રાણીઓને શું કહે છે?
(14) સૌપ્રથમ જમીન પર ઈંડાં મૂકતાં પૃષ્ઠવંશી પ્રાણીનો વર્ગ કયો છે?
(15) કયા વર્ગનાં પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળાં છે?
(16) સસ્તન પ્રાણીની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે?
(17) દેડકાની ત્વચામાં કઈ ગ્રંથિઓ હોય છે?
(18) કયા સરીસૃપનું હૃદય ચતુષ્યંડી હોય છે?
(19) પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ શામાં રૂપાંતર પામે છે?
(20) કૂટપાદ ધરાવતું પ્રાણી અને કૂટ દેહકોષ્ઠ ધરાવતું પ્રાણી કયું છે?
ઉત્તર :
( 1 ) લિનિયસે
( 2 ) રૉબર્ટ વ્હીટેકરે
( 3 ) હોમો સેપિયન્સ
( 4 ) પ્રચલન
( 5 ) કાઇટિન કે સેલ્યુલોઝ મિશ્રિત કાઇટિનની
( 6 ) દ્વિઅંગી વનસ્પતિમાં વાહક પેશી હોતી નથી.
( 7 ) આવૃત બીજધારી
( 8 ) સુકાયક (થેલોફાયટા), દ્વિઅંગી અને ત્રિઅંગી
( 9 ) આવૃત્ત બીજધારી વનસ્પતિઓ
(10)દ્વિઅંગી
(11) સરીસૃપ
(12) ઉભયજીવી
(13) શીત રુધિરવાળાં
(14) સરીસૃપ
(15) વિહગ અને સસ્તન
(16) પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓ
(17) શ્લેષ્મગ્રંથિઓ
(18) મગર
(19) કરોડસ્તંભ
(20) અમીબા અને કરમિયું
પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો : [પ્રત્યેકનો 1 ગુણ)
( 1 ) કોષ્ઠાંત્રિ પ્રાણીઓની શરીરદીવાલ …….. સ્તરોની બનેલી હોય છે.
( 2 ) પ્રચલનમાં સહાયક જલપરિવહન નલિકાતંત્ર ……….. સમૂહમાં જોવા મળે છે.
( 3 ) …….. સમુદાયનાં પ્રાણીઓમાં શરીરગુહા રુધિરથી ભરેલી હોવાથી રુધિરગુહા તરીકે ઓળખાય છે.
( 4 ) સંધિપાદ પ્રાણીઓ ………. ઉપાંગો ધરાવે છે.
( 5 ) પ્રચલન માટે માંસલ મૃદુપગ ………. પ્રાણી સમુદાયમાં જોવા મળે છે.
( 6 ) સમુદ્રતારા ……… સમુદાયનું પ્રાણી છે.
( 7 ) વ્હેલ ……. વર્ગનું પ્રાણી છે.
( 8 ) ઑક્ટોપસ …….. તરીકે ઓળખાય છે.
( 9 ) પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય …….. છે.
(10) મત્સ્ય પ્રાણીઓમાં શ્વસન અંગ તરીકે …….. છે.
ઉત્તર :
( 1 ) બે
( 2 ) શૂળત્વચી
( 3 ) સંધિપાદ
( 4 ) સાંધાવાળા
( 5 ) મૃદુકાય
( 6 ) શૂળત્વચી
( 7 ) સસ્તન
( 8 ) અષ્ટસૂત્રાંગી
( 9 ) સંધિપાદ
(10) ઝાલર
પ્રશ્ન 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો : [પ્રત્યેકનો 1 ગુણ]
( 1 ) રોણુ પ્રમેરુદંડી પ્રાણી છે.
( 2 ) મત્સ્ય વર્ગમાં પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય હોય છે.
( 3 ) ગરોળી સરીસૃપ વર્ગનું પ્રાણી છે.
( 4 ) ઉભયજીવી પ્રાણીઓ પુખ્તાવસ્થામાં ચામડી અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
( 5 ) ફક્ત કાસ્થિનું અંતઃકંકાલ ધરાવતી મત્સ્ય શાર્ક છે. જ્યારે વ્હેલ મત્સ્ય નથી.
( 6 ) લાઇકેન એ ફૂગ અને લીલનું સહજીવી જૈવસ્વરૂપ છે.
( 7 ) દ્વિઅંગીને વનસ્પતિસૃષ્ટિના ઉભયજીવીઓ કહે છે.
( 8 ) મૉસ એ દ્વિઅંગી વનસ્પતિ છે.
( 9 ) દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ અપુષ્પી વનસ્પતિઓ છે.
(10) આવૃત બીજધારી વનસ્પતિ ફળ વગરની બીજ ધરાવતી સપુષ્પી વનસ્પતિ છે.
(11) પાઇનસ આવૃત બીજધારી વનસ્પતિ છે.
(12) આવૃત બીજધારી વનસ્પતિ એકદળી કે દ્વિદળી હોઈ શકે.
ઉત્તર :
( 1 ) ખોટું
( 2 ) ખોટું
( 3 ) ખરું
( 4 ) ખરું
( 5 ) ખરું
( 6 ) ખરું
( 7 ) ખરું
( 8 ) ખરું
( 9 ) ખરું
(10) ખોટું
(11) ખોટું
(12) ખરું
પ્રશ્ન 5. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિક્લ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : [પ્રત્યેકનો 1 ગુણ]
1. હંસરાજ શામાં સમાવિષ્ટ છે?
A. અનાવૃત બીજધારી
B. આવૃત બીજધારી
C. ત્રિઅંગી
D. દ્વિઅંગી
2. ક્યો સમૂહ ફળથી આવિરત બીજ ધરાવે છે?
A. દ્વિઅંગી
B. ત્રિરંગી
C. અનાવૃત બીજધારી
D. આવૃત બીજધારી
3. દ્વિનામી નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું?
A. વ્હીટેકર
B. રૉબર્ટ હૂક
C. કેરોલસ લિનિયસ
D. ડાર્વિન
4. સૃષ્ટિ પછી તરત જ નીચેની કક્ષા કઈ છે?
A. પ્રજાતિ
B. સમુદાય
C. વર્ગ
D. જાતિ
5. પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું?
A. કેરોલસ લિનિયસ
B. અર્નેસ્ટ હેલ
C. રૉબર્ટ વ્હીટેકર
D. કાર્લ બ્લૂઝ
6. મોનેરા કઈ સૃષ્ટિમાં સમાવેશિત છે?
A. એકકોષી સુકોષકેન્દ્રી સજીવો
B. આદિકોષકેન્દ્રી બૅક્ટેરિયા
C. બહુકોષકેન્દ્રીય ઉચ્ચ ફૂગ
D. બહુકોષીય પ્રાણીઓ
7. નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલા પ્રાણીનું અને તેના સમુદાયનું નામ જણાવો.
A. સમુદ્રકમળ, શૂળત્વચી
B. સમુદ્રકમળ, મૃદુકાય
C. ઑક્ટોપસ, મૃદુકાય
D. ઑક્ટોપસ, શૂળત્વચી
8. મૃદુકાય પ્રાણીઓનું જૂથ ક્યું છે?
A. કાઇટોન, કરચલો, કરમિયું
B. પ્લેનેરિયા, પાઇલા, પતંગિયું
C. કાઇટોન, પાઇલા, છીપલું
D. જળો, ઑક્ટોપસ, રેતીકીડો
9. કયા વર્ગનાં પ્રાણીઓ શીત રુધિરવાળાં નથી?
A. મત્સ્ય
B. ઉભયજીવી
C. સરીસૃપ
D. વિહગ
10. શૂળચર્મી પ્રાણીઓના પ્રચલનમાં સહાયક છે.
A. પાચનતંત્ર
B. રુધિરાભિસરણતંત્ર
C. જલવાહકતંત્ર
D. ચેતાતંત્ર
11. ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે?
A. પ્રસ્વેદગ્રંથિ
B. તૈલગ્રંથિ
C. શ્લેષ્મગ્રંથિ
D. ક્ષીરગ્રંથિ
12. P : ઉભયજીવી, Q: સરીસૃપ, R: વિહગ, S: સસ્તન
ઉપરના પૃષ્ઠવંશી વર્ગનાં પ્રાણીઓ પૈકી ક્યા શીત રુધિરવાળાં પ્રાણીઓ છે?
A. P અને Q
B. Q અને R
C. R અને S
D. P અને R
13. નીચેનાં પૈકી કયું વિધાન ખોટું છે?
A. વીંછીનાં ઉપાંગો સાંધાવાળાં હોય છે.
B. અળસિયામાં સાચી દેહગુહા હોય છે.
C. જેલીફિશ દ્વિગર્ભસ્તરીય પ્રાણી છે.
D. ઑક્ટોપસ કોષ્ઠાંત્રિ સમુદાયનું પ્રાણી છે.
14. માયકોપ્લાઝ્મા કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?
A. પ્રોટિસ્ટા
B. મોનેરા
C. ફૂગ
D. વનસ્પતિસૃષ્ટિ
15. લાઇકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે?
A. નીલહિરત લીલ અને ફૂગ
B. ફૂગ અને દ્વિઅંગી
C. લીલ અને દ્વિઅંગી
D. ફૂગ અને બૅક્ટેરિયા
16. અસ્થાનિક તંતુમય મૂળતંત્રની હાજરી છે.
A. દ્વિદળી વનસ્પતિઓ
B. એકદળી વનસ્પતિઓ
C. દ્વિઅંગી વનસ્પતિઓ
D. ત્રિઅંગી વનસ્પતિઓ
17. સજીવોના વર્ગીકરણની કક્ષાઓમાં સૃષ્ટિથી જાતિ તરફ જતાં ક્રમશઃ
A. ભિન્નતાઓ ઘટે છે અને સામ્યતાઓ વધે છે.
B. ભિન્નતાઓ વધે છે અને સામ્યતાઓ ઘટે છે.
C. ભિન્નતાઓ અને સામ્યતાઓ બંને વધે છે.
D. ભિન્નતાઓ અને સામ્યતાઓ બંને ઘટે છે.
18. વર્ગીકરણની કક્ષાઓના ઊતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે?
A. સૃષ્ટિ → કુળ → ગોત્ર → વર્ગ → જાતિ
B. સૃષ્ટિ → વર્ગ → ગોત્ર → પ્રજાતિ → જાતિ
C. સૃષ્ટિ → ગોત્ર → વર્ગ → જાતિ → પ્રજાતિ
D. સૃષ્ટિ → વર્ગ → વિભાગ → કુળ → ગોત્ર
19. સજીવોને નામ આપવાની દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપી?
A. લેમાર્કે
B. લ્યુવેનહૉકે
C. લિનિયર્સ
D. ડાર્વિને
20. સપુષ્પી વનસ્પતિઓના આવૃત બીજધારી વિભાગમાં કયું લક્ષણ જોવા મળે છે?
A. બીજાશયથી આવિરત અંડકો
B. બીજાશયથી અનાવિરત અંડકો
C. અંડકોથી આરિત બીજાશય
D. અંડકોથી અનાવરિત બીજાશય
21. વર્ગીકરણના કયા વર્ગકમાં સભ્યો પ્રજનનની ક્ષમતા ધરાવતા હોય છે?
A. પ્રજાતિ
B. જાતિ
C. કુળ
D. આપેલ તમામ
22. કયા વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટેરિયા અને યુબૅક્ટેરિયામાં વિભાજિત કરી?
A. લિનિયસે
B. અર્નેસ્ટ હેકલે
C. રૉબર્ટ વ્હીટેકરે
D. કાર્લ ઝૂઝે
ઉત્તર :
1. ત્રિઅંગી
2. આવૃત બીજધારી
3. કેરોલસ લિનિયસ
4. સમુદાય
5. રૉબર્ટ વ્હીટેકર
6. આદિકોષકેન્દ્રી બૅક્ટેરિયા
7. ઑક્ટોપસ, મૃદુકાય
8. કાઇટોન પાઇલા, છીપલું
9. વિહગ
10. જલવાહકતંત્ર
11. શ્લેષ્મગ્રંથિ
12. P અને Q
13. ઑક્ટોપસ કોષ્ઠાંત્રિ સમુદાયનું પ્રાણી છે.
14. મોનેરા
15. નીલહરિત લીલ અને ફૂગ
16. એકદળી વનસ્પતિઓ
17. ભિન્નતાઓ ઘટે છે અને સામ્યતાઓ વધે છે.
18. સૃષ્ટિ → વર્ગ → ગોત્ર → પ્રજાતિ → જાતિ
19. લિનિયસે
20. બીજાશયથી આવિરત અંડકો
21. જાતિ
22. કાર્લ બ્લૂઝે
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)
( 1 ) તમારા રહેઠાણ વિસ્તારના ગાર્ડન(બગીચા)ની કે તમારા વિષયશિક્ષક સાથે વનસ્પતિઉદ્યાન(Botanical garden)ની મુલાકાત દરમિયાન તમને કેટલીક ઔષધીય વનસ્પતિઓની માહિતી મળે છે. તમે મેળવેલી માહિતી પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( a ) કોઈ પાંચ ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિનાં નામ આપો.
( b ) ઔષધીય વનસ્પતિના અભ્યાસ સાથે સંકળાયેલી શાખા કઈ છે?
( c ) તમે જાણતા હોવ તેવી ઔષધીય વનસ્પતિનાં નામ અને તેનો ઉપયોગ જણાવો.
ઉત્તર :
( a ) તુલસી, નીલગિરિ, અરડૂસી, કુંવારપાઠું, લીમડો
( b ) આયુર્વેદશાસ્ત્ર
( c ) કુંવારપાઠું – તેનો રસ અપચા અને ચામડીના રોગોની સારવાર માટે
અરડૂસી – ખાંસી(ઉધરસ)ની સારવાર માટે
તુલસી – તેનો રસ શરદી, તાવની સારવા૨ માટે
લીમડો – તેનો રસ ડાયાબીટિસની સારવાર માટે
નીલિંગગિર – તેના પાનનો રસ કે તેલ શરદીની સારવાર માટે
(2) જામનગરના દરિયાકિનારા નજીક જાણીતો પરવાળા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની મુલાકાત લો અથવા ઇન્ટરનેટ પરથી તેની માહિતી મેળવી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) પરવાળાના સમુદાયનું નામ અને કોષીય (ગર્ભીય) સ્તરોની માહિતી આપો.
(b) પરવાળાનો વસવાટ વિસ્તાર શા માટે સખતતા ધરાવતો બને છે?
(c) જામનગર નજીકનો આ વિસ્તાર કયા વિસ્તાર તરીકે ઓળખાય છે?
ઉત્તર :
(a) પરવાળાનો સમુદાય : કોષ્ઠાંત્રિ, બે કોષીય (ગર્ભીય) સ્તર – બાહ્ય અને અંતઃસ્તર હોય છે.
(b) પરવાળા વસાહતી પ્રાણી છે અને કૅલ્શિયમ કાર્બોનેટનું બનેલું બાહ્ય કંકાલ ધરાવે છે. પરવાળાના વસવાટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કૅલ્શિયમ કાર્બોનેટ જમા થવાથી તેમનો વસવાટ વિસ્તાર સખતતા ધરાવતો બને છે.
(c) જામનગર નજીક જૈવવિવિધતા ધરાવતો દરિયાઈ વિસ્તાર નરારા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે.
(3) અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લો. વિવિધ પ્રાણીઓના અવલોકન, બહાર બોર્ડ પર લખેલી માહિતી ધ્યાનથી વાંચો. તમારા જ્ઞાન આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( a ) જળચર સસ્તનનાં બે નામ આપો.
( b ) જળચર સરીસૃપનાં બે ઉદાહરણ જણાવો.
( c ) પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ માટે કઈ તકેદારી રાખવામાં આવે છે ?
ઉત્તર :
( a ) જળચર સસ્તન : વ્હેલ, ડૉલ્ફિન
( b ) જળચર સરીસૃપ : પાણીના સાપ, પાણીનો કાચબો
( c ) પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ માટે રક્ષણ, આરોગ્ય, પોષણ ઉપરાંત તેમના કુદરતી નિવાસની સમકક્ષ વસવાટ વગેરેની તકેદારી રાખવામાં આવે છે.
(4) સમાચારપત્રમાં સફેદ ગેંડાના મૃત્યુ સાથે તેની જાતિ લુપ્ત થઈ તેવા સમાચાર પ્રકાશિત થયા. ગેંડા વિશે માહિતી એકત્ર કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
( a ) પેંડો કયા સમૂહનું પ્રાણી છે?
( b ) સફેદ ગેંડાના મૃત્યુ માટે કયું કારણ આપવામાં આવ્યું? તે કેટલી વયે મૃત્યુ પામ્યો?
ઉત્તર :
( a ) પેંડો સસ્તન વર્ગનું પ્રાણી છે.
( b ) સફેદ ગેંડાના મૃત્યુ માટે વય આધારિત બિમારીઓનું કારણ આપવામાં આવ્યું. તે લગભગ 45 વર્ષની વયે મૃત્યુ પામ્યો.
( 5 ) દરિયાકાંઠે ઓટના સમયે કેટલોક વિસ્તાર પાણી દૂર જતાં ખુલ્લો થાય છે. ત્યાં કેટલાંક દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણીઓ મૃત્યુ પામતાં નથી. દરિયાઈ જીવશાસ્ત્રીઓએ આ પ્રાણીઓની રચનાનો અભ્યાસ કર્યો. તમારા વિષયશિક્ષકે સોમનાથ-વેરાવળના દરિયાકાંઠાના પ્રવાસ દરમિયાન તમને માહિતી આપી.
(a ) કયા પ્રકારનાં પ્રાણીઓ જીવિત રહી શકે છે? કેવી રીતે ?
(b) કયાં પ્રાણીઓ આ સ્થિતિમાં જીવિત ન રહી શકે? શા માટે?
(c) દરિયાઈ જીવશાસ્ત્રીઓના કયા મૂલ્યનો તમને અનુભવ થયો?
ઉત્તર : ( a ) કરચલા, અષ્ટકવચ, પાઇલા, ઉત્તિઓ વગેરે કવચ ધરાવતાં પ્રાણીઓ જીવિત રહી શકે છે. તેઓ તેમના શરીરના ભાગો કવચમાં ખેંચી લે છે. તેમના શરીરનો ઝાલર ધરાવતો વિસ્તાર દરિયાઈ પાણીથી ભેજયુક્ત રહે છે. તેઓ તાપમાન અને ક્ષારતાના થોડા ફેરફાર સહન કરી શકે છે. તેથી તેઓ જીવિત રહી શકે છે.
(b) આ સ્થિતિમાં દરિયાઈ માછલીઓ જીવિત ન રહી શકે, કારણ કે માછલીમાં શ્વસન અંગ ઝાલરો છે. તે પાણી વગર શ્વસન કરી શકતી નથી.
(c) દરિયાઈ જીવશાસ્ત્રીઓ જ્ઞાનપિપાસુ છે. તેઓ વિવિધ દરિયાઈ જાતિઓની માહિતી એકત્ર કરી, તેની નોંધ (Data bank) તૈયાર કરે છે. તેઓ તેમના કાર્ય માટે ગંભીર અને સમર્પિત છે.
પ્રાયોગિક કૌશલ્ય આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)
( 1 ) ચોમાસામાં ભેજવાળી જગ્યાઓ પર જોવા મળતા લીલા ભાગ કે બંધિયાર પાણીમાં જોવા મળતી લીલા રંગની સપાટીનો નમૂનો એકત્ર કરો. આ નમૂનામાંથી એક-બે તંતુ કાચની સ્લાઇડ પર લઈ, તેના પર કવરસ્લિપ મૂકી, માઇક્રોસ્કોપના લો-પાવર અને હાઇ-પાવર લેન્સ નીચે અવલોકન કરો. તમારાં અવલોકન અનુરૂપ આકૃતિ દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) સ્લાઇડમાં જોવા મળતો લીલો રંગ શાના કારણે છે? તે કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે?
(b) તમે અવલોકન કરેલ સજીવ કયા સમૂહમાં મૂકશો? તેના પોષણ, કોષદીવાલ, અંગો અને શ્રમવિભાજનની માહિતી આપો.
ઉત્તર : ( a ) સ્લાઇડમાં જોવા મળતો લીલો રંગ ક્લોરોફિલના કારણે છે, તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.
( b ) અવલોકન કરેલ સજીવ સુકાયક (એકાંગી) સમૂહમાં
પોષણ – સ્વોપજીવી
કોષદીવાલ – સેલ્યુલોઝની બનેલી
અંગો – અભાવ
શ્રમવિભાજન – અભાવ
( 2 ) તમારી શાળાની પ્રયોગશાળામાં વાસી બ્રેડને ચોમાસામાં બે-ત્રણ દિવસ મૂકી રાખો. બે-ત્રણ દિવસ પછી તેના પર જોવા મળતા રૂના તંતુ જેવી રચનાને સ્લાઇડ પર લઈ આસ્થાપન કરો. તૈયાર કરેલા આસ્થાપનનું માઇક્રોસ્કોપના લો-પાવર અને હાઇ-પાવર લેન્સ નીચે અવલોકન કરો. તેની આકૃતિ દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
( a ) બ્રેડ પર જોવા મળતી રચના કઈ સૃષ્ટિની છે?
( b ) આ રચનાની કોષદીવાલ શાની બનેલી છે?
( c ) તેની પોષણ પદ્ધતિ કયા પ્રકારની છે?
ઉત્તર : ( a ) ફૂગ ( b ) કાઇટિન જટિલ શર્કરા ( c ) મૃતોપજીવી .
हमसे जुड़ें, हमें फॉलो करे ..